Operation Pukaar - 6 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ઓપરેશન પુકાર - 6

ઓપરેશન પુકાર - 6

ઓપરેશન પુકાર

વ્રજલાલ હિરજી જોષી

6 - ચેકપોસ્ટ નષ્ટ

પુલ પસાર કરી તેઓ વિના વિધ્ને આગળ વધી ગયા. અંધારી મેઘલી રાતના કાળા ડિંબાગ અંધકાર સાથે તેઓના પહેરેલા કાળા કપડાં ભળી જતાં હોવાથી તેઓ કોઇની નજરે ચડે તેમ ન હતા. છતાં પણ દુશ્મનોથી તેઓ ચારે તરફ ઘેરાયેલા હતા. એકદમ સાવચેતીપૂર્વક આગળ પગલા ભરતા હતા. પુલ પસાર કરી થોડા આગળ વધ્યા અને ગાઢ જંગલ શરૂ થઇ ગયું. ગીચ જંગલ અને મેઘલી રાત સાથે સન્નાટાભર્યું વાતાવરણ ખોફ પેદા કરતું હતું.

“સર...! અત્યારે આપણે તિબેટની બોર્ડરની અંદર ઘુસી ગયા છીએ અને હવે આપ મેસેજ પાસ કરી નાખો.” ધીમા અવાજે વિજયસિંહા બોલ્યા.

“વિજયસિંહા...આગળ હજુ ચાઇનાની ચેકપોસ્ટ આવશે. અને જો ચેકપોસ્ટ પાર કર્યા વગર આપણે મેસેજ પાસ કરીશું તો તરત ચેકપોસ્ટ પર પૂછવામાં આવશે કે અહીંથી કોઇ પાસ થયું છે કે નહીં...? તો તરત આપણો મેસેજ સાચો કે ખોટો પાસ થયાની ખબર પડી જાય.”

“સરની વાત સાચી છે. થોડી ધમાલ કર્યા પછી મેસેજ પાસ કરવાથી તેઓની ચેકપોસ્ટ પરથી પણ આપણા પસાર થયાના સમાચાર તેઓને મળશે.” પ્રલયે કહ્યું.

“અહીંથી હવે ચેકપોસ્ટ કેટલી દૂર હશે ?” કદમે વિજયસિંહાને પૂછ્યું.

“આપણે ચેકપોસ્ટથી એકદમ નજીક છીએ. જંગલ ગીચ હોવાથી ખબર પડતી નથી પણ તમે સામેની દિશામા દૂરબીન વડે નજર કરશો તો ચેકપોસ્ટ પર આછો પ્રકાશ અને હિલચાલ જોવા મળશે.” કહેતા વિજયસિંહાએ ગળામાં લટકાવેલું નાઇટવિઝન દૂરબીન કાઢી કદમના હાથમાં આપ્યું.

ત્યાં જ ઊભા રહી કદમે દૂરબીન વડે નિરીક્ષણ કર્યું. પણ ગીચ વૃક્ષોના ઝૂંડને લીધે પ્રકાશ કે હિલયાલ નજરે ન ચડી.

“આદિત્ય, ગોડ એહેડ.” કહીને કદમે નાઇટવિઝન દૂરબીન આદિત્યને આપ્યું. આદિત્ય દૂરબીનને ગળામાં લટકાવ્યા બાદ ત્યાં ઊગેલા એક મોટા વૃક્ષ પર વાંદરાની જેમ ચડી ગયો, વૃક્ષની ખૂબ જ ઊંચી એક ડાળી પર ચડી આદિત્યે નિરીક્ષણ કર્યું.

વિજયસિંહાની વાત સાચી હતી. નાઇટવિઝન દૂરબીનને આછા લીલા કલરમાં આદિત્યે આછા પ્રકાશપૂંજને જોયુ. પછી તે ધીમે ધીમે ત્યાં દૂરબીનના ફોક્સને એડજેસ્ટ કરતો ગયો. ત્યારબાદ ત્યાંનું ર્દશ્ય એકદમ સ્પષ્ટ દેખાવા લાગ્યું.

ત્યાં બનેલી ચોકીનું એક કાચું મકાન હતું. મકાન આગળતી નીકળતો રસ્તો અને રસ્તા વચ્ચે બનેલું લાકડાનું ફાટક દેખાયું. ફાટકથી બંને તરફ લોખંડના તારની ફેન્સીંગ એકદમ આછી નજરે ચડતી હતી. ફાટકને બંને બાજુ સિમેન્ટની ગુણોના થોકડા પકડેલા હતા. આદિત્યને ખબર હતી કે તે ગુણોમાં રેતી ભરેલી હશે.

થોડીવાર નિરીક્ષણ કર્યા વગર તે ચુપચાપ વૃક્ષની નીચે ઉતરી આવ્યો.

“સર...! ત્યાં ચોકી છે અન કેટલાંય સૈનિકો તૈનાત છે.” વૃક્ષ પરથી નીચે ઉતરી આવી આદિત્ય બોલ્યો.

“ઠીક છે, ચાલો આપણે તેઓને ચારે તરફથી ઘેરી લઇને ફાયરિંગ શરૂ કરી દઇએ.” મેજર સોમદત્ત બોલ્યા.

“પણ સર...! ચોકીની આગળ એક ફાટક બનાવેલું છે. અને ફાટકની બંને તરફ તારની ફેન્સીંગ બનેલી છે. આપણે બીજો કોઇ ઉપાય શોધવો પડશે.”

“આદિત્યની વાત સાચી છે. ચોકીની બંને તરફ લાંબા અંતર સુધી તારની ફેન્સીંગ છે અને તે ફેન્સીંગમાં રાત્રિના સમયે વિદ્યુત પ્રવાહ પ્રસાર કરવામાં આવે છે.” વિજયસિંહા બોલી ઉઠ્યો.

