Ran Ma khilyu Gulab - 15 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 15

રણમાં ખીલ્યું ગુલાબ - 15

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(15)

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,

મારા ઘરે પઘારો, ઓ ગંજીફાની રાણી!

“આવું ન ચાલે મિત્ર! આ મહેફિલમાં જે આવે તેણે જુગાર રમવો જ પડે. અમે તમને કોરા નહીં રહેવા દઇએ.” પ્રીતેશે આચારસંહિતા જાહેર કરી

“સોરી, મને રમતાં નથી આવડતું.” પંકિલે દબાયેલા અવાજમાં કહ્યું. “ન આવડે તો પણ રમવું પડશે. આ જન્માષ્ટમીનો જુગાર છે. ભગવાન શ્રીકૃષ્ણ નારાજ થઇ જશે જો નહીં રમો તો.” મીનેશે કહ્યું.

“પણ હું ક્યારેય રમ્યો જ નથી”

“તો આજથી શુભારંભ કરો. દરેક પવિત્ર કાર્યની ક્યારેક તો શરૂઆત કરવી જ રહી” ધનેશે પ્રોત્સાહ આપ્યું.

“પ્લીઝ, તમે લોકો દબાણ ન કરો; મને આમ પણ જુગારની રમત પ્રત્યે નફરત છે. મારા દાદાજી બાવન પતાની મોહજાળમાં સર્વસ્વ હારી બેઠા હતા. એમના દેવામાંથી બહાર આવતાં મારા પપ્પાની પૂરી જુવાની ખતમ થઇ ગયેલી મેં જોઇ છે. પ્લીઢ, તમે બધાં જમાવો. હું તો તમારી બાજુમાં બેસીને માત્ર જોઇશ.”

“નહીં ચાલે! આવું હરગિઝ નહીં ચાલે! અમે બધાં સ્વીમીંગ પૂલમાં જલસા કરીએ અને તમે કાંઠા પર બેસીને કોરાકટ્ટ જોયા કરો એ અમારી બેઠકના બંધારણની વિરૂધ્ધની વાત છે. આજે તો તમારે રમવું જ પડશે.”

પંકિલ બરાબરનો ફસાઇ ગયો. એ તો અહીં એના મિત્ર વીનેશના આગ્રહથી ‘ટાઇમ પાસ’ માટે જ આવ્યો હતો. પચીસ વર્ષનો પંકિલ અમદાવાદમાં એકલો રહીને જોબ કરતો હતો. આજે જન્માષ્ટમીની રજા હોવાથી મિત્રના ઘરે ગયો હતો ત્યાં વીનેશે એને કહ્યું, “આજે સાંજે પ્રીતેશના ફાર્મ હાઉસ પર બેઠક રાખી છે. હું, તારી ભાભી જયશ્રી અને મારી સાળી પોયાણી જવાના છીએ. તું પણ ચાલ સાથે. મઝા આવશે.”

“સોરી. હું નહીં આવું.”

“કેમ? તો એકલો રહીને શું કરીશ?”

“ગમે તે કરીશ, પણ તમારી બેઠકમાં તો મને નહીં જ ગમે. તમે બધાં જુગાર રમશો ને? મને નફરત છે એના માટે.”

“અરે, તને ન ગમે તો તું બેસી રહેજે. ખાજે, પીજે અને બધાની પત્નીઓની સાથે મઝાક-મસ્તી કરજે. એક અનુભવ તો કરી લે કે જન્માષ્ટમીની બેઠક કેવી હોય છે!”

પંકિલ માની ગયો. ફાર્મ હાઉસમાં પહોંચીને એણે જોયું કે ત્યાં તો રંગ જામ્યો હતો. વિશાળ ખૂલ્લા ફાર્મમાં લીલાછમ્મ્ ઘાસની લોન પર સાત-આઠ પુરુષો અને એટલી જ સંખ્યામાં ખીલેલા પુષ્યો જેવી યુવતીઓ બેઠેલી હતી. વાતોનાં ગરમાગરમ વડાં તળાઇ રહ્યા હતા અને હાસ્યોનો ઊભરાતા ફીણ જેવો શરાબ ઢોળાઇ રહ્યો હતો. વીનેશને આવેલો જોઇને બધાંના ચહેરાઓ ખીલી ઉઠ્યા.

પ્રીતેશે સહુનો પરસ્પર પરીચય કરાવ્યો. પછી કહ્યું, “વીનેશ, વી વેર ઓલ વેઇટીંગ ફોર યુ ઓન્લી. ચાલો, હવે બધાં અંદર જઇએ. બાવન પતાનો દિવાન-એ ખાસ આપણી રાહ જુએ છે.”

