Ran Ma khilyu Gulab - 3 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 3

રણમાં ખીલ્યું ગુલાબ - 3

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(3)

ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા,

સાચું કહું કે એ બધા રસ્તા ઉપર મળ્યા

બ્યુટી બરડીયા બ્યુટીફુલ છોકરી હતી. હજી સોળ જ વર્ષની હતી, પણ એની શરૂઆત જોઇને ખબર પડી જતી હતી કે આગળ જતાં આ છોકરી અસંખ્ય પુરુષોની કત્લેઆમ કરવાની છે. જો રાત ઇતની રંગીન હૈ, તો સુબહ કિતની સંગીન હોગી?!?

બારમું ધોરણ પાસ કરીને બ્યુટી અમરેલી જીલ્લાના ખાંભા ગામમાંથી વધુ ભણવા માટે અમદાવાદ જતી હતી. ત્યાં એનાં મામનુ ઘર હતું.

બ્યુટીની મમ્મીએ સૂચનાઓ અને સલાહનો વરસાદ વરસાવવો શરૂ કરી દીધો.

“જો, બેટા, એક વાત યાદ રાખજે; તું મામાના ઘરે ભણવા માટે જાય છે....”

“એ તો મને ખબર છે; એમાં યાદ રાખવા જેવું શું છે, મમ્મી?!”

“યાદ એટલું જ રાખવાનું છે કે ત્યાં તારે ભણવા સિવાય બીજી એક પણ વાતમાં ધ્યાન નથી આપવાનું.”

“હા, મમ્મી!”

“કોઇ છોકરા સાથે વાત નહીં કરવાની.”

“મોન્ટુ સાથે પણ નહીં?”

“ચાંપલી ન થા! મોન્ટુ તારા મામાનો દીકરો ભાઇ છે. હું અજાણ્યા છોકરાઓની વાત કરું છું. અડોશ-પડોશમાં કે કોલેજમાં કંઇક આવારા છેલબટાઉ લફંગાઓ ફરતા હોય છે. તારા જેવી રૂપાળી છોકરી ભાળે એટલે એ બધા લાળ પાડવા માટે રાહ જોઇને જ બેઠા હોય છે. તારે કોઇની સામે ઘાસ નાખવાનું નથી.”

“ઘાસ નાખવુ એટલે શું, મમ્મી! ઘાસ તો ઘોડાને જ નખાય ને!”

“બહુ ચાંપલી ન થા, આ બધા ગધેડાઓ પણ ઘાસ ખાવા માટે તારા જેવી છોકરીઓની આજુબાજુ આંટા મારતા હોય છે. તારે કોઇની સામે જોવાનુ નહીં, એ હસે તો સામે હસવાનું નહીં, કંઇ પૂછે તો જવાબ આપવાનો નહીં.”

“તો શું કરવાનું, મમ્મી?”

“આંખો કાઢવાની, હોઠ તૂચ્છકારમાં મરોડવાના અને જો કોઇ વધારે હિંમત કરે તો એની સામે થૂંકવાનું અને નફરતથી પગ પછાડીને ચાલ્યા જવાનું.”

બ્યુટી શાંતિથી આ બધી ‘ટીપ્સ’ સાંભળતી રહી અને મનોમન વિચારતી રહી: “ મમ્મીને આ બધી વાતની કેવી રીતે ખબર? એ તો ક્યારેય કોલેજમાં ભણવા ગઇ જ નથી...”

બેગમાં સરસામાન અને દિમાગમાં મમ્મીની શિખામણોનો થેલો ભરીને બ્યુટી અમદાવાદ આવી પહોંચી. પપ્પા એને મૂકવા માટે સાથે આવ્યા હતા. બસ ઉપડી ત્યાં સુધી મમ્મી એનાં કાનમાં ગણગણતી રહી હતી: “ જો બેટા, ધ્યાન રાખજે, હોં! પ્રેમના લફરામાં ન પડતી. તું અમદાવાદ ભણવા માટે જાય છે, લફરા માટે નહીં. જેવી તું જાય છે તેવી જ કોરીને કટ્ટ પાછી આવજે. ત્રણ વર્ષ બહુ લાંબો સમય છે. તારી ઉંમર પણ ખરાબ છે અને તારું આ રૂપ?! જો મારું ચાલે તો હું તને અમદાવાદ જવા જ ન દઉં. પણ આ તારો પપ્પો માને તો ને! એણે તો એક જ વાતની રઢ લીધી છે. ‘દીકરીને ભણાવવી છે.’ આમાં ને આમાં ક્યાંક... ...”