મેજર સોમદત્ત થોડી વાર વિચારવશ અવસ્થામાં ઊભા રહ્યા. પણ થોડી વારમાં જ તેમણે નિર્ણય લઇ લીધો.

“કદમ, તું અને આદિત્ય અહીં ક્યાંક ચોકીની નજીક છુપાઇ જાવ. અમે જમણી તરફ આગળ વધીને ત્યાંથી ચોકી પર ફાયરિંગ કરી તેઓનું ધ્યાન અમારી તરફ દોરીશુ. સતત ફાયરિંગ થતા જ સૌ સિપાઇઓ ફેન્સીંગની જમણી તરફના બાગમાં ધસી આવશે અને તેનો લાભ તમારે બંનેએ ફાટક પસાર કરી ચોકીમાં ઘુસી જવાનું છે.” મેજર સોમદત્તે કદમ અને આદિત્ય સામે જોયું. પછી આગળ બોલ્યાં... “ધ્યાન રહે દેશ માટે તમે બંને અગત્યના એજન્ટ છો. એટલે ગોળી તમને ન લાગવી જોઇએ બલકે તમારી ગોળીઓથી દુશ્મનોને ભુંજી નાખજો. જરૂર પડે તો પહેલા સ્મોક બોમ્બનો ઉપયોગ કર્યા પછી અંદર ઘુસજો. જેથી તમારા બંને પર કોઇની નજર ન પડે. ઓ.કે.?”

“યસ સર ! અમે બંને તૈયાર છીએ અને દુશ્મનોને ખતમ કરી આગળ વધીશું.” કદમ બોલ્યો.

“ચાલો,” કહી મેજર સોમદત્ત બોલ્યા અને તેની સાથે પ્રલય, વિજયસિંહા અને દિનતાંગ સૌ ફાટકની ડાબી તરફ જવા વૃક્ષોના ઝૂંડમાંથી આગળ વધ્યા.

“દિનતાંગ,તું ક્યાં સુધી તેની પાછળ આવ્યો હતો ?” પ્રલયે પૂછ્યું.

“સાબ, મૈ યહાં સે આગે નહીં જા સકતા થા, ઇસલિયે મૈંને સિપાઇ કા સામાન ઉઠાને કા કામ કિયા. ઇધર સે સામાન લેકર મૈ દો કિલોમીટર તક આગે ગયા થા ઔર બાદમેં વાપસ આ ગયા થા. આપકે લોગ ઇધર સે કરીબ તીન-ચાર કિલોમીટર આગે સિપાઇઓ કે પંજે મેં ફસે હુએ હૈ.” દિનતાંગ બોલ્યો.

“સર...! મને લાગે છે આ ફાટકથી આગળ ત્રણ કિલોમીટરના ક્ષેત્રમાં ક્યાંક મેજર કતારસિંગ ચીની સૈનિકો વચ્ચે સપડાયેલા હશે.”

“હા...અને તેઓ ચીનના સિપાઇઓના હાથમાં પકડાઇ જાય તે પહેલાં તેઓને છોડવવા જ પડશે.”

“સર...મારા ખ્યાલથી તેઓ પાસે રાઇફલની ગોળીઓ અને બીજો સામાન પણ ખૂટી ગયો હોવો જ જોઇએ.” વિજયસિંહા બોલ્યો.

વાતો કરતા કરતા તેઓ ફાટકની ડાબી તરફ ફાટકથી દૂર તારની ફેન્સીંગ પાસે પહોંચી ગયા.

ફેન્સીંગની આગળ એક મોટો ખડક જેવો ટેકરો બનેલો હતો. સૌ ત્યાં આવી ટેકરાની પાછળ છુપાઇ ગયા. ત્યારબાદ પ્રલયે એ.કે.47 ગનને હાથમાં લીધી અને પછી ફાટકની તરફ સતત ગોળીઓ છોડવા માંડી.

ગોળીઓના ધમાકાઓથી શાંત વાતાવરણ ગુંજી ઉઠ્યું. આગના લિસોટા વેરતી કેટલીય ગોળીઓ ફાટક તરફ છુટી. પ્રલય આડેધડ ફાયરિંગ કરી રહ્યો હતો.

“બસ, હવે ગોળીબાર બંધ કરો અને વાટ જોઇએ કે ગોળીબારની શું અસર થાય છે.” મેજર સોમદત્તે પ્રલયના ખભા પર હાથ મૂક્યો.

પ્રલયે તરત ગોળીઓ છોડવાનું બંધ કર્યું. ત્યારબાદ ગળામાં લટકતા નાઇટ વિઝન દૂરબીન વડે ફાટક તરફ મીટ માંડી જોઇ રહ્યો.

ગોળીબાર થતા જ ફાટક પાસે એકદમ ધમાલ મચી ગઇ. રાડારાડ અને દેકારા વચ્ચે કેટલાય સિપાઇઓ આમથી તેમ દોડતા પોઝિશન લેતા પ્રલયની નજરે ચડ્યાં.

“સર...! તેઓ સૌ સાવધાન થઇ ગયા છે અને ફાટકની આસપાસ પોઝિશન લઇ બેઠા છે. ત્યાં મોટા પાયે ધમાલ મચી ગઇ છે.”

“ગુડ...! હવે આપણે અહીંથી ફાયરિંગ શરૂ કરી બધાને આપણી તરફ ઘેરાબંધી કરવા માટે મજબૂર બનાવી દઇએ. જેથી કદમ અને આદિત્ય ફાટકમાં ઘુસી જઇ સૈનિકોના પાછળથી ગોળીબાર શરૂ કરી દે.” કહી મેજર સોમદત્ત પોતાની એ.કે.47 લઇને ત્યાં નજીકમાં એક વૃક્ષ પર ઝડપથી ચડી ગયા અને પછી ત્યાંથી વૃક્ષની એક મોટી ડાળની આડ લઇ અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા. તે સાથે ટેકરીની બંને તરફથી પ્રલય અને વિજયસિંહાએ પણ ફાયરિંગ શરૂ કરી દીધી.

