No rIturn-2 Part-96 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૯૬

નો રીટર્ન-૨ ભાગ-૯૬

નો રીટર્ન-૨

ભાગ-૯૬

ખજાનો હતો એની સાબીતી અમારી નજરો સામે ઝળહળી રહી હતી. એક તાસકમાં ભરેલો પ્રકાશનો પૂંજ અમારી આંખોને ચકાચૌંધ કરતો હતો. અમે અમારાં તમામ દુઃખ, દર્દ, પીડા ભૂલીને એ તાસકને તાકી રહ્યાં હતાં. અરે... અમે કેવી ભયાનક પરિસ્થિતિમાં હતાં એ પણ લગભગ વિસરી ચૂકયાં હતાં.

પરંતુ બહું જલ્દી હું વર્તમાનમાં પાછો ફર્યો હતો. તેનું કારણ પેલો આદીવાસીઓનો સરદાર હતો. એ તાસકમાં ભરેલાં ઝવેરાત તરફ આંગળી ચીંધીને તેની ભાષામાં જોર જોરથી કશુંક બોલી રહ્યો હતો અને અમારી તરફ ભયંકર ક્રોધે ભરાઇને ઇશારાઓ કરતો હતો. પહેલાં તો મને તાજ્જૂબી ઉદભવી પરંતુ પછી ધ્યાનથી જોયું ત્યારે સમજાયું કે ખરેખર એ શેનાં ઇશારાઓ હતાં..! ભલે તેની ભાષા મને સમજાઇ નહીં પરંતુ તેનાં હાવભાવ ઉપરથી ખબર પડી કે તે ગુસ્સે ભરાઇને તાસકમાં પડેલી ચીજ વસ્તુઓ ઉઠાવી લેવા અમને જણાવતો હતો... અથવા તો તે એમ કહેવા માંગતો હતો કે આ ચીજો માટે જ તમે અહી આવ્યાં છો તો હવે તેને લેતાં કેમ નથી...! આખો માજરો મને સમજાયો હતો. આ આદીવાસીઓનાં કબજામાં જ ખજાનો હતો અને આ લોકો જ ખજાનાનાં અસલી રખેવાળ હતાં. અથવા તો ખજાનો ક્યાં છે તે આ લોકો ભલીભાંતી જાણતાં હતાં. તેને ખાતરી હતી કે બહારની દુનિયાથી અહી સુધી પહોંચનારાં અમારાં જેવાં આતાતાયી લોકો ફક્ત અને ફક્ત ખજાનાની લાલચમાં જ અહી સુધી આવ્યાં હશે. એટલે તેમણે અમને બંદી બનાવ્યાં હતાં અને ખજાનો અમારી સમક્ષ મૂકીને જાણે અમારો ઉપહાસ ઉડાવી રહ્યાં હતાં કે હવે ખજાનો તમે લેતાં કેમ નથી...?

પરંતુ... એ નહોતો જાણતો કે તેની આ ચેષ્ટાથી આ ભૂમીમાં કોઇ ખજાનો છે એ બાબતની પૃષ્ટી થઇ ચૂકી હતી. એક રીતે તેણે જાતે જ ખજાનો ઉજાગર કરી નાંખ્યો હતો. અને... ખજાનો ક્યાં હોઇ શકે તેનું એક આછું પાતળું અનુમાન મારાં મસ્તિષ્કમાં ઉભર્યું હતું. મારા ચહેરા ઉપર અનાયાસે મુસ્કાન આવી, જોત જોતામાં પછી હું ખડખડાટ... બેતહાશા હસી પડયો. વર્ષોથી ઇતિહાસનાં પાનામાં દફન એક રહસ્યમય ખજાનો મારી નજરો સમક્ષ હતો એ ખુશીએ મને પાગલ બનાવી મૂકયો હતો અને હસવાં મજબૂર કર્યો હતો. મારાં હાસ્યથી પેલો સરદાર અચંભીત બન્યો. મોતનાં મૂખમાં હોવા છતાં કોઇ કેવી રીતે હસી શકે એની તાજ્જૂબી કદાચ તેને થઇ હતી. તેણે અમને જીવતાં રાખીને એક ભૂલ કરી હતી જેનો પસ્તાવો થોડીવાર પછી તેને થવાનો હતો.

હું કોઇ પાગલ વ્યક્તિની જેમ એકધારું હસતો હતો. ત્યાં ઉપસ્થિત હતાં એ તમામ લોકો આશ્વર્ય અને કંઇક ભયથી મને જોઇ રહ્યાં. તેમને લાગતું હતું કે ખરેખર હું પાગલ બની ગયો છું. અરે.. અનેરી પણ એવું જ સમજી કે ખજાનો ભાળીને મારું છટકી ગયું છે. હવે હું તેને કઇ રીતે સમજાવું કે ખજાનો ક્યાં હશે એ ખ્યાલ મને આવી ગયો છે એટલે એ ખુશી મારાથી જીરવાઇ નહી અને હાસ્ય રૂપે બહાર આવી ગઇ. પેલો સરદાર તો મોઢું ફાડીને મને જોઇ જ રહ્યો. એક તો એ ગુસ્સામાં હતો, તેમાં મેં તેનો ગુસ્સો ઔર વધારી મૂકયો. તેણે પેલી ઔરત સામું જોઇને તાસક ત્યાંથી હટાવી લેવા કહ્યું અને કબીલાનાં એકઠા થયેલાં લોકો તરફ ઇશારો કરીને તેમને હુકમ આપતો હોય એમ બરાડો પાડયો. તેનો હુકમ સાંભળીને ટોળામાંથી તુરંત પાંચ સાત આદીવાસીઓ આગળ આવ્યાં અને અમારી તરફ તીર કામઠાં તાકીને ઉભા રહી ગયાં. એ જોઇને મારું હાસ્ય વિલાઇ ગયું. અમારું મોત હવે એકદમ નજદીક આવી પહોચ્યું હતું. એ લોકોને તો જાણે અમને મારવાનો હુકમ મળ્યો એમાં મજા આવી હોય એવો આનંદ તેમનાં કાળા, ભયાનક ચહેરા ઉપર છવાયો હતો. બસ.. એક ઇશારો અને અમારો ખેલ ખતમ..! આ જીવન પણ કેવું ક્ષણભંગુર છે નહી...? પાછલાં કેટલા સમયથી અમે આવી જ ભયાનક પરિસ્થિતિઓમાંથી પસાર થઇને અહી સુધી પહોચ્યાં હતાં. આ દરમ્યાન કેટલીય વખત અમે સાવ નજદીકથી અમારું મોત જોયું હતું. એમ જ લાગતું કે હવે અમે જીવિત નહી બચીએ. પરંતુ દરેક વખતે બાજી અમારી ફેવરમાં પલટાઇ જતી અને અમે બચી જતાં હતાં. અમારી સાથે આવ્યાં હતાં એ લોકો અમારી જેટલાં ભાગ્યશાળી નહોતાં નિવડયાં અને એ તમામ લોકો મોતને ભેટયાં હતાં જ્યારે, અમે ચાર હજું જીવિત હતાં. હું, અનેરી, એના અને કાર્લોસ. હવે અમે પણ મોતનાં કગારે ઉભા હતાં. કાર્લોસ કે એના અમારી મદદે આવે એવી પણ કોઇ આશા નહોતી કારણકે એ લોકોએ પણ અમારી ઉપર હુમલો કર્યો જ હતો ને..! ખેર... આખરે એક સંતોષ લઇને અમે મરવાનાં હતાં કે જે ખજાના માટે અમે આટલું જોખમ ખેડયું હતું એ ખજાનાની એક આછેરી ઝલક અમને પ્રાપ્ત થઇ હતી.

સરદારે તેનો હાથ ઉંચો કર્યો. અમે અમારી આંખો બંધ કરી. આવું મોત મળશે એની કલ્પના કરી નહોતી પરંતુ હવે કશું થઇ શકે તેમ નહોતું. મારું હદય જોર જોરથી ધડકતું હતું. એક અફસોસ જરૂર થયો કે અનેરીને હું બચાવી શકયો નહી. એ અફસોસ સાથે જ મરવાનું હતું. સામે ધનુષની પણછો ખેંચાઈ, તીરંદાજો સાબદા થયાં... કટોકટીની ઘડીઓ ગણાવાં લાગી. અને....