પુરુષોની પાછળ એમની પત્નીઓ પણ અંદર ગઇ. સુંદર રીતે સજાવેલા મોટા ગોળાકાર ટેબલ ફરતે ખુરશીઓ ગોઠવેલી હતી. લાસ વેગાસના કેસીનો જેવી જમાવટ હતી. ખાણી-પીણીની ટ્રે સાથે નોકરો ફરતા હતા.

પંકિલને આઘાત તો એ જોઇને લાગ્યો કે બધાંની પત્નીઓ પણ રમવા માટે તૈયાર થઇ ગઇ. બાકી વધ્યા માત્ર બે જણાં. એક પંકિલ પોતે અને બીજી પોયણી. વીનેશની પત્ની જયશ્રીભાભીની નાની બહેન. પોયણી યુવાન હતી, ખૂબસુરત હતી, શઆંત હતી. નવાં વાતાવરણમાં તે પણ પંકિલની જેમ જ સંકોચાઇ રહી હતી.

બધાંએ ખૂબ આગ્રહ ક4યો ત્યારે પંકિલને માની જવું પડ્યું. જે વાત પ્રત્યે એને ભારોભાર નફરત હતી એમાં જ કમને જોડાઇ જવું પડ્યું.

“થ્રી ચીઅર્સ ફોર એ બિગિનર!!!” પ્રીતેશે પંકિલના નામ પર ત્રણવાર નારાઓ પોકાર્યા. પછી પતા બાંટવાનુ શરૂ થયું.

તીન પતી માટેના પાનાં વહેંચાયા. અઠંગ જુગારીઓ એમની સ્ટાઇલ અનુસાર બાજી કેવી આવી છે તે જોવા લાગ્યા. પંકિલે તો પોતાના પતા હાથમાં લીધા. ત્રણ અઠ્ઠા હતા એ જોઇને એનો ચહેરો ખીલી ઉઠ્યો. ચાલવાનો વારો એનો જ હતો. “આપણે પાંચસો આવ્યા!” કહીને તેણે ટોકન વચ્ચેના કુંડાળામાં મૂકી દીધા.

“ભાઇ, તને ખબર તો છે ને કે પૈસા ક્યારે અને કેવી રીતે મુકવાના....?”વીનેશે પૂછ્યું.

“હા, એમાં શું શિખવાનું છે? જો બાજી તગડી આવે તો આપણે રમવાનું અને જો ફાલતુ પાનાં હોય તો બાજી મૂકી દેવાની.”પંકિલ મોટેથી બોલી ગયો. સહુ હસી પડ્યા.

ત્રણ જણાંએ તો આ સાંભળીને જ બાજી ફેંકી દીધી. બીજા બે મિત્રોએ ત્રણ રાઉન્ડ્ આવ્યા પછી પતા ફેંકી દીધા. બાકીના ખેલૈયાઓ વચ્ચે ચડસાચડસી જમી ગઇ. વચ્ચેની જગ્યામાં વીસેક હજાર રૂપીયાના ટોકન્સનો ઢગલો થઇ ગયો. પછી ધનેશે ‘શો’ કરાવ્યો. પૂરી બાજી પંકિલ જીતી ગયો હતો!!!

બીજી બાજીમાં પંકિલને બે બાદશાહ આવ્યા. પચાસ હજારની કમાણી! ત્રીજી, ચોથી, પાંચમી.... આઠમી.… દસમી...!

પૂરો એક કલાક થયો એટલી વારમાં પંકિલ સાડાઆઠ લાખ જીતી ગયો. મહેફિલમાં સન્નાટો છવાઇ ગયો.

“યાર! તું તો ગઝબનું ‘લક’ લઇને આવ્યો છે આજે!”ધનેશે કિસ્મતને કારણભૂત ગણાવી દીધું.

“મને તો એવું લાગે છે કે એના લકી ચાર્મના કારણે જ એ જીતી રહ્યો છે. જયશ્રીભાભી! તમે એની બાજુમાં બેઠાં છો ને એટલે પંકિલની બાજી સારી આવે છે.” કામેશે જયશ્રીભાભીને યશ આપતાં કહ્યું.

“એવું જ હોય તો મારો વીનેશ કેમ હારી રહ્યો છે? હું એની બાજુમાં પણ બેઠી જ છું ને?” જયશ્રીનું કહેવું ખોટું ન હતું. એ વીનેશ-પંકિલની વચ્ચે બેઠેલી હતી.

