Once Upon a Time - 25 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 25

વન્સ અપોન અ ટાઈમ - 25

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 25

છોટા રાજનના માણસોએ પોલીસ વૅન આંતરીને એમાં બેઠેલા અબ્દુલ કુંજુ પર હુમલો કર્યો. અબ્દુલ કુંજુના ખભામાં એક ગોળી ઘૂસી ગઈ, પણ એ બચી ગયો હતો. જો કે એ પછી થોડા દિવસો બાદ જ જે. જે. માર્ગ હૉસ્પિટલમાં ‘સારવાર’ માટે ગયેલો અબ્દુલ કુંજુ એક ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે છોટા રાજન ગેંગના એક માણસે વીજળીવેગે રિવોલ્વર કાઢીને એના પર પોલીસની હાજરીમાં જ ગોળીબાર કર્યો.

જો કે ફરીવાર અબ્દુલ કુંજુ નસીબદાર સાબિત થયો. ગોળી એના હાથમાં લાગી અને એ બચી ગયો. એ બંને ઘટના ત્રણ મહિનામાં બની હતી. અકળાયેલા અબ્દુલ કુંજુને લાગ્યું કે પોલીસના કબજામાં પણ પોતાની સલામતીની કોઈ ખાતરી નથી એટલે વકીલોની મદદથી એ જેલ બહાર આવી ગયો.

અબ્દુલ કુંજુ જેલમાંથી બહાર આવ્યો પછી થોડા સમય બાદ એને લાગ્યું કે છોટા રાજને હવે એનો કેડો મૂકી દીધો છે. કુંજુ ફરીવાર પોતાનો ‘ધંધો’ ગોઠવવા વળગી ગયો હતો. કુંજુ છૂટથી ગમે ત્યાં ફરવા લાગ્યો. પણ એ વખતે તેને અંદાજ સુદ્ધાં નહોતો કે છોટા રાજને જ તેને તેની કલ્પના બહાર જેલમાંથી બહાર આવવાની ફરજ પાડી હતી!

અબ્દુલ કુંજુને લાગ્યું કે હવે જોખમ ટળી ગયું છે. તે ફરી અગાઉની જેમ બિન્ધાસ્ત બનીને ફરવા લાગ્યો. ૧૯૮૫માં મે મહિનાની ચોથી તારીખે તે સાંજના છ વાગ્યે એક સ્થાનિક હોકી મેચ જોવા ગયો. તે હોકી મેચ જોવાની મજા માણી રહ્યો હતો એ વખતે સાંજના પોણા સાત વાગ્યે છોટા રાજનના માણસો ત્યાં પહોંચી ગયા. એમણે અબ્દુલ કુંજુના શરીરમાં અડધો ડઝન ગોળી ધરબી દીધી અને એટલું ઓછું હોય એમ છરા અને ચોપરથી એને વેતરી નાખ્યો. આ વખતે અબ્દુલ કુંજુ કોઈ કાળે બચે નહીં એ માટે છોટા રાજને પાકી તૈયારી કરી હતી. અબ્દુલ કુંજુના મોત સાથે ચેમ્બુરમાં છોટા રાજનના નામનો ડંકો વાગી ગયો હતો. અબ્દુલ કુંજુની હત્યાને કારણે દાઉદને પણ બડા રાજનના આ શિષ્ય રાજેન્દ્ર નિખાલજે ઉર્ફે છોટા રાજનમાં વધુ રસ પડ્યો હતો. એને છોટા રાજનમાં ‘ટેલેન્ટ’ દેખાઈ હતી.

***

બ્લેક લેબલના ત્રણ લાર્જ પેગ પેટમાં ગયા પછી પપ્પુ ટકલા મૂડમાં આવી ગયો હતો. આમ પણ બે પેગ પીધા પછી જ તે ‘નોર્મલ’ થતો હત એવું એની સાથેની આટલી મુલાકાતો પછી અમને સમજાઈ ગયું હતું. ફાઈવફાઈવફાઈવનું ઠૂંઠું એશ-ટ્રેમાં નાખતા અચાનક એને હસવું આવ્યું, પણ તરત જ હસવાનું ખાળીને અમારી સામે જોતાં એણે પૂછ્યું, ‘આવી સતત ખૂનખરાબાની વાતોમાં તમારા વાચકોને રસ પડશે ખરો?’

અમે એના સવાલનો જવાબ આપીએ એ પહેલાં જ એણે એની સ્ટાઈલ પ્રમાણે અમારો જવાબ સાંભળ્યા વિના જ આગળ વાત ધપાવતા કહ્યું, ‘મારો એક ફ્રેન્ડ ટીવી સિરિયલ પ્રોડ્યુસર છે. મેં એને વર્ષો અગાઉ મુંબૈયા અંડરવર્લ્ડની ગૅન્ગવોર પર ટીવી સિરિયલ બનાવવાનું સૂચન કર્યું હતું, પણ એ વખતે એણે મને કહ્યું હતું કે દર્શકોને એકધારી મારધાડની કથામાં બહુ રસ નહીં પડે. ટીવી સિરિયલમાં તો સસ્પેન્સ, સેક્સ અને સોશિયલ એંગલ સાથે રોમેન્સ ઠાંસીઠાંસીને ભરીએ તો સિરિયલનું પ્રસારણ પ્રાઈમ ટાઈમ દરમિયાન થાય અને દર્શકો પણ એવી સિરિયલ શરૂ થતાં અગાઉ ઈડિયટ બોક્સની સામે ગોઠવાઈ જાય. જો કે હું એ પ્રોડ્યુસર મિત્રની સાથે સહમત થયો નહોતો. પણ એક વાત મારા ગળે ઉતરી ગઈ હતી કે કોઈ પણ સ્ટોરીમાં સેક્સ, રોમેન્સ અને સસ્પેન્સ ઉમેરાય તો એ સ્ટોરી વધુ રસપ્રદ બને.’ આ પૂર્વભૂમિકા બાંધીને પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને કોઈ નવલકથાકારની સ્ટાઈલથી વાત માંડી, ‘ડિસેમ્બર મહિનાની એક સમી સાંજે સુરતના રાંદેર વિસ્તારના એક ફ્લેટમાં ગુલાબી માહોલ જામ્યો હતો...’

