64 Summerhill - 27 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 27

64 સમરહિલ - 27

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 27

ફાયરિંગને લીધે જમીનમાંથી મુરમના ગચ્ચા ફેંકાતા હતા અને બોદા અવાજ સાથે રેતીના ઢગલામાં પેસી જતી બુલેટના સનકારાથી વાતાવરણ ગાજી રહ્યું હતું.

'તારી ગન આપ...' છત્રીના ઓટલાને સમાંતરે જેમતેમ દોડીને ત્વરિતે છપ્પનને ઝકઝોર્યો. એકધારી ધણધણાટી વચ્ચે બેમાંથી કોઈને ઊંચું જોવાના ય હોશ ન હતા,

'તારી ગન આપ... હું આ લોકોને ખાળું છું...' છપ્પને લંબાવેલી ગન પર ઝાપટ મારીને ત્વરિતે કહ્યું,
'પગથિયા ઉતરીને ડાબી તરફ પહેલી મૂર્તિ... સૌથી વધુ સાફ થયેલી એ એકમાત્ર મૂર્તિ છે... જા ભાગ જલ્દી...'

એ જ ઘડીએ છત્રી ઓળંગવા અલાદાદ સાવ નજીક પહોંચી રહ્યો. એ કોણ છે અને શા માટે ફાયરિંગ થઈ રહ્યું છે તેની ત્વરિતને ખબર ન હતી પણ અલાદાદને મન તો એ બીએસએફનો જ માણસ હતો. તેણે ઓટલા પર છલાંગ મારતા પહેલાં ત્વરિત ભણી ગન તાકી એ જ વખતે ચોંકેલો ત્વરિત ઓટલાની ધાર પર એક પગ ટેકવીને જંગલી વરૃની માફક ઉછળ્યો હતો અને અલાદાદની ચૌડી છાતીમાં ચાંચવાળા દેહાતી જોડાની ભીષણ લાત ઝિંકી દીધી હતી.

છાતીની બરાબર વચ્ચે અણધારી અને બળકટ લાતનો પ્રહાર ખાઈને અલાદાદ બે-ત્રણ ફૂટ અધ્ધર ફંગોળાઈને ઊંધેકાંધ પટકાયો હતો.

અલાદાદને કોઈકે લાત ઠોકી દીધી એ ઢુવા પર મોરચો માંડીને ઊભેલા આતંકવાદીઓએ પણ જોયું પરંતુ ઓટલાની આડશને લીધે તેમને ત્વરિતનું નિશાન લેવામાં ફાવટ આવે તેમ ન હતી.

હેબતાયેલો છપ્પન ત્વરિતના ઝનૂનને બ્હાવરી આંખે જોતો ભોંયરામાં ભાગ્યો એ જોઈને બીએસએફના જવાને એ દિશામાં ફાયર કર્યું. જવાબમાં ત્વરિતે ઓટલાની આડશમાંથી તેના પર ધડાધડ ચાર રાઉન્ડ ફાયર કરી દીધા. તદ્દન અજાણપણે, માત્ર આત્મરક્ષા માટે સહજતાથી થઈ ગયેલી ત્વરિતની એ ગંભીર ગલતી હતી. ધસમસતા વેગે ખુબરામાં પ્રવેશી રહેલા પરિહારે ય તેને જોઈ લીધો હતો. માઉથપીસ પરથી તેમણે ઓર્ડર કર્યો, 'કોર્ડન ઓલ ધ ટ્રીઓ...'

તેમની સાથેના છ જવાનો બબ્બેની ફાઈલમાં રક્ષણાત્મક મોરચો બનાવીને છત્રી તરફ ધસ્યા. ચાર જણાએ મંદિરના ઊંચા ઓટલા પર પોઝિશન લીધી અને ખુદ વિશ્વનાથ પરિહારે બીએસએફની વિખ્યાત હોમમેઈડ સ્નાઈપર ગન 'વિધ્વંસક' વડે ઢુવાઓ પરથી સ્ટેનગન ધણધણાવી રહેલા આતંકવાદીઓને તિતરબિતર કરવા માંડયા.