સુરેશ વળી સાવ જુદું જ કારણ શોધી કાઢ્યું, “આ બિરાદર બનાવટ કરતા હતા એવું લાગે છે. અસલમાં એ અઠંગ જુગારી હોવા જોઇએ એના દાદાજીની જેમ!”

વીનેશે તરત મિત્રોનો બચાવ કર્યો, “ના, એવું નથી. પંકિલ કદિયે જુગાર રમ્યો નથી એ હું જાણું છું. એ તો અહીં આવવાની પણ ના પાડતો હતો. હું પરાણે ખેંચી લાવ્યો છું.”

છેવટે ભાગ્યેશે તાર્કિક કારણ જાહેર કરી દીધું, “પંકિલની જીત ન તો એની કુશળતાના કારણે છે, ન તો એના કિસ્મત કનેકશનના કારણે. આ એક ઇતેફાક છે કે દસે-દસ બાજીમાં એના હાથમાં તગડા પતા જ આવી ગયા. ક્યારેક કલપ, ક્યારેક સિકવન્સ તો ક્યારેક ટ્રાયો. પણ હવે આગળ રમીએ ત્યારે ખબર પડશે કે ભાઇ સાહેબનું ભાગ્ય કેવું રહે છે!”

બીજી દસ બાજી. પંકિલની કૂલ કમાણી સાડા બાર લાખ. પ્રથમ દસ રાઉન્ડના તો અલગ જ. ટોળીમાં ફફડાટ ફેલાઇ ગયો. જો આવું ને આવું ચાલતું રહે તો સવાર સુધીમાં આ જુવાન કરોડ રૂપીયાનું કરી નાખશે.!

“ધીમા પડો, ભાઇઓ! ધીમા પડો.” પ્રીતેશે રમત અટકાવી દીધી. પછી કહ્યું, “લેટ એસ રીલેક્સ ફોર એ વ્હાઇલ. મિત્રો, તમે બધાંએ કંઇ ‘નોટિસ’ કર્યું?”

“શું?” હારેલા જુગારીઓ કોરસમાં પૂછી રહ્યા.

“પહેલા રાઉન્ડમાં તો સમજ્યા કે પંકિલની દસે-દસ બાજી સારી આવી હતી; પણ આ સેકન્ડ રાઉન્ડમાં તો એ સાવ ફાલતુ બાજી સાથે રમી ગયો અને જીતી ગયો! દુગી, પંડો, સતો જેવા પતાંઓમાં એણે દોઢ લાખ રૂપીયા લૂંટી લીધા. તમને કંઇ સમજાય છે?”

“હા, સાવ સાચી વાત. અમે પણ જોયું કે બીજા રાઉન્ડમાં પંકિલ પૂરેપૂરો રીઢો ખેલાડી બની ગયો હતો. એના પતાં સાવ હલકાં આવે તો પણ એના ચહેરાની રેખા સરખીયે ફરકી ન હતી. જ્યારે એના ભાગ્યમાં ત્રણ-ત્રણ એક્કા આવ્યા હતા ત્યારે પણ સાવ સોગિયું ડાચું કરીને રમતો રહ્યો. એમાં જ આપણે છેતરાતા રહ્યા અને રૂપીયા ગુમાવતા ગયા. ભાઇ, પંકિલ! હવે તારી જીતનુ સાચું કારણ જોહેર કરી દે. એ પછી જ રમત આગળ ચાલશે.”

પંકિલ પહેલીવાર પોતાના મનની વાત જાહેર કરવા લાગ્યો, “મિત્રો, એ વાત સાવ સાચી કે હું ક્યારેય જુગાર રમયો નથી. પણ પહેલી દસ જ બાજીમાં હું અઠંગ ખેલાડી બની ગયો; એનું કારણ એ છે કે દુગાર રમવો કંઇ અઘરી વાત નથી. એ કંઇ રોકેટ ટેકનોલોજી નથી કે એને શિખવા માટે વર્ષોની મહેનત અને જિનિઅસની પ્રતિભા હોવી જરૂરી છે. આમારા ગામડામાં અરજણ પટેલ કે રમલો પ્રજાપતિ પણ તમારા કરતાં સારી તીનપતી રમી જાણે છે. સારા પતાં આવે ત્યારે અને નબળા પાંના આવે ત્યારે મનોભાવ છુપાવવાનું તો સહુને આવડે; પણ એનાથી વધુ મહત્વની વાત એ છે કે આ જુગાર એ એક મોટું અનિષ્ટ છે એ વાતનો સ્વીકાર કરવાની તૈયારી કેટલા લોકોમાં હોય છે? સવારે હું એક કરોડ રૂપીયા જીતીને અહીંથી જતો હોઇશ ત્યારે પણ એવું જ કહીશ કે હું જુગારને નફરત કરું છું.”

