Doctor ni Diary - Season - 2 - 4 in Gujarati Motivational Stories by Sharad Thaker books and stories PDF | ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 4

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 4

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(4)

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે “ગની”,

હોય ના વ્યક્તિ ને એનુ નામ બોલાયા કરે.

પંદર-સતર દિવસ પહેલાંની ઘટના. સિવિલ હોસ્પિટલ. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. તરંગ કદમના પરિવારમાં અમંગળ ઘટનાની એંધાણી ત્રાટકી. પતિ-પત્નિ, બે દીકરીઓ અને વૃધ્ધ માતા ઘેરી નિદ્રાના પ્રગાઢ આશ્ર્લેશમાં પોઢેલા હતા ત્યારે ડો. તરંગભાઇને લાગ્યું કે એમના દેહના ડાબા ભાગમાં કશુંક થઇ રહ્યું છે. જાણે શરીરમાંથી ચૈતન્ય વિદાય લઇ રહ્યું છે! એમણે ચીસ પાડીને પત્નીને જગાડવાનો પ્રયાસ કર્યો. સફળતા ન મળી. ઊભા થવાની કોશિશ કરી. તકલીફ પડી. જમણા ભાગના સહારે માંડ માંડ લડખડતા ઊભા તો થયા; ગળામાંથી લપસતો-સરકતો મંદ સ્વર નીકળ્યો: “મીના.....!”

સવારની મીઠી ઊંઘમાં પોઢેલાં ડો. મીનાબહેનને લાગ્યું કે કોઇ એમને સાદ પાડીને જગાડે છે. આંખો ઊઘાડીને જોયું તો આઘાતજનક દૃશ્ય નજરે ચડ્યું. કાયમનો તંદુરસ્ત, મનદુરસ્ત, ઊછળતો-કૂદતો, હસતો, હસાવતો, બાળકોની સાથે ક્રિકેટ ખેલતો અને કિશોર કુમારના ગીતો ગાતો એમનો પ્રાણપ્યારો પતિ આત્યારે એમની આંખો સામે દયનીય ચહેરા સાથે ઊભો હતો અને લડખડાતા સ્વરમાં કહી રહ્યો હતો: “મીના, મને....જલદી....હાર્ટની હોસ્પિટલમાં લઇ જા.... મને સી.વી.એ. થયો હોય એવું લાગે છે.”

સ્વંય ડોક્ટર હોવાથી મીનાબહેન સમજી ગયા કે આ ક્ષણ ભયંકર કટોકટીની છે; તેમણે પતિનો હાથ ઝાલીને ડ્રોઇંગરૂમના સોફામાં સૂવાડ્યા. પડોશમાં રહેતા ડો. હરિભાઇને બોલાવ્યા. ડો.હરિભાઇએ આવીને બ્લડ પ્રેસર માપ્યું. એ દરમ્યાન મીનાબહેને 108 નંબર પર ફોન કરીને ગાડી બોલાવી લીધી. ગુજરાતની શ્રેષ્ઠ સિમ્સ ઇન્સ્ટિટ્યુટની દિશામાં એક જિંદગી મૃત્યુના જડબામાંથી બચવા માટે દોડી ગઇ.

સિમ્સના આઇ.સી.યુ. માં પેશન્ટ પહોંચે એટલી વારમાં રેડીયોલોજીસ્ટ ડો. હિરેન પટેલ પહોંચી ગયા હતા. ફેમિલિ ફ્રેન્ડ એવા એનેસ્થેટીસ્ટ ડો. દીપક દેસાઇ પણ સાથે જ હતા. તાબડતોબ સીટી. સ્કેન નો રીપોર્ટ કઢાવવામાં આવ્યો. રીપોર્ટ જોઇને ડો.હિરેનભાઇનું મોં પડી ગયું, “મીનાબહેન, ડો.તરંગભાઇને બ્રેઇનની બેઝલ આર્ટરીમાં ખૂબ મોટા કદનું એન્યુરીઝમ છે!!!”

અજ્ઞાન ઘણીવાર આશિર્વાદ રૂપ હોય છે. ડો.મીનબહેન જ્ઞાની હતા એટલે નિદાન સાંભળીને ધ્રૂજી ગયા. તરંગભાઇના દિમાગની અંદર એક જોખમી સ્થાન પર રક્તવાહિનીની દિવાલમાં ફુગ્ગો બની ગયો હતો. એ એટલો મોટો હતો કે દિવાલ ગમે તે ઘડીએ ફાટી શકે તેવી શક્યતા હતી. જો એ ફાટે તો.... સમજો ને કે મગજની અંદર ‘ટીક-ટીક’ કરી રહેલો ટાઇમ બોમ્બ ફાટ્યો! એક જ આછી પાતળી ઉમ્મિદ રહેતી હતી: કોઇ નિષ્ણાત ન્યૂરોસર્જ્યન ઓપરેશન કરીને એ પાતળી દીવાલને ‘રફુ’ કરી આપે! પણ ત્યાં સુધી પહોંચવું એ ખૂબ અઘરું હતું. બે કલાકમાં તો આ વાત વાયુ વેગે શહેરના તબીબી વર્તુળમાં પ્રસરી ગઇ હતી. અમદાવાદના એક થી એક ચડીયાતા કાર્ડિયોલોજીસ્ટ્સ, ન્યૂરોફિઝિશિઅન્સ અને ન્યૂરો સર્જ્યન આવીને દર્દીને તપાસી ગયા હતા; તપાસી રહ્યા હતા.

સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો: “આવું ઓપરેશન માત્ર મુંબઇ ખાતે જ થઇ શકે. અહીં એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ડો. ઉદયને ફોન લગાવો.”

મુંબઇના બાહોશ ન્યૂરો સર્જ્યન ડો. ઉદયનો ફોન જોડવામાં આવ્યો. દર્દી સ્વંય એક નામાંકિત પેથોલોજીસ્ટ છે એ જાણીને ડો. ઉદય પણ તૈયાર થઇ ગયા; પણ એ લાચાર હતા: “અત્યારે હું બાંગ્લાદેશમાં છું. પણ આવતી કાલ સુધીમાં હું મુંબઇ પહોંચુ છું. ઓપરેશન ઇઝ વેરી રીસ્કી. તરંગભાઇની હાલત જરાક સ્થિર થાય એટલે તમે એમને શિફ્ટ કરો.”

તરંગભાઇની હાલત ‘સ્ટેબલ’ થાય ત્યાં સુધી રાહ જોવી પડે તેમ હતું. ચોવીસ કલાક તો ડો. ઉદય આવી પહોંચે એ માટે પણ કાઢવા પડે તેમ હતા. સ્વજનો, સાથી ડોક્ટરો અને મિત્રોનો ધસારો ખાળી ન શકાય તેવો હતો. ડો. તરંગભાઇના મીઠાશભર્યા સ્વભાવની સુગંધ ચોમેરે ફેલાઇ ગઇ હતી. પરિચિતોની આંખોમાં આંસુ હતા અને હોઠો પર પ્રાર્થના હતી.

બપોર સુધી બધું સારું હતું. તરંગભાઇ બોલી શકતા હતા. બધુ જોઇ, સાંભળીને સમજી પણ શકતા હતા. એમની આંખોમાં ઇશ્વર માટેની ફરિયાદ ડોકાતી હતી, “ભગવાન! મને આવું કેમ થયું? હું તો સાવ સારો માણસ બનીને જીવતો આવ્યો છું. મને....? મને....?”

વાત ખરેખર સાચી હતી. ડો. મીનાબહેન કહે છે: “ હી વોઝ ધી બેસ્ટ એઝ એ હસબન્ડ એ મહારાષ્ટ્રિયન અને હું ગુજરાતી. અમે બંને પેથોલોજીમાં સાથે ભણતા હતા. પ્રદેશ અલગ, જ્ઞાતિ અલગ, બે પરિવારોના સંસ્કારો પણ અલગ જ હોય; પણ આટલા વર્ષોના લગ્ન જીવનમાં તરંગે ક્યારેય મારી ઉપર ગુસ્સો કર્યો નથી. ઝગડો કરવાની તો વાત જ ક્યાં રહી?”

બી.જી. મેડિકલ કોલેજના એમના સાથી ડોક્ટરો કહે છે: “હી વોઝ ધી બેસ્ટ એઝ એ પેથોલોજીસ્ટ. અમે જ્યારે કોઇ સ્લાઇડમાં ગૂંચવાઇ જઇએ તો તરત જ એમનો અભિપ્રાય પૂછીએ. ડો. તરંગભાઇનુ નિદાન એટલે પથ્થર પરનો લેખ!”

એમના વિદ્યાર્થીઓ કહે છે: “ તરંગ સર વોઝ ધી બેસ્ટ એઝ એ ટીચર. તેઓ જે ભણાવે એ સીધું દિમાગમાં છપાઇ જાય.” એમના સાળા પણ ડોક્ટર છે. કડી શહેરમાં. તેઓ કહે “જીજાજી અમારા આખા વર્તુળમાં ફેવરિટ હતા. તેઓ તહેવારો ઊજવવાના ખાસ શોખીન. દિવાળી હોય કે ઉતરાયણ; જીજાજી કડીમાં આવી જતા અને એમના આગમન સાથે જ પાંચસો માણસો થનગની ઊઠતા હતા.”

