No return-2 Part-82 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૮૨

નો રીટર્ન-૨ ભાગ-૮૨

નો રીટર્ન-૨

ભાગ-૮૨

એભલ અકળાતો હતો. તેને ક્યાંય ચેન નહોતું પડતું. તે એકદમ દેહાતી માણસ હતો. તેનાં મગજમાં એટલું જ સમજાતું હતું કે અત્યારે તે ભેખડકે ભરાઇ ગયો છે. પ્રોફેસરનાં મોતનો બદલો લેવાની અને ખોટી ખૂનામરકી આદરવાની તેની કોઇ તૈયારી નહોતી અને તે એવું કરવા માટે અહી આવ્યો પણ નહોતો. તેને માત્ર ખજાનામાં રસ હતો, શબનમમાં રસ હતો. એક વખત ખજાનો હાથમાં આવી જાય પછી તે શબનમને લઇને ક્યાંક દૂર ચાલ્યો જવાં માંગતો હતો અને એશો આરામથી બાકીની જીંદગી વિતાવવા માંગતો હતો. તેની મંશા સાફ હતી અને એટલે જ તેનું મન ક્લારા અને રોગન ઉપરથી ઉઠી ગયું હતું.

તે ચૂપચાપ... પોતાનાં સ્વભાવ વિરુધ્ધ એ લોકોની સાથે ચાલતો હતો. તેને ખબર હતી કે આખરે આ રસ્તો ખજાના સુધી તો જશે જ ને...! બસ... એ સમયનો ઇંતજાર તેને હતો.

@@@@@@@@@@@@@@@

“ રોગન.. આ પદચિન્હો દેખાય છે તને...? “ ક્લારા એકાએક થોભી હતી અને નીચા વળીને ધરતી ઉપર પડેલાં નિશાનો રોગનને બતાવ્યાં. રોગને એ ચિન્હો જોયા. “ અને આ ઘોડાની લાદ લાગે છે...” કંઇક ઉત્સાહથી ક્લારા બોલી ઉઠી.

“ યસ.. યુ આર રાઇટ. “ રોગન બોલ્યો. તેણે ધ્યાનથી એ નિશાનો જોયા હતાં. નિશાનો તાજા જ હતાં. કોઇ માણસોનો કાફલો હાલમાં જ અહીથી પસાર થયો હોવાનો સ્પષ્ટ વરતારો જણાતો હતો અને, એ કાફલામાં ઘોડા પણ હતાં. વાત સાફ હતી કે જરૂર એ કાર્લોસ અને તેનાં સાથીદારો જ હોવા જોઇએ. તાજા પગલાની છાપ ઉપરથી એક વાત સ્પષ્ટ થતી હતી કે એ લોકો વધું દૂર નથી. તે બન્નેની આંખોમાં ચમક ઉભરી આવી. જે ઘડીનો ઇંતેજાર તેમને હતો એ ઘડી બહું નજદીક આવી પહોંચી હતી. હવે તેમની અને કાર્લોસની વચ્ચે માત્ર એક રાતનો જ ફાંસલો બાકી રહયો હતો. બહું જલ્દી એ લોકો તેમને આંબી જવાનાં હતાં.

પરંતુ... શું ખરેખર એવું થવાનું હતું....?

@@@@@@@@@@@@@@@

અમે તંબુ નાખ્યાં અને રાતનાં વાળુની તૈયારી આરંભી. આજે કેટલાંય સમય પછી અમને સૂકી ધરતીનાં દર્શન થયાં હતાં. પીળી માટી ધરાવતાં આ સમથળ મેદાની ઇલાકામાં છૂટા છવાયા વૃક્ષોની ભરમાર હતી. એવાં જ થોડાક વૃક્ષોની વચ્ચે એક ખૂલ્લી જગ્યામાં અમે બે તંબુ બાંધ્યા હતાં.