વાતાવરણ ગોળીઓના ધમાકાથી ગુંજી ઉઠ્યું અને પછીની થોડી ક્ષણો પછી સામેથી પણ તે લોકો પર સતત ફાયરિંગ શરૂ થઇ ગયું.

“ગુડ...! સર તેઓ આપણા તરફ ગોળીબાર કરતા કરતા આ તરફ આવી રહ્યા છે.” દૂરબીન પરથી નજર ખસેડી પ્રલયે કહ્યું.

“ફાયરિંગ ચાલુ રાખો...ગમે તે થાય તેઓ બધા જ આપણી તરફ આવી જાય અથવા મોતના મોંમાં ધકેલાઇ જાય.” મેજર સોમદત્ત બોલી ઉઠ્યા અને પછી ફરીથી તેઓએ એ.કે.47 લઇ ગોળીબાર શરૂ કર્યો. સાથે જ પ્રલય અને વિજયસિંહાએ પણ ગોળીબાર ચાલુ કરી દીધો.

ફરી એકવાર સન્નાટાભર્યા વાતાવરણ ગોળીઓના ધમાકાથી ગુંજી ઉઠ્યું.

પ્રલયે જોયું સિપાઇઓ ગોળીબાર કરતાં કરતાં તે લોકોની દિશામાં આગળ વધતા હતા. તેઓ પણ વૃક્ષોને આડમાં લઇ સતત ગોળીબાર કરતા હતા.

એકાએક શું થઇ રહ્યું છે તે સિપાઇઓને સમજાયું નહીં. ગેટ પર ઊભેલા ચાર સિપાઇઓને બાદ કરતા બધા જ સિપાઇઓ થઇ રહેલ ગોળીબારની દિશામાં ફંટાઇ ગયાં.

“કદમ...કરો કંકુના. હવે ચાર પક્ષી જ બાકી બચ્યા છે. તે સિવાય બધા જ ઊડી ગયા છે. તું કહેતો હો તો ચારેની છાતીમાં ગોળીઓ ધબેડી દઉં.” આદિત્યે કહ્યું.

“થોડી વાર થોભ. હજુ પૂરા સિપાઇઓ ત્યાં પહોંચ્યા નથી. બધા સિપાઇઓ તે દિશા તરફ ધસી જાય પછી આ ચારેને મારી અંદર ધૂસી તે સિપાઇની પાછળથી ફાયરિંગ શરૂ કરી દઇશું” કદમ નાઇટવિઝન દૂરબીનની ફાટકના અંદરની તરફનું ર્દશ્ય જોઇ બોલ્યો.

“બીડું...મને ઉતાવળ છે યાર...”

“ભલે આવે તું છાનોમાનો ઊભો રહે.” કદમે કહ્યું.

“પણ બીડું...ઉતાવળ સમી જશે તો પછી પ્રોબ્લેમ ઊભો થશે.”

“તું તારી ઉતાવળ ફરીથી શરૂ કરી દેજે.” કહેતા કદમ હસ્યો.

“પણ યાર જલદી કરને...”

“શું જલદી કરું ? તેઓ ધીમે ધીમે ગોળીબાર તરફની દિશામાં જાય છે. હું રાડો પાડી અહીંથી કહું કે ભાઇસાબ જલદી દૂર જાવ. અમારા પિતાશ્રી આદિત્યને તમારા પર ગોળીબાર કરવાની ઉતાવળ ઉપડી છે.” કદમ કાંઇક એવા લહેકા સાથે બોલ્યો કે પછી બંને ખડખડાટ હસી પડ્યા.

લગભગ પાંચ મિનિટનો સયમ વીત્યો.

સામસામા ફાયરિંગ સતત ચાલુ હતાં.

“ચાલ બેટા આદિત્ય...તારી ઉતાવળને મીટાવ. તે સૈનિકો લગભગ ફેન્સિંગની તારની આસપાસ ગોઠવાઇ ગયા છે. ચારેના ધજીયા ઉડાડીએ એટલે ફાટક આપણા બાપનું.”

“જય હો પિતાશ્રી...” બોલતાં જ આદિત્યે નિશાન તાક્યું અને પછી ગોળીબારના થયેલા જોરદાર ધમાકા સાથે ફાટક પાસે ઊભા ચાર સિપાઇઓની ચીસોનો અવાજ દબાઇ ગયો. ચારે સિપાઇઓ ગોળી ખાઇને નીચે પછડાયા.”

બોર્ડરની ચોકી પર ધમાલ ચાલી રહી હતી. ત્યારે મજેર કતારસિંગ તેઓથી લગભગ પાંચ-સાત કિલોમીટરના અંતરે પડાવ નાખીને પડ્યા હતા. ચીની સૈનિકોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા હતા. મેજર કતારસિંગ અને તેમની ટીમના સાથીઓએ સવારથી કશું જ ખાધું ન હતું. પાણી પણ ખૂટવા આવ્યું હતું. સાથે સાથે ગોળીઓ અને બોમ્બનો સ્ટોક પણ ખૂટવાની તૈયારીમાં હતો. સામેથી સૈનિકો સતત ફાયરિંગ કરતા તેઓનો ઘેરો નાનો કરતા જતા હતા. હવે થોડા જ સમયની વાર હતી કે તેઓ ક્યાં તો ચીની સૈનિકોના હાથમાં આવી જાય અથવા ચીની સૈનિકોની ગોળી ખાઇ મોતને ભેટે.