આ અચાનક સુરત ક્યાંથી ટપકી પડ્યું, એવું પૂછવાની ઈચ્છા અમે મનમાં જ દબાવી દીધી. એ દરમિયાન પપ્પુ ટકલાએ ફ્લેશબૅકનું ગતકડું અજમાવી દીધું હતું: ’29 ડિસેમ્બર, 1985ની રાતે રાંદેર વિસ્તારના ફ્લેટમાં એક યુવાન એક રુપાળી-અનાવ્રુત્ત યુવતી સાથે છેડછાડ કરી રહ્યો હતો. પેલી યુવતી પણ શરારતી નખરાથી એને વધુ ઉત્તેજિત કરી રહી હતી. શિયાળાની ઠંડીમાં આવો સુંવાળો સહવાસ માણવામાં મગ્ન બની ગયેલો યુવાન એ યુવતીના સેક્સી નગ્ન દેહ સિવાય બાકી બધું ભૂલી ગયો હતો. એ વખતે જ અચાનક ફ્લેટની ડોરબેલ રણકી ઊઠી. યુવાન પહેલાં તો અકળાયો, તે એક ગંદી ગાળ બોલ્યો, પણ પછી એના ચહેરા પર ઉચાટની લાગણી છવાઈ. એણે યુવતીને પોતાના શરીરથી અળગી કરીને ફટાફટ કપડાં પહેર્યાં.

એ દરમિયાન બહારથી કોઈએ દરવાજો ખખડાવવાનું શરૂ કરી દીધું હતું. હવે યુવાનના ચહેરા પર ઉચાટના સ્થાને ભયની લાગણી છવાઈ ગઈ હતી. થોડી ક્ષણો પહેલાં એ સ્વર્ગમાં વિહારી રહ્યો હોય એવી અનુભૂતિ કરી રહ્યો હતો, પણ અત્યારે એના દિમાગમાંથી એ તમામ વિચારો ખંખેરાઈ ગયા હતા. એણે પોતાની ઈમ્પોર્ટેડ પિસ્તોલ ચેક કરી અને એક હાથમાં પિસ્તોલ પકડીને બીજા હાથે ફલેટનો દરવાજો ખોલ્યો. એ સાથે એ સડક થઈ ગયો. ફ્લેટના દરવાજા બહાર પોલીસ ટીમ ઊભી હતી.

પોલીસને જોઈને એ યુવાનને ભારે આંચકો લાગ્યો, પણ બીજી જ ક્ષણે એણે પોતાની જાતને સંભાળી અને અકલ્પ્ય ઝડપે એણે બહાર ઉભેલી પોલીસ ટીમમાંથી એને પકડવા આગળ આવેલા એક કોન્સ્ટેબલને અંદર ખેંચીને દરવાજો બંધ કરી દીધો. તે કોન્સ્ટેબલે એને પકડવાની કોશિશ કરી, પણ તેને ધક્કો મારીને યુવાને ફ્લેટની બાલકની તરફ દોટ મૂકી. કોન્સ્ટેબલ એની પાછળ દોડ્યો. અકળાયેલા યુવાને એના પર ગોળી છોડી અને બીજી સેકન્ડે કોન્સ્ટેબલ પગ દબાવતો નીચે બેસી પડ્યો. ગોળી એના પગમાં ઘૂસી ગઈ હતી. યુવાન બાલકનીમાંથી નીચે કૂદી પડ્યો. એને અંદાજ નહોતો કે નીચે સિમેન્ટ પાઈપનો ઢગલો હશે. ફલેટમાંથી બાલ્કનીના ગ્રાઉન્ડ ઉપર પડવાની સાથે એનાથી ચીસ પડાઈ ગઈ. એના પગમાં ફ્રેકચર થઇ ગયું હતું એમ છતાં એણે નાસી છૂટવાની કોશિશ કરી, પણ એ યુવાનના પડવાના અવાજથી આજુબાજુના લોકોને ચોર હોવાનો વહેમ પડ્યો. બધા ‘ચોર ચોર’ એવી બૂમો પાડતા એની પાછળ દોડ્યા. દરમિયાન પોલીસ ટીમ પણ નીચે આવી પહોંચી હતી. યુવાને છેલ્લા ઉપાય તરીકે ગોળીબાર શરૂ કર્યો. એની પાછળ દોડી રહેલા તરવરિયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર દશરથ પારધિએ ગોળીનો જવાબ ગોળીથી આપ્તો હતો. ગણતરીની પળોમાં જ એ યુવાને છેલ્લો શ્વાસ લીધો.

એ યુવાનને ગોળીએ દેનારા યુવાન સબ ઈન્સ્પેક્ટર દશરથલાલ પારધીને એ ક્ષણે ખબર નહોતી કે એમણે કોનો શિકાર કર્યો છે’!

(ક્રમશ:)

Rate & Review

munir anmol

munir anmol 1 day ago

Nitesh Shah

Nitesh Shah 3 weeks ago

Santosh Solanki

Santosh Solanki 10 months ago

Nimisha Patel

Nimisha Patel 10 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago