64 Summerhill - 22 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 22

64 સમરહિલ - 22

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 22

ઉબડખાબડ સડક પર વિલિઝ આગળ ધપાવી રહેલો ત્વરિત દૂર ક્ષિતિજ પર દેખાતા રેતીના અફાટ ઢૂવાઓ ભણી નજર માંડી રહ્યો હતો. સુરજ બરાબર માથે આવીને ઊભો હતો અને મધ્યાહ્નનો તડકો સુક્કી ધરતી પર પછડાઈને ક્ષારની સફેદીથી છવાયેલી બંજર જમીન પર જળની ભ્રમણા સર્જતો હતો. ત્વરિતે ફાતીમાના ખોળામાં પડેલી પાણીની બોટલ ઊઠાવીને એક ઘૂંટડો ભર્યો અને ગળુ ભીનું કર્યું.

'અભી કિત્તા દૂર હૈ?' કંટાળેલી ફાતિમાને હવે રણનો કોઈ સ્વાદ રહ્યો ન હતો અને વહેલી તકે બિકાનેર ભેગા થવાની ઉતાવળ જાગી હતી.

'રાસ્તા ઐસા હી રહા તો બસ...' ત્વરિતે જીપીએસ ચેક કરીને કહ્યું, 'આધા ઘંટા લગેગા...'

થોડી-થોડી વારે તેને કોઈક વાહનની ઘરઘરાટી જેવો અવાજ સંભળાતો હતો અને તે ચોંકીને આજુબાજુ તેમજ રિઅર વ્યુ મિરરમાં ચેક કરી લેતો હતો. ઘડીકમાં તેને રેતીના ઢુવાઓ પર કશીક હલનચલન થતી લાગતી હતી. રેગિસ્તાનની વેરાની આંખોમાં આવી અનેક ભ્રમણા સર્જે છે એવું ત્વરિતે સાંભળ્યું હતું પણ આ ભ્રમણા હતી કે નહિ એ તે નક્કી ન્હોતો કરી શકતો.

આ બધી અવઢવ વચ્ચે અચાનક સડકની ડાબી તરફથી ઊંટ ભાંભરવાનો આછકલો અવાજ તેને સંભળાયો. એ ખરેખર ઊંટનો અવાજ હતો કે તેનો વધુ એક ભ્રમ? આવી વેરાન જગ્યાએ ભરબપોરે ઊંટ લઈને કોઈ શા માટે રખડતું હોઈ શકે? રણની જિંદગીથી બેખબર ત્વરિત ફરી અવઢવમાં મૂકાયો. તેણે ગાડીની સ્પિડ તદ્દન ઘટાડી દીધી પણ તોય જૂના મોડેલની વિલિઝનું એન્જિન હજુ એવી જ ઘરઘરાટી કરી રહ્યું હતું.

'બાયનોક્યુલર દે...' ત્વરિતે ફાતિમા તરફ હાથ લંબાવ્યો પણ બાયનોક્યુલર આંખે માંડવાની તેને જરૃર ન પડી. એક ઊંટસવાર રેતના આછકલા ઢૂવા પાર કરીને સડકની આ તરફ આવી રહ્યો હતો. ઘડીક તેણે ઊંટને મલપતી ચાલે નીચે ઉતરવા દીધું. પછી તંગ કસીને ઝાટકો માર્યો એ સાથે હળવો ભાંભરોટો નાંખીને ઊંટે ગરદન જમણી તરફ મરડી. ધનુષની જેમ તેની વિશાળ, બેડોળ કાયા તંગ થઈ અને આંખના પલકારામાં ઊંટે દિશા બદલી નાંખી.

'અરે...' ઊંટસવારે જે ત્વરાથી દિશા બદલી એથી ત્વરિત બરાબર વહેમાયો. 'તેણે મને જોઈને અચાનક દિશા કેમ બદલી?'

જીપને એ ઊંટસવારની દિશામાં ઢૂવા પર ચડાવવી કે પોતે નીચે ઉતરીને એ દિશામાં ધસી જવું? અવઢવમાં મૂકાયેલા ત્વરિતથી અભાનપણે જ જમણા પડખે ખોસેલી ગન પર હાથ મૂકાઈ ગયો. તેણે ગાડીનું એન્જિન રાઉસ કરીને સ્ટિઅરિંગ જમણી તરફ વાળ્યું એ જ વખતે ફરીથી એ ઊંટસવાર રેતીના ઢૂવા પાછળથી પ્રગટયો.

