Once Upon a Time - 7 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 7

વન્સ અપોન અ ટાઈમ - 7

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 7

અમીરજાદા અને આલમઝેબને ટાઢા પાડીને હાજી મસ્તાન પોતે દાઉદના અડ્ડામાં ગયો અને સૈયદ બાટલાને છોડાવીને પાછો આવ્યો એ વખત સુધી દાઉદ અને શબ્બીર હાજી મસ્તાનની આંખની શરમ રાખતા હતા. મસ્તાને બાટલા, અમીરજાદા અને આલમઝેબને પણ ઠપકો આપ્યો અને મામલો આગળ નહીં વધારવાની સલાહ આપી.

એ વખતે તો જેમ તેમ બધું થાળે પડી ગયું. પણ હાજી મસ્તાનને આવી ઉપરાઉપરી ઘટનાઓને કારણે ચિંતા થઈ પડી હતી. દાઉદ, શબ્બીર, અમીરજાદા, આલમઝેબ, બાટલાના જુવાન શરીરમાં લોહી ધગતું હતું. અને હવે કરીમલાલાનો ભત્રીજો સમદ ખાન પણ જાત-જાતનાં ઉંબાડિયાં મુકીને દાઉદ અને શબ્બીરને ઉશ્કેરવા લાગ્યો હતો. અમીરજાદા અને આલમઝેબની સમદ સાથે દોસ્તી ગાઢ બની રહી હતી દાઉદે અને સમદ દાઉદ–શબ્બીરને ‘પાડી દેવા’ માટે અમીરજાદા–આલમઝેબને ઉશ્કેરતો હતો. અયુબલાલાને બેરહેમીથી રીબાવ્યો એ પછી સમદખાન અમીરજાદાને વારંવાર મહેણું મારતો હતો કે મારા ભાઈની કોઈ આવી હાલત કરે તો બીજા દિવસનો સૂરજ જોવા ન પામે. અયુબલાલા અને આલમઝેબ અમીરજાદાના પિતરાઈ ભાઈ હતા. દાઉદે અયુબલાલાનું અપહરણ કરીને એને એવો રીબાવ્યો હતો કે અયુબલાલા દાઉદનું નામ પડતાવેંત ધ્રુજવા માંડ્યો હતો. અયુબલાલા પણ કાચોપોચો માણસ નહોતો. સૈયદ બાટલાની સાથે કામ કરતાં ‘ભાઈલોગ’માં એનું નામ ટોચના માણસોમાં આવતું હતું. એ અયુબલાલા દાઉદના હાથે ચડવા પછી મોત ભાળી ગયો હતો અને મુંબઈ છોડીને ક્યાંય જતા રહેવાની વાતો કરવા માંડ્યો હતો. એટલે સમદ ખાન અમીરજાદાને દાઉદ સામે બદલો લેવા ઉશ્કેરતો હતો.

બીજી બાજુ દાઉદ અને શબ્બીર પણ સખણા રહેતા નહોતા. એ બંને અમીરજાદાને સમદ ખાનના નોકર તરીકે ઓળખાવીને અમીરજાદાને વધુ અકળાવતા હતા. અમીરજાદાના પિતા નવાબલાલા કરીમલાલાના ઘરમાં વર્ષો સુધી નોકર રહ્યા હતા. એ હકીકત હતી. પણ કોઈ પોતાને કરીમલાલાના નોકરના દીકરા તરીકે ઓળખાવે તો અમીરજાદાને બહુ ગુસ્સો આવતો હતો. એ કહેતો કે મારા અબ્બા કરીમલાલાના નોકર નહોતા પણ કરીમલાલાના અંગત મિત્ર હતા. અમીરજાદા કહેતો કે મારા અબ્બા કરીમલાલાના નોકર રહ્યા હોય તો કરીમલાલાનો ભત્રીજો સમદ મારી સાથે દોસ્તી શું કામ કરે?

