Bhedi Tapu - Khand - 3 - 13 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 13

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 13

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(13)

જ્વાળામુખી જાગ્યો

આ કેવી રીતે બન્યું? ચાંચિયાને કોણે માર્યા? આયર્ટને માર્યા હશે? ના, કારણ કે એને તો ચાંચિયા પાછા ફરે તેની બીક હતી.

આયર્ટન અત્યારે ભર ઊંઘમાં હતો. એમાંથી એને જગાડવો શક્ય ન હતો. થોડા વાક્યો બોલીને એ બેભાન થઈ ગયો હતો; અને પથારીમાં હાલ્યા-ચાલ્યા વિના પડ્યો હતો.

બધાને ચિત્રવિચિત્ર સેંકડો વિચારો આવતા હતા. બધા આખી રાત થોભ્યા. અને આયર્ટનની પાસે જ રહ્યાં. જ્યાં ચાંચિયાઓના મૃતદેહ પડ્યાં હતા; ત્યાં તેઓ પાછા ન ગયા. એવો સંભવ હતો કે આયર્ટન આ ઘટના વિશે કઈ પ્રકાશ પાડી નહીં શકે. કારણ કે એ પોતે પશુશાળામાં હતો એ વાતની એને જાણ ન હતી!

એટલું ખરું કે આ ઘટના બન્યા પહેલાનો અહેવાલ એની પાસેથી મળશે. બીજે દિવસે આયર્ટન ભાનમાં આવ્યો. તેના સાથીઓએ ખૂબ ઉષ્માખી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. 104 દિવસની જુદાઈ પછી આયર્ટન સાથે ફરી મેળાપ થયો હતો.

આયર્ટન ટૂંકમાં બધી ઘટનાઓ કહી સંભળાવી.

ગઈ 10મી નવેમ્બરે તે પશુશાળામાં આવ્યો. રાત્રે એકાએક ચાંચિયાઓએ આવીને તેને દબાવી દીધો. ચાંચિયાઓ વાડ ઠેકીને અંદર ઘૂસ્યા હતા. તેમણે આયર્ટનને હાથેપગે દોરડાંથી બાંધી દીધો; અને ઘસડીને એક અંધારી ગુફામાં લઈ ગયા. આ ગુફા ફ્રેન્કલીન પર્વતની તળેટીમાં આવેલી હતી. ચાંચિયાઓએ એ ગુફામાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું.

તેનું મૃત્યુ નક્કી હતું. બીજે દિવસે ચાંચિયાઓ તેને મારી નાખવાના હતા. પણ એક ચાંચિયાઓ તેના જૂના સાથી હતા. ઓસ્ટ્રેલિયામાં તે ચાંચિયાનો સરદાર હતો. ચાંચિયાઓ ઈચ્છતા હતા કે તે દગાબાજ બને અને ગ્રેનાઈટ હાઉસનો કબજો લેવામાં મદદગાર બને. તેઓ બધાને મારીને લીંકન ટાપુના માલિક બનવા ચાહતા હતા.

આયર્ટન અડગ રહ્યો. તેણે દગો કરવા કરતાં મરી જવાનું પસંદ કર્યું. આથી આયર્ટનને પર્વતની ગુફામાં ચાર મહિના પુરાઈ રહેવું પડ્યું.

આમ છતાં, ચાંચિયાઓએ પશુશાળાને શોધી કાઢી. પશુશાળામાં પડેલી સામગ્રીનો તેઓ ઉપયોગ કરતા હતા પણ પશુશાળામાં તેઓ રહેતા ન હતા.

11મી નવેમ્બરે બે બદમાશો પશુશાળામાં હતા ત્યાં તમે એકાએક આવી ચડ્યા. તેમણે હર્બર્ટને ગોળી મારી. અને બેમાંથી એક બદમાશ પાછો ફર્યો. તે એક જણને મારી નાખવાનો દાવો કરતો હતો. પણ તે એકલો પાછો ફર્યો હતો. તેના સાથીને હાર્ડિંગે ખંજરથી ખતમ કર્યો હતો.