“સાથીઓ...” ધીમા પણ સુસવાતા અવાજે બોલતા મેજર કતારસિંગે પોતાના સાથીઓ તરફ નજર ફેરવી. તેઓના ચહેરા પર હજુ મક્કમતા સાથે ઝનૂન પણ ઊભરાઇ આવતું હતું.

“સાથીઓ...આપણે ચીની સૈનિકોના ઘેરામાં ફસાઇ ચૂક્યા છીએ અને આપણી પાસે ખોરાક તો ઠીક પીવાનું પાણી અને સાથે સાથે ગોળીઓના મેંગેઝીન અને બારૂદ પણ ખલાસ થવા આવ્યા છે. છતાં પણ આપણે છેલ્લા શ્વાસ સુધી ઝઝુમતા રહેવાનું છે. દોસ્તો, આપણે સૌ મા ભારતીના પુત્રો છીએ. ભારતની રક્ષા માટે હંમેશા કુરબાની આપતા આવ્યા છીએ અને...” અને શબ્દ પર ભાર મૂકી તેઓ આગળ બોલ્યા, “અને આજ ભારત માંની રક્ષા માટે કુરબાની આપવાનો સમય થઇ ગયો છે. આજની રાત આપણી સામે ચાઇનાના ઘણાબધા સિપાઇઓ છે એટલે તેઓને ખતમ કરી ઘેરો પાર કરવો મુશ્કેલ છે. અને પકડાઇ જવા કરતા હું શહીદ થવામાં માનું છું. છતાં પણ આપ સૌની સલાહ હું લેવા માગું છું.” બોલી તેઓએ પોતાના સાથીઓ તરફ નજર ફેરવી.

“સર...! અમે સૌ આપની સાથે દેશની રક્ષા કરતા કરતા શહીદ થવાનું એ અમારું અને દેશનું ગૌરવ સમજીશું. આપ કહેશો તો અમે સૌ એકબીજાને ગોળી મારી ખતમ થઇ જઇશુ, પણ દુશ્મનોના હાથમાં પકડાઇ જવાનું હરગીઝ સહન નહિ કરીએ.”

બધા જ સાથીઓની પ્રતિજ્ઞા સાંભળી મેજર કતારસિંગની આંખોમાં પાણી ફરી વળ્યાં.

મને આપ સૌ પર ગર્વ છે. પણ મારા થકી આપ સૌ દુશ્મનની જાળમાં ફસાયા છીએ તેનો મને અફસોસ છે અને હું આપ સૌની ર્હદયપૂર્વક ક્ષમા માગું છું. કેમ કે હવે આપણી પાસે સમય નથી. ખેર...હવે બીજી વાત કરું તો આપણા લશ્કરના વડા સાથે સંપર્ક સ્થાપિત કરી મેં આપણી પોઝિશન જણાવી દીધી છે. ભારતીય લશ્કર આપણાં માટે કાંઇ કરી શકવા માટે સમર્થ છે. પણ સમય નથી. આટલા ટૂંકા સમયમાં અહીં આવી પહોંચી આપણને સલામત રીતે ભારત લઇ જાય તે શક્ય નથી. હવે તો બસ એક જ ઉપાય છે. ચીની સૈનિકો સામે છેલ્લો જંગ ખેલી લેવો અને પરમવીર ગતિ પામવું.’’

“સર...અમે સૌ તૈયાર છીએ.”

“હા. સર...ચીની સિપાઇઓ સાથે એક એક હાથ કરવાનાં મુડમાં છીએ.”

“સર... આપણે એક-એક સિપાઇ ચાર-પાંચ ચીની સૈનિકોને ખત્મ કર્યા પછી જ મરીશુ.”

સૌ સેનિકો એકદમ ઝનૂનમાં હતા.

“તો ઉઠાવો આપણી બંદૂકો અને ચાલો આપણે ચીની સૈનિકો પર સામેથી હુમલો કરી દઇએ.” ત્રાડ જેવો અવાજે મેજર કતારસિંગ બોલી ઉઠ્યા. અત્યારે તેઓ એક મહાન યોદ્ધાના રૂપમાં દીપી ઉઠ્યા હતા.

ચીની સૈનિકોમાં અફડાતફડી મચી ગઇ હતી. ક્યારે ક્યાંથી ગોળીબાર થતો હતો અને કોણ વીંધાઇને પડતો હતો તેની જ ખબર પડતી ન હતી. સાથે દુશ્મન ક્યાં છે? અને કોણ છે ? તે પણ સમજાતું ન હતું.

ફાટક પાસેના ચાર સૈનિકો ગોળી ખાઇને માર્યા ગયા હતા તો ફાટકની ડાબી તરફથી સતત ગોળીબાર થતો હતો અને ત્યાં દોડી ગયેલા ચીની સૈનિકો ખત્મ થતા જતા હતા.

“બીડુ હોજા શરૂ, સાલ્લા ચાર ચીની ઉંદર ખત્મ થઇ ગયા છે. તે સિવાય બધા ડાબી તરફ આડેધડ ફાયરિંગ કરતા ભાગ્યા છે. આપને મોકો છે. ફાટક પાર કરી ચોકીમાં ઘુસી જવાનો...’’ આદિત્ય બોલ્યો અને પછી નીચા નમી વૃક્ષોની ઘટા વચ્ચે પસાર થતાં કદમ અને આદિત્ય ફાટક તરફ દોડ્યા. બંને એકદમ સાવધાન હતા અને તેના હાથમાં પકડાયેલી મશીનગન કોઇપણ પળે ગોળીબાર કરવા માટે તૈયાર હતી. દોડતા બંને ફાટકની બંને તરફ આવી ગયા અને ત્યાં ફાટકની બંને તરફ ખડકાયેલ સિમેન્ટ-રેતીના બાચકાઓ પાછળ નીચે ઘુંટણીયે બેસીને છુપાઇ ગયા. બંનેની નજર અંદર ફાટક તરફ હતી. ક્યાંય કોઇ જ હિલચાલ દેખાતી ન હતી. દૂર-દૂર રાડરાડ અને ગોળીબારના અવાજ આવતા હતા. ત્યાં ફાટકની આસપાસ એક પણ સિપાઇ દેખાતો ન હતો.

