64 Summerhill - 34 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 34

64 સમરહિલ - 34

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 34

છેલ્લી ગોળી છૂટી ત્યારે ખુબરાની ઉજ્જડ, રતુમડી જમીન પર નમતી બપોરનો આછકલો તડકો પડછાયા લંબાવી રહ્યો હતો.

સામેની દિશાએથી ફાયરિંગ બંધ થયા પછી ય કોઈ ચાન્સ લેવા ન માંગતા પરિહારે ત્રણ દિશાએથી ખુન્નસભેર બંદૂકો ધણધણાવી હતી. દરમિયાન ત્રણ રાઈડર્સને ટીંબાનો આંટો ફરીને ઊંચા ઢુવા પરથી હિલચાલ જોવા રવાના કરી દીધા હતા.

બાયનોક્યુલર વડે છત્રીના ઓટલાનો દરેક ખૂણો ચકાસી લીધા પછી રાઈડર્સે ક્લોઝિંગની સાઈન આપી તો પણ પરિહારે પહેલાં એક ફાઈલને ઓટલાની સમાંતરે મોકલી અને બીજી હરોળે અર્ધવર્તુળાકારે ઓટલાને અંગ્રેજી મૂળાક્ષર 'ડી' શેઈપમાં ઘેરીને ખાતરી કરી લીધી.

બધુ મળીને માંડ એકાદ કલાક ચાલેલા જંગમાં આખરે પાકિસ્તાનીઓ પરાસ્ત થયા હતા. છત્રીની આસપાસ બોમ્બ ઉછાળીને નાસી જવાનો તેમનો વ્યુહ પરિહારે ગોઠવેલી ટીંબા તરફની જડબેસલાક નાકાબંધીને લીધે નાકામ નિવડયો હતો. હેન્ડગ્રેનેડની લિમિટથી દૂર રહીને પરિહારના કાફલાએ તેમની દિશામાં ભાગવા મથતા પાકિસ્તાનીઓને ખુલ્લા ખુબરામાં જામેલા સામસામેના જંગમાં ઢાળી દીધા હતા.
ગોળીની ધણધણાટી, હેન્ડગ્રેનેડના કારમા ધડાકા, ઘાયલોની ચીસો અને હમલાવરોની કિલકારીઓમાં કલાક સુધી ધમરોળાયા પછી ખુબરાની બંજર હવાને હવે હાંફ ચડયો હતો.

વિશ્વનાથ પરિહારનો પ્લાન અણધારી ખાનાખરાબી પછી સફળ નીવડયો હતો પણ તેમના પાંચ જવાન માર્યા ગયા હતા અને પરિહાર પોતે તેમજ એ સિવાય બીજા ત્રણ જવાન જખ્મી થયા હતા. ઢુવા પર થયેલા વિસ્ફોટમાં બે ઊંટ મરી ગયા હતા અને ચારને મરણતોલ ઈજા થઈ હતી.

સામા પક્ષે ઉસ્માનના આઠ આદમીઓ માર્યા ગયા હતા. પાંચ બહુ જ બૂરી રીતે ઘવાયા હતા. એક આદમી થોડીઘણી મામૂલી ઈજાઓ સાથે જીવતો ઝડપાયો હતો. જીપ લઈને ભાગેલો એક આદમી (છપ્પન) ઝડપાઈ જ જવો જોઈએ એ વિશે પરિહારને ખાતરી હતી.

જંગ દરમિયાન તેમણે દરેક પોઝિશન પર કેટલાં આદમીઓ છે તેની નોંધ કરી હતી. પોતાને થયેલી ઈજાને ગણકાર્યા વગર તેમણે લાશોની ગિનતી કરાવવા માંડી. ટીંબા પરથી દોડેલા આદમી (અલાદાદ) સહિત ૧૭ થવા જોઈએ. ૯ લાશ, ૫ જખ્મી, એક પકડાયેલો આદમી અને વિલિઝમાં ભાગેલો એક આદમી (છપ્પન)... હજુ ય એક આદમી (ત્વરિત) ખૂટે છે. શું એક આદમી ગમે તેમ કરીને છટકી ગયો હતો?

પરિહારની મુંઝવણ વધી.

હેન્ડ ગ્રેનેડના બેફામ ધડાકા વચ્ચે ઘવાયેલા એક ઊંટને ઢુવાઓ તરફ ભાગતું કોઈકે જોયું હતું પણ ત્યારે ગોળીઓની બૌછાર વછૂટતી હતી અને દરેક દિશાએ દરેક સમયે કંઈક ને કંઈક બનતું હતું એટલે ભાગતા ઘાયલ ઊંટ તરફ ધ્યાન આપવાનું કોઈને પરવડે ય નહિ.

પરિહારે ધારી ન હતી એટલી ખુવારી વેઠવી પડી હતી. મિશનની ગુપ્તતા રાખવા તેમણે લોકલ સ્ટાફને સાવ અંધારામાં રાખ્યો હતો. એ સંજોગોમાં આટલી ખુવારી થાય તેનો જવાબ પણ તેમણે હેડ ક્વાર્ટરને આપવો પડે.

માથું ધૂણાવતા પરિહારને પહેલાં માઠાં સમાચાર ખુબરાથી ચેકપોસ્ટ તરફ ગયેલા કાફલાએ આપ્યા. વિલિઝ જીપમાં ભાગેલો આદમી કોઈક રીતે છટકી ગયો હતો. કસાયેલા છ ઊંટસવારો જીપમાં ભાગતા એક આદમીને ઝડપી ન શક્યા? પરિહારના માથામાં સણકાં ઉપડી આવ્યા પણ ઊંટસવારોની કેફિયત સાંભળીને તેઓ ચોંકી ઊઠયા.

વિલિઝ જીપમાં ભાગેલો આદમી ડેરાબીડ પાસે પહોંચ્યો ત્યારે સામેના ઢુવાઓ પરથી તેના કોઈ ઊંટસવાર સાથીદારે કાફલા પર ફાયર કર્યું હતું.

'તો ગધેડાઓ, તમારી ગન ક્યાં ખોસી હતી *** ?' ગિન્નાયેલા પરિહારનું મગજ હવે ફાટાફાટ થતું હતું.

'અમે ય ફાયર કર્યું પણ એ આદમી રેન્જમાં ન હતો..'

'એ તમારા પર ફાયર કરી શકે અને તમે તેને રેન્જમાં ય ન લઈ શકો? એવી તો કેવી પોઝિશન હતી?'

'તેની પાસે ટેલિસ્કોપિક સ્નાઈપર હતી સર... એ ૮૦૦-૧૦૦૦ મીટર દૂરથી અમને નિશાન બનાવતો હતો...'

જવાનનો જવાબ સાંભળીને પરિહાર થીજી ગયો.

એક આદમી સ્નાઈપર રાઈફલ સાથે ઊંટ પર સવાર થઈને ખુબરાની બહાર તૈનાત હોય એ કલ્પના માત્રથી પરિહાર છળી ઊઠયો હતો. પકડાયેલા વેપન્સની પેટીઓ પર તેમણે અછડતી નજર નાંખી લીધી હતી. સામાન જીવલેણ હતો જ, પણ આટલા સામાનની હિફાઝત માટે આટલા આદમીઓ, આવી રીતે વેરવિખેર થઈને સ્નાઈપર રાઈફલ સાથે મૌજુદ હોય?

કુછ બડા લફડા તો નહિ ના? પરિહારના હોઠ દૃઢતાથી બિડાયા. પકડાયેલા આદમીઓની બરાબર ધોલાઈ કરવા માટે તેમના હાથમાં ખણ ઉપડી રહી હતી પણ એ પહેલાં યાત્રાળુઓની ય વ્યવસ્થા કરવાની હતી. બધાની પૂછપરછ કરીને, આઈડેન્ટીટી ચકાસીને સલામત રવાના કરવાના હતા. હેડ ક્વાર્ટરને રિપોર્ટ કરવાનો હતો અને પછી મીડિયામાં સ્ટોરી પ્લાન્ટ કરવાની હતી.

તેમણે મનોમન બધા જ મુદ્દા ફટાફટ નોંધતા જઈને આદેશો છોડવા માંડયા.

બિકાનેરથી હેલિકોપ્ટર યુનિટ રવાના થઈ ગયું હતું. હવે એ મદદની કોઈ જરૃર ન હતી પણ સાંજ ઢળે એ પહેલાં રેગિસ્તાનમાં છેક એલઓસી સુધી હવાઈ નીરિક્ષણ કરાવીને ભાગેડુઓને તલાશવા જરૃરી હતા. ઘાયલોને પ્રાથમિક સારવાર તો અહીં જ અપાવા માંડી હતી પણ ગંભીર ઈજાઓ થયેલાને બિકાનેર ખસેડવા પડે તેમ હતા.

- અને તેમાં પરિહારનો ય સમાવેશ થતો હતો.

તેમના ડાબા બાવડાં અને પીઠની સ્હેજ ઉપર ગોળી વાગી હતી. માંસપેશીમાં દોઢેક ઈંચનો ગચ્ચો ફાડીને અંદર છેક ખભાના હાડકા નીચે ઘૂસી ગયેલા કારતૂસનો બેરલ પણ બહાર દેખાતો હતો. તેને તાકિદની સારવારની જરૃર હતી પણ મરદનો બચ્ચો પરિહાર મનોમન બેહદ ધૂંધવાઈ રહ્યો હતો એટલે ઈજાને ગણકાર્યા વગર ચોમેર ઘૂમીને પરિસ્થિતિ થાળે પાડી રહ્યો હતો. કડક લશ્કરી તાલીમ અને સળંગ બે દાયકાની એકધારી શિસ્તબધ્ધ જિંદગીને લીધે પરિહાર આ હાલતમાં ય દિમાગ સાબૂત રાખીને એક સાથે અનેક સ્તર પર વિચારી શકતો હતો.

