64 Summerhill - 16 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 16

64 સમરહિલ - 16

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 16

'ઝુઝારસિંઘ મલ્હાન'

નંબર પ્લેટની જગ્યાએ જડેલા તેના નામના પાટિયાના સ્ક્રુ કાઢી રહેલા નોકરને તે જોઈ રહ્યો.
'કૌન સા નંબર લગાઉં, હુકુમ?' નંબર પ્લેટનો થપ્પો હાથમાં લઈને નોકરે પૂછ્યું.

'હમ્મ્મ્...' પોમેડ ચોપડેલી કાળી ભમ્મર, ઘાટીલી અને ભરાવદાર મૂછો પર તેણે હળવો હાથ પસવાર્યો અને બેપરવાઈથી કહી દીધું, 'કોઈ ભી લગા લે ના... ક્યા ફરક પડતા હૈ...' એ જે કામ પર જઈ રહ્યો હતો ત્યાં તેને પોતાનું નામ જાહેર કરવાનું ન હતું એટલાં પૂરતો જ નંબર પ્લેટનો તેને ખપ હતો.

બ્રાઉન બ્રિચિસની ઉપર ડાર્ક બ્લેક કલરના લોંગ શર્ટના તેણે બટન બીડયાં અને તાજાં કરાયેલા પોલિશથી ચમકતા રેડચીફ લેધર શૂઝ ઊઠાવ્યા. બ્રિચિસ સાથે બાંધેલા હોલ્સ્ટરમાં કોલ્ટ ગન ખોસીને આદત મુજબ તેણે એમ્યુનિશન ચેક કરી લીધું.

કામ પર જતી વખતે ત્રણ ચીજ તેની અનિવાર્યતા બની જતી. કોલ્ટ ગન, નિસ્સાન જોન્ગા ગાડી અને ઓલ્ડ મોન્ક રમની બોટલ ભરેલું ખોખું. આ ત્રણેયનું તેને જબ્બર વળગણ હતું.

જબલપુરની ફેક્ટરીમાં તેણે માથે ઊભા રહીને આ નિસ્સાન ગાડી એસેમ્બલ થતી જોઈ હતી અને શા માટે નિસ્સાન પેટ્રોલ (PATROL)નું આ સેકન્ડ જનરેશન પી-૬૦ મોડેલ જોન્ગા તરીકે ઓળખાતું અને શા માટે આ જૂની, બઠ્ઠડ, દમદાર જોન્ગા પાસે આજની રૃપાળી એસયુવી ગાડીઓ ટાયલા ઘોડા જેવી ગણાય એ બધું તે દાખલા-દલીલ સાથે કલાકો સુધી કહી શકતો પણ પોતાની ગાડીનો રજીસ્ટ્રેશન નંબર સુદ્ધાં તેને યાદ ન હતો.

જોન્ગાની બંને બાજુ નંબર પ્લેટની જગ્યાએ લાલ રંગમાં મોટા ફોન્ટમાં તેનું નામ લખેલું રહેતું. છેલ્લા લગભગ દોઢ દાયકાથી આખા ય મધ્યપ્રદેશમાં જેનો દિ' ફર્યો હોય એ જ ઓલિવ ગ્રીન કલરની તેની જોન્ગા ગાડીને રોકવાનું દુઃસાહસ કરતો.

અત્યારે પચાસ-બાવનનો થવા આવેલો ઝુઝાર છેલ્લા દોઢેક દાયકામાં ખાસ્સો બદલાયો હતો. તેને ઓળખનારાઓ પર તેની કરડાકીની જબરી ધાક હતી પણ ઝુઝારને પોતાને લાગતું કે વધતી ઉંમરની સાથે એ વધુને વધુ કૂણો પડતો જાય છે... વર્ના અસલ કે વો દિન મેં તો યાર...

'ડીઝલ કા કેરબા ભી રખ દે...' તેણે શર્ટના ચેસ્ટ પોકેટમાંથી રમનું ચપટું ટીન કાઢીને બે ઘૂંટડા ઉતારીને નોકરને હુકમ કર્યો, 'શાયદ દૂર તક જાના પડે...'