હવે ત્વરિત બરાબર તૈયાર હતો. ગિયર ન્યુટ્રલ કરીને ચાલુ એન્જિને તેણે જીપમાંથી નીચે છલાંગ મારી અને હવામાં હાથ લહેરાવીને મોટેથી બૂમ પાડી દીધી, 'અરે ઓ ભાઈસા'બ...'

તેની બૂમથી ઊંટસવારનું ધ્યાન ખેંચાયું. તેણે ફરીથી તંગ કસ્યો એ સાથે ચકરાવા લેતું ઊંટ સ્થિર થયું. ત્વરિતે તેને નીચે આવવા ઈશારો કર્યો એટલે ઊંટના પડખામાં બૂટની એડી ભોંકીને સવારે ઊંટ નીચે ઉતાર્યું.

એ સાવ નજીક આવી ગયો. કાળા ચહેરા પર કાબરચિતરી ભરાવદાર મૂછો, ઝીણી આંખો, માથા પર જેમતેમ વિંટેલો ભૂરા રંગનો મેલો ફેંટો, પીળાશ પડતા સફેદ રંગનું ખમીસ, સાંકડી મોરીનો પાયજામો... ત્વરિતે એક જ નજરમાં તેને આવરી લીધો.

'કા હૈ? મંદિર જાના હૈ ના?' અહીંથી પસાર થતા કાફલા માટે મંદિર સિવાય બીજી કોઈ દિશા ન હતી એટલે ત્વરિતે ય તેને નિરખવાનું જારી રાખીને હકારમાં ડોકું હલાવી દીધું.

'આ જ રસ્તા પર આગળ જાવ...' એ આદમીએ ઊંટ પર બેઠા બેઠા જ સડક ભણી હાથ લંબાવ્યો, 'આગળ વચ્ચેના ઢૂવા પાસેથી ત્રણ ફાંટા પડશે એમાં બીજા ફાંટા પર સીધા જશો એટલે મંદિર આવશે.'

હજુ ય ત્વરિત હટતો ન હતો એટલે ઊંટસવારે ફરીથી પૂછ્યું, 'ઠીક હૈ?'

'હા... ઠીક હૈ... શુક્રિયા મહેરબાન..'

ત્વરિતે તેનો ચહેરો નજરમાં આંજી લીધો હતો. હવે વધુ વાત કરવાનું કોઈ કારણ રહેતું ન હતું. એ ફરીથી જીપમાં ગોઠવાયો અને ગાડી આગળ હંકારી.

કોણ હશે આ આદમી? બોલચાલ અને પહેરવેશ પરથી તો લોકલ જ લાગતો હતો. ત્વરિતના મગજમાં પ્રશ્નો ફૂંકાઈ રહ્યા હતા. પણ એમ તો પોતે ય કોઈકને ચરવાહા રાજપૂત જ લાગતો હતો ને? તો શું એ દુબળી હશે? ભરબપોરે આમ વેરાન, ઉજ્જડ ઢુવા પર અકારણ કોઈ ઊંટના આવા દાવપેચ શા માટે કરે? અકળાયેલા ત્વરિતે માથું ધૂણાવી નાંખ્યું.

રણમાં ઘૂમતો કાફલો સતત ઝાંઝવાની ભ્રમણાથી આથડતો રહે. અહીં ત્વરિત સતત દરેક ચહેરામાં દુબળીને શોધવાની છલનાથી બ્હાવરો બન્યો હતો. રેતીના મધ્યમ કદના આઠ-દસ ઢૂવા સડકની બંને તરફ પથરાયેલા વર્તાતા હતા. રણમાં અંતરનો ક્યાસ કેવો છેતરામણો હોય છે તેનો ત્વરિતને અહેસાસ થવા માંડયો હતો. જે ઢૂવા સાવ નજર સામે અને ચંદ મિનિટના ફાંસલે હોવાનું લાગે એ જ જગ્યા સુધી પહોંચતા ધારણાથી અનેકગણી વાર લાગતી હતી.

હવે સામેના ઢૂવા પાછળથી એક વાહન આવી રહ્યું હોવાનું તેને કળાયું. ત્વરિતે પહેલાં તો એક્સલરેટર સ્હેજ વધારે દબાવીને જીપ ભગાવી. હવે અંતર ખાસ્સું ઘટયું હતું અને એ વાહન સ્પષ્ટ પારખી શકાતું હતું.