કદમે આદિત્ય સામે ઇશારો કર્યો. અને પછી બંને ફાટક નીચેથી પસાર થઇ અંદર ઘુસી ગયા. અને એકબીજાની વિરુદ્ધ દિશામાં મોં રાખી સાવચેત પગલે આગળ વધવા લાગ્યા. કદમ ચારેની તરફ નજર રાખતો હતો, તો આદિત્ય પાછળની તરફ એમને એમ સરકતા બંને ત્યાં બનેલી છાવણીના ટેન્ટ પાસે આવી ગયા.

કદમ ધીરેકથી ટેન્ટનું કપડું ખસેડીને અંદર નજર કરી.

કોઇ અધિકારી બેઠો હતો અને તેની સામે ઊભેલા કેપ્ટનની ધૂળ કાઢી ધમકાવી રહ્યો હતો. કદમ ધ્યાનથી તેઓની વાતો સાંભળવા લાગ્યો.

“આ બધું શું ચાલી રહ્યું છે, કેપ્ટન...? આ ધડાકાઓનો અવાજ શાનો છે...?” ચાલુ ડ્યુટીમાં શરાબ પીને સૂઇ જવા માટે તને કેપ્ટન નથી બનાવ્યો.’’ તે ચાઇનીઝ ભાષામાં વાત કરતા હશે.’’

“મને ખબર છે આ બધી વાતો તે સ્વપ્નમાં જોઇ હશે પણ હકીકત કાંઇક બીજી છે. આટલી રાડારાડ અને ગોળીબાર એક તેંદુઆ માટે ન હોય. તું હંમેશા કામચોરી કરી બહાના કાઢે છે.” ઓફિસરનું દિમાગ છટકી ગયું હતું. તે ગુસ્સાથી રાતોપીળો થતો હતો.

“હું... હું... હમણાં જ તપાસ કરી તમને સમાચાર આપું છું. બાકી ચિંતા ન કરો, કોઇની તાકાત નથી કે આપણા આટલા બધા સૈનિકોની હાજરીમાં ઘુસી આવે...”

“ભાઇ... તું જાને તપાસ કરને અહીં ઊભા-ઊભા લવારો કરવાનું બંધ કર...” ઓફિસર વિફરી પડ્યો.

“તપાસ કરવા ત્યાં લાંબા થવાની જરૂર નથી બીડું...અમે જ તમારા બંનેની ખાતેદારી કરવા ઇન્દ્રના દરબારમાંથી પ્રગટ થયા છીએ...” કેપ્ટનના પાછળ 20ની નાળ દબાવતાં આદિત્ય ટેન્ટનુ કપડું ઊંચુ કરી અંદર ઘુસી આવ્યો હતો અને તૂટી-ફૂટી ચાઇનીઝ ભાષામાં તે વાત કરી રહ્યો હતો. કદમ અને આદિત્યને તે બંને અધિકારી અને કેપ્ટન કામચોર હોય તેવું લાગતા, કદમના ઇશારાથી આદિત્ય અંદર ઘુસી આવ્યો હતો.

“ક... કોણ છો તમે...?” ઓફિસર ફટાક દઇને ઊભો થઇ ગયો.

“તારા પિતાશ્રીને ઓળખીશ ભાઇ...? કેમ ન ઓળખ્યો, તારા પિતાશ્રી એટલે ભારત. તમારી સલ્તનતને છીન્નભિન્ન કરી નાંખનાર...ડોકલામમાંથી તગડી નાંખનાર, હું ભારતનો સિપાઇ છું... કેમ હવે ઓળખાણ પડીને...”

“તે અહીં આવીને તારું મોત માંગ લીધું છે... અહી ચારે તરફ સિપાઇઓ છવાયેલા છે. તેને મોતના મોંમાંથી કોઇ જ બચાવવા ભારતથી અહી નહીં આવી શકે અને તું સિપાઇઓની ગોળીઓથી છલની થઇ જઇશ. માટે જલદી મશીનગન દૂર કરી અમારા હવાલે તારી જાતને કરી દે...” ગુસ્સાથી તમતમતા અવાજે બોલનાર ઓફિસર અંદરથી ધ્રુજતો હતો.

“અરે ભાઇ હું તો ચીનના સૈનિકોને ખુદાગંજ એક્સપ્રેસમાં લઇ જન્નતમાં લઇ જવા માંગું છે અને તારા બધા સિપાઇઓ તો ચાલતી ગાડીમાં ચડી બેઠા છે. બસ તારી અને આ તારા આળસુ કેપ્ટનની વાટ જોવાય છે.”

“લે...તારો કેપ્ટન પણ ગાડીમાં બેસી ગયો. બસ...” અચાનક કમદ અંદર પ્રગટ થયો અને તેના હાથમાં સાયલેન્સર યુક્ત રિવોલ્વર પકડેલી હતી. રિવોલ્વરમાંથી ગોળી છુટી અને તે કેપ્ટનના હ્રદયમાં સમાઇ ગઇ. કેપ્ટન વગર ચીસ પાડ્યે પોતાના બંને હાથ છાતી પર મૂકી આશ્ચર્ય સાથે કદમ તરફ જોતાં-જોતાં જ નીચે પછડાયો અને બે પળ તરફડીયાં મારી હંમેશા માટે ખામોશ થઇ ગયો.

“હવે તારો વારો મિ.માઇકલ. તું પણ ગોળી ખા.” રિવોલ્વરને તેના સીન પર ગોઠવતાં આદિત્ય બોલ્યો.

“ત... તમારી ભૂલ થાય છે. હું માઇકલ નથી...”

“તો પછી તેનો ભાણેજ થતો હોઇશ... વાલીડા મરવા માટે તૈયાર થા...”

“ના... ના... ના... મને મારશો નહીં...” તે ઓફિસરના ચહેરા પર થોડી જ વારમાં પરસેવાના બુંદો ટપકલા લાગ્યા.

“ખૈર... તને મરવું નથી તો પછી તું ફોન કરી લશ્કરને જાણ કર કે તમારો બાપ એટલે હું મેજર કતારસિંગ તમારા લશ્કરનો ઘેરો તોડીને અહીં તારી પાઠપૂજા કરવા માટે આવી પહોંચ્યો છે... જલ્દી કર. જો ખુદાગંજ એક્સપ્રેસમાં તારા કેપ્ટન પાછળ રવાના ન થવું હોય તો...” કદમની વાત સાંભળી તે ઓફિસર એકદમ હેબતાઇ ગયો.

“ત... તમે મેજર કતારસિંગ છો...? એવું ન બને. કતારસિંગની ચારે તરફ લશ્કર ઘેરો ઘાલીને જંગલમાં પડાવ નાંખ્યો છે. અને આટલા લશ્કર વચ્ચેથી છટકીને કતારસિંગ અહીં પહોંચી જ ન શકે...” તેના ચહેરા પર અવિશ્વાસના ભાવ ફેલાયેલા હતા.

“માન્યામાં નથી આવતું ને તું મેજર કતારસિંગને ઓળખે છે...?” આદિત્યે પૂછ્યું.

“હા...અહીંથી જ તેઓ પસાર થઇને આગળ ગયા હતા. એટલે મને તેઓનો ફોટો મોબાઇલ વડે મોકલવામાં આવ્યો છે. જે અત્યારે પણ મારા મોબાઇલમાં સેવ છે.”

કદમે હોઠ ચાવ્યા...તેને પોતાની યોજના પર પાણી ફરી વળતું દેખાડ્યું.

“તું મોબાઇલ કાઢ અને મને બતાવ ચાલ... જલ્દી કર...” આદિત્યે તેના માથાના વાળ પકડીને ખેંચ્યા.

“બતાવું છું... બતાવું છું...” કહેતાં જ તેણે પોતાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો. અને વોટ્સઅપ ખોલી અંદર આવેલો મેજર કતારસિંગનો ફોટો બતાવ્યો.

“જુઓ... આ તમે નથી...” ચહેરા પરનો પરસેવો લૂછતાં તે બોલ્યો.

અંદરનો ફોટો જોઇને આદિત્ય અને કદમ એકદમ સ્તબ્ધ બની ગયા. તેઓની સામે મેજર કતારસિંગનો ફોટો હતો પણ તે ફોટોમાં મેજર સોમદત્તનું આબેહૂબ નકલ હતી.

“ભાઇ... હવે તો મેજર કતારસિંગને ઓળખ્યા ને તમારા મને આ ફોટામાંના મેજરની તસવીરમાં ઘોડા-ગધેડા જેટલો ફરક છે...” જાણે કોઇ મોટો ગાઢ જીતી લીધો હોય તેમ તેના ચહેરા પર મગરૂરીના ભાવ ફેલાઇ ગયા. થોડી વાર માટે તે પોતાના સીના પર તકાયેલી રિવોલ્વરને પણ ભૂલી ગયો.

“ભાઇ નાથાલાલ તારો ભ્રમ છે. જો સાથે જો કોણ ઊભું છે...” બોલતાં કદમ એકદમ હટી ગયો.

કદમની પાછળ મેજર સોમદત્ત આવીને ઊભા હતા. તેના પર નજર પડતાં જ તે અધિકારી હેબતાયો. “તમે... તમે અહીં કેવી રીતે આવી ગયા...?”

“જાદુ...મેજર કતારસિંગ જાદુ જાણે છે. અને તેઓ જાદુ વડે ગમે ત્યાંથી ગુમ થઇ ગમે ત્યાં પ્રગટ થઇ શકે છે. સમજ્યો બરખુદાર...” આદિત્યના સ્વરમાં મજાકની છાટ હતી.

“મને માન્યામાં નથી આવતું...” ડોકું ઘુમાવતા તે એકદમ આશ્ચર્ય સાથે મેજર સોમદત્તની સામે જ જોઇ રહ્યો.

“હું કતારસિંગ છું અને તમારા ચીનના સિપાઇઓને છેતરી અહીં મારા સાથીઓ સાથે આવી ચૂક્યો છું. તમારા સિપાઇઓ હજુ ત્યાં જ મને પકડવા ગાઢ અંધકારભર્યા જંગલમાં ફાંફા મારી રહ્યાં છે.” સ્મિત સાથે કતારસિંગ જેવી છાંટમાં મેજર સોમદત્ત બોલ્યા. તે ઓફિસરની આંખો ફાટેલી રહી ગઇ.

“ભાઇ નાથાલાલ... હવે તો ખાતરી થઇને કે મેજર કતારસિંગ ચીની સૈનિકનો ઘેરાવો તોડી અહીં આવી ગયા છે અને હવે જલદી ભારતની બોર્ડરમાં પણ અમે ઘુસી જઇશુ...” આદિત્ય બોલ્યો.

“ચાલ ફોન લગાવ... અને ત્યાં ઘેરો ઘાલીને બેઠેલા તારા કર્નલને જણાવ કે હું અત્યારે મેજર કતારસિંગના કબજામાં છું. અહીં બધા જ સિપાઇઓ ખતમ થઇ ચૂક્યા છે અને અહીંની ચોકી પર અમે કબ્જો જમાવી લીધો છે.” કદમે કઠોર અવાજે કહ્યું.