પણ દાઉદ અને શબ્બીર અમીરજાદાની આ દુખતી રગ દબાવીને એને ચીડવતા હતા. અમીરજાદા અને આલમઝેબ પર હાજી મસ્તાનની અને સમદ ખાન પર કરીમલાલાની બ્રેક ન હોત તો એ વખતે જ આ ત્રિપુટી ‘મરીએ કે મારીએ’ના મૂડમાં આવી ગઈ હોત. હાજી મસ્તાનને આ સ્થિતિ અકળાવતી હતી. મસ્તાન માનતો હતો કે અંડરવર્લ્ડના માણસો વચ્ચે આપસમાં દુશ્મની થાય તો પોલીસ ફાવી જાય. જોકે હાજી મસ્તાન પોતે પણ એક દાયકા અગાઉ આવો ખેલ કરી ચૂક્યો હતો. ૧૯૬૯માં સ્મગલર કમ બિલ્ડર યુસુફ પટેલે હાજી મસ્તાનના ૨૫ રૂપિયા લાખ સગેવગે કરી દીધા હતા. હાજી મસ્તાને યુસુફ પટેલ પાસે વારંવાર એ રૂપિયાની માંગણી કરી, પણ યુસુફ પટેલે એ પૈસા પાછા ન આપ્યા અને એક તબક્કે તો તેણે હાથ જ ઊંચા કરી દીધા. અકળાઈને હાજી મસ્તાને કરીમલાલાની મદદ લીધી હતી. કરીમલાલા એ વખતે પાવરફુલ બની રહ્યો હતો. એણે હાજી મસ્તાનને બે પઠાણ યુવાનો આપ્યા હતા. મસ્તાને એ યુવાનો સાથે યુસુફ પટેલને પાઠ ભણાવવા ક્રોફડ માર્કેટ વિસ્તારમાં જઈને પટેલ પર ગોળીબાર કર્યો હતો. એ વખતે યુસુફ પટેલ બચી ગયો હતો. પણ પછી એણે હાજી મસ્તાન સાથે સમાધાન કરી લીધું હતું. એ પછી વળી મસ્તાન અને પટેલ મિત્રો બની ગયા હતાં.

હાજી મસ્તાને યુસુફ પટેલ પાસેથી પૈસા ઓકાવવા કરીમલાલાની મદદ લઈને યુસુફ પટેલ પર ગોળીબાર કરાવ્યો હતો. પણ એ એક અપવાદરૂપ કિસ્સો હતો. અત્યારે તો અંડરવર્લ્ડમાં મહાભારત સર્જાય અને આપસમાં ખૂનખરાબા થાય એવું ભવિષ્ય હાજી મસ્તાનને દેખાઈ રહ્યું હતું. અહીં બધા બદલાને ધર્મનો પર્યાય ગણવા માંડ્યા હતા. દાઉદની આંખમાંથી ટપકતું ઝેર મસ્તાન જોઈ શક્યો હતો. દાઉદ અને શબ્બીર ધીમે ધીમે મસ્તાનની આમન્યા ચૂકી રહ્યા હતા. અને અંડરવર્લ્ડમાં શરૂ થયલી આપસની લડાઈ આગળ વધે તો એમાં સૌથી વધુ નુકસાન પોતાને થાય એવું મસ્તાન જોઈ શકતો હતો. લાંબો વિચાર કર્યા પછી મસ્તાને એક નિર્ણય લીધો.

‘કરીમલાલા કો ફોન લગાઓ...’ એણે પોતાના વિશ્વાસુ માણસને આદેશ આપ્યો.

***

‘એ વખતે કરીમલાલાનો ફોન નંબર મેં ડાયલ કર્યો હતો.’

અમને આશ્ચર્યનો વધુ એક હળવો આંચકો આપતા પપ્પુ ટકલાએ કહ્યું. બ્લેક લેબલનો મોટો ઘૂંટ પીને એણે નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી, ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને બે હોઠ વચ્ચે ડાબા ખૂણેથી ધુમ્રસેર છોડ્યા બાદ એ થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી એણે વાત આગળ ધપાવી.

દાઉદ-શબ્બીર અને બાટલા ગેંગ વચ્ચે વધતી જતી દુશ્મનીથી અકળાયેલા હાજી મસ્તાન અને લાલાએ નક્કી કર્યું કે અંડરવર્લ્ડના ઉગતા ‘સિતારા’ અંદરોઅંદર કપાઈ મારે એ અગાઉ અન્ય મોટા માથાની મદદ લઈને કાસકર બંધુઓ અને બાટલા ગેંગ વચ્ચેની દુશ્મની ખત્મ કરી દેવી. એ રાતે હાજી મસ્તાનના બંગલામાં હાજી મસ્તાન, કરીમલાલા, હુસેન સોમજી, ઝીણાભાઈ દારૂવાલા, હમીદ દકી અને દિલીપ અઝીઝ સહિતના અંડરવર્લ્ડના ધુરંધરોએ લાંબી બેઠક યોજી. અંતે બધા આગેવાનોએ એક નિર્ણય લીધો. બીજે દિવસે ફરીવાર હાજી મસ્તાનના ઘેર ભેગા થવાનું નક્કી કરીને સૌ છુટા પડ્યા.

એ જ રાતે દાઉદ, શબ્બીર, સૈયદ બાટલા, અમીરજાદા, આલમઝેબ અને સમદ ખાનને આદેશ મળી ગયો કે આવતી કાલે મસ્તાનભાઈના ઘરે બધાએ પહોંચી જવાનું છે.