@@@@@@@@@@@@@

એનાએ ફાયર ઓપન કર્યું. તેની પાતળી ખૂબસૂરત આંગળીઓ રાઇફલનાં ટ્રીગર સાથે સખ્તાઇથી દબાઇ. રાઇફલનાં નાળચામાંથી ગોળીઓનો ધોધ વછૂટયો અને સામે હાથમાં તીર કામઠા લઇને ઉભેલા આદીવાસીઓનાં શરીરો હવામાં કોઇ ફૂટબોલની માફક ઉછળ્યાં. તેમનાં ચહેરા આધાતથી બેડોળ બન્યાં હતાં. આવું કંઇ બનશે એની તો કલ્પના પણ ક્યાંથી હોય એમને..! ઘડીનાં છઠ્ઠા ભાગમાં એ ખેલ રચાઇ ગયો હતો.

ખરેખર બન્યું એવું હતું કે... એના અને કાર્લોસ અમારો પીછો કરતાં ઉપર સુધી આવી પહોચ્યાં હતાં. આદીવાસીઓનાં હાથે તેણે અમને બંદી બનતાં જોયાં હતાં. તે કાર્લોસને જાણ કરીને પાછી ફરી હતી. તેને અમારી કોઇ ફીકર નહોતી પરંતુ જ્યારે તાસક ભરીને હીરા મોતી માણેક અમારી સમક્ષ લાવવામાં આવ્યાં ત્યારે તે ચોંકી ઉઠી હતી. ખજાનાનાં થોડાક અંશો અચાનક નજરો સામે ભાળીને તેને સમજાયું હતું કે જો અમે મરી ગયાં તો આ આદીવાસીઓ ક્યારેય ખજાનો તેનાં હાથમાં નહી આવવા દે. ખજાનો આદીવાસીઓનાં રક્ષણ હેઠળ હતો એટલે તેઓ મરી જવાનું પસંદ કરશે પરંતુ ખજાનો ક્યાં છે એ ક્યારેય નહી બતાવે. એ માટે તેને અમારી જરૂર પડવાની હતી. અને એ માટે અમને બચાવવા જરૂરી હતાં એટલે જેવા આદીવાસીઓ અમારી ઉપર હુમલો કરવાં તૈયાર થયાં એ સાથે જ તેણે રાઇફલ ધણધણાવી હતી.

ઘડીભરમાં તો એ નાનકડી અમથી જગ્યામાં અફરા- તફરી મચી ગઇ. આદીવાસી ઔરતો અને બાળકો બેફામ ચીખતાં ચિલ્લાતા ત્યાંથી પોબારા ગણી ગયાં. ત્યાં બનેલી નાની નાની ગુફાઓ જેવા દરમાં તેઓ સંતાઇ ગયાં હતાં. જે લોકો તીર કામઠા લઇને અમને મારવાં તૈયાર થયાં હતાં એ તમામ લોકોનો એક જ ઝટકે સફાયો બોલી ગયો હતો. જેટલી પણ ગોળીઓ છૂટી હતી એ બધી જ તેમનાં સૂકલકડી શરીરોમાં સમાઇ ગઇ હતી અને તેમનાં શરીરો નિષ્પ્રાણ બનીને ઓટલા ઉપર જ ખલાઇ રહ્યાં હતાં. આદીવાસીઓનો મુખીયા તો છક બનીને અચાનક શું થયું એનો તાગ મેળવવા મથતો હતો. આજ સુધી તેણે બીજા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં. પોતાનાં કબીલાનાં માણસોની ખુવારી ક્યારેય તેણે જોઇ જ નહોતી. આ પહેલ હતી કે તેની નજરો સામે તેનાં માણસો મૃત અવસ્થામાં પડયાં હતાં. તે હક્કો- બક્કો બનીને ફાટી આંખે સમસ્ત નજારો જોઇ રહ્યો... અને પછી એકાએક તે પણ ત્યાંથી ભાગ્યો હતો. ઓટલો ઉતરીને જોતજોતામાં તે અંધકારમાં ભળી ગયો.