તરત ઝડપથી તે ઓફિસરે વાયરલેસ ફોનને પોતાની પાસે ખેંચ્યો અને આગળની ચોકી પર સંપર્ક કરવા માટે લાગી ગયો.

“કરરર...કર...કરક્ટ...” ના આછા ધ્વનિ પછી વાયરલેસમાં તેનો સંપર્ક સ્થાપિત થયો.

“હલ્લો...હલ્લો...કર્નલ સિન ચું હિયસ...” સામેથી અવાજ આવ્યો.

“હલ્લો... કર્નલ હું ફોમાંચું બોલું છું...”

“યસ... યસ... સર ! હુકમ આપો...?” સામેથી અવાજ આવ્યો.

“તમે સૌ અત્યારે ક્યાં છો...? તમારી પોઝીશન જણાવો...” ફોમાંચું રૂઆબ સાથે બોલ્યો પણ માથા પર પરસેવો નીતરતો હતો.

“સર...! અમે સૌ દિંગલોંગ ઇલાકામાં ભારતમાંથી ઘુસી આવેલા મેજર કતારસિંગને ઘેરો ઘાલીને બેઠા છીએ. સર...સામેથી ગોળીબાર બંધ થઇ ગયો છે. તેથી લાગે છે તે લોકોની પાસે ગોલાબારૂદ ખત્મ થઇ ગયો છે. અમે ધીમે-ધીમે તેના પરનો ઘેરો નાનો કરતાં જઇએ છીએ... સર આપ ચિંતા ન કરો... અમે તેને આજ રાત્રિના જ પકડીને મોતને હવાલે કરી દઇશું.”

“સિન ચું... તું પાગલ થઇ ગયો છે અથવા તો તારામાં બુદ્ધિ નામની વસ્તુ જ નથી... તું જેને ઘેરો ઘાલીને દિંગલોંગમાં પડ્યો છે અને સવાર સુધી તેને પકડી પાડી ખત્મ કરવાની વાત કરે છે તે તારો બાપ મેજર કતારસિંગ અહીં મને પકડીને બેઠો છે...” દાંત કચકચાવતાં ફોમાંચું બોલ્યો.

સામેથી સિન ચુંના હાથમાંથી વાયરલેસ ફોન છટકીને નીચે પડ્યો. પરંતુ તેણે ઝડપથી ઉપાડી લીધો. તે એકદમ આશ્ચર્ય અને સખ્ત આઘાતમાં સુનમુન થઇ ગયો.

“એવું... એવું કેમ બને સર...?”

“બન્યું છે તારા અને તારા સિપાઇઓની ભૂલથી હવે તો તે મને ખત્મ કરી નાંખશે... અથવા ઘાયલ કરીને ભારતીય બોર્ડરમાં નાસૂ છૂટશે...” ફોમાંચુના અવાજમાં સખ્ત ચીડ હતી.

“પણ... પણ... સર ત્યાં તો આપણો બેઝ કેમ્પ છે અને આપણા સિપાઇઓ...” સિન ચુંને ફોમાંચુની વાત હજુ ગળે ઉતરતી ન હતી.

“ચાલ મને ફોન આપ...” ફોમાંચુના હાથમાંથી રિસીવર છીનવી લેતા પ્રલય બોલ્યો.

“હલ્લો... હું મેજર કતારસિંગનો સાથી બોલું છું.”

“તને માન્યામાં નથી આવતું...?” સામેથી સિન ચુંનો અવાજ આવ્યો.

“તારા માનવા ન માનવાથી હવે કશું જ વળવાનું નથી સમજ્યો... અમે તમારી આ છેલ્લી ચેકપોસ્ટ પર પહોંચી ગયા છીએ. અહીં તમારા આ ફોમાંચુ સિવાય બધા જ સિપાઇઓને અમે ખત્મ કરી નાંખ્યા છે, હવે છેલ્લો આને ખતમ કરતા પહેલાં તમને મારે જાણ કરવી હતી કે તમે લોકુ હજુ આખી રાત ત્યાં ઘેરો ઘાલીને બેઠા રહો એટલે ત્યાં સુધી અમે ભારતની બોર્ડરમાં ઘુસી જઇએ. ધન્યવાદ...” કહેતાં પ્રલયે રિસીવરને ઓફ કરી જોરથી ‘ઘા’ કર્યો. રિસીવરના ટુકડા થઇ ગયા. હવે તે ચોકી પરથી કોઇ જ આગળવાત કરી શકે તેમ ન હતું. ફોમાંચુ દહેશતભરી આંખો વડે પ્રલયની સામે જોઇ રહ્યો હતો.

“અલવિદા મી.ફોમાંચુ....” ક્રૂરતા સાથે મેજર સોમદત્ત બોલ્યા. પછી તેનો રિવોલ્વર પકડેલો હાથ ઊંચો થયો અને ટ્રીંગર દબાવ્યું.

‘ધડામ...’ અવાજના ધમાકા સાથે ગોળી છૂટી અને ફોમાંચુની છાતીમાં ઘુસી ગઇ.

ચીસ નાંખતો ફોમાંચુ બંને હાથ છાતી પર દબાવી ક્ષણ માટે આશ્ચર્ય અને આઘાત સાથે મેજર સોમદત્ત સામે જોઇ રહ્યો. પણ બીજી જ ક્ષણે તેનું શરીર લથડ્યું. અને તે નીચે પછડાયો. તેના દેહમાંથી પ્રાણ નીકળી ગયો.

“સર... આપ ફોન લગાવી કૌશિક વર્મા સાથે વાત કરી લો અને આપનો રૂમાલ...” આદરથી વિજયસિંહાએ કહ્યું.