બસમાં બીજા મુસાફરો હતા એટલે મમ્મીએ છેવટે બોલવાનું બંધ કર્યું. જો કે બસ જ્યારે ઉપડી ત્યારે પણ એનાં મોઢામાંથી આટલું તો નીકળી જ ગયું- “જોજે, હં! મેં કહ્યું યાદ રાખજે. ભૂલી ન જતી.”

શું યાદ રાખવું અને શું ભૂલી જવું એ માનવીના હાથની વાત નથી હોતી. બ્યુટી બરડીયાની એક વિશેષતા હતી. એને માત્ર ઘટનાઓ જ યાદ રહેતી હતી. (મારું પણ એવું જ છે. મને ચહેરાઓ યાદ નથી રહેતા. કોઇની જન્મતારીખો, કપડાં, કાર કે સ્કૂટરના નંબરો અને નામ સુધ્ધાં હું ભૂલી જાઉં છું. પણ જે-તે ઘટના યથાતથ યાદ રહી જાય છે.) બ્યુટીને પણ માણસોના ચહેરાઓ ભૂલી જવાની આદત હતી.

બસ ઉપડી. અમદાવાદ આવી ગયું. મામાના ઘરમાં ભાણીનું ભવ્ય સ્વાગત થયું. મામી પણ ખૂબ સારી હતી. બ્યુટીને એણે પડખામાં સમાવી લીધી. મોન્ટુ તો ‘દીદી-દીદી’ કરતો વળગી જ પડ્યો. મામાનો બંગલો મોટો હતો. બ્યુટીને બીજા માળ પર એક અલાયદો રૂમ આપી દેવામાં આવ્યો. એમાં સિંગલ બેડ હતી. એટેચ્ડ બાથરૂમ-ટોઇલેટ હતા. એ.સી. લાગાડેલું હતું. એક તરફ ભણવા માટેનું સ્ટડી ટેબલ-ખુરશી હતા. કમ્પ્યુટર પણ હતું. કપડાં મૂકવાનું કબાટ હતું. ટૂંકમાં ભાણીને કશી જ તકલીફ ન પડે એ વાતનો મામાએ વિચાર કરી રાખ્યો હતો.

કોલેજમાં એડમિશન થઇ ગયુ હતુ. બ્યુટીએ જવાનુ શરૂ કરી દીધુ. અમદાવાદની છોકરો આખા ભારતમાં સૌથી વધારે સ્માર્ટ, બોલ્ડ અને તેજતર્રાર ગણાય છે. આવી છોકરીઓ પણ બ્યુટી બરડિયાની બ્યુટી જોઇને આંચકો ખાઇ ગઇ. આ તો નાનકડાં ટાઉનમાંથી આવેલું વગડાઉ ફુલ હતું. સપનામાં આવતી કાઠિયાવાડી સોનલ સુંદરી હતી. વહેલી પરોઢનું ઝાકળ બિંદુ હતું. યુવાન લેક્પરર્સ હતા એ બધાં પણ ભણાવતાં ભણવતાં બ્યુટીની સામે લોલુપ નજરે જોઇ લેતા હતા, ત્યારે વિદ્યાર્થીઓનુ તો પૂછવુ જ શું?

પણ બ્યુટીનાં દિમાગમાં મમ્મીની સલાહ પથ્થર પર અંકાયેલા અક્ષરોની જેમ કોતરાઇ ગઇ હતી: “જોજે હં! તું ત્યાં ભણવા માટે જાય છે; કોઇની સાથે પ્રેમનું લફરુ કરવા માટે નહીં.”