હર્બર્ટના મૃત્યુના સમાચારથી આયર્ટનની ચિંતાનો પાર ન રહ્યો. ચાંચિયાના દયા ઉપર હવે બાકી રહેલ ચાર જણાએ જીવવાનું હતું. આ ઘટના પછી બધો વખત બધા હર્બર્ટની સારવારમાં રોકાઈ ગયા. અને પશુશાળામાં જ રહ્યાં. ચાંચિયાઓએ આ સમય દરમિયાન પર્વતની ગુફાને છોડી ન હતી. તેમણે ઘંટી, ખેતર, વગેરેનો નાશ કર્યો; તે પછી પણ આ નિવાસસ્થાન છોડવાનું યોગ્ય ગણ્યું ન હતું.

આયર્ટન ઉપર હવે બેવડો જુલમ થતા હતો. હાથપગમાં બાંધેલી દોરીઓ લોહીથી લાલ રંગાઈ ગઈ હતી. આયર્ટનને દિવસ અને રાત બાંધી જ રાખતા. નાસી છૂટવાનું અશક્ય હતું. ગમે ત્યારે પોતાને મારી નાખશે એવી આયર્ટનને બીક હતી.

આવી સ્થિતિ ફેબ્રુઆરીના ત્રીજાં અઠવાડિયાં સુધી રહી. ચાંચિયાઓ યોગ્ય તકની રાહ જોતા હતા. આયર્ટનને પોતાના મિત્રો વિશે કંઈ જાણકારી ન હતી. તેણે તો બધાને ફીર જોવાની આશા મૂકી દીધી હતી. તેના પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવતો હતો. આથી તે ખૂબ જ નબળો પડી ગયો. બે દિવસમાં શું બન્યું તે એ કહી શકે તેમ ન હતો.

“કપ્તા હાર્ડિંગ,” આયર્ટને ઉમેર્યું, “હુ પર્વતની ગુફામાં કેદ હતો, તો અહીં પશુશાળામાં શી રીતે આવી ગયો?”

“ચાંચિયાઓ કેવી રીતે મર્યા!” હાર્ડિંગે પૂછ્યું.

“મરી ગયા?” આયર્ટને પૂ્છ્યું. તે પથારીમાંથી અડધો બેઠો થઈ ગયો.

તેના સાથીઓએ તેને ટેકો આપ્યો. તેની મદદથી આયર્ટન ઊભો થયો. બધા તેને નાનકડા ઝરણા પાસે લઈ ગયા.

અત્યારે દિવસનો પ્રકાશ હતો.

ત્યાં ઝરણાને કાંઠે પાંચ મૃતદેહો એક સાથે પડ્યાં હતા!

આયર્ટન નવાઈ પામી ગયો. નેબે અને ખલાસીએ મૃ઼તદેહોને તપાસ્યાં. તેમના શરીર પર ક્યાંય કોઈ ઘાની નિશાની ન હતી. તેમના શરીર ઠંડીને લીધે ઠીંગરાઈ ગયાં હતાં. કાળજીથી તપાસ કરતાં જણાયું કે, દરેકના શરીર ઉપર સોયની અણી ઘોંચવામાં આવી હોય, અને લોહીનો ટશિયો ફૂટ્યો હોય. એવો એકાએક ડાઘ દેખાયો. કોઈને કપાળ ઉપર, કોઈની છાતી ઉપર, કોઈનાં વાંસા ઉપર, કોઈના ખભા ઉપર એમ જુદી જુદી જગ્યાએ લાલ ડાઘ હતા.

આ ઘા કોણે કર્યાં હશે? ક્યાં શસ્ત્રથી કર્યાં હશે? વીજળી જેવી અસરવાળું આવું શસ્ત્ર ભેદી માનવી સિવાય બીજા કોની પાસે હોય! નક્કી ભદી માનવી પાછો મદદે આવ્યો હતો!

“ચાલો! એ ભેદી માનવીને શોધી કાઢીને!” હાર્ડિંગે કહ્યું.

થોડી મિનિટોમાં બધા પશુશાળાની ઓરડીમાં પાછા ફર્યાં. નેબ અને ખલાસીએ મૃતદેહોને દૂર જંગલમાં દાટી દીધા.

આયર્ટનને બનેલી બધી ઘટનાઓ કહી સંભળાવી. હર્બર્ટનું ઘાયલ થવુ, તેની સારવાર, આયર્ટનનું ખૂન થયુ હોવાનુ અનુમાન વગેરે બધી વાતથી આયર્ટનને વાકેફ કર્યો. અંતે હાર્ડિંગે કહ્યું..