પટકાયેલા અલાદાદને પાંસળીમાંથી ભયાનક લવકારા ઉપડી રહ્યા હતા. અલમસ્ત પઠ્ઠા જેવા ત્વરિતે વેગપૂર્વક ઝિંકેલી લાતથી તેની છાતીનું પિંજરૃં હલબલી ગયું હતું અને તોય પેઢીઓથી રેગિસ્તાનનું તમામ બંજરપણું લોહીમાં વહાવતી હબ્બાર નસ્લનો એ ખુર્રાંટ બાશિંદો સ્હેજ પડખું ફરીને ત્વરિત તરફ આડેધડ ગોળીઓ છોડી રહ્યો હતો.

અલાદાદ એક ગોળી છોડે તેના જવાબમાં ચોગાનમાંથી આગળ વધી રહેલા બીએસએફના જવાનો ચચ્ચાર ગોળી વરસાવતા હતા.

- અને ડઘાયેલા ત્વરિતને કશી જ સમજ પડતી ન હતી.

આ શાનું ધમાસાણ છે, કોણ છે આ લોકો, શા માટે બેય પાર્ટી તેના પર જ ફાયરિંગ કરી રહી છે એ કશું જ તેને સમજાતું ન હતું. તેણે પોતાની ગન કાઢી. ઓટલાની આડશમાં લપાઈને એક હાથ અલાદાદની દિશામાં અને બીજો હાથ બીએસએફના કાફલાની તરફ લંબાવીને ધડાકા કરવા માંડયા. તમામ અવઢવ વચ્ચે તેને ફક્ત એટલું સમજાતું હતું કે ભોંયરાની દિશામાં તેણે કોઈને આવવા દેવાના ન હતા.

ત્વરિતે છપ્પનને પરાણે ભોંયરામાં ધકેલ્યો પણ શાતિર છપ્પન આવી ભયાનક સ્થિતિમાં મૂર્તિ ચોરવી કે ન ચોરવી એ વિશે હજુ અવઢવમાં હતો. કોણ કોની સામે અને શા માટે ધડાકા કરે છે એ તેને ય સમજાતું ન હતું પણ આ હાલતમાં મૂર્તિ ઊઠાવ્યા પછી ભાગવું કઈ રીતે એ તે નક્કી ન્હોતો કરી શકતો. જો આજે તે મૂર્તિ ન ઊઠાવી શકે તો પછી ક્યારેય આ તક ન મળી તો? દુબળીનો, વામપંથી મૂર્તિનો ભેદ પણ વણઉકેલ્યો જ રહી ગયો તો?

ખોટા પૂરાવા સાથે અહીં આવવાનો ગુનો, વેપન રાખવાનો ગુનો, ગોળી ચલાવવાનો ગુનો તો એ કરી જ ચૂક્યા હતા એટલે મૂર્તિ ન ચોરે તો ય પકડાયા એટલે ખેલ ખલાસ જ હતો. તો પછી શા માટે જોખમ ન ઊઠાવી લેવું?

'જા ભાગ...' કહીને ત્વરિતે તેને રીતસર હડદોલો માર્યો હતો અને પોતે બેય દિશામાં રીઢા નિશાનબાજની માફક બેખૌફપણે ફાયર કરવા લાગ્યો એ જોઈને છપ્પનની હામ બંધાઈ. મૂર્તિ જોઈને આવેલો ત્વરિત આ સ્થિતિમાં ય હિંમતભેર કામ લઈ રહ્યો છે તો મૂર્તિમાં ચોક્કસ કંઈક ભેદ હશે જ.

ખભા પર થેલો ભરાવી, આંખ મીંચીને તે ઢીંચણમાંથી ઝુકેલી હાલતમાં દોડયો હતો અને સિફતપૂર્વક ભોંયરામાં લપક્યો હતો. ઉપર થઈ રહેલાં ધડાકા-ભડાકાની ગુંજ ભોંયરામાં પ્રવેશીને વધુ બિહામણી સંભળાતી હતી.

ત્વરિતે સાફ કરેલી મૂર્તિ પળવારમાં ઓળખી શકાય તેમ હતી. જિંદગીમાં આટઆટલી મૂર્તિઓ તેણે ચોરી હતી પણ આવી હાલતમાં, આટલી ઉતાવળમાં મૂર્તિ ઊઠાવવાનો આ પહેલો અનુભવ હતો.