ઘડીભરમાં તો ઓટલાં ઉપર અને તેની આસપાસ સંપૂર્ણ શાંતી પથરાઇ હતી. અમે આંખો ખોલી ત્યારે એક સન્નાટો પ્રસરેલો હતો. અંધકાર ઔર ગહેરો થયો હોય એવું લાગ્યું. હજું ચંદ સેકન્ડો પહેલાં જ અમે મોતનાં કગાર પર ઉભા હતાં. માત્ર ગણતરીની ક્ષણો બચી હતી તેમાં બાજી અચાનક પલટાઇ હતી અને અમે જીવીત બચ્યાં હતાં. ભયંકર આશ્વર્ય વચ્ચે મેં એનાને અમારી તરફ આવતી જોઇ. તેનાં ખભે રાઇફલ હતી અને તે કોઇ વિરાંગનાની માફક ચાલતી ઓટલો ચઢીને અમારી નજદીક આવી. હું મારી આંખો ઉપર વિશ્વાસ નહોતો કરી શકતો કે જે ઔરત અમને મારી નાંખવા માંગતી હતી તેણે જ અમારાં જીવ બચાવ્યાં હતાં. પરંતુ શું કામ...? અને તે અહી સુધી આવી પહોચી એ જ તાજ્જૂબીની વાત હતી.

“ કેમ..? આશ્વર્ય થાય છે ને, કે મેં તમને શું કામ બચાવ્યાં...? હવે એટલાં નાદાન તો તમે લોકો નથી જ કે મારો મકસદ તમારી સમજમાં ન આવે...? “ તે બોલી અને પછી વારાફરતી અમારાં બન્નેનાં હાથ ખોલી દીધા. “ મારે ખજાનો જોઇએ છે. “ નજર ફેરવીને તેણે ત્યાં નીચે ઢોળાયેલી તાસક તરફ જોયું અને એ દિશામાં ચાલી. ધાણીફૂટ ગોળીબારી વચ્ચે જેનાં હાથમાં તાસક હતી એ ઔરત બધું ત્યાં જ મુકીને ભાગી ગઇ હતી. એનાએ નીચા નમીને એક ક્રીસ્ટલ કલરનો હીરો ઉઠાવ્યો અને આશક્ત નજરે તેને જોઇ રહી. એ એક હીરો જ કદાચ લાખ્ખોની કિંમતનો હશે. તેનાં હાથમાં એ હીરો કોઇ તારલીયાની માફક ચમકતો હતો. પછી તેણે ત્યાં વિખેરાયેલાં તમામ અનમોલ રત્નો અને આભૂષણોને એકઠા કર્યા અને તાસકમાં ભર્યા. એ દરમ્યાન હું અનેરી પાસે પહોચ્યો હતો. હાથોનાં બંધન છૂટવાથી તેને ઘણી રાહત ઉદભવી હતી.

“ એનાનો ભરોસો કરતી નહી... “ લગભગ ફૂસફૂસાહટ ભર્યાં શ્વરે જ હું તેનાં કાન નજીક જઇને બોલ્યો હોઇશ. ખરેખર તો મારે તેને કેમ છે એવું પુંછવું જોઇતું હતું પરંતુ એટલો સમય મારી પાસે નહોતો. મને ખબર હતી કે એનાને ખજાનો મળી જશે એ ઘડીએ જ તે અમારો ખાત્મો બોલાવી દેશે. તે બહું ખતરનાક ઔરત હતી. અનેરીને એ ખબર જ હતી છતાં મારે તેને ચેતવવી જરૂરી હતી.

“ અચ્છા... તો તારે ખજાનો જોઇએ છે એમ...? તો અમે શું અહી ફરવાં આવ્યાં છીએ...? “ મેં એનાની નજીક જઇને કહ્યું. તે ઉભી થઇ. તેનાં હાથમાં આભૂષણોનું તાસક હતું. તે મારી તરફ ફરી અને તાસક મારી આગળ ધર્યું.

“ આ થાળીમાં જે દેખાય છે એ ચીજોનું મૂળ તું મને શોધી આપીશ પવન. અને જો તેં એવું ન કર્યુ તો આ રાઇફલમાં હજું પણ ગોળીઓ બચી છે. “ લગભગ ધમકી ભર્યા શ્વરે તે બોલી.

