Once Upon a Time - 26 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 26

વન્સ અપોન અ ટાઈમ - 26

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 26

‘સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસની ગોળીથી કમોતે મરેલો એ યુવાન આલમઝેબ હતો, જેના કારણે દાઉદ ઈબ્રાહીમની ઊંઘ હરામ થઇ ગઈ હતી સમદ ખાન, અમીરજાદા અને આલમઝેબે શબ્બીર ઈબ્રાહીમને ખતમ કરવા જે રસ્તો અપનાવ્યો હતો એનું દાઉદે સુરતમાં પુનરાવર્તન કર્યું હતું. જો કે દાઉદે આલમઝેબનું કાસળ કાઢવા માટે બહુ તકલીફ લીધી નહોતી. અમીરજાદા અને સમદ ખાનને પતાવવા માટે દાઉદે પાણીની જેમ પૈસા વેરવા પડ્યા હતા, પણ આલમઝેબને અવ્વલ મંજિલે પહોંચાડવા માટે દાઉદે મામૂલી રકમ ખર્ચવી પડી હતી.

દાઉદના માણસોને ખબર હતી કે આલમઝેબ રંગીન મિજાજનો માણસ છે અને સ્ત્રી એની નબળાઈ છે. આલમઝેબને ફસાવવા માટે દાઉદના માણસોએ વેશ્યાઓની દલાલી કરતી એક મહિલાને પકડી હતી. એ મહિલા આલમઝેબ પાસે યુવતીઓને મોકલતી હતી. એણે આલમઝેબ સાથે ભારતી નામની યુવતીને મોકલી એ સાથે જ દાઉદના માણસોએ એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો હતો. રાંદેરમાં આલમઝેબ જે ફ્લેટમાં ગયો એથી થોડે દૂર છુપાઈને તેઓ વોચ રાખી રહ્યા હતા. આલમઝેબ તે યુવતીને લઈને ફ્લેટમાં ગયો એ સાથે દાઉદના એક માણસે પોલીસને ફોન કરીને માહિતી આપી કે અહીં એક ફ્લેટમાં કોઈ ગુંડો એક યુવતી પર બળાત્કાર કરી રહ્યો છે! પોલીસ સબ ઈન્સ્પેકટર દશરથલાલ પારધી તરત બે કોન્સ્ટેબલને લઈને એ જગ્યાએ પહોંચી ગયા હતા અને ભાગી છુટવાની કોશિશમાં આલમઝેબ માર્યો ગયો હતો. આલમઝેબ જો પોલીસના હાથમાંથી બચી ગયો હોત તો દાઉદના માણસો એને પતાવી દેવા સજ્જ થઈને ઊભા જ હતા...’

નવો પેગ બનાવવા માટે પપ્પુ ટકલા થોડી વાર અટક્યો. એણે ફાઈવફાઈવફાઈવનું ઠૂંઠું એશ-ટ્રેમાં બુઝાવ્યું અને નવી સિગરેટ સળગાવ્યા પછી ઊંડો કશ ખેંચીને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો કાઢ્યો અને ફરી વાત આગળ ધપાવી, ‘આલમઝેબને એન્કાઉન્ટરમાં ઢાળી દેવા માટે દાઉદે ધમકી આપી હતી અને દાઉદે રાંદેર પોલીસને પૈસા આપ્યા હોવાની વાત પણ એ વખતે ફેલાઈ હતી. આલમઝેબના સાથીઓએ રાંદેર પોલીસને ધમકી આપી કે અમે તમારી સામે બદલો લઈશું એટલે રાંદેર પોલીસ સ્ટેશનને વધારાના સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા.

બીજી બાજુ આલમઝેબના કમોતને પગલે અમદાવાદના ડૉન અબ્દુલ લતીફ અને આલમઝેબના અન્ય સાથીદારોનો રોષ ભભૂકી ઉઠ્યો. આલમઝેબના મોતના સમાચાર ફેલાતા જ અમદાવાદના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. દાઉદના સાથીદારો અને અબ્દુલ લતીફ ગેંગ સામસામે આવી ગયા હતા. એ રમખાણોમાં ત્રણ જણાને જીવતા સળગાવી મુકાયા હતા અને છ માણસોને છરીના ઘા મારીને ખતમ કરી દેવાયા હતા અને 40 માણસોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે પહેલાં તો કહ્યું કે પતંગ ચગાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે ઝઘડો થવાને કારણે રમખાણો ફાટી નીકળ્યા હતા, પણ પછી ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીએ કબૂલ્યું હતું કે શહેરના રમખાણો પાછળ ગેંગસ્ટર્સ વચ્ચેની લડાઈ કારણભૂત છે. આલમઝેબના એન્કાઉન્ટરને કારણે ફાટી નીકળેલા તોફાનોને કારણે અમદાવાદમાં કરફ્યુ લાદવો પડ્યો હતો અને પખવાડિયા પછી મામલો થાળે પડ્યો હતો. દાઉદની દુશ્મનીના છાંટા અમદાવાદની પ્રજાને ઊડ્યા હતા. અબ્દુલ લતીફે દાઉદ સામે શિંગડા ભરાવવાની કોશિશ કરી હતી, પણ એનો પનો ટૂંકો પડ્યો હતો. આલમઝેબના મોત પછી થોડા સમય બાદ અબ્દુલ લતીફે દાઉદ સાથેની દુશ્મની છોડીને એની સાથે જોડાઈ જવામાં શાણપણ માન્યું હતું.