“ તને શું લાગે છે પવન, આપણે ખજાનાં સુધી પહોંચી શકીશું...? “ જમ્યા પછી બધા પોતપોતાનાં ટેન્ટમાં સૂવા ચાલ્યાં ગયાં હતાં પરંતુ મને ઉંઘ આવતી નહોતી એટલે ટેન્ટથી થોડે દૂર એક પથ્થર ઉપર જઇને હું બેઠો હતો. એવામાં અનેરી તેનાં ટેન્ટમાંથી બહાર નિકળીને મારી નજદીક આવીને ઉભી રહી અને તેણે મને સવાલ પુંછયો હતો. આ સવાલ તેણે આ પહેલાં પણ ઘણીવાર પુંછયો હતો. સાચું કહું તો આ પ્રશ્નનો કોઇ જ સ્પષ્ટ ઉત્તર નહોતો. અમે જ્યારથી સફર શરૂ કરી, ઇવન કે ખજાના વાળી વાત મારા ધ્યાનમાં આવી ત્યારથી, હું આ વિશે ચોક્કસ કંઇ કહી શકું એમ નહોતો. ક્યારેક આ વાત સાવ હંબગ લાગતી તો ક્યારેક એવું થતું કે ખજાનો હશે જ..! જો કે પાછલાં થોડા સમયથી મેં એ બધું વિચારવાનું છોડી દીધું હતું અને જે થાય એ જોયે રાખવાનું મન બનાવી લીધું હતું. હું અનેરીની પાછળ અહી સુધી આવ્યો હતો અને એ મને મળી ગઇ હતી એથી વિશેષ હવે મારે કંઇ જોઇતું નહોતું.

“ તું અહી બેસ... “ મેં ખસીને થોડી જગ્યા કરી આપી એટલે તે મારી બાજુમાં આવીને ગોઠવાઇ. “ તને નથી લાગતું કે હવે આ પ્રશ્નનો કોઇ મતલબ નથી..” થોડુક ફરીને મેં તેની આંખોમાં ઝાંકતાં પુંછયું. અંધકારમાં પણ તેની ભૂખરી આંખો ચળકતી હતી. દૂર સળગતાં તાપણાંનો આછો પ્રકાશ તેની કીકીઓમાં સમાઇને અનેરી આભા ઉત્પન્ન કરતો હતો. તે મારી એટલી નજદીક બેઠી હતી કે તેનાં આહલાદક દેહની હુંફાળી અનૂભૂતી હું અનુભવી રહયો હતો.

“ જાણું છું, છતાં પુછું છું. ખબર નહી પણ મને હવે ડર લાગે છે. “

“ શેનો ડર..? “

“ જો ત્યાં કશું નહી હોય તો...? “

“ તો પાછા ફરી જઇશું, બીજું શું..? ”

“ એમ નહીં, તને એવું લાગતું હશે કે મને ખજાનાંની લાલચ છે. એટલે પુછું છું પણ, તું સમજતો કેમ નથી..! આપણે અહી સુધી પહોચતાં કેટલું બધું ગુમાવ્યું છે..! હવે જો કોઇ ખજાનો અસ્તિત્વ જ ન ધરાવતો હોય તો એ ખોટ કેમ કરીને ભરપાઇ કરીશું..? “

“ એ બધું વિચારવાનો સમય વહી ગયો છે અનેરી. હવે આગળ વધવા સિવાય આપણી પાસે કોઇ વિકલ્પ રહેતો નથી. જે ગુમાવ્યું છે એની ખોટ તો ક્યારેય ભરપાઇ નહી થાય પરંતુ તેનાં વિશે વિચારીને દુઃખી થવાથી પણ કોઇ મતલબ સરવાનો નથી એટલે તારા મનમાં જે ડર છે એ કાઢી નાંખ. એક ખાતરી તને આપું છું કે જ્યાં સુધી હું જીવીત છું ત્યાં સુધી તને કંઇ નહી થવા દઉં, એટલો વિશ્વાસ રાખજે.. “ મને ખબર હતી કે વિનીતને યાદ કરીને તે દુઃખ અનુભવતી હતી, અને એ સંદર્ભે જ આ આખો વાર્તાલાપ ચાલ્યો હતો. હવે જો ખજાનો ન મળે તો વિનીતની કુરબાની એળે જાય એવું કહેવાનો તેનો આશય હતો.