પાણીની જગ્યાએ રમના ઘૂંટડા ગળે ઉતારતા રહેવાની તેની આદત માટે એ નફ્ફટપણે કહેતો, 'નશા દો હી ચીજ સે મિલતા હૈ, ચંબલ કે પાની સે યા રમ સે. ચંબલ કા પાની નહિ મિેલેગા તો ફિર આદમી જીને કે લિયે રમ હી પીવેગા ના?'

ગ્વાલિયર અને દતિયા વચ્ચે ચંબલની ઘાટીમાં આવેલા રાનોડ નામના ગામનો એ મલ્હાન ગિરાસદાર. કહેવા પૂરતો તો એ ખેડૂત પણ આ વિસ્તારમાં ઘઉં-બાજરી વાવો તોય બંદૂક-કારતૂસ ઊગી નીકળે એવી ચંબલની સાખ. રાનોડ આમ તો ખોબા જેવડું પણ મધ્યપ્રદેશના એકેએક પોલિસ સ્ટેશનમાં રાનોડની કોઈ બે રીતે હાજરી હોય. કાં તો ક્રાઈમ રેકોર્ડમાં અથવા તો રાનોડના વતની પોલીસ ઓફિસરને લીધે. રાનોડની આ ખાસિયત જાળવી રાખવા માટે ઝુઝારને પહેલો વિકલ્પ વધુ માફક આવ્યો હતો.

રાનોડની ખુલ્લી હવા અને ચંબલના ખમતીધર પાણીથી ઘડાયેલો તેનો બાંધો. સ્નાયુઓમાં જાણે સીસું ભર્યું હોય તેવી ફોલાદી તાકાત. શરીર પર ચરબીનું ક્યાંય નિશાન નહિ અને મનમાં ચરબીનો પાર નહિ.

રાનોડનો દરેક છોકરો જવાન થવા આવે એટલે ગ્વાલિયર કે ભીંડ-મુરૈનાની દિશા પકડે. ઝુઝારે ય એ જ કર્યું. ધંધાનો બહોળો ફેલાવો ધરાવતા ગ્વાલિયરના એક ધનિક શેઠિયાના લઠૈત તરીકે તેણે કામની શરૃઆત કરી. અટકેલી ઉઘરાણીની પતાવટ કરવી, નવા ઉભરતા હરીફોને ધમકાવવા, સરકારી અધિકારીઓને દબડાવીને ટેન્ડર પાસ કરાવવા, રેલવેના વેગનમાં અડધો ખટારો કોલસા ભરીને પંદર ખટારા ઠાલવ્યા એવા ઓર્ડર ફડાવવા એ તેની જવાબદારી. બદલામાં શેઠ તેનો બધો ખર્ચ ઉપાડે. હાથખર્ચી આપે, બાંધ્યો પગાર તેને ગામ મોકલી આપે. રહેવા માટે મકાન અને પીવા માટે દારૃ ય આપે. ફક્ત પથારી ગરમ કરવા પૂરતું તેણે સ્વનિર્ભર રહેવું પડતું હતું.

પછી તો એમાં ય શેઠે જ વ્યવસ્થા કરી આપી.

એકવાર શેઠના ઘરડાં મા-બાપ અને પત્ની મુંબઈ જતા હતા ત્યારે તેમની સહાયતા માટે શેઠે તેને મોકલ્યો ત્યારે ઝુઝારને ય આશ્ચર્ય થયું હતું. આવા પરચૂરણ કામ બીજા લઠૈતે કરવા પડતા પણ ઝુઝાર તો શેઠ માટે હુકમનો એક્કો હતો. અઘરૃં કામ હોય ત્યારે જ શેઠ તેને મેદાનમાં ઉતારતા. પરિવારની આવી હમાલગીરી કરવામાં ઝુઝારને નાનપ લાગી અને ઘડીક તેણે આનાકાની ય કરી પણ પછી એ બહાને મુંબઈ જોવા મળશે એમ ધારીને સ્વીકારી લીધું. ત્યારે તેને ખબર ન હતી કે પરિવાર સાથે તેને મુંબઈ મોકલીને શેઠ પોતાની જ પથારીમાં હુકમનો એક્કો ઉતારી રહ્યા હતા અને તેમાં ઝુઝારે શેઠ માટે આ વખતે ઉઘરાણીને બદલે વારસદારની પતાવટ કરી આપવાની હતી.