આલમઝેબના મોત સાથે દાઉદ ઈબ્રાહીમ મુંબૈયા અંડરવર્લ્ડમાં સૌથી વધુ પાવરફુલ બની ગયો હતો. બીજી તરફ કરીમલાલાની બરાબર માઠી દશા બેઠી હતી. સમદનું ખૂન થઈ ગયું એ પછી ‘પડતા પર પાટુ’ની જેમ મુંબઈ પોલીસે કરીમલાલાને નૅશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ જેલ ભેગો કરી દીધો હતો. અમીરજાદા, સમદ અને આલમઝેબ અલ્લાહને પ્યારા થઈ ગયા હતા અને કરીમલાલા જેલ ભેગો થઈ ગયો હતો. એ સ્થિતિમાં પઠાણ ગેંગ વેરવિખેર થવા માંડી હતી. જો કે કાલિયા એન્થની અને સમદના અન્ય સાથીદારો સંપૂર્ણપણે શાંત બની ગયા નહોતા. એમણે પોતપોતાની રીતે ગોરખધંધા ચાલુ રાખ્યા હતા, પણ આલમઝેબના મોત પછી છ મહિના વીત્યા ત્યાં એ ટોળીને પણ મરણતોલ ફટકો પડ્યો હતો.

8 ઓગસ્ટ, 1986ના દિવસે કાલિયા એન્થની કાલિયાને એક કેસ માટે મુંબઈની સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કાલિયા રીઢો ગુનેગાર હતો. એટલે એની સાથે કોલાબાના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર (જે પાછળથી આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બન્યા હતા) અનીલ તલપડે સહીત અડધો ડઝન પોલીસ કર્મચારીઓ કોર્ટમાં હાજર હતા. કાલિયા એન્થનીનો જેલમાંથી અને કોર્ટમાંથી નાસી છૂટવાનો ભૂતકાળનો રેકોર્ડ જોતાં પોલીસ કોઈ જોખમ ઉઠાવવા નહોતી માગતી, પણ આ વેળા કાલિયાએ ઊંચી છલાંગ લગાવવાની કોશિશ કરી હતી. કાલિયાને છોડાવવા માટે એની ગેંગના ગુંડાઓ શસ્ત્રો સાથે સેશન્સ કોર્ટમાં ધસી આવ્યા હતા. એમણે કાલિયાને લઈને આવેલી પોલીસ ટીમ ઉપર હુમલો કર્યો. એ હુમલામાં સિનિયર ઈન્સ્પેકટર તલપડેને હાથમાં છરી વાગી. કાલિયાએ નાસી છૂટવાની કોશિશ કરી, પણ પોલીસે એના પર ગોળી ચલાવીને એને સેશન્સ કોર્ટમાં જ મારી નાખ્યો. જો કે એને પોલીસ કબજામાંથી છોડાવવા આવેલા બાકીના બધા ગુંડા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.’

‘કાલિયા એન્થનીના એન્કાઉન્ટરમાંથી મુંબઈમાં ભારે વિવાદ સર્જાયો હતો. પોલીસે કાલિયાને નકલી એન્કાઉન્ટરમાં ઉડાવી દીધો હોવાનો આક્ષેપ થયો હતો. અંડરવર્લ્ડમાં તો એવી વાત ફેલાઈ હતી કે પોલીસે દાઉદના ઈશારે જ આલમઝેબ અને પછી કાલિયા એન્થનીને નકલી એન્કાઉન્ટરમાં ઉડાવી દીધા છે. આલમઝેબ અને કાલિયા એન્થની પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા એ પહેલા જ દાઉદ ઈબ્રાહીમ મુંબઈથી નાસી છૂટ્યો હતો. એ દુબઈ ભેગો થઇ ગયો હતો. સમદ ખાન મર્ડર કેસમાં દાઉદ અને નૂરા સહિત અનેક ગુંડાઓની ધરપકડ થઇ હતી. એ વખતે દાઉદ જેવો જામીન પર છૂટ્યો કે એ દુબઈ ભેગો થઇ ગયો હતો. દુબઈમાં બેઠો બેઠો એ મુંબૈયા અંડરવર્લ્ડમાં પોતાનું સામ્રાજ્ય ચલાવવા માંડ્યો હતો.’

‘દાઉદ દુબઈમાં જઈને એકદમ સલામત બની ગયો હતો અને કરીમલાલાની પઠાણ ગેંગને વધુ ને વધુ ફટકા મારી રહ્યો હતો. સમદના મોત પછી કરીમલાલા ઢીલો પડી ગયો. એમાંય આલમઝેબ અને કાલિયા એન્થની પોલીસ એન્કાઉન્ટરમાં મર્યા એ પછી કરીમલાલાની સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ. આફતો આવે છે ત્યારે બટેલિયનમાં આવે છે એ કહેવતની કરીમ લાલાને ખબર નહોતી, પણ તેના પર આફતો એકસામટી આવી પડી હતી. એમાં 9 ડિસેમ્બર, 986ના દિવસે એના પર એવડી મોટી આફત આવી પડી કે તે હચમચી ઊઠ્યો!’

(ક્રમશ:)

Rate & Review

munir anmol

munir anmol 1 day ago

Nitesh Shah

Nitesh Shah 3 weeks ago

Manoj Shah

Manoj Shah 2 months ago

Santosh Solanki

Santosh Solanki 10 months ago

Nimisha Patel

Nimisha Patel 10 months ago