મિત્રો કહે છે: “ તરંગ જેવો મિત્ર મળવો મુશ્કેલ છે. એ ક્યારેય ઉદાસ રહે નહીં અને અમને રહેવા દે નહીં. કિશોર કુમારના ગીતોનો એ પાગલ ચાહક. સાંભળે પણ અને ગાય પણ ખરો!”

દીકરો સ્પંદન એમ.બી.બી.એસ. ના છેલ્લાં વર્ષમાં છે. એ કહે છે: “ પપ્પા વોઝ ધી બેસ્ટ ફાધર વન કેન હેવ! અમારી સાથે તેઓ ક્રિકેટ રમતા, અમને આવાર-નવાર કાંકરિયા, સુંદરવન અને ભાગવત વિદ્યાપીઠ ફરવા લઇ જતા હતા. પ્રકૃતિ પ્રત્યે એમને ખાસ લગાવ હતો. અમારી સાથે એ મિત્રની જેવું જ વર્તન.....”

આવો ઉમદા માણસ જીવન-મૃત્યુ વચ્ચેના તંગ દોરડા પર સંતુલન જાળવવાની મથામણ કરી રહ્યો હતો. બપોરની ચા પીધી ત્યાં સુધી તેઓ સભાન અને સ્વસ્થ રહ્યા. પછી એમણે કહ્યું, “મારા, શરીરનો જમણો હિસ્સો પણ પેરેલાઇઝ થઇ રહ્યો છે...” બીજા દિવસની સવાર સુધીમાં બંને હાથ અને બંને પગ અચેતનના પાશમાં જકડાઇને નિશ્ચેષ્ટ થઇ ગયા. અવાજ પણ ગયો. શ્વાસ લેવાનુ અટકી ગયું. એટલે શ્વાસનળીમાં ટ્યુબ નાખીને ઓક્સિજન આપવાનુ શરૂ કર્યું. હોજરીમાં પણ નળી દ્વારા પ્રવાહી ખોરાક આપવામાં આવ્યો.

ડો. મીનાબહેન ચિંતામાં ડૂબી ગયાં. એમને યાદ આવ્યું કે પતિના એક સહપાઠી ન્યૂજર્સીમાં નામાંકિત ડોક્ટર છે. એમણે ફોન પર સંપર્ક સાધ્યો. મિત્ર તરત બોલી પડ્યો, “ભાભી, ભલે તમે અને હું ક્યારેય મળ્યા નથી, પણ તરંગ મારી સાથે ભણતો હતો. અમે ભાઇઓ જેવા મિત્રો છીએ. શું થઇ ગયું અચાનક? મને બધા રીપોર્ટ્સ સ્કેન કરીને મોકલો. હું એ જોઇને કંઇક ખૂટતું હોય તો જણાવું.” એ પછી ડો. મીનાબહેન સતત એ ન જોયેલા મદદગારની સાથે વોટ્સએપ્પ અને ઇ-મેઇલ્સ દ્વારા સંપર્કમાં રહ્યા.

ત્રીજા દિવસે હાલત વધારે કથળી એટલે શ્વાસનળીમાં ગળાજ ભાગે કાણું પાડવું પડ્યું. (ટ્રેકીયોસ્ટોમી). હીપેરીન તેમજ શક્તિશાળી એન્ટીબાયોટીક્સના ઇન્જેક્શનો તો ચાલુ જ હતા. ચોથા દિવસે તરંગભાઇને તાવ ચડ્યો. ભારે તાવ હતો. એના માટે પણ ઇન્જેક્શનો આપવામાં આવ્યું. ઠંડા પાણીના પોતાં મીનાબહેન જાતે મૂકવા લાગ્યા.

ડો. મીનાબહેન સાવિત્રી બનીને પોતાનાં સત્યવાનને બચાવવા માટે ઝઝૂમતાં હતાં. ચોવીસમાંથી ત્રેવીસ કલાક હોસ્પિટલમાં રહેતાં હતાં. માત્ર એક જ કલાક ઘરે જતાં હતાં. ખાવા-પીવાનું પણ વિસરી ગયાં હતાં. પતિનો જમણો હાથ જે લગ્ન સમયે માંડવામાં અગ્નિની સાક્ષીએ પકડ્યો હતો એ અત્યારે પણ હાથમાં પકડીને બોલતાં રહેતાં હતાં: “ તરંગ, હિંમત હારતો નહીં. મારે તને ઘરે પાછો લઇ જવો છે. બસ, એક વાર તું મૃત્યુના દરવાજેથી પાછો આવી જા! ભલે તું હરતો-ફરતો ન થઇ શકે, ભલે તું પેરેલિસિસનો ભોગ બનીને પથારીમાં પડી રહે, ભલે તું કોઇ કામ ન કરી શકે; પણ હું તને આજીવન સાચવીશ. આખી જિંદગી તારી સેવા કરીશ.....” સાંભળીને તરંગભાઇની આંખો છલકાઇ જતી હતી.