બધાં સ્તબ્ધ! થોડી ક્ષણો પછી જયશ્રીભાભીનાં ગળામાં દલીલ ફૂટી, “પણ ભાઇ, જુગારતો ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય હતો.”

“ખોટું! સાવ ખોટું! હું આકું મહાભારત ધ્યાનથી વાંચી ગયો છે. એક ઉલ્લેખ જોવા નથી મળ્યો જયાં કૃષ્ણ ભગવાને આવું કહ્યું હોય. હા, એક જગ્યાએ એનો વિરોધ અવશ્ય કર્યો છે. બાકી તમારા જેવા અર્ધદગ્ધ અને સસ્તી ‘થ્રીલ’ શોધતા લોકોએ જ ‘જન્માષ્ટમી ઉપર જુગાર રમાય’ તેવી પરંપરા બનાવી દીધી છે. નરસિંગ મહેતાના પદમાં આવે છે ‘મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શિશ હું હારીયો’ એ તો કવિએ નિરુપેલું ઠઠ્ઠાસૂચક બહાનું છે એટલીયે તમને સમજ નથી. બોલો, હવે શું કરવું છે? રમવાનું ચાલું રાખવું છે? કે પછી....?”

ખામોશી ભર્યા કેસીનોમાંથી એક સૂરમાં ઇચ્છા ઊઠી, “રમવાનું ચાલું રાખવું છે પમ તારી સાથે નહીં. તું બાજુમાં બેસીને અમારી રમતને જોયા કરજે, ભાઇ! અમારું કરી ન નાખતો.”

મધરાત થવા આવી હતી. જુગારીઓને કમતાં મૂકીને પંકિલ પગ છૂટો કરવા માટે બહાર નીકળ્યો. દૂર રાતરાણીની વેલની નીચે પોયણી ઊભી હતી. ત્યાં જઇને ઊભો રહ્યો. પોયણી હસી રહી, “કેમ, તમે બેઠક છોડીને બહાર આવી ગયા? તમે તો આજે લ ‘લક્કીમેન’ સાબિત થયા છો ને?”

“હું? અને લક્કી? તમે જોયું નહીં? આટલી બધી બાજીઓ હું જીત્યો, પણ મારી બાજીમાં એક પણ વાર રાણી ન આવી. હું કમનસીબ છું. પતાની રમતમાં પણ અને જિંદગીની બાજીમાં પણ! રાણી નથી આવતી.” પોયણીએ પોતાનું ખુશબુદાર મોં એની તરફ ફેરવ્યું, “પંકિલ, હું ક્યારની તમને જ જોયા કરતી હતી. તમારી સિધ્ધાંતપ્રિયતા, તમારું બૌધ્ધિક સ્તર, જીવનમાં સસ્તા ન થવાની તમારી જીદ અને જો ક્યારેક સસ્તું તું જ પડે તો એમાં પણ બધાંને પરાસ્ત કરવાની તમારી કુશળતા; આ બધું મને ગમી ગયું છે. અને સૌથી વધુ તો મને એ ગમ્યું છે કે જુગારમાં જીતી ગયા પછી પણ ચાલુ મહેફિલમાંથી ઊભા થઇ જવાની તમારી હિંમત! મિ. પંકિસ, જો હું તમને એક આખરી બાજી મારી સાથે ખેલવાનું ઇનજ આપું તો રમશો તમને? આ વખતે તમારી બાજીમાં એક રાણી અચૂક આવશે એવી હું ગેરંટી આપું છું.”

પંકિલે આંખોમાંથી સંમિત ખેરવીને પોતાનો જમણો હાથ લંબાવ્યો. પોયણીએ હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. અંદરના કેસીનોમાં જુગાર જામ્યો હતો, પણ આ વખતે પણ બાજી તો પંકિલ જ જીતી ગોય હોત.

(આ વખતે જન્માષ્ટમી પર બની ગયેલી સત્ય ઘટના.)

(શીષર્ક પંક્તિ: ચીનુ મોદી)

---------

Rate & Review

Asha Prajapati

Asha Prajapati 2 months ago

Rupal

Rupal 2 months ago

Sheetal

Sheetal Matrubharti Verified 4 months ago

Dipakbhai Patel

Dipakbhai Patel 7 months ago

patel neha

patel neha 5 months ago