Ran Ma khilyu Gulab - 20 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 20

રણમાં ખીલ્યું ગુલાબ - 20

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(20)

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું

ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

“સર, પ્લીઝ! મને મદદ કરો; માર્ગદર્શન આપો જેથી હું મારી પ્રેમિકાને મેળવી શકું. જાનમ કોટક નામના એક જાનદાર જુવાને અચાનક આવીને મારી સમક્ષ રજુઆત કરી.

હું મનોમન હસ્યો. જ્યાં જુઓ ત્યાં આ એક જ વાતની આગ લાગી છે. ઘરે ઘરે મહોબ્બતનું મહાભારત મંડાયું છે. યુવાનોને યુવતીઓનું ઘેલું લાગ્યું છે. (યુવતીઓ પણ આવી ઘેલછામાં ખાસ પાછળ નથી!) બંને ‘જેન્ડર’ના મારા વાંચકો જ્યારે રહી ન શકાય ત્યારે મારી પાસે આવી ચડે છે; મને મળવા માટે, પ્રિયપાત્રને મેળવવા માટે અને રડીને હૈયું ખાલી કરવા માટે.

દરેક પ્રેમકથા લગભગ એક સરખી જ હોય છે. આ જાનમની વાતની શરૂઆત પણ કૈંક એવી જ લાગી રહી હતી. ચીલાચાલુ અને એકપક્ષીય.

મારું મૌન જોઇને જુવાનિયો અકળાઇ ઉઠ્યો, “ સર, હું સાચું કહું છું. હું નેન્સી વગર જીવી નહીં શકું. ટ્રેનના પાટા નીચે પડતું મૂકી દઇશ.”

હું હસ્યો. આવી લૂખ્ખી દમદાટી પણ સેંકડો મજનૂઓ મારી સમક્ષ આપી ગયા છે. એ સાંભળીને ડરી જતો નથી. બીજા દિવસનું અખબાર ઊથલાવી નાંખું છું. ક્યાંય ટ્રેન નીચે કપાઇ ગયેલા ભગ્ન પ્રેમી યુવાનના સમાચાર વાંચવા મળતા નથી.

“સર, તમને આ મઝાક લાગે છે ને? પણ અમે સિરિઅસ છીએ.”હવે મારા કાન સરવા થયા, “અમે નો મતલબ? નેન્સી પણ તને પ્રેમ કરે છે?”

“હા, તમને એવું લાગતું કે મારો ટ્રાફિક વન-વેમાં છે? નેન્સી પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને........”

“તો પછી વાર શેની છે? શુભ મુહૂર્ત કઢાવવાની? કહેતો હોય તો હું કાઢી આપું. મને એ કામ પણ આવડે છે.”

“સર, પ્લીઝ! તમને મશ્કરી સૂઝે છે, પણ મારો જાન જઇ રહ્યો છે.”

હવે મને મામલો સમજાઇ ગયો. જાનમનો જીવ (જાન) જતો હતો એમાંથી એની જાન (બારાત) જાય એ માટેની મદદ માંગવા એ મારી પાસે આવ્યો હતો.

“મને એ કહે કે પ્રોબ્લેમ શો છે?” મેં પૂછ્યું.

“નેન્સીનાં મમ્મી-પપ્પા માનતા નથી. એમને મારા હિંદુ હોવા સામે વાંધો છે. તમે એમને સમજાવો કે પ્રેમમાં ન્યાત-જાત, ગરીબ-તવંગર કે ધર્મોના ભેદ ન જોવાના હોય! પ્રેમમાં તો માત્ર બે પાત્રોનાં મન જ જોવાના હોય.” મને મનોમન હસવું તો હજુ પણ આવી રહ્યું હતું: આ જાનમ પૂરેપૂરો ફિલ્મી ટાઇપનો લવરીયો લાગતો હતો. એના વાક્યોમાં પણ મને ફિલ્મી ડાયલોગની અસર દેખાતી હતી. પણ મને લાગ્યું કે એ મારો વાંચક છે, આટલે દૂરથી (બહારગામથી) મારી પાસે માર્ગદર્શન અને મદદ યાચવા માટે આવ્યો છે, ત્યારે મારે એને સાવ ખાલી હાથે પાછો ન કાઢવો જોઇએ. ખાસ તો એ કારણે કે નેન્સી પણ એને પ્રેમ કરે છે.

