Once Upon a Time - 5 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 5

વન્સ અપોન અ ટાઈમ - 5

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 5

હાજી મસ્તાને સૈયદ બાટલાને દાઉદ અને શબ્બીરથી બચાવવા સગેવગે કરી દીધો એ પછી ત્રીજે જ દિવસે દાઉદે અયુબ લાલાને એના ઘરમાંથી ઊંચકી લીધો!

અયુબ લાલાના મોઢે એણે નાતિકની હત્યા વિશેની બધી માહિતી ઓકાવી લીધી. પછી એણે અયુબના કપડાં ઉતારીને છરીથી એના શરીર ઉપર આડા-અવળી ડિઝાઇન કરી. એટલું અધૂરું હોય એમ એ ડિઝાઇન ઉપર એણે મીઠું-મરચું ભભરાવ્યાં. દાઉદ અયુબ લાલાને નાતિકથી પણ ખરાબ મોત આપવા માગતો હતો. એણે અયુબ લાલાની નસો ઠેકઠેકાણેથી કાપી નાખી. અયુબ કાળી ચીસો પાડતો રહ્યો. વેદનાથી એ બેહોશ થઈ ગયો ત્યારે દાઉદને લાગ્યું કે, હવે આ માણસ કોઈ કાળે નહીં બચે. દાઉદે એને ગટરમાં ફેંકાવી દીધો, પણ અયુબ લાલાની જિંદગી લાંબી હશે એટલે એ બચી ગયો. જો કે એ પછી અયુબ્ લાલાએ અંડરવર્લ્ડ સાથે છેડો ફાડી નાખ્યો.

દાઉદે અયુબ લાલા પર દાઝ ઉતારી એ પછી હાજી મસ્તાને દાઉદને ઠપકો આપ્યો. હાજી મસ્તાને આ મામલો અહીં જ પતાવી દેવાનું દાઉદને કહ્યું. અયુબ લાલાને ચીરી નાખ્યા પછી દાઉદ પણ થોડો ઠંડો પડ્યો હતો. કરીમલાલા અને હાજી મસ્તાને દાઉદ, શબ્બીર અને સૈયદ બાટલા, આલમઝેબ, અમીરજાદા એ બધાને એકસાથે ભેગા કર્યા અને તેમની પાસેથી વચન લીધું કે હવે એ બધા એકબીજાને નડશે નહીં. એ સાથે સૈયદ બાટલાનો અજ્ઞાતવાસ પૂરો થયો. અમીરજાદા, આલમઝેબ અને બાટલા સાથે વેરભાવ નહીં રાખવાનું વચન આપીને હાજી મસ્તાનના ઘરથી બહાર નીકળતી વખતે દાઉદે શબ્બીર સામે લુચ્ચું સ્મિત કર્યું.

***

‘ઉસકી ઔકાત નહીં હૈ, હમ પે હાથ ડાલને કી...’

દક્ષિણ મુંબઈમાં ચોપાટીની સામે એક ઈરાની રેસ્ટોરાંમાં બેઠેલો સૈયદ બાટલા તેના એક સાથીદારને કહી રહ્યો હતો. એ તેના સાથીદાર સામે બેસીને શેખી મારી રહ્યો હતો કે દાઉદ તો મારી સામે બચ્ચું છે.

દાઉદના મિત્ર અને પત્રકાર તથા મુંબઈ પોલીસના ખબરી ઇકબાલ નાતિકને મારી નાખ્યા પછી પણ દાઉદ તેનું કંઈ બગાડી ન શક્યો. એથી સૈયદ બાટલા રાજાપાઠમાં આવી ગયો હતો.

સૈયદ બાટલાએ ઇકબાલ નાતિકનું ખૂન કર્યા પછી હાજી મસ્તાને તેને થોડો સમય છુપાઈ જવાનો આદેશ આપ્યો હતો, જેથી મસ્તાનના આશ્રિતો વચ્ચે આંતરિક લડાઈ ન થાય. જોકે પછી હાજી મસ્તાન અને કરીમ લાલાએ દાઉદ અને શબ્બીર સાથે બાટલા, આલમઝેબ અને અમીરજાદાનું સમાધાન કરાવી દીધું એ પછી બાટલા બહાર ફરવા માંડ્યો હતો. અને એણે દાઉદ અને શબ્બીર વિરુદ્ધ બોલવાનું પણ શરૂ કરી દીધું હતું. બીજી બાજુ દાઉદે પોતાના માણસોને કામે લગાડી દીધા હતા. તેણે બાટલા પર નજર રાખવાની પોતાની ગેંગના માણસોને તાકીદ કરી દીધી હતી. ‘અલ હરમ’ હોટેલના માલિકની હત્યા વખતે તો શબ્બીરે દાઉદને ઠંડો પાડી દીધો હતો, પણ પત્રકાર ઇકબાલ નાતિકની હત્યા પછી શબ્બીર પણ ઉશ્કેરાયો હતો. અને તેની પરવાનગીથી દાઉદે ઐયુબલાલાને રીબાવીને ગટરમાં ફેંકી દીધો હતો. દાઉદ સૈયદ બાટલાને પણ છોડશે નહીં એવું માનતા હાજી મસ્તાને દાઉદને અંદરોઅંદર દુશ્મની નહીં રાખવાની તાકીદ કરી હતી. પણ દાઉદે બાટલાને નિશાન બનાવવાનું નક્કી કરી લીધું હતું.

