Once Upon a Time - 22 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 22

વન્સ અપોન અ ટાઈમ - 22

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ – 22

‘દેખ, ઈસ કા બદલા હમ સાથ મિલ કે લેંગે.’

દાઉદ ઈબ્રાહીમ બડા રાજનના જમણા હાથ સમા રાજેન્દ્ર નિખાલજેને કહી રહ્યો હતો. રાજેન્દ્ર નિખાલજેને બડા રાજનની ગેંગમાં બધા છોટા રાજન તરીકે ઓળખતા હતા અને પઠાણ ગૅંન્ગે બડા રાજનનું કોર્ટમાં ખૂન કરાવી નાખ્યું એ પછી છોટા રાજને બડા રાજન ગેંગનું સુકાન સંભાળી લીધું હતું.

બડા રાજને દાઉદ પાસેથી સુપારી લઈને શબ્બીરના ખુનનો બદલો લેવા મુંબઈની સેશન્સ કોર્ટમાં જ અમીરજાદાની હત્યા કરાવી એના કારણે અમીરજાદાના ભાઈ આલમઝેબ અને દોસ્ત સમદ ખાને બડા રાજનને મરાવી નાખ્યો હતો. બડા રાજનની હત્યાને કારણે દાઉદ અને બડા રાજન ગેંગનો નવો સુકાની છોટા રાજન નજીક આવી ગયા હતાં.

દાઉદ અને છોટા રાજન એ દિવસે કલાકો સુધી વાતો કરતા રહ્યા અને બંને છુટા પડ્યા ત્યારે એમની વચ્ચે ગાઢ દોસ્તી બંધાઈ ચૂકી હતી.

***

‘ખલીલ સામાન તૈયાર કર, કલ સુબહ કા ફાઈનલ હૈ.’

સમદ ખાને એના વિશ્વાસુ સાથીદાર ખલીલને કહ્યું.

‘કલ સુબહ તો હમ....’

ખલીલે સમદને યાદ અપાવવાની કોશિશ કરી પણ સમદે એને અટકાવ્યો, ‘હાં, યાદ હૈ મુઝે, હમ વહાં સે સીધા નિકલ જાયેંગે. તું સબ તૈયારી કર લે.’

‘ઠીક હૈ, સમદભાઈ.’ ખલીલે કહ્યું અને સમદની રજા લીધી.

***

‘ભાઈ, આજ રાત કો વો પક્કા ઉસકો મિલને જા રહા હૈ.’ દાઉદને એનો એક માણસ માહિતી આપી રહ્યો હતો.

‘કિતને બજે? કહાં?’ દાઉદે એક સાથે બે સવાલ પૂછી નાખ્યા.

એના માણસે એને સમય અને જગ્યાની માહિતી આપી એટલે દાઉદે એની આદત પ્રમાણે એને પૂછી લીધું, ‘પક્કી ઇન્ફર્મેશન હૈ ?’

‘હાં ભાઈ, બિલકુલ પક્કી ઇન્ફર્મેશન હૈ.’ જવાબ મળ્યો.

‘ઠીક હૈ, એક કામ કર....’ દાઉદ એને સમજાવવા માંડ્યો.

***

‘ટેક્સી...’

મુંબઈના નોવેલ્ટી થિયેટર પાસે ઊભેલા સમદે બૂમ પાડી. ટેક્સી ડ્રાઈવરે એની સામે જોયું જ ન હોય એ રીતે ટેક્સી મારી મૂકી. સમદ એની ઈમ્પોર્ટેડ કારમાં એકલો જ ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે એની કાર રસ્તામાં બગડી ગઈ હતી, એટલે એ ટેક્સી અટકાવવાની બૂમ પાડી રહ્યો હતો, પણ કોઈ ટેક્સી ઊભી રહેતી નહોતી. સમદ નોવેલ્ટી થિયેટરથી થોડે દૂર ગ્રાન્ટ રોડની અગિયારી લેનમાં ‘તાહેર મંઝિલ’ બિલ્ડિંગમાં રહેતો હતો. સમદને ટેક્સીમાં લઈ જઈને ક્યાંક ‘આવ પાણા પગ ઉપર’ જેવી સ્થિતિ સર્જાય એવા ડરથી કોઈ ટેક્સી ડ્રાઈવર ટેક્સી ઊભી રાખતો નહોતો. સમદ સામે જોયું ન હોય તે રીતે ટેક્સી ડ્રાઈવરો ટેક્સી હંકારી જતા હતા. એથી સમદ અકળાયો હતો ત્યાં એક ટેક્સી પાસે આવીને ઊભી રહી.

એમઆરકે-૫૩૧૫ નંબરની ટેક્સીમાં સમદ ગોઠવાયો. ટેક્સી ડ્રાઈવર અલીખાનને એણે કહ્યું, ‘હું ઘણાં સમયથી અહીં ઊભો હતો પણ ટેક્સી ડ્રાઈવર મને લઈ જવા રાજી નહોતો.’ થોડીવાર પછી સમદ જયારે ટેક્સીમાંથી ઉતરી રહ્યો હતો ત્યારે ટેક્સી ડ્રાઈવરે સમદ પાસેથી ટેક્સીના ભાડાના પૈસા લીધા નહીં. સમદે એને કહ્યું કે ‘તારે કંઈ પણ મુશ્કેલી હોય તો મારી પાસે બેધડક આવજે.’

‘પણ તમે મને ઓળખી જશો?’ ટેક્સી ડ્રાઈવરે પૂછ્યું.