તેણે મારા ખભા ઉપર તેનું માથું ઢાળ્યું અને આંખો બંધ કરી. મેં તેની પીઠ પાછળ હાથ સેરવ્યો અને તેને વધું નજદીક લીધી. અમને બન્નેને એકબીજાની હુંફની અત્યારે જરૂર હતી. તે ઓર થોડી નજદીક સરી અને તેણે ઓઢેલી ચાદર મારા શરીર ફરતે વિંટોળી. વાતાવરણમાં પ્રસરેલી ઠંડક અને અડધી રાતની મઝલ ખરેખર આહલાદક અસર જન્માવતી હતી. અમે સવાર સુધી એકબીજાની હુંફ માણતાં એમ જ બેસી રહયાં હતાં.

ત્યારે ખબર નહોતી કે આ સૂકૂન થોડા સમય પુરતું જ છે. આવતીકાલ સવાર અમારાં માટે ગોઝારી નિવડવાની છે.

@@@@@@@@@@@@@

રોગને સામાન ભેગો કર્યો અને આગળની સફરની તૈયારી આરંભી. ક્લારા એક ઝાડનાં થડને ટેકો દઇ તેની ગન ચેક કરતી હતી. આજે એ ગન પાસેથી તેણે ઘણું કામ લેવાનું હતું એટલે તેને વ્યવસ્થિત કરવી જરૂરી હતી. ગનનું બટ ખોલીને મેગેઝીન ચેક કરી અને ફરીથી લોડ કરી. ગન એકદમ બરાબર હતી.

“ રોગન, એભલ... તૈયાર છો ને ...? આજે આરપારની લડાઇ ખેલી જ નાંખીએ... “ છાતીમાં ઉંડો શ્વાસ ભરી, એ બન્ને તરફ જોઇને ક્લારા બોલી. ખાસ તો એભલને ઉદ્દેશીને બોલી હતી.

“ એકદમ તૈયાર, બસ.. નિકળીએ એટલી વાર.. “ રોગન કહયું અને એભલ સામું જોયું. “ શું કહે છે એભલ...? “

“ અને ખજાનો...? “ એભલે આખરે પુછી જ નાંખ્યું. હવે સમય બગાડવામાં સાર નહોતો એટલે ચોખવટ કરવી જરૂરી હતી. “ ખજાનાનું શું..? આપણે એની પાછળ તો આટલી જદ્દોજહેદ કરી છે. શું એ ભૂલી જવાનો..? “

“ એવું કોણે કહ્યું કે ખજાનાને ભૂલી જવો.. ? બસ, એક વખત આ કામ પતે પછી આપણે ખજાનો પણ મેળવી લઇશું. “ ક્લારા બોલી.

“ જીવતાં રહીશું તો ને...? “ એભલે શંકા વ્યક્ત કરી.

“ જીવતાં રહીશું એભલ, અને ખજાનો પણ આપણો જ હશે. તું એ બધી ચીંતા છોડી દે. તું ફકત મારો સાથ દે, બાકીનું હું ફોડી લઇશ.. “ ક્લારા બોલી. એ આત્મશ્લાધા ભર્યા વાક્યો હતાં પરંતુ એભલને પાનો ચડાવા માટે એ શબ્દો કહેવા પડે એમ હતાં. જો એભલ અટકી જાય તો તેઓને એક આદમીની કમી પડે અને, અત્યારનાં સંજોગોમાં એવું થાય એ તેમને પાલવે તેમ નહોતું.

“ જો તમે લોકો વચન આપતાં હોવ તો ઠીક છે, હું તમારી સાથે જ છું. પણ, ખજાનો ભૂલાવો ન જોઇએ.. “

“ ઓ.કે. ડન...! “ ક્લારા અને રોગન બન્ને સાથે બોલ્યાં હતાં. પરંતુ મનમાં તેઓ રાજી થયાં કારણકે તેમને પણ ખબર હતી કે આગલી ક્ષણે શું થવાનું હતું એ તો કદાચ વિધાતાને પણ ખબર નહી હોય...!

એ ત્રણનો કાફલો ઉપડયો ત્યારે ધરતી ઉપર સૂર્યનાં કિરણો પથરાવા શરૂ થયાં હતા અને એમેઝોનનું જંગલ આળસ મરડીને આવનારી ભયાનક ક્ષણોનું સ્વાગત કરવા થનગની રહ્યું હતું.

( ક્રમશઃ )

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Nidhi Raval

Nidhi Raval 6 months ago

yogesh

yogesh 2 years ago

Zakhmi

Zakhmi 2 years ago