તેણે આંખ બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. શરીરના એક-એક સેન્ટિમીટરમાંથી વછૂટતી ભય અને ઉશ્કેરાટની કંપારી વચ્ચે ય બંધ આંખોની ભીતર તેનો બાપ ગૂંગાસિંઘ મલકી રહ્યો હતો. તેણે આંખો ખોલી શરીરને તંગ કર્યું અને થેલામાંથી લાકડાના જાડા પેચિયા અને હથોડી કાઢ્યા. મરિઝની નાડ તપાસતા તબીબની તલ્લિનતાથી મૂર્તિની દરેક ધાર પર આંગળા ફેરવવા માંડયા. તેના અનુભવી ટેરવાએ બહુ ઝડપથી બે ખાંચા પસંદ કરી લીધા.

સદીઓ જૂની દિવાલો રેગિસ્તાનના ક્ષારને લીધે અંદરથી સાવ ખવાઈ ચૂકી હતી અને માત્ર પથ્થરની મજબૂતી સાથે જડાઈને મૂર્તિ ટકી રહી હતી. દરેક ખૂણે બે-ત્રણ ટકોરા મારીને તેણે પોલાણ પારખી લીધું. એ પોલાણ ફસકી ન પડે તેની કાળજી રાખવાની હતી. ઉપર હજુ ય દર અડધી મિનિટે ફાયરિંગના સૂસવાટા ચાલુ હતા. કોઈક ધડબડ અવાજે દોડી રહ્યું હોય તેવું ય લાગતું હતું.

કાંપતા હાથ પર છપ્પને મહામુસીબતે કાબુ મેળવીને પસંદ કરેલી ખાંચમાં પેચિયાની અણી પેસાડી અને ધડાધડ હથોડી ઠોકવા માંડી. પેચિયાનું ત્રણેક ઈંચ લાંબુ ફણું અંદર પેઠું એટલે તેણે લાપી-ચૂનાની લૂગદી ભરી લીધી. વિરુદ્ધ દિશાની બીજી ધાર પણ એ રીતે ખોતરી કાઢી.

દરમિયાન, વજનદાર ફટકાને લીધે મૂર્તિના મસ્તકના ભાગે પોલાણમાંથી કાંકરી ખરવા લાગી હતી. તેણે ઉતાવળભેર થેલામાંથી રૃનો પેલ કાઢ્યો, એક બોટલમાં ભરેલા સિમેન્ટના જાડા રગડામાં રૃ પલાળીને ફસકી રહેલી ખાંચમાં ગોઠવ્યું અને તળિયે હથોડીના વધુ કેટલાંક ફટકા માર્યા એ સાથે ભખ્ખ્ અવાજ સાથે મૂર્તિ પથ્થરમાંથી ફસકી પડી.

એ જ ઘડીએ ઉપર ધડાકાના એકધારા ભીષણ અવાજ વચ્ચે કોઈકની કારમી ચીસ પડઘાઈ ઊઠી અને ભોંયરાના પગથિયા પર કોઈક ઝીંકાયું હોય એવો અવાજ આવ્યો.

એ સાથે આખું શરીર આડું ધરીને મૂર્તિને ઝીલવા મથી રહેલો છપ્પન પગથી માથા સુધી થરથર કંપી ઊઠયો. સદીઓ જૂના પથ્થરમાંથી કોરેલી એ ભગ્ન મૂર્તિ જાણે તેની સામે મહાઘોર અવાજે અટ્ટહાસ્ય કરી રહી હતી.

કોઈકને ગોળી વાગી હતી, કોઈકની એ મરણચીસ હતી. કોની હતી?

કલ્પના કરીને છપ્પન થથરી ઊઠ્યો.

(ક્રમશઃ)

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 months ago

nihi honey

nihi honey 10 months ago

Parul Bhavsar

Parul Bhavsar 11 months ago

Nitesh Shah

Nitesh Shah 1 year ago

Solanki Maamta

Solanki Maamta 1 year ago