તેના મનમાં બે ગૂંચવણ મુખ્ય હતી. પાકિસ્તાનીઓના કાફલામાં એક આદમી ખૂટતો હતો. જીપ લઈને ભાગેલા આદમીને કોણે સહાય કરી એ ય શોધવાનું હતું.

- પણ એ સિવાય બીજી ય કેટલીક એવી ગૂંચવણો ધીમે ધીમે સામે આવવાની હતી જેનાંથી પરિહારનું માથું ફટકી જવાનું હતું.

સૌથી પહેલી શરૃઆત થઈ યાત્રાળુઓની પૂછપરછથી. કેશાવલીના મંદિરમાં ધકેલાયેલા યાત્રાળુઓ અચાનક મચી ગયેલા કોહરામથી હજુ ય ફફડતા હતા. બીએસએફના જવાનોએ મંદિર ફરતા ફટાફટ બેરિયર્સ ગોઠવીને વચ્ચે યાત્રાળુઓને બેસાડી દીધા હતા અને દરેક યાત્રાળુને એક પછી એક બોલાવીને તેમની અંગઝડતી, સામાનની તલાશ અને ઓળખપત્રોની ચકાસણી આદરી દીધી હતી. યાત્રાળુઓના કાફલા વચ્ચે હેબતાયેલી, રડમસ ચહેરે બેઠેલી ફાતિમા અને ચંદા પૂછપરછના એ પહેલા રાઉન્ડમાં જ ઝલાઈ ગઈ હતી. અનેક ઘાટના પાણી પી ચૂકેલી એ બંને માટે આ આફત જેટલી અણધારી હતી એટલી જ ભયપ્રદ હતી.

તેમની પાસે ઓળખના કોઈ પૂરાવા ન હતા કારણ કે એ બધું ત્વરિત પાસે હતું અને ત્વરિત ગાયબ હતો. પકડાયેલા કે મૃતક એક પણ આદમીમાં તેમણે ત્વરિતને ન ઓળખી બતાવ્યો એટલે બેયની આકરી પૂછપરછ થવા માંડી હતી અને સાવ અકારણ ભેરવાઈ ગયેલી ફાતિમા-ચંદાએ પોપટની જેમ બોલવાનું શરૃ કરી દીધું હતું. બંને સાવ સાચું જ કહી રહી હતી પણ તેનાંથી પરિહાર જબ્બર રીતે ગોટે ચડયો હતો.

એ બંને બજારૃ ઓરત હોય, એક એવા આદમીની સાથે વિલિઝમાં છેક રાજનંદગાંવથી આવે-જેનું તેઓ નામ પણ ન જાણતી હોય, અહીં આવવાનો હેતુ પણ તેમને ખબર ન હોય, એ આદમી બીએસએફના જવાનો પર ગન ચલાવે અને ઢળેલી એકપણ લાશમાં કે જીવતા પકડાયેલાઓમાં એ આદમી ન હોય... એમાં પણ એ બંનેનું બાંગ્લાદેશ કનેક્શન જાણ્યા પછી પરિહારને સ્હેજે ય વિશ્વાસ પડતો ન હતો. તેણે એ બંને ઓરતોને કસ્ટડીમાં રાખવા ઓર્ડર કરી દીધો.

ચેકપોસ્ટ પરથી ફર્સ્ટ એઈડ કિટ્સ આવી અને ઘાયલોની સારવાર શરૃ થઈ. પરિહારનો યુનિફોર્મ ફાડીને બાવડું ખુલ્લું કરાયું. તેની આખી પીઠમાં અને છેક ડાબા હાથના પ્હોંચા સુધી પારાવાર સણકા ઉપડતા હતા. ખભો સૂજી ગયો હતો. પરિહારે દર્દને ગણકાર્યા વગર જાતે જ જમણો હાથ પાછળ વાળીને ઘા તપાસ્યો હતો. કારતૂસના બેરલને સ્પર્શ કરીને તે ઘડીક અચંબામાં મૂકાયો. માંસપેશીમાં કારતૂસ જે રીતે ખૂંચેલો હતો એ અછડતું અનુભવીને તે ચોંક્યો. તેના ઘા પર બેન્જીનમાં પલાળેલો રૃનો પેલ લગાડી રહેલા જવાનનો હાથ રોકીને તેણે ઘડીભર આંખો બંધ કરી અને કશુંક યાદ કરવાનો પ્રયાસ કર્યો.
કશુંક સમજાતું ન હોય તે રીતે તેણે ડોકું ધૂણાવ્યું. તેના ઘાવની સારવાર કરી રહેલો જવાન પણ પરિહારની આ અન્યમનસ્ક હરકત સમજી શકતો ન હતો.

(ક્રમશઃ)

Rate & Review

anita patel

anita patel 3 months ago

Hina Thakkar

Hina Thakkar 4 months ago

nihi honey

nihi honey 10 months ago

Parul Bhavsar

Parul Bhavsar 11 months ago

Nitesh Shah

Nitesh Shah 1 year ago