Ran Ma khilyu Gulab - 16 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 16

રણમાં ખીલ્યું ગુલાબ - 16

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(16)

કૈંક ઉમેર્યું,ગુણ્યું-ભાગ્યું, છેવટે સઘળું બાદ કરીને,

શેષ બચેલા શ્વાસો સાથે હું પણ જીવું, તું પણે જીવે

“એમ આટલાં વરસના લગ્નજીવન પછી કોઇ પતિ પોતાની પત્નીને છોડીને જાય જ કેમ? નક્કી તમારો જ કંઇક વાંક હશે.”

બત્રીસ વર્ષની પર્વાને આવો સવાલ કોઇ જાણીતો કે અજાણ્યો માણસ પૂછતાં તો એકવાર પૂછી બેસતો હતો, પણ પછી તરત જ એને ભાન થઇ જતું હતું કે ભૂલ એની પોતાની જ થઇ ગઇ છે.

પર્વામાં એવી એક પણ કમી ન હતી જેના કારણે ભુષણે બીજી સ્ત્રી સાથે ઘર માંડવું પડે.

પર્વા પણ ઝનૂન પૂર્વક ખુલાસોઓ કરવા મંડી પડતી હતી. એ સવાલ પૂછનારને સામો સવાલ પૂછી લેતી. એકના બદલામાં પાંચ-સાત. પહેલો સવાલ, “કાકા, તમને હું કાળી, જાડી, બેડોળ કે કદરૂપી લાગું છું.?”

“ના,બેટા! તારી આગળ તો આજકાલની કોલેજીયન છોકરીઓ પણ ઝાંખી પડી જાય.” કાકા કાન પકડીને કબુલાત કરી લેતા.

“ત્યારે તમે શું કહો છો, કાકી? મને રાંધતા નથી આવડતું? હું ધરનું કામ કાજ નથી કરતી?હુંમારી ત્રણ-ત્રણ દીકરીઓને સારી રીતે ઊછેરતી નથી? એ ભણવામાં નપાસ થાય છે? મેં એમને સારા સંસ્કાર નથી આપ્યા?”

કાકા-કાકી હોય કે માસા-માસી, જેઠ-જેઠાણી હોય કે દિયર-દેરાણી, સહેલીઓ હોય કે પડોશીઓ; બધાના હોઠો પરથી એક સરખો જ અભિપ્રાય સાંભળવા મળતો હતો. અને સોઇ માણવા માટે તો અમે મહિનાઓ સુધી ભોજનના આમંત્રણની વાટ જોતા હોઇએ છીએ. અને તારા ઘર જેવું ચોક્ખું તો ભગવાનનુ મંદિર પણ ન હોય. તારી ત્રણેય દીકરીઓ બોલવા-ચાલવામાં વિવેકી, વિનમ્ર અને શાંત છે. ત્રણેય એમની શાળામાં પ્રથમ નંબરે પાસ થાય છે. અને સૌથી વધુ મોટી વાત એ છે કે તારું સાસરિયું પચીસ-ત્રીસ સભ્યોનું બનેલું છે છતાં પણ કોઇના મોંઢે તારા વિષે ઘસાતો શબ્દ સાંભળવા નથી મળતો. દૂધમાં સાકર ભળી જાય એમ તું કુટુંબમાં ભળી ગઇ છો.”

આટલી બધી કબુલાતો પછી પણ મૂળ સવાલ તો પાછો માથું ઊંચકતો જ, “પણ તો પછી ભુષણ તને છોડીને બીજી સ્ત્રીની સાથે.... .... ....”