શેઠાણી બીજવારૃકી અને અત્યંત રૃપાળી. પહેલી પત્નીના મૃત્યુ પછી વારસદારની આશાએ શેઠ પાકટ વયે પોતાનાથી અડધી ઉંમરની છોકરીને પરણ્યા. નવી શેઠાણી જેટલી કામણગારી એટલી જ કામાતૂર પણ ખરી. કમ સે કમ ઝુઝારને તો એવું જ લાગ્યું. પરાઠાનો ડબ્બો આપતી વખતે તેણે ઝુઝારની આંગળી દબાવીને આંખનો ઉલાળો કર્યો એટલામાં જ જવાન ઝુઝારના લોહીમાં ભડાકા થવા માંડયા હતા.

એ વખતે તો એ નીચું જોઈ ગયો પણ પછી આખા રસ્તે એ સાસુ-સસરાનું ધ્યાન ચૂકાવીને માદક આંખોથી ઈજન આપતી રહી. ખંડવા સ્ટેશને ટ્રેન પહોંચી અને રાત ઘેરાવા માંડી. શેઠના ઘરડા મા-બાપને તેણે બર્થ પર કમ્બલ પાથરી આપ્યો અને પોતાની જગ્યાએ જઈને તે આડો પડયો. એ છેક ઉપરની બર્થ પર હતી. ઝુઝારે ત્રાંસી આંખે એ તરફ જોયું એ સાથે તેની આંખોમાં વિસ્ફોટ થઈ ગયો. છેક કમર સુધી સાડીનો પલ્લુ હટાવીને ઉપરની બર્થ પરથી એ નીચે ઝળુંબીને તેની સામે સ્મિત વેરી રહી હતી. તેના ભૂરા રંગના તંગ બ્લાઉઝમાંથી ફાટાફાટ થતી સ્તનોની ગોરી કુમાશ જોઈને ઝુઝારના હાથમાં ઉન્માદની ધૂ્રજારી છૂટી ગઈ.

રૃંવેરૃંવેથી તંગ થઈ ગયેલા ઝુઝારે એ રાત માંડ પસાર કરી.

શેઠે ધંધાના કામની આવ-જા વખતે ખપ લાગે એ હેતુથી અંધેરીમાં એક ફર્નિશ્ડ ફ્લેટ લઈ રાખેલો. દિવસભર તો ઝુઝારને તક ન મળી પણ રાતે એ તીવ્ર બેચેનીથી ડ્રોઈંગરૃમના સોફા પર પડખા ઘસી રહ્યો હતો ત્યારે શેઠાણીએ તેના ખભે હાથ મૂકીને તેને ચોંકાવી દીધો. ઉતાવળી તો એય હતી. ઘરડા સાસુ-સસરાને રાત્રે આપેલા દૂધમાં ક્લોનાઝેપામની આખી ટીકડી ઓગાળીને તેણે પીવડાવી દીધી હતી.

સાસુ-સસરાને ઘેનમાં રાખવાના તેના એ કરતબ પાછળ રંગરેલિયાની ખ્વાહિશ પારખીને ઝુઝાર રૃંવેરૃંવેથી હણહણી ઊઠયો અને રાતભર તેના એ હણહણાટ તળે શેઠાણીનું નાજુક, કૂણું, ગોરું બદન તરબોળ થતું રહ્યું.

મુંબઈના એ ચાર દિવસના રોકાણ દરમિયાન બંને વચ્ચે ઐહિક આવેગનો તીવ્ર ઉન્માદ છલકાતો રહ્યો. ભરજુવાનીમાં ઘૂઘવતી પત્નીને સંતોષી ન શકતા શેઠે જ સંતાનપ્રાપ્તિ માટે આ ખેલ પાડયો હતો. એમને મન કરોડોની સંપત્તિનો વારસદાર મેળવવાની લાલસા હતી. શેઠાણી માટે શરીરમાં અટવાતી આગને ઝુઝારના બળુકા ઉન્માદ તળે ઠારવાની ખ્વાહિશ હતી પણ આ બધાથી અજાણ ઝુઝાર શેઠાણીના પ્રેમમાં પડતો જતો હતો.