ઠાંસોઠાંસ ભરેલી એ મહિન્દ્રા કમાન્ડર જીપ હતી. આવી કોઈ ગાડીમાં દુબળી હશે? તે ફરીથી ચૌકન્નો બન્યો અને જીપને સડકની ધાર પર એવી રીતે ઊભી રાખી કે સામેથી આવી રહેલી ગાડીએ ફરજિયાત સ્પિડ ઘટાડવી જ પડે.

જીપ સાવ લગોલગ આવી ગઈ. અંદર હકડેઠઠ દેહાતી યાત્રાળુઓ બેઠા હતા. ડ્રાઈવરે અને બીજા એક-બે મુસાફરોએ તેની સામે ધ્યાનથી જોયું. અહીં આ સુમસામ સડક પર માંડ ચહેરા જોવા મળતાં હોય ત્યાં દેખાતો પ્રત્યેક ચહેરો પોતીકો જ લાગતો હોય.

જીપમાંથી દેખાતા દરેક મોંઢાને ત્વરિત નીરખી રહ્યો હતો ત્યાં ડ્રાઈવરે તેની સામે હાથ હલાવીને દોસ્તાના સ્મિત વેર્યું અને જોરથી કહી દીધું, 'બોલો કેશાવલી માત કી...' અંદર ખડકાયેલું ટોળું જાણે રાહ જોઈને જ બેઠું હોય તેમ જવાબ વળ્યો, 'જય...'

ત્વરિતે ય એ જયકારમાં સૂર પૂરાવ્યો અને ઓજપાયેલા ચહેરે જીપ ફરી ભગાવી. લગાતાર પોણી કલાકના ડ્રાઈવિંગ પછી હવે એ પેલા ઊંટસવારે ચિંધેલા ઢૂવાઓ પાસે આવી ગયો હતો. તેણે વચ્ચેનો ફાંટો કહ્યો હતો પણ અહીં તો દરેક ફાંટો થોડોક આગળ જઈને સાવ નાનકડી એવી બે-ત્રણ કેડીમાં ફંટાતો હતો. મુંઝાયેલા ત્વરિતે ઘડીક ગાડી થંભાવી અને પછી નિર્ણય લીધો. વચ્ચેના ફાંટાની સાવ વચ્ચેની કેડી પર તેણે ગાડી આગળ ધપાવી.

'રૃકો રૃકો રૃકો...' એ સતત દુબળીના, છપ્પનના, મંદિરના અને મૂર્તિના વિચાર કરી રહ્યો હતો ત્યારે ફાતિમાએ તેની તંદ્રા તોડી, 'ઉધર કોઈ આદમી કુછ કહ રહા હૈ...'

ફાતિમાએ ચિંધેલી દિશામાં જીપની જમણી બાજુએ સ્હેજ પાછળ ઢુવા પરથી ઉતરતો એક ઊંટસવાર હાથમાં લાલ રંગનો ગમછો લહેરાવીને તેમને કશુંક કહી રહ્યો હતો. ચોંકેલો ત્વરિત ગાડીમાંથી નીચે ઉતર્યો.

'મંદિર જા રિયે હો?' સડક સુધી પહોંચતા જ ઊંટસવારે પૂછ્યું.

'હા..' તેને નિરખવામાં પરોવાયેલા ત્વરિતે જવાબ વાળ્યો.

'તો મહેરબાન ઈહા કા કર રિયે હો? ઈ રાસ્તા તો સીધા થર મેં લે ચલેગા. ડેઢ ઘંટે બાદ તોહાર યે ઘરઘરિયા કે પહિયે ભી રૃક જાવેંગે ઔર પાની કી બુંદ કે લિયે ભી તરસોગે..' એ આદમી ઠપકાના સૂરમાં ચેતવી રહ્યો હતો.

'અરે...' ત્વરિતે દૂર ક્ષિતિજમાં દેખાતા મંદિરની સાવ આછેરી દેખાતી લાલ ધજા ભણી આંગળી ચિંધી, 'સામને હી તો મંદિર દિખતા હૈ...'

'મહેરબાન ઈ રેગિસ્તાન હૈ. ઈહાં જો સામને દિખતા હૈ વો હોતા નહિ હૈ...' તે ઉપહાસભર્યું હસ્યો અને બીજી કેડી તરફ હાથ ચિંધ્યો, 'ઉ રાસ્તે પે ચલે જાવ... આધે ઘંટે મેં મંદિર પહોંચ જાઓગે..'