આમ ને આમ છ મહીના પૂરા થઇ ગયા. વેકેશન પડ્યું. પછી બીજી ટર્મ ચાલુ થઇ. એક દિવસ સાંજના સમયે મામીએ કામ સોપ્યું, “બ્યુટી, ઘરમાં નાસ્તાઓ ખલાસ થઇ ગયા છએ. આવતી કાલે તું જ્યારે કોલેજમાંથી છૂટીને ઘરે આવે ત્યારે રસ્તામાં આવતી બેકરીમાંથી બિસ્કીટ્સ ટોસ્ટ અને ખારી લેતી આવીશ?”

“કેમ નહીં? જરૂર લેતી આવીશ.” બ્યુટીએ હા પાડી દીધી. મામાએ કોલેજમાં જવા-આવવા માટે એને એક નવું નક્કોર ટુ વ્હીલર આપી રાખ્યું હતુ; એટલે રસ્તામાં ખાલી પાંચ-દસ મિનિટ્સ પૂરતું થોભવાની જ વાત હતી.

બીજા દિવસે બ્યુટી બેકરી પાસે અટકી ગઇ. મોટી અને પ્રખ્યાત બેકરી હતી. એક તરફ કાઉન્ટર હતુ જ્યાં માણસો બેકરીની આઇટેમ્સ બાંધી આપતા હતા; બીજી તરફ કેશ કાઉન્ટર આવેલું હતું, જ્યાં બેકરીનો માલીક બેસતો હતો.

બ્યુટી કેશ કાઉન્ટર પાસે બિલ ચૂકવવા માટે ગઇ તો સ્તબ્ધ થઇને ઊભી જ રહી ગઇ. ત્યાં એક સોહામણો યુવાન રીવોલ્વીંગ ચેરમાં બેઠેલો હતો. પાંચ ફીટ દસ ઇંચની હાઇટ હશે. ઊજળો વાન. સપ્રમાણ શરીર. ઘાટીલો ભરાવદાર ચહેરો ઘટાદાર વાળ. પાણીદાર આંખો. સૌથી મહત્વની વાત: છોકરો સંસ્કારી, શાલીન અને સંયમી દેખાતો હતો.

બ્યુટીનો એવો અનુભવ હતો કે આવી જાહેર દુકાનોમાં બેઠેલા જુવાન છોકરાઓ સ્ત્રી-ગ્રાહકોને જોઇને રંગીન બની જતા હોય છે; દ્યિઅર્થી સંવાદો બોલવા લાગે છે; છાનાં છપનાં હાથનો સ્પર્શ કરવાની બદમાશી કરી લેતા હોય છે. પણ આ યુવાન જરા પણ એવો ન લાગ્યો. એણે તમીઝપૂર્વક વાત કરી, પૈસા લીધા, આપ્યા અને તરત જ બીજા ગ્રાહક તરફ નજર ફેરવી લીધી. બ્યુટી ઘાયલ થઇ ગઇ. મનોમન વિચારી રહી: “ એક સામાન્ય બેકરીમાં બેઠેલો યુવાન આટલો હેન્ડસમ અને સાથે સાથે સંસ્કારી હોઇ શકે ખરો?!?” એ રાતે પણ બ્યુટીનાં સપનામાં એ જ યુવાન આવ્યો. શું આને જ સપનાનો રાજકુમાર કહેતા હશે લોકો?!

પછી તો વારંવાર મુલાકાતો થતી રહી. બ્યુટી દર ચાર-પાંચ દુવસે બેકરીમાં નાસ્તો લેવા જવાનુ કામ સામે ચાલીને માગતી રહી. એ દરમ્યાન એને બે વાતો જાણવા મળી; એક તો કે યુવાનનુ નામ વ્રજ હતું અને બીજી વાત એ કે વ્રજને પણ પોતે ગમી ગઇ હતી. બે જણાંની વચ્ચે ક્યારેય કોઇ શાબ્દિક ખુલાસો થયો નહીં, પણ જીભની ભાષા કરતા આંખની લીપી અનેક ગણી બોલકી હોય છે.

