Doctor ni Diary - Season - 2 - 13 in Gujarati Motivational Stories by Sharad Thaker books and stories PDF | ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 13

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 13

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(13)

નયન કરાવે નાચ, તો સમણાં કરે ચતુરાઇ,

ભર ઊંઘમાં આવી કરે, નિતનવી બેવફાઇ

શૈલા કોપર-ટી મૂકાવવા માટે આવી હતી. મેં મૂકી આપી. એણે પૂછ્યું, “કેટલા રૂપિયા આપવાના છે, સર?” મેં સામાન્ય રીતે જે રકમ લેવાતી હોય છે તે એને જણાવી, તો એણે વિનંતીના સૂરમાં કહ્યું, “સર, કંઇક વાજબી કરો ને! અમારી આર્થિક સ્થિતિ એટલી બધી સધ્ધર નથી.”

“સારું, બસો રૂપિયા ઓછા આપજો.” મેં તરત જ એને ડિસ્કાઉન્ટ આપી દીધું. એણે પર્સમાંથી રૂપિયા કાઢીને આપ્યા. પછી મને ‘થેન્ક યુ’ કહીને એ જવા માટે ઊભી જ થતી હતી, ત્યાં એનો મોબાઇલ ફોન ટહુક્યો. એણે સ્ક્રીન પર નજર ફેંકી અને મને કહ્યું “મારા હબ્બીનો ફોન છે. એને ખબર છે કે હું તમારી પાસે કોપર-ટી મૂકાવવા આવી છું. કદાચ એને લગતો જ ફોન હશે. હું વાત કરી લઉં!”

પછી એણે કોલ રીસીવ કર્યો, “ હાય, હની! હા હું ક્લિનિક માં જ છું. બધું સરસ રીતે પતી ગયું છે. ના, જરા પણ ‘પેઇન’ નથી. ફી આપી દીધી છે. હવે પિન્કીને લેવા માટે સ્કૂલમાં જઇશ. ત્યાંથી સીધી ઘરે. થેન્ક યુ. ટેક કેર!” એણે વાત પૂરી કરી.

પછી મારી સામે જોઇને હસી: “ માય હસબન્ડ, યુ નો! એ મને ખૂબ ‘લવ’ કરે છે. મારી એને બહુ ચિંતા થાય. દિવસમાં એ પંદર-વીસ વાર મને ફોન કરતો હશે. ભલે એ વધુ કમાતો નથી, પણ જેટલું કમાય છે એમાં અમે સારી રીતે રહીએ છીએ.”

મેં એની વાતમાં સૂર પૂરાવ્યો, “સાચી વાત છે, બહેન. સુખ પૈસામાંથી નથી જન્મતું, સાચું સુખ પ્રેમ અને સંતોષમાંથી મળે છે. ઇશ્વર તમારો પ્રેમ સદાને માટે આવો ને આવો જ ટકાવી રાખે!”

શૈલા ચાલી ગઇ. બે જ મહિના પછી એ પાછી આવી. કહેવા લાગી: “સર, કોપર ટી કાઢી આપો.”

“કેમ શું થયું? કોપર-ટી સદી નહીં કે શું?”

“ ના, મને બીજો કોઇ જ પ્રોબ્લેમ નથી. પણ મારા હસબન્ડ કહે છે કે બીજું બાળક થવા દઇએ.” શૈલા આટલું બોલી ત્યાં જ એનાં પતિનો ફોન આવ્યો. શૈલાએ જ રીસિવ કરતા પહેલાં મને કહ્યું. પછી એ પ્રેમાલાપમાં ડૂબી ગઇ, “હા, જાનૂ......! હું ક્લિનિક પર જ છું. હા, મેં સરને કહી દીધું છે. એ હમણા જ કોપર-ટી કાઢી આપે છે. હા, એ પણ હું કહું છું. તમે ચિંતા ન કરશો. સર ભલા છે. મારી પાસેથી ઓછી ફી જ લે છે. ચાલો, મૂકું છું. ટેક કેર. બાય....!”

પછી શૈલાએ મને કહ્યું, “સર, તમારી જેટલી ફી થતી હશે એના પચાસ ટકા જ હું આપીશ.”

“એવું કેમ?” મેં પૂછ્યું. જો કોઇ પેશન્ટ સારી ભાષામાં વિનંતી કરે તો હું અવશ્ય એની ફી માં રાહત કરી આપું; પણ આવો હક્ક જતાવવાની કોઇને હું છૂટ આપતો નથી.

“કેમ એટલે સર....તમને તો ખબર જ છે; મારા હસબન્ડનો પગાર એટલો બધો સારો નથી કે મને પ્રાઇવેટ હોસ્પિટલની ફી ભરવી પોસાય.”