મુંબઈના વોર્ડન રોડ પર સોફિયા કૉલેજ પાસે હાજી મસ્તાનના ‘બેતુલ સુરુર’ બંગલોના ભવ્ય હૉલમાં મુમ્બૈયા અંડરવર્લ્ડના હુઝ હુ ભેગા થયા. દાઉદે આગલા દિવસે જ સઈદ બાટલાને કહ્યું હતું કે જિંદગીમાં એ ફરી પાછો સામે ભટકાશે એ એના જીવનનો આખરી દિવસ હશે. પણ આજે બીજે જ દિવસે બાટલા એની સામે બેઠો હતો. દાઉદ અને શબ્બીર મનમાં ધૂંધવાયા વિના બીજું કશું જ કરી શકે એમ ન હતા. એમને આંખની શરમ નડે એવા બીજા ખેરખાંઓ ત્યાં બેઠા હતા.

હાજી મસ્તાને સમજાવટના સૂરમાં વાત આદરી. આ રીતે અંદરોઅંદર લડી મરવાથી તમને નુકસાન સિવાય કઈ મળશે નહીં, એવું ઠસાવવાની કોશિશ એણે કરી. હાજીની સાથે કરીમલાલા અને બીજા બધા વડીલોએ પણ શિખામણના શબ્દો કહ્યા પણ સામે ગરમ લોહીવાળા જુવાનિયાઓ હતા. એમણે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા માંડ્યો. સમજાવટના સૂરમાં થોડી ધમકીની છાંટ ભળ્યા પછી બધા જુવાનિયાઓ ટાઢા પડ્યા. કલાકો સુધી ‘સમજાવટ’ને અંતે દાઉદ-શબ્બીર અને બાટલા ગેંગે મોભીઓને ખાતરી આપી કે હવે અમે એકબીજા પ્રત્યે વેરભાવ નહીં રાખીએ.

પરંતુ, મુબ્બૈયા અંડરવર્લ્ડના ખેરખાંઓને વિશ્વાસ ન બેઠો કે આ અનાડીઓ હવે પછી સખણા બેસી રહેશે. અગાઉ પણ એકવાર ખાતરી આપ્યા પછી આ બધા કાપાકાપી પર ઉતરી આવ્યા હતા. આ વખતે હાજી મસ્તાને એ બધાની સામે કુરાન મુકાવ્યું અને કુરાન ઉપર હાથ મૂકીને દુશ્મની મિટાવી દેવાના સોગંદ લેવા કહ્યું. શબ્બીર, દાઉદ, અને હરીફ ગેંગના લીડરોએ કુરાન પર હાથ મૂકીને સમ ખાધા કે હવે પછી અમે એકબીજા પ્રત્યે દુશ્મની રાખીશું નહીં. અને અમે એવું કરીએ તો અલ્લાહ અમારો જીવ લે. એ પછી દુશ્મનો પાછા દોસ્ત બનીને ગળે મળ્યા. બધાએ એકબીજાની માફી માગી અને દુશ્મની ભૂલી જઈને ફરી વાર દોસ્તી નિભાવવાનું વચન આપ્યું. હાજી મસ્તાન, કરીમલાલા અને અન્ય બુઝુર્ગોએ નિરાંતના શ્વાસ લીધા.

ખાણી-પીણી પછી સૌ હસતાં-હસતાં છૂટા પડ્યા. મસ્તાને બધાને ગળે મળીને વિદાય આપી. આમંત્રિતોના ગયા પછી હાજી મસ્તાન પણ બંગલોની બહાર નીકળ્યો. રાતના બે વાગી ગયા હતા. ડ્રાઈવરને સૂચના આપીને એ ઈમ્પોર્ટેડ કારની આરામદાયક સીટ ઉપર બેઠો. બૉમ્બે ડોકમાં ગાળેલા કપરા દિવસો યાદ આવતાં મસ્તાનના ચહેરા પર સ્મિત ફરકી ગયું. કારની ગતિની સાથે એને પોતાની વીતેલી જિંદગીની સફરના દિવસો યાદ આવતાં ગયા. મહમદ મસ્તાન મિર્ઝામાંથી મસ્તાનભાઈ બનતા પોતાને કેટલા વર્ષ લાગ્યા હતા. એ યાદ કરતા એ ભૂતકાળમાં સરકી ગયો.

એ વખતે એને કલ્પના પણ નહોતી કે નજીકના ભવિષ્યમાં એના ચેલાઓ એની ઊંઘ હરામ કરી નાખશે!

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Veena shailesh Amin
Nimisha Patel

Nimisha Patel 10 months ago

Anil Devani

Anil Devani 1 year ago

JATIN VADHER

JATIN VADHER 1 year ago