સમદે ફટ દઈને શર્ટના ખિસ્સામાંથી પેન કાઢીને એ ટેક્સી ડ્રાઈવરના હાથમાં પકડાવી દેતા કહ્યું, ‘હું તને ન ઓળખું તો આ પેન મને બતાવજે એટલે મને તારી મુલાકાત યાદ આવી જશે.’

ટેક્સી ડ્રાઈવર કંઈક અહોભાવથી સમદ ખાનને જોતો રહી ગયો હતો.

ટેક્સી ડ્રાઈવર સાથે અત્યંત સરળ રીતે વાત કરી રહેલો સમદ થોડીવાર પછી પોતાના રાઈટ હેન્ડ સમા ખલીલ મહમ્મદને એક ‘મિશન’ માટે સૂચના આપવા જઈ રહ્યો હતો. એ અરસામાં ખલીલ મહમ્મદ અપવાદરૂપ કિસ્સા બાદ કરતા સમદની સાથે ફરતો હતો. ખલીલ મહમ્મદ પર સમદને આંધળો વિશ્વાસ હતો અને ખલીલ સમદના સિક્યુરિટી ગાર્ડની ફરજ પણ બજાવતો હતો. ખલીલ મહમ્મદે સમદની સૂચનાથી બેગ તૈયાર કરી. બેગમાં એણે એ વખતે માત્ર આર્મીના ઉપયોગ માટે આયાત કરાતા એવા હેન્ડ ગ્રેનેડ સહિત જીવલેણ શસ્ત્રો ભર્યા. મોડી રાતે એ બંને દક્ષિણ મુંબઈમાં વી.પી રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિક્કાનગર વિસ્તાર તરફ રવાના થયા.

મોડી રાતે સિક્કાનગરના ‘ઈ’ બ્લોકમાં ગુજરાતી બિઝનેસમેન અશોક છબીલદાસ શાહના ઘરમાં પ્રવેશતી વખતે સમદના ચહેરા પર થોડો ઉચાટ હતો. શાહના ઘરમાં પ્રવેશતાંવેંત એક યુવતીએ એની સામે સ્મિત કર્યું. એનું નામ સીમા હતું. જોકે એનું સાચું નામ નસરીન હતું. નસરીન અને એની ૪૫ વર્ષીય માતા શમીમ હબીબુલ્લા ખાન સાથે કલાકો સુધી ચર્ચા કર્યા પછી સમદનો ઉચાટ ઓછો થયો. શમીમ ખાન અને એની દીકરી નસરીન ઉર્ફે સીમા મિટીંગ માટે ખાસ ઈન્દોરથી આવ્યાં હતાં. સવારની ફ્લાઈટમાં તેઓ ઈન્દોર પાછા જવાનાં હતાં. સમદ એમને એરપોર્ટ પર મૂકવા જવાનો હતો.

સવારના પાંચ વાગ્યે સમદ ઊભો થયો. શમીમ ખાન અને નસરીન સાથે એ ગુજરાતી બિઝનેસમેન અશોક શાહના ફલેટમાંથી બહાર નીકળ્યો ત્યારે એના ચહેરા પર ખુશી છલકતી હતી. શાહના ફલેટમાંથી બહાર નીકળીને બે ડગલાં ચાલીને એણે લિફ્ટનું બટન દબાવ્યું. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ભણી જઈ રહી હતી ત્યારે પણ સમદ શમીમખાન અને નસરીન સાથે વાત કરી રહ્યો હતો. સમદના કમરપટ્ટામાં અત્યાધુનિક પિસ્તોલ ભરાવેલી હતી અને એની સાથે આવેલા ખલીલના એક હાથમાં સ્ટેનગન અને બીજા હાથમાં હેન્ડ ગ્રેનેડ સહિતના શસ્ત્રો ભરેલી બેગ હતી. સમદ, ખલીલ, શમીમ અને નસરીન લિફ્ટમાંથી બહાર આવીને કોરિડોરમાં ચાલવા માંડ્યા. તેઓ કોરિડોરના સામા છેડે આવે એ અગાઉ જ...’

‘મુંબૈયા અંડરવર્લ્ડમાં સોફિસ્ટિકેટેડ વેપન્સનો ઉપયોગ કરનારાઓમાં સમદ પહેલો હતો....’ પપ્પુ ટકલાએ અચાનક વાતને વળાંક આપતાં કહ્યું. કોઈ સસ્પેન્સ થ્રિલર જોવા બેઠા હોઈએ અને સ્ટોરી જામી હોય ત્યારે આગળ શું બનશે એની ઉત્સુકતા હોય એ વખતે જ આપણા માથા પર ફાલતુ ગીત મારવામાં આવે ત્યારે થાય એવી અનુભૂતિ અમને થઈ. સસ્પેન્સ થ્રિલરમાં સ્ટોરી જામી હોય અને પ્રેક્ષકોના માથે ગીત ઝીંકાય ત્યારે પ્રેક્ષકો દિગ્દર્શકને માટે મનોમન જે ચોપડાવે એવું જ મનોમન ચોપડાવીને અમે પપ્પુ ટકલાની ‘સાઈડ સ્ટોરી’માં ધ્યાન કેન્દ્રિત કર્યું.

(ક્રમશઃ)

Rate & Review

munir anmol

munir anmol 1 day ago

Chhotalal

Chhotalal 1 week ago

Nitesh Shah

Nitesh Shah 3 weeks ago

Nimisha Patel

Nimisha Patel 10 months ago

Hardik Joshi

Hardik Joshi 2 years ago

Ashubhai very good