મેં ચક્રો ગતિમાન કર્યા. એ જે શહેરમાંથી આવ્યો હતો ત્યાં ગુજરાતી ભાષાના એક ખૂબ મોટા, નામી સાહિત્યકાર રહેતા હતા. તેઓ નેન્સીનાં ધર્મના જ હતા. મેં એમના નામે ભલામણ પત્ર લખી આપ્યો: “પરમ આદરણીય વડીલ મિત્રશ્રી, આ યુવાન મારો વાંચક છે, હવે મિત્ર પણ છે. એનું પ્રેમ-કોકડું ઘર્મના મુદા પર ગુચવાયું છે. હું તમને આગ્રહપૂર્વક અનુરોધ કરું છું કે તમે અંગત રસ લઇને એને ઉકેલવામાં મદદ કરો. મને તમારી આવડતમાં પૂરી શ્રધ્ધા છે. માટે અત્યારથી જ એડવાન્સમાં આભાર માની લઉં છું.”

એ વડીલે ખૂબ નક્કર મદદ કરી. જાનમની સામે શો વાંધો છે તે જાણવા તેઓ નેન્સીનાં મમ્મી-પપ્પાને મળ્યા. એમણે સાચી વાત જ કરી દીધી, “અમે નેન્સીને અન્ય ધર્મના યુવાન સાથે પરણાવવા નથી ઇચ્છતા.”

જાનમ મરણીયો બન્યો હતો: “હું વૈદિક સનાતન ધર્મ છોડીને તમારો ધર્મ અપનાવી લેવા તૈયાર છું.”

નેન્સીનાં પક્ષનો વિરોધ મહદ અંશે બુઠ્ઠો થઇ ગયો. પરતું એનાં બે જુવાન, વાઘ જેવા ભાઇઓનો વિરોધ હજુ યે ચાલુ જ હતો.

આ બધું ચાલતું હતું તે દરમ્યાન એક વાર બપોરના સમયે લાગ જોઇને જાનમ નેન્સીનાં ઘરે મળવા માટે પહોંચી ગયો. નેન્સી સાથે ફોન પર ગોઠવાયેલી એ મુલાકાત હતી. ઘરમાં ત્યારે કોઇ જ હાજર હોવાની શક્યતા ન હતી. પણ ફુટબોલના વર્લ્ડ કપે મજા બગાડી નાખી.

જે સમયે જાનમ નેન્સીનાં ઘરે પહોંચ્યો તે સમયે ટી.વી. પર ફુટબોલની રોમાંચક મેચનું પ્રસારણ આવી રહ્યું હતું. નેન્સીનાં ભાઇઓ કોલેજ છોડીને એ મેચ જોવા માટે ઘરે આવી ગયા હતા. જાનમ રંગે હાથ પકડાઇ ગયો.

પછી એને જે માર પડ્યો તે વર્ણનાતીત છે. પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને રીમાન્ડ પર લઇને મુંબઇની પોલીસે જે રીતે એની ચામડી ઉતરડી નાખી હશે તેવી જ હાલત નેન્સીનાં બે ભાઇઓ જાનમના દેહની કરી મૂકી. જાનમ પણ પાક્કો પ્રેમી! ચામડી ચીરાઇ ગઇ, લોહીના ટશિયા ફૂટી નીકળ્યા, પણ એ મોંઢામાંથી એટલું ન ફાટ્યો કે આમાં એનો એકલાનો વાંક ન હતો. આ છૂપા મિલનમાં નેન્સીની પણ સંમતિ હતી.

જ્યારે જાનમ મને મળવા આવ્યો ત્યારે આ ઘટનાને બે દિવસ થઇ ગયા હતા; તો પણ એની પીઠ પરના સોળ જોઇને હું કંપી ઉઠ્યો. તે શહેરના પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરીને મેં કહ્યું, “જાનમ નામના એક નિર્દોષ શખ્સને ઢોરમાર મારવા બદલ બે જાનવરોની વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવાની છે. તમારે સહકાર આપવો જ પડશે.”

પેલા વડીલ સાહિત્યકાર પણ આક્રોશપૂર્ણ બની ગયા. અમે બંનેએ જાનમને સમજાવ્યો: “તું એક વાર પોલીસ-ફરીયાદ તો કરી જો! પછી નેન્સીનાં ભાઇઓની જે હાલત થાય છે તે..... ....”