“મિત્રો, હવે આપણે એક જ કામ કરવાનું બાકી રહે છે. અને તે આપણા હિતેચ્છુ મદદગારને શોધી કાઢવાનું!”

“હા,!” ખલાસી બોલ્યો. “ એક બાજું કામ પણ બાકી રહા જાય છે!”

“ક્યું કામ?”

“ટેબોર ટાપુ પર જઈને પત્ર મૂકી આવવાનું કામ, જો આયર્ટનને લેવા માટે ‘ટંકન’ આવે તો તેને લીંકન ટાપુનું પાકું સરનામું આપવું જરૂરી છે!”

“પણ મિ.પેનક્રોફ્ટ!” આયર્ટને પૂછ્યું; “ટેબોર ટાપુ પર જશો કેવી રીતે?”

“કેમ, ‘બોનએડવેન્ચર’ વહાણમાં.”

“એ વહાણ!” આયર્ટને નિરાશાથી કહ્યું; એ વહામ ખતમ થયું છે.”

“મારું વહાણ ખતમ થયું છે?” પેનક્રોફ્ટે બૂમ પાડી.

“હા,” આયર્ટને જવાબ આપ્યો; “આઠ દિવસ પહેલાં ચાંચિયાઓની નજપ તેના પર પડી. તેઓએ વહાણમાં બેસીને સમુદ્રમાં સફર કરવા નીકળ્યા અને એક ખડક સાથે વહાણ અથડાયું. વહાણના ભુક્કા બોલી ગયા!”

“બદમાશો! કસાઈઓ!” પેનક્રોફ્ટ બોલ્યો.

“પેનક્રોફ્ટ!” હાર્ડિંગ બોલ્યો, “આપણે એક ખૂબ મોટું વહાણ બાંધીશું.”

“પણ, કપ્તાન!” ખલાસીએ જવાબ આપ્યો. “ નવું વહાણ બાંધતા સહેજે છ મહિના લાગે,”

“ભલે લાગે!” આપણી પાસે સમય છે!”

વહાણ ભાંગવાની વાતથી ખલાસીને ખૂબ આઘાત લાગ્યો. બધાને દિવગીરી થઈ. ભેદી માનવીની શોધખોળનું કામ પૂરું કર્યા પછી વહાણ બાંધવાનું કામ હાથમાં લેવું એવું નક્કી થયું.

19મી ફેબ્રુઆરીએ શોધખોળ શરૂ થઈ અને લગભગ એક અઠવાડિયા સુધી તે લાગલાગટ ચાલો. ફેન્કલીન પર્વતની તળેટીમાં તપાસ કરી. ત્યાં ઘણી ગુફાઓ હતી. બધી ગુફાો જોઈ વળ્યા.

પહેલાં તો પર્વતનો દક્ષિણ ભાગ તપાસ્યો. અહીં આયર્ટને જે ગુફામાં બાંધી રાખવામાં આવ્યો હતો, તે ગુફા જોઈ અહીં દારૂગોળાનો પુષ્કળ જથ્થો હતો. ચાંચિયાઓએ તે ભેગો કર્યો હતો. ગુફાની આસપાસની આખી ખીણ જોઈ વળ્યા.

પર્વતની તળેટીમાં જંગલી ભરપૂર ત્રણ ખીણો હતી. તેમાં પશ્વિમમાં ધોધ નદી અને પૂર્વમાં રાતી નદી વહેતી હતી એ ઉપરાંત મર્સી નદીનું પાણી પણ એ ખીણને મળતું હતું. આ ત્રણેય ખીણો અને તેનાં જંગલોની રજેરજ તપાસ કરી. પણ કોઈ માણસ ત્યાં રહેતું હોય એવું લાગ્યું નહીં.

પર્વતના ઉત્તર ભાગમાં મોટા મોટા ખડકો આવેલા હતા. તેમાં નાનીમોટી સેંકડો બખોલો અને ગુફાઓ હતી. એકેએક બખોલ અને ગુફાઓ તપાસી જ્વાળામુખી ફાટ્યો હતો તે વખતેના ઊંડા ઊંડા બુગદાઓ તપાસ્યા. અંધારી ગુફાઓમાં મશાલ લઈ ગયા.