'હુકુમ, ગડ્ડી તૈયાર હૈ...' નોકરે સામંતશાહી અદબ મુજબ આંખો જમીન સરસી ઢાળીને કહ્યું.
અડધા કલાક પછી તેની નિસ્સાન જોંગા જબલપુરનો શહેરી વિસ્તાર વટાવીને નારાયણગંજ થઈને સોહાગપુર તરફ જતી સડક પર સડસડાટ દોડી રહી હતી. ડ્રાઈવિંગ કરી રહેલા ઝુઝારની નજર સતત ડેશબોર્ડ પર મૂકેલા મોબાઈલના સ્ક્રિન તરફ જતી રહેતી હતી.

એસીપી રાઘવ માહિયાનો ફોન હવે આવવો જ જોઈએ.

***

'મૈં... તેરી ઔરત...' કહીને એ છોકરી ખિલખિલ હસી પડી હતી અને પછી આંખોમાંથી કામણની ધાર કરતાં તેણે ઉમેર્યું હતું, 'છપ્પનને સિરફ ઈત્તા હી કહા હૈ..'

ધૂંધવાયેલો ત્વરિત તેની વધુ પૂછપરછ કરવા આગળ ધપ્યો એ જ વખતે દૂર સડક પરથી આવતી એક ગાડીએ ધાબા તરફ વળીને કર્કશ અવાજે હોર્ન વગાડયું હતું.

આખો દિવસ ક્યાંક જતો રહેલો છપ્પન જૂના મોડેલની લેફ્ટ હેન્ડ ડ્રાઈવ વીલીઝ જીપ હંકારતો પાછો ફર્યો હતો. તેની સાથે જાતભાતનો સામાન ભરેલા ત્રણ-ચાર મોટા કોથળા હતા. ખભા પર ક્યાંકથી આણેલી જૂની રાઈફલ લટકતી હતી. ત્વરિતને સૌથી વધુ આશ્ચર્ય તેની સાથેની બે ઓરતો અને અહીં ધાબાના રવેશમાં તેની સામે નિતંબ મટકાવી રહેલી આ છોકરી માટે થયું હતું.

'દિનભર કહાં થા યાર?' છપ્પને દાદર ચડવાનો શરૃ કર્યો ત્યાં જ ત્વરિતે તેનો ઉધડો લેવા માંડયો હતો..

એ પછી ત્રણેય ઓરતોને બાજુના ઓરડામાં ધકેલીને છપ્પને ત્વરિતની આંખોમાંથી ફાટતા વિસ્મયનો જવાબ વાળવાનું શરૃ કર્યું હતું.

***

'હા વો તેરી ઔરત હી હૈ...' છપ્પનિયો સાલો ત્વરિતની અકળામણની લિજ્જત લઈ રહ્યો હતો.
ધાબાની બહાર રાત ઘેરાવા લાગી હતી. રસોડામાંથી સંભળાતો વાસણનો ખખડાટ શમી ગયો હતો અને ભીની, મેઘલી રાતે દૂર ક્યાંક વગડામાંથી સંભળાતી શિયાળવાની કારમી લારી ઉજ્જડ, વેરાન અંધારાને વધુ કારમુ બનાવતી હતી. સતત વાગતું સીડી પ્લેયર પણ મૂંગું થઈ ગયું હતું મતલબ કે કેકવો ધાબા પર ન હતો.

'કમ ઓન યાર... ઈટ્સ નોટ જોક' ત્વરિત અંદરથી સખત ધૂંધવાતો હતો પણ છપ્પન કંઈક જડબેસલાક પ્લાનિંગ કરી રહ્યો હોવાનો અણસાર તો એ પામી શકતો હતો.