સૈયદ બાટલા ચોપાટી નજીકની ઈરાની રેસ્ટોરાંમાં એના સાથીદાર સામે હોશિયારી ઝીંકી રહ્યો હતો એ જ વખતે એ ઈરાની રેસ્ટોરાં પાસેથી પસાર થઈ રહેલા એક યુવાનની નજર સૈયદ બાટલા અને તેના સાથીદાર પર પડી. એક ક્ષણ માટે તેને પોતાની આંખો પર ભરોસો ન બેઠો પણ તેણે બાટલાના ચહેરા સામે ધ્યાનપૂર્વક જોયું. અને તેને ખાતરી થઈ ગઈ કે તે સૈયદ બાટલા જ છે. બાટલાનું ધ્યાન તેના પર પડ્યું નથી એની પણ તેને ખાતરી થઈ ગઈ. એ સાથે જ તે પબ્લિક ફોન શોધવા માટે દોડ્યો. તે દાઉદ ગૅંગનો ગુંડો હતો.

***

‘ડેવિડભાઈ, બાટલા ચોપાટી કી ઈરાની હોટેલ મેં આયેલા હૈ...’ દાઉદનો ગુંડો બમ્બૈયા ટપોરી ભાષામાં દાઉદને ફોન પર ઉત્તેજનાપૂર્વક માહિતી આપી રહ્યો હતો.

એ દિવસોમાં દાઉદ હિન્દી ફિલ્મોની અસર હેઠળ પોતાને ‘ડેવિડ’ અને ‘દાદા’ તરીકે ઓળખાવતો હતો. નાગપાડાની અહમદ સેઇલર સ્કૂલમાં અગિયારમા ધોરણ સુધી ભણીને ઊઠી ગયેલો દાઉદ બહુ ઝડપથી અંડરવર્લ્ડની આંટીઘુંટી શીખી ગયો હતો. દાઉદે ગણતરીના વર્ષોમાં પોતાની આગવી ગેંગ ઊભી કરી લીધી હતી. શબ્બીર પણ દાઉદને વિશ્વાસમાં લઈને કામ કરતો થઈ ગયો હતો. દાઉદ સમજણો થયો ત્યારથી જ મહત્ત્વાકાંક્ષા સેવતો થઈ ગયો હતો. ડિસેમ્બર, 1974માં માત્ર 19 વર્ષની ઉંમરે ડોંગરીમાં 3 લાખ, 77 હજાર રુપિયાની લૂંટ ચલાવવાના આરોપ હેઠળ એની ધરપકડ થઈ હતી. એ સિવાય ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી એ દરમિયાન હાજી મસ્તાન, કરીમલાલા, અને યુસુફ પટેલ જેવા રીઢા દાણચોરો સાથે દાઉદને પણ મિસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો હતો. હાજી મસ્તાને દાઉદની ‘પ્રતિભા’ પારખીને એને ઘણા મોટા કામ સોંપવાનું શરૂ કરી દીધું હતું. દાઉદે એ કામ ચપળતાપૂર્વક પાર પાડતો હતો અને બદલામાં મસ્તાન પાસેથી ચિક્કાર પૈસા મેળવતો હતો. પણ હવે એની મહત્ત્વાકાંક્ષા વધી ગઈ હતી અને તેને લાગતું હતું કે મસ્તાન સાથે છેડો ફાડવાનો સમય આવી ગયો છે.

મસ્તાન સાથે છેડો ફાડવાનો વિચાર દાઉદના દિમાગમાં ચાલી રહ્યો હતો. ત્યારે જ અચાનક ફોનની ઘંટડી રણકી હતી અને દાઉદ ઝબકીને વર્તમાનમાં આવી ગયો હતો

સૈયદ બાટલા ચોપાટી પાસે ઈરાની રેસ્ટોરાંમાં બેઠો હોવાની માહિતી આપીને એના ગુંડાએ પૂછ્યું, ‘ક્યા કરના હૈ દાદા, ટપકા ડાલું સાલે કો?’