“તો અમદાવાદમાં એવી ત્રણ હોસ્પિટલો છે જ્યાં માત્ર દસ-વીસ રૂપિયામાં જ તારી હજાર રૂપિયાની સારવાર થઇ જાય. તું ત્યાં કેમ નથી જતી?”

“ત્યાં મોટી મોટી લાઇન લાગી હોય છે. વળી ત્યાં ગંદકી પણ હોય છે. એવા સાવ ગરીબ દર્દીઓની સાથે બે કલાક બેસી રહેવું એ મને પરવડે નહીં.”

આ એક વિચિત્ર માનસિકતા છે. ખાસ તો મધ્યમવર્ગના દર્દીઓની. એમને પ્રાઇવેટ ડોક્ટરની ફી પોસાતી નથી અને મ્યુનિસિપલ દવાખાનામાં જતાં શરમ આવે છે.

મને લાગ્યું કે જે હોય તે, પણ મારે આ સ્ત્રીને કાઢી મૂકવી ન જોઇએ. એનો વર એને કેટલું ચાહે છે! એ બાપડો થોડુંક ઓછું કમાતો હોય તો એમાં આ સ્ત્રીનો શો વાંક છે?! મેં વાજબી ફી લઇને એની કોપર-ટી કાઢી આપી. એ ચાલી ગઇ.

કોપર-ટી જે ઉદ્દેશ માટે કઢાવી હતી કે ઉદ્દેશ પૂરો પડતાં વધુ વાર ના લાગી. ત્રીજા મહિને જ શૈલા દોઢેક માસની પ્રેગ્નન્સી લઇને મારી પાસે ‘ચેક અપ’ માટે આવી.

“સર, મેં ઘરે જ યુરિન ટેસ્ટ કરી લીધો છે. પ્રેગ્નન્સી છે એવું બતાવે છે. તમે ચેક અપ કરીને જણાવો તે મારે શું ધ્યાન રાખવાનું છે અને દવાઓ વગેરે શું લેવાનું છે!”

ત્યાં જ એનો મોબાઇલ ટહુક્યો. હવે તો શૈલાની બોડી લેંગ્વેજ જોઇને હું પણ સમજતા શીખી ગયો હતો કે એ ‘કોલ’ કોનો હશે!

“હા, હું ક્લિનિકમાં જ આવી છું. ચેક અપ હજુ બાકી છે. મેં ‘સર’ ને બધું કહી દીધું છે. ના,પૈસાની વાત હજી નથી કરી. એ પણ કહી દઉં છું. ટેક કેર! લવ યુ! બાય......”

શૈલા ફી બાબતની વાત કાઢવા જાય તે પહેલાં જ મેં કહી દીધું, “હું સમજી ગયો. તારો હસબન્ડ વધારે કમાતો નથી. તારે જનરલ હોસ્પિટલમાં જવું નથી. મારી રૂટિન ફી તને પરવડતી નથી. માટે મારે તારી પાસેથી ઓછી ફી લેવાની છે. બરાબર ને?”

શૈલી હસી પડી, “ બરાબર! પણ હજુ એક વાત કહેવાનું તમે ભૂલી ગયા.”

“શું?”

“ એ જ કે મારો હસબન્ડ મને ખૂબ પ્રેમ કરે છે. અને એના પ્રેમની સરખામણીમાં વિશ્વભરની સમૃધ્ધિ મને તુચ્છ લાગે છે.”

શૈલાનાં આવાજમાં પ્રગાઢ પ્રેમનો ઉલ્લાસ છલકાતો હતો. શૈલા નવ મહિના સુધી મારી પાસે ‘ચેક અપ’ માટે આવતી રહી. દરેક મુલાકાત વખતે એનાં પતિનો ફોન પણ આવતો રહ્યો. એક વાર તો મેં શૈલાને પૂછ્યું પણ ખરું: “ દરેક વિઝીટે તું એકલી જ કેમ આવે છે? તારો હસબન્ડ....?”

“એને સમય ક્યાં હોય છે, સર? એ તો ખાનગી નોકરી કરે છે. એનો ‘બોસ’ એને પાંચ મિનિટ પૂરતીયે રજા આપતો નથી. ખબર નથી કે મારી ડિલિવરીના દિવસે એને રજા મળશે કે નહીં!”

પણ ડિલિવરીના દિવસે શૈલાનાં પતિને રજા મળી ખરી. વહેલી સવારનો સમય હતો. શૈલાને પૂરા મહિના થઇ ચૂક્યા હતા. એને દર્દ ઉપડ્યું.