બ્યુટીનાં મનમાં અનેક વાર એવી તીવ્ર ઇચ્છા થઇ આવતી કે એક વાર સામે ચાલીને પોતે પ્રેમનો એકરાર કરી લે! પણ પછી તરત જ એની મમ્મીની કડક શિખામણ સાંભરી જતી અને મનને પાછું વાળી લેતી હતી.

ત્રણ વર્ષ ચપટી વગાડતામાં ચાલ્યા ગયા. બ્યુટી પાછી ખાંભા આવી ગઇ. પપ્પા એનાં માટે છોકરો શોધવા માંડ્યા હતા. અચાનક એક દિવસ બે અજાણ્યા યુવાનો એના ઘરે આવી ચડ્યા.

બારણું બ્યુટીએ જ ઉઘાડ્યું. પૂછ્યુ, “કોનુ કામ છે?” એક યુવાન બોલ્યો, “અનંતભાઇ છે ઘરમાં? અમે મનુભાઇના સાળાની ફોઇની દીકરીનાં જીજાજીના પડોશી છીએ.”

આ તે કેવી ઓળખાણ?!? પણ અનંતભાઇએ બંનેને આવકાર્યા. ડ્રોઇંગરૂમમાં બેસાડ્યા. બ્યુટી ચા-નાસ્તો લઇને આવી. એ પણ પપ્પા-મમ્મીની બાજુમાં બેસીને વાતો સાંભળી રહી. વચ્ચે એની નજર પેલા બીજા યુવાન પર પણ પડી જતી હતી. એવું લાગતુ હતુ જાણે એને ક્યાંક જોયો છે! હેન્ડસમ અને શાલિન છોકરો લાગતો હતો. પણ કશુંયે યાદ આવતુ ન હતું.

“શા માટે આવવાનુ થયું છે?” પપ્પાએ પૂછ્યું.

“આ મારો મિત્ર છે. એના માટે સારી છોકરી જોવા આવ્યા હતા. ચાર-પાંચ છોકરીઓ જોઇ વળ્યા. પણ ભાઇ સાહેબનુ ક્યાંય મન ઠર્યું નહીં. હવે પાછા અમદાવાદ ભેગા થઇશું. મને થયું કે લાવો અનંતભાઇને મળતા જઇએ. આજે રાતની બસમાં પાછા જવાના છીએ. ‘મિલન હોટલ’ માં રૂમ નં. 101 માં રોકાયા છીએ... ... ...”પેલો સંકેત આપતો રહ્યો, પણ બ્યુટીનાં દિમાગની બતી ન જલી તે ન જલી! થાકી-હારીને પેલા બંને ચાલ્યા ગયા.

બીજા દિવસે અચાનક ઝબકારો થયો; બ્યુટીને યાદ આવ્યું: “અરે! આ તો પેલો બેકરીવાળો વ્રજ જ હતો!! ઓહ્! એ બાપડો કેટલી મહેનતથી મારું ઘર શોધીને આવ્યો હશે અને હું બેવકૂફ એને ઓળખી પણ ન શકી?!?”

(અત્યારે બ્યુટી બીજા પુરુષની સાથે પરણી ગઇ છે; સુખી છે. પણ ક્યારેક એને વ્રજ યાદ આવી જાય છે છાતીમાંથી ટીસ ઊઠી જાય છે: “ કાશ! મને માત્ર ઘટના જ યાદ રહે છે એને બદલે ચહેરો પણ યાદ રહી જતો હોત તો?! આજે જિંદગી કંઇક જૂદી હોત.)

(શીર્ષક પંક્તિ: હરીન્દ્ર દવે)

--------

Rate & Review

bina joshi

bina joshi Matrubharti Verified 6 days ago

Edna

Edna 2 weeks ago

MAHESH

MAHESH 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago

Nima Panchal

Nima Panchal 2 months ago