એવું સાંભળીને દાઉદે તરત જ તેને કહ્યું, ‘એને તારે કંઈ કરવાનું નથી. તું માત્ર એના પર વોચ રાખ. હું થોડી વારમાં ત્યાં પહોંચું છું.’

એ વખતે બાટલા પોતાના સાથીદાર સાથે મજેથી ગપ્પાં મારી રહ્યો હતો.

***

વીસ મિનિટ પછી દાઉદ પોતાના અડધો ડઝન પઠ્ઠાઓ સાથે ગિરગાંવ ચોપાટી સામેની ઈરાની રેસ્ટોરાંમાં ધસી ગયો હતો. બાટલાનો સાગરિત બે મિનીટ પહેલાં જ પાન ખાવા ઈરાની રેસ્ટોરાંની બહાર નીકળ્યો હતો. એણે દાઉદ અને એના પઠ્ઠાઓને રેસ્ટોરાંમાં પ્રવેશતા જોયા એટલે એ મુઠ્ઠીઓ વાળીને ઊંધી દિશામાં નાઠો. સૈયદ બાટલાએ દાઉદને રેસ્ટોરાંમાં પ્રવેશતા જોયો એટલે એ પણ ભાગ્યો પણ દાઉદે એની પાછળ દોડીને એને બોચીએથી પકડી પાડ્યો. બાટલા એક નંબરનો ખેપાની અને ગણતરીબાજ હોવા છતાં ગાફેલ રહ્યો હતો. તેને કલ્પના પણ નહોતી આવી કે અંડરવર્લ્ડનો કોઈ પણ માણસ મસ્તાનભાઈને વચન આપ્યા પછી એમની વાત ઉથાપી શકે!

દાઉદે બાટલાને પોતાના ડોંગરીના અડ્ડામાં લઈ જઈને કલાકો સુધી ફટકાર્યો. એણે બાટલાની તમામ આંગળીઓનો છુંદો કરી નાખ્યો. દાઉદની આંખોમાંથી ઝેર વરસતું હતું. આંગળાનું કચુંબર થઈ જવા છતાં બાટલાએ ઉંહકારો સુદ્ધાં નહોતો કર્યો. એથી દાઉદ વધુ ઉશ્કેરાયો હતો.

બાટલાને કાળી વેદના થતી હતી, પણ એનો અહમ્ એને ચીસો પાડતા રોકતો હતો. દાઉદે લાંબો છરો ઉપાડ્યો અને બાટલા સામે જઈને ઊભો રહ્યો. બાટલાને મોત વેંતછેંટુ દેખાતું હતું. પોતાની દશા નાતિક જેવી જ થવાની છે એ એને સમજાઈ ગયું. દાઉદને આજીજી કરવાનો અર્થ નહોતો એ વાત પણ બાટલા સમજી ગયો હતો. પણ તેમ છતાં એ છેવટે દાઉદના હાથમાં છરો જોઈને કરગરી પડ્યો. એકવાર જાન બચી જાય તો પોતાની અત્યારે થઈ છે એથી પણ વધુ ખરાબ હાલત દાઉદની કરી શકાય.

‘દાઉદ મૈં તેરા કુત્તા હું, મેરી ગલતી માફ કર દે.’ તે કરગર્યો.

દાઉદે બરાડો પાડ્યો, ‘તૂ અપને આપકો ગબ્બરસિંગ સમજતા હૈ ના? મૈં તેરી તરહ ડાયલોગ નહીં મારુંગા લેકિન તુઝે ઐસી મોત દૂંગા કી પૂરા બમ્બઈ તેરી ચીખેં સુનેગા. અપને આપકો બહોત શાણા સમજતા હૈ ના! દેખ આજ તેરી ક્યા હાલત બનતા હું.’

દાઉદે છરાવાળો હાથ ઊંચો કર્યો. એ બાટલાના જમણા ખભા ઉપર પૂરી તાકાતથી છરો ઝીંકવા જતો હતો ત્યાં જ કોઈએ પાછળથી એનો હાથ પકડી લીધો. દાઉદે પાછળ ફરીને જોયું અને એક ક્ષણ માટે એ થીજી ગયો.

(ક્રમશ:)

Rate & Review

shantilal

shantilal 1 week ago

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Nimisha Patel

Nimisha Patel 10 months ago

Mv Joshi

Mv Joshi 1 year ago

Dhaval  Patel

Dhaval Patel 1 year ago