એનો પતિ ઘરમાં જ હાજર હતો એટલે એ શૈલાને લઇને આવી ગયો. મેં શૈલાને ‘એડમિટ’ કરી દીધી. પછી એનાં પતિને બોલાવ્યો, “તો તમે જ છો પેલા હેબિચ્યુઅલ મોબાઇલ કોલર?”

“સોરી સર! હું સમજયો નહીં.”

“તમે એ જ પ્રેમાળ પતિ છો ને જે પોતાની પત્નીને દુનિયાભરમાં સૌથી વધુ પ્રેમ આપે છે, એની ખૂબ કાળજી રાખે છે અને એની પળ-પળની ખબર રાખવા માટે એને ફોન કરતા રહે છે?!”

“ઓહ્! તમે એ વાત કરો છો? સર, આઇ રીઅલી લવ માય વાઇફ. આઇ કેર ફોર હર. હું એને પૈસા કે સમય તો નથી આપી શકતો, પણ પ્રેમ ખૂબ જ આપું છું. આજે પણ મારે ‘જોબ’ ઉપર તો જવું જ પડશે. પણ મારું શરીર ઓફિસમાં હશે અને મારું દિલ અહીં હશે. તમે એનું પૂરેપૂરું ધ્યાન રાખજો, સર.”

એ હજુ એનુ વાક્ય પૂરુ કરે તે પહેલાં જ કન્સલ્ટીંગ રૂમનુ બારણું ખોલીને કોઇ પૂછવા લાગ્યું, “ હાય! મે આઇ કમ ઇન?”

હું બોલી ઉઠ્યો, “અરે! ડો. પટેલ? તમારે પૂછવાનું હોય? પ્લીઝ, કમ ઇન. અચાનક....?”

“અહીંથી પસાર થતો હતો. થયું કે લાવ તમને......” ડો. પટેલ થંભી ગયા. એમની નજર શૈલાનાં પતિ ઉપર પડી ગઇ. પેલો તરત જ ઊભો થઇને બહાર સરકી ગયો.

ડો. પટેલે મને પૂછ્યું, “ આ અહીં ક્યાંથી?”

“કેમ? એ એની વાઇફને લઇને આવ્યો છે. ડીલીવરી માટે. પૂઅર મેન! એની વાઇફને ખૂબ પ્રેમ કરે છે....”

“પૂઅર?!! અને પ્રેમ!! આ માણસથી વધારે મોટો એકટર કદાચ દિલીપકુમાર કે અમિતાભ પણ નહીં હોય. એનો પગાર તગડો છે. એની એક કરતાં વધારે ગર્લ ફ્રેન્ડ્ઝ છે. કોઇ પણ છોકરી જ્યારે પ્રેગ્નન્ટ થઇ જાય છે ત્યારે એનાં એબોર્શન માટે આ માણસ મારી પાસે લઇ આવે છે.દરેક વખતે એક જ વાત કહે છે- ‘સર, એવું કામ કરી આપો કે એને કોઇ તકલીફ થાય નહીં. ફીની ચિંતા ન કરશો. પાંચને બદલે પંદર હજાર લેજો, પણ......’ આવા માણસને તમે ગરીબ કહો છો?”

હું સ્તબ્ધ થઇ ગયો. મેં પૂછ્યું, “તમને ખાત્રી છે કે આ એ જ માણસ છે?”

“હા, એનુ નામ તેજસ છે. આ નામની બૂમ પાડો; એ દોડી આવશે.” ડો. પટેલે ઉપાય દર્શાવ્યો.

હું બૂમ પાડું એ પહેલાં જ લેબર રૂમની અંદરથી શૈલાની ચીસ બારણું વીંધીને બહાર ધસી આવી, “ઓ ભગવાન! તેજસ....!? તેજસ, તું ક્યાં છો? ડોક્ટર, તમે એને અંદર આવવા દો ને! એ મારી પાસે ઊભો રહેશે તો મને સારુ લાગશે. એ મને ખૂબ પ્રેમ કરે છે.” ડો. પટેલ જવા માટે ઊભા થયા, “સાંભળી લીધું ને? તેજસ! ચાલો, હું જાઉં હવે. જ્યાં સુધી હું અહીં હોઇશ ત્યાં સુધી અભિનયસમ્રાટ તેજસકુમાર અંદર નહીં આવે.”

---------

Rate & Review

Shilpa Akhawat

Shilpa Akhawat 5 months ago

Anshi

Anshi 7 months ago

Om Vaja

Om Vaja 10 months ago

sandeep rajgor

sandeep rajgor 1 year ago

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 2 years ago