પચીસ-પચાસમાંથી બે-પાંચ આવું બોલી જતા, “ભુષણ જેની સાથે નાસી ગયો છે એ.... શું નામ છે એનું....? હા, એ તન્વાંગી......સાંભળ્યું છે કે એ બહું સુંદર છે. હિન્દી પડદાની હિરોઇન જેવી!” પર્વાનાં ગળામાંથી ડૂસકું નીકળી જતું, “તન્વાંગી મારા કરતા વધારે સુંદર છે એ શું મારો વાંક છે?” લાખ વાતની એક વાત; પર્વા સુંદર હતી તો તન્વાંગી અકલપ્ય રીતે ખૂબસુરત હતી. ભુષણ ચામડીનાં આકર્ષણમાં આવી ગયો અને એની જોડે નાસી ગયો. બધું પહેલેથી જ નક્કી હતું. પર્વા બાપડી ભોળી કે એની નજરમાં કંઇ પકડાયું નહીં.

ભુષણ પોતે પણ દેખાવડો હતો. વરણાગિયો પણ ખરો. એક પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝરની નોકરી. પગાર સારો. પત્ની અને ત્રણ દીકરીઓનો ખર્ચ કાઢ્યા પછી પણ સારા એવા રૂપીયા ખિસ્સામાં બચતા હતા. એટલે કપડાં લતા, બૂટ, બ્રાન્ડેડ ઘડિયાળ, ચમકતો બેલ્ટ, મોંઘા હેર કટીંગ સલૂનમાં જઇને મસાજ, શેમ્પૂ અને હીરો જેવી હેરસ્ટાઇલ કરાવવી આ બધું એને પરવડતું પણ હતું અને ગમતું પણ હતું.

આવા છેલબટાઉ પુરુષની પ્રેમજાળમાં કોઇ એકાદ યુવતીતો ફસાય જ; તન્વાંગી એની લપેટમાં આવી ગઇ. પછી તો સમય સમયનું કામ કરે છે અને શરીર શરીરનું. બંને વચ્ચે ગાઢ લાગણી પણ જન્મી ગઇ. એક દિવસ તન્વાંગીએ પૂછી લીધું, “ શું મારે આખી જિંદગી આવી રીતે જ કાઢવાની છે?”

“આવી રીતે એટલે કેવી રીતે?”

“કાં હોટલના કમરાની અંદર અને કાં શહેરથી બહાર! કોઇ એવો દિવસ આવશે ખરો જ્યારે તમે જાહેરમાં તમારા હાથમાં મારો હાથ પકડીને ઊભી બજારમાં નીકળી શકો?”

તન્વાંગીના સવાલે ભુષણના દિમાગને ઝકઝોરી નાખ્યું. તન્વાંગીની વાત તદન સાચી હતી. એ પણ આખરે એક સ્ત્રી હતી. એનાં દિલમાં પણ ઘર માંડવાના, સંસાર માણવાના, સંતાનસુખ પામવાના અરમાનો હોય જ. કોઇ પણ પ્રેમિકા જીવનભરને માટે પ્રેમિકા બની રહેવા માટે ઇચ્છુક નથી હોતી. દરેક પ્રેમિકાને ‘પત્ની’ નામનું પ્રમોશન જોઇતું હોય છે.

ભુષણે બધી બાજુનો વિચાર કરી લીધો. એ જાણતો હતો કે પર્વા એને કોઇ કાળે ડિવોર્સ આપવા માટે સંમત નહીં જ થાય; એટલે ભારતમાં રહીને તો એ બીજું લગ્ન નહીં જ કરી શકે. ઉપરાંત અહીં રહીને બબ્બે ઘરનો ખર્ચો પણ એ ઉઠાવી નહીં શકે. એટલે એણે દુબઇ ચાલ્યા જવાનો નિર્ણય કરી લીધો.

“જો, તનુ! હું તારી-મારી દુબઇ જવાની તમામ વ્યવસ્થા ગોઠવી દઉં છું. ઘરમાં કોઇને આ વાતની ગંધ ન આવવી જોઇએ. જ્યારે તારા મમ્મી-પપ્પાને કે મારી વાઇફને જાણ થશે કે આપણે બંને ક્યાંક એક સાથે ગાયબ થઇ ગયા છીએ ત્યાં સુધીમાં તો આપણે દુબઇ પહોંચી પણ ગયા હોઇશું.”