પણ જાનમ ન માન્યો. અંતે નેન્સીનાં ભાઇઓ પણ પીગળ્યા. લગ્ન માટે માની ગયા. જાનમનો અતિશય આગ્રહ કે મારે લગ્નમાં હાજરી આપવી જ; પણ હું મારા દર્દીઓને છોડીને જઇ ન શક્યો. જાનમના લગ્ન ઉજવાઇ ગયા. સંસાર શરૂ થયો.

તમને શું લાગે છે? જાનમ જીવનભેરને માટે મારો ઉપકાર માનતો રહ્યો હશે? ના, એ લગભગ મને ભૂલી ગયો. એના ફોન કોલ્સ પણ સાવ ઓછા થઇ ગયા. ક્યારેક એનો ફોન આવતો, તો હું કહેતો, “મારે તારી સાથે વાત નથી કરવી; નેન્સીને ફોન આપ.”નેન્સી લાઇન પર આવતી, “બોલો, સર! શું કહો છો?” હું કહી દેતો: “નેન્સી, તારો જાનમ સ્વાર્થી છે. જ્યાં સુધી તું એને મળી ન હતી, ત્યાં સુધી એ છાશવારે મારી પાસે દોડી આવતો હતો. રોજ ત્રણ-ચાર વાર ફોન કરતો હતો. હવે ઇદનો ચાંદ બની ગયો છે. મને લાગે છે કે એ તારી રેશમી ઝુલ્ફોની ભુલભુલામણીમાં ખોવાઇ ગયો છે!”

નેન્સી શરમાઇને કહેતી: “એવું નથી, સર! મારો વર એની કેરીઅર બનાવવામાં ડૂબી ગયો છે. વહેલી સવારે ઘરમાંથી નીકળી જાય છે. કોલેજમાં પાર્ટ ટાઇમ ફેક્લ્ટી તરીકે કામ કરે છે. કેટની પરીક્ષા માટેના પુસ્તકો બહાર પાડે છે. ભાડાની રૂમ રાખીને ટ્યુશન ક્લાસ ચલાવે છે. મોડી રાત્રે થાક્યા-પાક્યો, આવીને ઠંડું જમીને પથારીમાં પછડાય છે. વહેલી પડે સવાર!”

“અને તું?”

“હું આખો દિવસ મારા વરને યાદ કરીને ચાર દિવાલોની જેલમાં પૂરાયેલા કેદીની જેમ ઝૂરતી રહું છું. એ જ્યારે ઘરે આવે છે, ત્યારે હું ઊંઘતી હોઉં છું. મને એવું લાગે છે. જાણે જાનમ મને એક સોફાની જેમ ખરીદીને લઇ આવ્યો છે અને ફ્લેટમાં સ્થાપી દીધી છે!”

લગ્નજીવનનો હજી તો શુંભારંભ થયો હતો, ત્યાં જ ધીમા સૂરમાં શિકાયતનો જન્મ થઇ રહ્યો હતો. મને લાગ્યું કે સુખી લગ્નજીવન માટે આ પણ જરૂરી હતું. સંસારની થાળીમાં બધા જ સ્વાદો હોવા જરૂરી છે; તીખા,કડવા, તૂરા, ખાટા બધા જ. માત્ર ગળ્યું જ ખાવાથી તો મોઢું ભાંગી જાય.

પંદરેક વર્ષ પસાર થઇ ગયા. નેન્સીએ એક દીકરાને જન્મ આપ્યો. એ પણ અત્યારે બાર-તેર વર્ષનો છે. આ દરમ્યાન જાનમ સાથેનો મારો સંપર્ક લગભગ નહીવત થઇ ગયો છે.

આ દરમ્યાન અસંખ્ય મિત્રો, વાંચકો અથવા સંબંધીઓ એ શહેરમાંથી મારી મુલાકાતે આવતા રહેતા હતા. હું એ સમયે જાનમને અચુક યાદ કરી લેતો હતો. મુલાકાતીની સાથે એનો ઉલ્લેખ પણ કરતો. સામેવાળાનું મોં બગડી જતું, “હા અમે એને ઓળખીએ છીએ. માણસ આમ તો બધી રીતે સારો છે..... પણ.....”

“પણ શું?”

“એ જરાક સ્વાર્થી છે. જ્યાં સુધી ગરજ હોય ત્યાં સુધી સંબંધ રાખે, પછી કોણ તું અને કોણ હું?”