“ ઓહ.. અચ્છા... “ ભારે ઉપહાસ પૂર્ણ અંદાજમાં મેં તેની વાતનો છેદ ઉડાડયો. “ એવી ધમકીઓની હવે અસર થાય એમ નથી. મોતને બહું નજીકથી જોયું છે. અને.. ખરેખર જો અમે મરવાનાં હોત તો ક્યારનાં મરી ચૂકયાં હોત. અત્યાર સુધી જીવીત બચ્યાં ન હોત એટલે તારી ધમકીઓથી ડરીશું એ વાતમાં માલ નથી. હાં... રહી ખજાનાની વાત, તો એ જરૂર શોધીશું જ. કારણકે તારી જેમ મને પણ એ ખજાનો કેવો હશે એ જાણવાની જબરી જીજ્ઞાસા છે. પરંતુ એ માટે મારી એક શરત છે. તું એ શરત માનવાની હોય તો બોલ, નહિંતર તું તારી રીતે આગળ વધ. “ હું બોલ્યો.

“ શરત...! કેવી શરત...? “

“ આ રાઇફલ મને આપવી પડશે તારે, કારણકે મને તારી ઉપર સહેજે ભરોસો નથી. એક વખત તો દગાબાજી કરી ચૂકયાં છો. અમે એટલા બેવકુફ નથી કે બીજો મોકો તમને આપીએ. “

એના વિચારમાં પડી. રાઇફલમાં હવે વધું ગોળીઓ નહોતી કારણકે છેલ્લું મેગેઝીન તેણે અડધા ઉપર વાપરી નાખ્યું હતું. છતાં જેટલી હતી એ પણ અત્યારની પરિસ્થિતિમાં અમૂલ્ય હતી. કોઇ ભરોસો નહોતો કે આદીવાસીઓ ફરીથી ક્યારે વળતો હુમલો કરે..? ઉપરાંત પવનને રાઇફલ આપવાનો મતલબ સામે ચાલીને પોતાનાં કાંડા કાપીને તેને આપી દેવા બરાબર હતું. છતાં એક વાતની તેને ધરપત હતી કે પવન તેને કે કાર્લોસને મારશે નહી. એવું કરવાનું તેનું ગજું નહોતું એમ નહી પરંતુ તે એક નખશીખ સજ્જન માણસ હતો. વગર કારણે કોઇને મારવું એ તેનું કામ નહોતું. બહું વિચારીને આખરે તેણે રાઇફલ પવનનાં હવાલે કરી હતી.

“ શાબ્બાસ... યે હુઇ ના બાત...! “ હું ઉત્સાહમાં આવી ગયો. રાઇફલ હાથમાં લઇને તેનું મેગેઝીન ચેક કરી લીધું.

“ હવે ખજાનો ક્યાં શોધવો એ કહે...? “ એના બોલી.

“ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. ખજાનો અહી જ છે..” મેં ધડાકો કર્યો.

“ અહી જ છે મતલબ...? “ એના અને અનેરી બન્ને એકસાથે ચોંકયાં હતાં. તેમને મારી વાત ઉપર વિશ્વાસ આવ્યો નહી.

“ અહી જ મતલબ... આપણાં પગ નીચે. “ એકદમ શાંતીથી...ઠંડક ભર્યા અવાજે હું બોલ્યો.

“ વોટ...? “ દુનીયાભરનું આશ્વર્ય એનાનાં ચહેરા ઉપર ઉભરી આવ્યું. અનેરીની હાલત પણ એવી જ હતી. તે બન્ને છોકરીઓને હું જે બોલ્યો એ અવિશ્વસનીય લાગ્યું.

“ યસ... ખજાનો આપણાં પગ નીચે જ છે... “ રહસ્યમય રીતે મુસ્કુરાતા હું બોલ્યો.

( ક્રમશઃ )

મિત્રો... હવે પછીનો એપીસોડ નો રીટર્ન-૨ નો આખરી એપીસોડ હશે.

ધન્યવાદ.. આટલી શિદ્દતથી તમે આ કહાની વાંચી.

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Nidhi Raval

Nidhi Raval 6 months ago

Jatin Gandhi

Jatin Gandhi 1 year ago

Arzoo baraiya

Arzoo baraiya 2 years ago