તન્વાંગી સંમત થઇ ગઇ. ખરેખર એવું જ બન્યું. સવારે ઓફિસમાં જવા માટે નીકળેલી તન્વાંગી સાંજે ઘરે પાછી ન ફરી ત્યારે એનાં પપ્પાએ શોધખોળ શરૂ કરી. એક બહેનપણી એ માહિતી આપી, “અંક્લ,તનુ કોઇ ભુષણ નામના મેરીડ પુરુષની સાથે અફેરમાં હતી. તમે એના ઘરે તપાસ કરો.”

યુવતીએ ભુષણના ઘરનું સરનામું પણ આપ્યું. ત્યાં ગયા ત્યારે તાળો મળી ગયો. પર્વા પોક મૂકીને રડી પડી. પડોશીઓ દોડી આવ્યા. સગાંઓ દોડી આવ્યા. ત્રણેય દીકરીઓ, મૃણાલ, મંજરી, અને માયા મમ્મીને વળગી પડી. ત્રણેય દીકરીઓએ માને શાંત પાડી, “મમ્મી, તું હિંમત રાખ. ઘણી છોકરીઓએ પપ્પા યુવાનીમાં મૃત્યુ પામતા હોય છે. અમે પણ એવું જ માનીશું કે અમારા પપ્પા મરી ગયા છે. બસ, દસેક વર્ષનો જ સવાલ છે. અમે એક પછી એક મોટી થઇને કોલેજ પૂરી કરીને નોકરીમાં લાગી જઇશું. પછી તને કોઇ વાતનું દુ:ખ નહીં પડવા દઇએ.”

દીકરીઓ કમાતી થાય એ વાતને તો દસ વર્ષની વાર હતી, પણ અત્યારનું શું? પર્વાએ નોકરી શોધવા માંડી. મળી પણ ગઇ. ઘરનું ગાડું ગબડવા માંડ્યું.

પણ પર્વાએ એક ખૂબ મહત્વનો નિર્ણય લઇ લીધો. એણે પતિના કુટુંબ સાથેનો સંબંધ જાળવી રાખ્યો. એણે પોતાના દિયર-દેરાણી, જેઠ-જેઠાણી, નણંદો વગેરેને કહી દીધું,

“હું ભુષણની સાથે લગ્ન કરીને આ ઘરમાં નથી આવી; હું તમારા આખા ફેમિલીની વહુ બનીને આવી છું. એ મને છોડીને ચાલ્યો ગયો એમાં તમારો કશો જ વાંક નથી. તમે બધાંએ આ વાતની ટીકા પણ કરી છે. માટે હું જીવનભર તમારી વહુ બનીને જ રહીશ.”

સાસરીપક્ષે પણ આ વાતને વધાવી લીધી. મૃણાલને ટુવ્હીલર માટે પૈસા ખૂટતા હોય તો મોટા કાકા દિનેશભાઇ એને આપી જાય. મંજરીને નવો ડ્રેસ જોઇતો હોય તો નાની કાકી છાનાં માનાં અપાવી દે. માયાને શાળા તરફથી પિકનિકમાં જવાનું હોય તો પંકજકાકા એની ફી ભરી આવે.

પર્વાએ એક વણલખ્યો નિયમ બનાવી દીધો, “દર રવિવારે સાંજનું ભોજન બધાંએ સાથે જ લેવાનું. બધા એટલે આખું અઢાર સભ્યનું ફેમિલિ.”

પર્વા દીકરીઓની મદદથી સુંદર, સ્વાદિષ્ટ વાનગીઓ રાંધીને તૈયાર કરે. બપોરના ચાર વાગ્યાથી જ દેરાણી-જેઠાણી આવી પહોંચે. એ પણ મદદ કરાવે. છ વાગતામાં બાળકો આવી જાય. બધા કઝીન્સ ખૂબ રમે, ગીતો ગાય, ડાન્સ કરે. આઠેક વાગતામાં પુરુષો આવી પહોંચે. પછી ભાજનનો આનંદ માણે. રાતના અગ્યાર વાગ્યા સુધી અંતાક્ષરી જામે. ઘરમાં એવો માહૌલ રચાઇ જાય કે ભુષણ નામનું પ્રાણી આ જગતમાં હતું કે છે એ વાતનો કોઇને વિચાર પણ ન આવે.

સમય વિચારોની ગતિથી ઊડતો રહ્યો. મૃણાલને જોબ મળી ગઇ અને જીવનસાથી પણ મળી ગયો. એનાં જ પગારમાંથી જે રૂપીયા જમા થયા હતા એમાંથી એનું લગ્ન થઇ ગયું. કન્યાદાન જેઠ-જેઠાણીએ દીધું. ત્રણ વર્ષ પછી મંજરી પણ પરણી ગઇ. કન્યાદાન દિયર-દેરાણીએ દીધું.

હવે ઘરમાં મા-દીકરી બે જરહ્યા. પર્વા અને માયા. માયા સૌથી ખૂબસુરત હતી. એ ગ્રેજ્યુએટ થઇ ત્યાં જ એને એક લાયક યુવાન મળી ગયો. એને હજુ જોબ કરવાની કે પૈસા કમાવવાની તક પણ મળી ન હતી. છોકરાવાળા લગ્ન માટે ઊતાવળા હતા.

પર્વા મુંઝવણમાં મુકાઇ ગઇ. પણ જીવનભર સારો રાખેલો સ્વભાવ અત્યારે કામમાં આવ્યો.

જેઠ-જેઠાણી આવીને પૂછી ગયા. “લગ્નનો ખર્ચો કેટલો ધાર્યો છે?”

“પાંચેક લાખ” પર્વાએ કહ્યું, “મારી પાસે દોઢેક લાખની બચત છે.”

‘એ રહેવા દેજે. ભવિષ્યમાં કામમાં આવશે. લે આ ત્રણ લાખ રાખઈ લે. કોઇને કહેતી નહીં કે મેં આપ્યા છે.”

બે દિવસ પછી દિયર આવ્યા, “ભાભી, લો આ બે લાખ રૂપીયા રાખો. માયાનાં મેરેજમાં વાપરજો. કોઇને કહેવાની જરૂર નથી કે મેં આપ્યા છે. મોટાને પણ ન કહેશો.”

લગ્નનો સમય આવી ગયો. આ વખતે કન્યા પરણાવવા કોણ બેસશે? ત્યાં દુબઇથી ભુષણનો ફોન આવ્યો, “મોટી અને વચલીનાં લગ્ન કરી નાખ્યા. મને કહ્યું પણ નહીં. માયાનું કન્યાદાન આપવા હું આવું છું.”

ભુષણ આવ્યો. ભોંઠપના કારણે છેક છેલ્લી ઘડીએ આવ્યો. એના ભાઇઓએ પણ એની સાથે વાત ન કરી. પર્વાએ તો એની દિશામાં નજર સુધ્ધાં ન કરી. માયાનું કન્યાદાન આપવા માટે મોટી દીકરી મૃણાલ અને જમાઇ બેઠા હતા. આખી ન્યાત મોં મા આંગળા નાખી ગઇ. એકલી આબળા નારીએ અડધી જિંદગી સંઘર્ષ કરીને બધાંની ‘વાહ-વાહ’ પ્રાપ્ત કરી હતી અને એક પુરુષ બીજી સ્ત્રીની સુંવાળી ત્વચાનાં લપસણા મોહમાં સરી જઇને બધું જ ગુમાવી બેઠો હતો.

(શીર્ષકપંક્તિ: હિમલ પંડ્યા)

---------

Rate & Review

Sheetal

Sheetal Matrubharti Verified 4 months ago

Dolar Patel

Dolar Patel 4 months ago

patel neha

patel neha 5 months ago

Khush

Khush 5 months ago

Nihan Patel

Nihan Patel 10 months ago