એ સાથે જ મને મારો પોતાનો અનુભવ યાદ આવી જતો હતો. નેન્સીની હાલત કેવી હશે? આ પ્રશ્ન મારા મનમાં ઊઠતો હતો, પણ તરત જ હું શમાવી દેતો હતો. કોઇના દામ્પત્યજીવનમાં માથું મારવાનો મને અધિકાર ન હોઇ શકે.

આજે પરિસ્થિતિ એ છે કે ડો.જાનમ કોટક એક પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રિન્સિપાલ બની ગયો છે. એણે પી.એચ.ડી. કરી લીધું છે. એની પાસે પોતાની માલિકીનું મકાન છે, કાર છે, બેન્કબેલેન્સ છે અને સુખ નામના નગરમાં એનો સુવિધાપ્રદ નિવાસ છે...... પણ.....!

પણ હમણાં જ નેન્સીનો મારા પર ફોન આવ્યો. એ રડતી હતી, “સર, તમે અમારા લગ્ન કરાવી આપ્યા હતા ને! હવે તમે જ મને મદદ કરો. મને જાનમથી ડિવોર્સ અપાવવામાં મદદ કરો.”

હું સ્તબ્ધ: “આ શું બોલી રહી છે તું, નેન્સી? મને મોટો આઘાત લાગશે. પ્રેમલગ્ન કરેલું કપલ ડિવોર્સ કેવી રીતે લઇ શકે?”

“એ તમને નહીં સમજાય, સર! દેશના રક્ષામંત્રીને ક્યારેય એ સમજાય છે કે સિયાચીનના બર્ફીલા પહાડો પર તૈનાત લશ્કરના જવાનને કઇ કઇ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે!” નેન્સીની દલીલ મને હસાવી ગઇ, “ત્યારે એ જણાવ કે તને જોડો ક્યાં ડંખે છે?”

“એક જ બાબતની તકલીફ છે અને એ મોટી છે. જાનમ ખૂબ જ સેલ્ફ-સેન્ટર્ડ માણસ છે. એને હજુ પણ આગળ વધવું છે. સંસ્થાના ડિરેક્ટર બનવું છે. તક મળે તો વાઇસ ચાન્સલેર બનવું છે. મને એની આ વિચારસરણી સામે વાંધો પણ નથી, પરતું સર! મહત્વાકાંક્ષીની પણ કોઇક હદ તો હોવી જોઇએ ને? જાનમ પાસે આવી કોઇ જ સીમારેખા નથી. અને એની આ દોટમાં મારી કે મારા દીકરાની ક્યાંય જગ્યા પણ નથી. હું એની જેટલું જ ભણેલી છું, પણ માત્ર હાઉસવાઇફ બનીને રહી ગઇ છું. અમારા દીકરાને ઉછેરવામાં અને જાનમનું ઘર સંભાળવામાં મારી જિંદગીના શ્રેષ્ઠ પંદર વર્ષો હોમાઇ ગયા છે. હવે હું એક દિવસ પણ આ કેદમાં રહેવા માગતી નથી.”

“મારી સહાનુભૂતિ તારી સાથે છે, બહેન! તું જાનમથી છૂટ્ટી થઇ જા!” મારા અવાજમાં દર્દ હતું.

હવેના વાક્યે મને ખળભળાવી મૂક્યો. નેન્સી બોલી રહી હતી, “પણ હું કેવી રીતે છૂટ્ટી થાઉં, સર? જાનમ કોઇ પણ ભોગે ડિવોર્સ આપવા રાજી નથી. એ મને દબાવીને ધાકધમકી આપીને નહીં પણ આજીજી કરીને, મારા પગમાં પડીને મને કહે છે કે મારે એની સાથે જ રહેવું. સર, આ માણસ સ્વાર્થી છે એટલો જ જીદી પણ છે. જેટલો જીદી મને પામવા માટે હતો એટલો જ જીદી મને ટકાવી રાખવા માટે પણ છે. બોલો, હવે હું શું કરું?”

હું શું બોલું? જિંદગી પાસે ક્યારેક માત્ર સવાલો જ હોય છે; એવા સવાલો જેના જવાબો કોઇની પાસે નથી હોતા.

(શીર્ષક પંક્તિ: પન્ના નાયક)

---------

Rate & Review

dineshpatel

dineshpatel 4 months ago

Sheetal

Sheetal Matrubharti Verified 4 months ago

Abhi  Adhvaryu

Abhi Adhvaryu 10 months ago

Om Vaja

Om Vaja 10 months ago

T R Daiya

T R Daiya 1 year ago