“હા... એ કામ આપણે પહેલું કરવાનું છે. જેમાં ફોમાંચુએ તેના કમાન્ડો સિનચુને કરેલી વાતનું સમર્થન મળે...” કહેતાં મેજર સોમદત્ત તરત વાયરલેસ ફોનનું નાનકડું ઇન્સ્ટુમેન્ટ કાઢી ઓન કર્યું.

“હલ્લો... હલ્લો...”

“યસ... કૌશિક વર્મા સ્પીકિંગ...”

“સર...! હું મેજર કતારસિંગ બોલું છું...”

“યસ... કતારસિંગ તમે... તમે ક્યાં છો ?”

સામેથી એકદમ આતુરતાપૂર્વક કૌશિક વર્માએ પૂછ્યું. જાણે તેને આ વાત માનવામાં જ આવી હોય તેવું તેઓના શબ્દોમાં આશ્ચર્ય સમાયેલું હતું.

“સર...! મારી પાસે સમય ઓછો છે, એટલે હું વધુ સમય વાત કરીશ નહીં. પણ આપને મેસેજ આપવા જરૂરી હતા.”

“સર... હું મારી ટીમી સાથે દિનતાંગના પહાડી એરિયામાં ચીનના લશ્કરના પંજામાં ઘેરાયેલો હતો. અને સર...! હું મારા સાથીઓ સાથે ચીનના લશ્કરને મ્હાત આપી ઘેરાવમાંથી છટકી નીકળવામાં સફળ થયો છું.”

“મયા ગોડ...! તમે... તમે... ચીનના સિપાઇના ઘેરામાંથી છટકીને નીકળી ગયા...? ગુડ... હવે તમને મદદની જરૂર હશે. બોલો, શું મદદ જોઇએ છીએ તમને...? તમારું લોકેશન બતાવો...” કૌશિક વર્મા એકીશ્વાસે બોલી ગયા.

“સર...! આપણી બોર્ડરની અમે એકદમ નજદીક છીએ. અમે ભૂખ્યા તરસ્યા છીએ, માટે બોર્ડર પાર કરીને આવીએ કે તરત અમારા માટે ખોરા-પાણી મળી રહે તેવી જોગવાઇ કરજો. સર...! હવે હું ફોન મૂકું છું...” આવેલા અવાજ પછી તરત વાયરલેસ સેટ પર ગોળીઓના ધમાકાઓનો અવાજ સંભળાયો. અને પછી કિચચ...કરતા અવાજ સાથે સંપર્ક ડીસકનેક્ટ થઇ ગયો.

કૌશિક વર્માના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

“ઓહ... ગોડ...” રિસીવર પછાડતા કર્નલ સિનચુ ગુસ્સાથી થરથરી ઉઠ્યો. પોતે મેજર કતારસિંગની બટાલીયન પકડીને ઝંડા સિટી (તિબેટ) લઇ જવાના પ્લાનમાં હતો અને જીત પણ નજીક હતી. આ જીતથી તેને બઢતી પણ ચોક્કસ મળશે. પણ... પણ બધું જ પૂરું થઇ ગયુ. મેજર કતારસિંગ છટકીને નાસી ગયા.

ગુસ્સા અને નાલેશીભરી હારથી તે રાતો-પીળો થતો હતો. છેવટે મનને મક્કમ કરી કેપ્ટન ડીંગવાંગને ફોન કર્યો. “હલ્લો ડીંગવાંગ હું સિનચું બોલુ છું.”

“હલ્લો સર...!” કાંપતા અવાજે સાથે ડિંગવાંગનો સામેથી અવાજ સંભળાયો.

“હરામખોરો... મેજર કતારસિંગ તમારી ઘેરાબંધી તોડીને નીકળી ગયો... અને તમે લોકો મને જાણ પણ નથી કરતા...?”

“સર...! આમ કેમ બન્યું તે જ મને ખબર પડતી નથી... મારો ઘેરો એટલો બધો ચુસ્ત હતો કે ઘેરામાંથી કૂતરું પણ છટકી ન શકે. અને... અને...”

“ઘેરાવાળી... હવે મારા ઉપર અધિકારીને શું જવાબ આપવો...” બરાડા પાડતાં સિનચુ બોલ્યો. “ કદાચ અત્યારે તું મારી સામે હોત તો ચોક્કસ હું તને ગોળી મારી દેત.”

“સર...!”

“સર ના બચ્ચા...” સિનચું ચિલ્લાયો. “જલ્દી તમે લોકો ઇન્ડિયા બોર્ડર અટકુલા તરફ આગળ વધો. ત્યાંની છેલ્લી ચોકી નષ્ટ કરીને મેજર કતારસિંગ ભારતની બોર્ડમાં ઘુસવાની તૈયારીમાં છે. ગમે તેમ તેને પકડીને મારે હવાલે કરો નહીંતર...” કહેતાં સિનચુંએ બધો ગુસ્સો પોતાના મોબાઇલ ફોન પર ઉતારવાનો હોય તેમ ઘા કર્યો. મોબાઇલના ટુકડા થઇ ગયા. સિનચુ ગુસ્સાથી થરથરતો હતો પણ મોબાઇલને ઘા કર્યા પછી પોતે ખોટું કર્યું છે. હવે તે પોતાની ટીમ સાથે સંપર્ક નહીં કરી શકે તેનો પારાવાર પસ્તાવો થવા લાગ્યો. મોબાઇલના ટુકડાઓને ઉપાડી તેમણે તપાસ્યા પણ મોબાઇલ હવે કામ આવે તેવી સ્થિતિમાં ન હતો.

***

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Tejal

Tejal 2 years ago

Heena

Heena 3 years ago

Daksha Dineshchadra
Piyush Raval

Piyush Raval 3 years ago