'એ તારી ઓરત જ છે..' છપ્પને તેની સામે તોફાની સ્મિત વેરીને ઉમેર્યું, 'ચાહે તો આજ સુહાગરાત ભી મના સકતા હૈ ઉસકે સાથ..'

ત્વરિતને મૂર્તિચોરીનો ભેદ જાણવો હતો, વામપંથી મૂર્તિ જો હોય તો તેનું પગેરું મેળવવું હતું, દેશભરમાં પથરાયેલી મનાતી આવી મૂર્તિઓ ઓળખીને તેની ચોરી કરાવનાર દુબળીનું રહસ્ય પણ પામવું હતું પરંતુ હવે પોતે જ સીધી રીતે મૂર્તિચોરીમાં સંડોવાવું પડે એવી સ્થિતિ આવી એટલે એ મનોમન ખચકાઈ રહ્યો હતો.

ડિંડોરીથી ચોરેલી મૂર્તિ લેવા માટે દુબળી છપ્પનનો સંપર્ક સાધે એ વખતે જ તેને દબોચી લેવો એવી તેની ધારણા હતી તેને બદલે દુબળી સાલો અનેકગણો પાવરધો અને ખુંખાર સાબિત થયો હતો. છપ્પન સવારે નીકળ્યો પછી ક્યાંય સુધી ત્વરિતે દુબળીની ચીઠ્ઠી વાંચ્યા કરી હતી.

એ સાલો એ પણ જાણે છે કે ડિંડોરીની મૂર્તિ ચોર્યા પછી મેં છપ્પનને ઝડપ્યો હતો... તેને એ પણ ખબર છે કે હું કોણ છું.. મતલબ કે, દુબળી સતત તેમને ફોલો કરી રહ્યો છે. છપ્પન કહે છે તેમ, એ કોઈકને કોઈક રીતે આસપાસ ક્યાંક હોવો જોઈએ. ડિંડોરીના દેવાલયની પછીતેથી તેણે છપ્પનને ઝડપ્યો એ પછીની એકેએક ક્ષણને તેને મનોમન રિવાઈન્ડ કરીને સ્કેન કરી જોઈ. તેને ફોલો કરી રહેલો કોઈ અજાણ્યો ચહેરો તેને દેખાતો ન હતો. કોણ હોઈ શકે આ દુબળી? એ પુરુષ છે? સ્ત્રી છે? એકલો છે? આખી ટોળકી છે?

તેના મનમાં સવાલોનો ઝંઝાવાત ફૂંકાતો હતો અને તેમાંથી અપાર કુતુહલના ગોટા ચડતા હતા. વામપંથી મૂર્તિઓનો, દુબળીનો ભેદ તેના રૃંવેરૃંવે ચટકા ભરી રહ્યો હતો અને એ જાણવું હોય તો હવે છેક બોર્ડર એરિયામાં જઈને મૂર્તિ ચોરવાનું જોખમ ઊઠાવવાની વાત હતી. દિવસભર તે આ કશ્મકશમાં અટવાતો રહ્યો.

'ફિકર મત કર... તૂ ચોરી મેં મેરે સાથ નહિ રહેગા' છપ્પને તેની અવઢવ વગર કહ્યે જ પારખી લીધી હતી.

'મતલબ?' ત્વરિતને હજુ ય છપ્પનનું આયોજન સમજાતું ન હતું.

'મતલબ કે...' છપ્પને છાપાની પસ્તીમાંથી એક કાગળ ખેંચી ટેબલ પર પાથર્યો, 'મેરે બાપ કા ઉસૂલ થા... ચોરી તો મૈં અકેલે હી કરુંગા'

આટલું કહીને તેણે ધીમે-ધીમે એકેએક વિગતો કહેવા માંડી. ત્વરિત મુગ્ધપણે તેને સાંભળતો રહ્યો.

(ક્રમશઃ)

Rate & Review

Ashish

Ashish 4 months ago

neepa karia

neepa karia 5 months ago

Hina Thakkar

Hina Thakkar 8 months ago

Geeta Patel

Geeta Patel 8 months ago

Sukesha Gamit

Sukesha Gamit 10 months ago