આવી એક ઊંડી ગુફામાં હાર્ડિંગ અને સ્પિલેટ પ્રવેશ્યા. પર્વતની અંદર સેંકડો ફૂટ સુધી આ ગુફા ફેલાયેલી હતી. અંદર કંઈક ઊકળતું હોય એવો અવાજ આવતો હતો.

હાર્ડિંગ અને સ્પિલેટે આ અવાજ કાન માંડીને સાંભળ્યો. પર્વતના ભૂગર્ભમાં અગ્નિ સળગતો હતો. પૃથ્વીના પેટાળમાં લાવારસ ઊકળતો હતો.

“તો જ્વાળામુખી હજી તદ્દન ઠરી નથી ગયો?” સ્પિલેટે પૂછ્યું છે.”

“ઠરેલો દેખાતો જ્વાળામુખી ફરીથી ફાટે એવું ઘણી વાર બને છે.” હાર્ડિંગે જવાબ આપ્યો.

“ના ખાસ નહીં.” હાર્ડિંગે જવાબ આપ્યો. “જો જ્વાળામુખી ફાટશે તો ઉચ્ચપ્રદેશ અને ગ્રેનાઈટ હાઉસ તરફ લાવારસનો પ્રવાહ નહીં આવે; પણ તે ઈશાન ખૂણા તરફ આવેલો ખીણમાં થઈને ઉત્તર તરફ શાર્કના જડબાના આકારના અખાતમાં થઈને દઝાડશે નહીં. વળી પેલો ભેદી માનવી આપણી મદદે નહીં આવે?”

“અત્યાર સુધી તો પર્વતમાંથી ધુમાડા નીકળતા હોય એવું દેખાતું નથી.” સ્પિલેટે કહ્યું.

“છતાં સૂતેલો જ્વાળામુખી ગમે ત્યારે જાગે એવો સંભવ છે!” હાર્ડિંગ બોલ્યો. “એનું પરિણામ કેવુ આવશે તે કહી શકાય નહીં.”

હાર્ડિંગ અને સ્પિલેટ પર્વતની ગુફાની બહાર આવ્યા; અને બધા સાથીઓને જ્વાળામુખી ફાટવા અંગે વાત કરી.

“આપણા ભેદી મદદગાર ધારે તો જ્વાળામુખીને ફાટતો અટકાવી શેક!” ખલાસી બોલ્યો, “ એ ધારે તો મુખ ઉપર જ ઢાંકણું બંધ કરી દે!”

ખલાસીને ભેદી માનવીની અલૌકિક શક્તિમાં દઢ વિશ્વાસ હતો. નેબ પણ દૈવી શક્તિમાં માનતો હતો.

19મીથી 25મી ફેબ્રુઆરી સુધી શોધખોળનું ચક્કર ચાલુ રહ્યું. ઉત્તર તરફનો રજેરજ ભાગ તળિયા નીચેથી પસાર થઈ ગયો. ખડકોને પણ ટકોરા મારીને તપાસ્યા, પર્વતના છેવાડા સુધી જઈ આવ્યા.

તેઓએ અખાતમાં પણ તપાસ કરી. નીચેની જમીનમાં અવાજ સંભળાતો હતો. પણ ક્યાંય ધુમાડો કે વરાળ દેખાતી ન હતી. જ્વાળામુખી ફાટવાની નિશાની જોવા ન મળી. જમીનના પેટાળમાં લાવારસ ખદબદતો હતો. એનો અવાજ ચોખ્ખો સાંભળી શકાતો હતો.

ઠેઠ અગ્નિખૂણા સુધી તેઓ જઈ આવ્યા. માનવીની કોઈ નિશાની જોવા ન મળી. ખીણો, મેદાનો, તળેટી, જંગલો, ગુફાઓ, પર્વતનાં શિખરો બધે જ જોઈ વળ્યા. પણ ભેદી માનવીનો ક્યાંય પત્તો ન લાગ્યો. અંતે તેઓ એવા અનુમાન પર આવ્યા કે ટાપુની જમીનની સપાટી પર આ ભેદી માનવીનો નિવાસ નથી!”

અંતે, 25મી ફેબ્રુઆરીએ બધા ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફર્યાં.

25મી માર્ચે તેમને આ ટાપુ પર ત્રણ વર્ષ પૂરાં થતાં હતાં.

***