ત્વરિતે એ ઊંટસવારનો આભાર માનીને ગાડી રિવર્સ વાળી ત્યારે તેને ખબર ન હતી કે તેની તકદીર પણ રિવર્સમાં ચાલી રહી છે.

એ જ્યાંથી પાછો ફર્યો હતો તેનાંથી પંદર-વીસ ઢૂવાના અંતરે ગાર-માટીના ભૂંગામાં લપાઈને બેઠેલા આતંકવાદીઓ પાવરફુલ બાયનોક્યુલર વડે ખુન્નસભરી આંખે તેને નિરખી રહ્યા હતા.

ત્વરિતને એ ય ખબર ન હતી કે તેની જીપથી ખાસ્સો પાછળ બીએસએફનો આદમી મોટરસાઈકલ પર તેનો પીછો કરતો આવી રહ્યો હતો. ત્વરિત કોણ હતો તેની કોઈને ખબર ન હતી. કોઈને તેની અસલિયત જાણવાની પરવા ય ન હતી, પણ મોટરસાઈકલ પર પાછળ આવતો આદમી બીએસએફનો માણસ હોવાનું આતંકવાદી પારખી ચૂક્યા હતા.

***

અડધા કલાક પછી...

ઢુવાઓની હારમાળા પસાર કરીને ખુબરા તરફ ઢાળ ઉતરતી કેડી પર વિલિઝ દોડી રહી હતી. બંને તરફ હારબંધ પથરાયેલા ઢુવાઓ વચ્ચે વિશાળ કદના ચોસલા જેવો આ નૈસર્ગિક ખુબરો, ખુબરાની વચ્ચે ક્યાંક ક્યાંક સતત ઊઠતો રહેતો વંટોળિયો, વંટોળિયાના ચક્રાવાતમાં ઘૂમરાતી ઝીણી, બારિક રેતનો ધૂળિયા રંગનો અર્ધ પારદર્શક પડદો અને એ પડદા પાછળથી વર્તાતો એક શિખરબંધ મંદિરનો ઝાંખોપાંખો અણસાર...

એ કેશાવલી માતાનું મંદિર હતું. કુદરતની આ તમામ વિપદાઓ વચ્ચે ય આશરે દોઢ હજાર વર્ષથી અડીખમ ઊભેલું, હજારો ચરવાહા રાજપૂતોનું એ શ્રદ્ધાકેન્દ્ર...

ફાતિમા અને ચંદાની આંખમાં તીવ્રપણે હાશકારો છલકાતો હતો પણ ત્વરિતના ચહેરા પર અજંપો બેવડાયો હતો. હવે જ તો ખરાખરીના ખેલની શરૃઆત થતી હતી.

મંદિર અને સામેની છત્રી પાસે બેઠેલા બાર-પંદર યાત્રાળુઓનું ટોળું તેને દૂરથી જ દેખાઈ રહ્યું હતું. છાતીના પાટિયા ભીંસી દે તેવા સન્નાટા અને વેગીલા, ગરમ પવનના સિસકારા જેવા અવાજ વચ્ચે વાહનને આવતું જોઈને મંદિરના પગથિયે, પરસાળમાં અને છત્રી પાસે બેઠેલા યાત્રાળુઓનું ધ્યાન ખેંચાયું.

મંદિરના પગથિયે ટોળા વચ્ચે બેસીને બીડી ફૂંકી રહેલો એક દેહાતી આદમી ખડો થયો. માથા પર બાંધેલો ચાંદલિયો ફેંટો તેણે કસ્યો અને મંદિરથી લગભગ દોઢસો મીટર દૂરની છત્રી તરફ ચાલતો થયો.

પગથિયા પર બેઠેલો બીજો ય એક આદમી ઊભો થયો અને મંદિરની પછીત તરફ ગયો.

એ બે પૈકી એક છપ્પનસિંઘ હતો અને બીજો બીએસએફનો આદમી હતો.

(ક્રમશઃ)

Rate & Review

neepa karia

neepa karia 4 weeks ago

Sandip Saroj

Sandip Saroj 1 month ago

Hina Thakkar

Hina Thakkar 4 months ago

Bhavesh Tanna

Bhavesh Tanna 7 months ago

nihi honey

nihi honey 10 months ago