રાતનો સમય. ટી.વી. પર અનુ કપૂરનો ‘ગોલ્ડન એરા’ કાર્યક્રમ પ્રસારીત થઇ રહ્યો હતો. તરંગભાઇ ડોકું ઘૂમાવીને એક ચિતે ગીત માણી રહ્યા હતા. ફિલ્મ ‘અભિમાન’નો અમિતાભ પડદા પર ગાઇ રહ્યો હતો. રૂમમાં કિશોર કુમારની વેદના વિસ્તરી રહી હતી: “ મિત ના મિલા રે મનકા.....” આ શબ્દો બહુ સાંકેતિક સાબિત થયા. ડો. મીનાબહેનનાં મિત પાછા ક્યારેય ન મળવાના હોય એવી ઘટનાના ભાગ રૂપે તરંગભાઇના મગજમાં રહેલા ટાઇમ બોમ્બ ફાટ્યો. બ્રેઇન હેમરેજ થઇ ગયું. તરંગભાઇનુ માથુ સહેજ ઊંચું થઇને ઢળી પડ્યું. બંને હોઠ ખૂલ્લા રહી ગયા. મીનાબહેને તરત આંખો તપાસી. બંને કીકીઓ ‘ડાઇલેટેડ અને ફિક્સ્ડ’ હતી. એમની ચીસ કિશોરકુમારના આવાજમાં ભળી ગઇ: “કોઇ તો મિલનકા.... કરો રે ઉપાય.....” પણ મિત ક્યાં રહ્યો હતો!?!

મીનાબહેન તરત મનને સંભાળી લીધું. હવે રડી-રડીને જીવન પૂરું કરવાનું ન હતું. બંને દીકરાઓ ભાંગી પડે. એ તરત સ્વસ્થ થઇ ગયાં. બાજુનાં રૂમમાં જઇને પથારીમાં આડા પડી ગયા. પતિના આત્માસાથે સંવાદ કરી રહ્યાં. જાણે પતિએ જ એમને કંઇક સૂઝાડ્યું હોય તેમ બહાર આવીને એમણે નિર્ણય જાહેર કર્યો: “ હું તરંગનુ લીવર, બંને કિડનીઓ, હાર્ટ અને આંખો દાનમાં આપવા માગું છું.”

ડો. તરંગભાઇ વેન્ટીલેટર પર હતા; એમને ચાલુ રાખવામાં આવ્યા. કિડની ઇન્સ્ટિટ્યુટમાં ડો. પ્રાંજલ મોદીને જાણ કરવામાં આવી. નેત્રદાનનુ કામ તો તરત જ સંપન્ન થઇ ગયું. હાર્ટના પ્રત્યારોપણ માટે મુંબઇમાં એક દર્દી તૈયાર હતો. પણ તરંગભાઇની એન્જિયોગ્રાફી કરવામાં આવી તો જાણવા મળ્યું કે બ્રેઇનની જેમ હૃદયમાં પણ ગમે ત્યારે ફાટે તેવો ફુગ્ગો હાજર હતો. એ વાત પડતી મૂકવામાં આવી.

મધરાત પછીના સમયે ડો. પ્રાંજલ મોદીની ટીમે બ્રેઇન ડેડ થઇ ચૂકેલું તરંગભાઇનુ શરીર ઓપરેશન ટેબલ પર લીધું. આખી રાત જાગીને ઓપરેશનો કર્યા. ત્રણ દર્દીઓને નવું જીવનદાન મળ્યું. એ પછી જ ડો. તરંગભાઇના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

માત્ર 48 વરસનુ આષુષ્ય ભોગવીને અનંતની યાત્રાએ ઉપડી ગયેલા ડો. તરંગ કદમની શોકસભામાં હજારો માણસો ઉમટી પડ્યા. તરંગભાઇ જિંદગીમાં વધુ વર્ષો ઊમેરવાને બદલે વર્ષોમાં વધુ જિંદગી ઊમેરી ગયા. એવું કહેવાય છે કે ભગવાન જેમને ચાહે છે તે વહેલા મૃત્યુ પામે છે; પણ ડો. તરંગ કદમ એક એવા માનવી હતા જેમને ઇશ્વર પણ પ્રેમ કરતા હતા અને એમના સંપર્કમાં આવેલા તમામ માણસો પણ!

(મુલાકાત સૌજન્ય: ડો. મોક્ષદા એસ. પટેલ)

-----------

Rate & Review

Kashmira

Kashmira 3 months ago

Shilpa Akhawat

Shilpa Akhawat 5 months ago

Saroj Bhagat

Saroj Bhagat 6 months ago

TC

TC 9 months ago

Afzal Saiyad

Afzal Saiyad 9 months ago