64 Summerhill - 44 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 44

64 સમરહિલ - 44

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 44

'તો ઐસી બાત હૈ છપ્પન બાદશાહ...' અચાનક તેણે લેપટોપમાંથી નજર ઊંચકીને કહ્યું એથી છપ્પન ચોંકી ગયો પણ અડધેથી વાત માંડવાની તેની આદત આટલા સમયમાં છપ્પને નોંધી લીધી હતી. એ કશો જ હોંકારો ભણ્યા વગર તેને જોતો રહ્યો.

તેણે એક પુસ્તક ઊઠાવ્યું, સંભાળપૂર્વક વચ્ચે આંગળી મૂકી અને છપ્પન તરફ આગળ વધ્યો.
'જો આ મૂર્તિ...' તેણે છપ્પનની સામે પાનું ધર્યું. અત્યંત જર્જરિત પાનામાં છપાયેલી એટલી જ ઝાંખી તસવીર ભણી છપ્પને જોયું અને તે જરાક ચોંક્યો. અત્યાર સુધી ઊઠાવેલી તમામ મૂર્તિઓ કરતાં આ મૂર્તિ અનોખી હતી.

'કંઈ ફરક સમજાય છે?' છપ્પનની આંખમાં ઝબકેલો ચમકારો ઓસરે એ પહેલાં જ તેણે પૂછી લીધું એથી છપ્પન થડકી ગયો... સાલો, મારા મનમાં વિચાર આવે એ પહેલાં તો પારખી જાય છે…

'હું કેવી રીતે તારા મનને વાંચી લઉં છું તેની ફિકર છોડ, મૂર્તિને જો...' ફરીથી છપ્પનને ચોંકાવીને તેણે શરારતી સ્મિત વેર્યું, 'ધારીને જો... અત્યાર સુધી તેં ઊઠાવી એ દરેક મૂર્તિ પ્રત્યક્ષ પ્રતિમા હતી. આ મૂર્તિ સંકેત પ્રતિમા છે'

'એટલે?'

'એટલે એમ કે...' અચાનક પોતાની માયાજાળ સંકેલતા જાદુગરની અદાથી તેણે પુસ્તક બંધ કરી દીધું, 'હવે તારે આ મૂર્તિ ઊઠાવવાની છે' પછી છપ્પનની તરફ ગરદન ઘુમાવીને ઉમેર્યું, 'મુકામ પોસ્ટ ધરમાવલ્લી, વરંગલ, આંધ્રપ્રદેશ'

'મેં તને કહ્યું... ત્વરિત વગર હું હવે એક ડગલું ય માંડવાનો નથી'

'પણ ત્વરિત પોતે હજુ અઠવાડિયા સુધી પથારીમાંથી નીચે ડગલું માંડી શકે તેમ નથી' તેણે સપાટ સ્વરે તરત જવાબ વાળ્યો એથી છપ્પન સતર્ક થઈ ગયો. તેની પાસે ત્વરિત વિશે કંઈક નક્કર માહિતી હોવી જોઈએ.

'નક્કર માહિતી નહિ... ફોટોગ્રાફ પણ છે, જોવો છે તારે?' ડઘાયેલા છપ્પનને સમજાતું ન હતું કે વીજળીના ચમકારાથી ય વધુ ઝડપે દિમાગ વાંચી લેતા આ માણસ સાથે કઈ રીતે વાત કરવી…

'આ જો...' તેણે છપ્પનના ચહેરા સામે મોબાઈલ ધર્યો.

કોઈ હોસ્પિટલના બેડ પર સૂતેલો ત્વરિતનો ફોટો જોઈને તે ચમક્યો, 'ઓહ નો... એ તો બહુ ખરાબ હાલતમાં લાગે છે...'

'બચી ગયો...' તેણે ફોટો એન્લાર્જ કરીને ત્વરિતના ચહેરા પર, બાવડા પર, છાતીમાં ક્યાં-ક્યાં ઘાવ છે એ બતાવ્યા, 'રેગિસ્તાનમાં બેહદ હેરાન થયો. ભુખ્યાડાંસ ગીધ બિચારાને ફોલી રહ્યા હતા... પણ હવે વાંધો નથી.. ઠીક થઈ જશે...'

'તું તો કહેતો હતો કે એ પકડાયો છે. પોલિસના કબજામાં છે તો પછી આ તસવીર?'

ઘડીભર એ છપ્પનને વિચિત્ર રીતે તાકી રહ્યો. તેના આવા વર્તનથી છપ્પનને તીવ્ર અકળામણ થઈ આવતી હતી. એ ક્યારેક વ્હાલ વરસાવે તો ક્યારેક સાવ અજાણ્યો થઈ જાય. ક્યારેક અડધા વાક્યથી જ વાત આરંભી દે, ક્યારેક સવાલ પૂછાય એ પહેલાં જવાબ વાળી દે તો ક્યારેક પૂછાયેલા સવાલને બદલે ભળતો જ જવાબ આપે.

'આ મૂર્તિ બહુ જ વિશિષ્ટ છે...'

'હા.. પણ સંકેત પ્રતિમા એટલે શું એ તારે કહેવું નથી..' છપ્પને વધુ એક દાવ રચવા માંડયો, 'વેલ, મને કહીશ, આ જ મૂર્તિ શા માટે ઊઠાવવાની છે?'

'કારણ કે તને આ મૂર્તિ માટે જ પૈસા મળવાના છે' તેણે ઊડાઉ જવાબ આપ્યો પણ છપ્પન તૈયાર હતો.
'તો આ મૂર્તિમાંથી તને શું મળવાનું છે?'

ત્રાંસી આંખે તેણે છપ્પનની સામે જોયું. વિચાર પરખાઈ જવાના ડરથી છપ્પને નજર ઝુકાવી દીધી એ જોઈને તે હસી પડયો, 'મને તારું દિમાગ વાંચવાની તાકાત મળવાની છે. વો ક્યા હૈ કિ, હજુ એ માટે મારે તારી સામે જોવું પડે છે... તારી આંખોમાં જોવું પડે છે...'

પછી એ ખડખડાટ હસી પડયો, 'આરામ કરો છપ્પન બાદશાહ... સાંજે તમારા માટે જ્હોની વોકર રેડ લેબલ વ્હિસ્કી મંગાવ્યો છે'

બહાર ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ચૂક્યો હતો. કાચની બારી પર મોટા ફોરાં પડવાથી રચાતી આકૃતિઓ જોઈને અચાનક તે ઊભો થયો. પહેલી વાર તેના ચહેરા પર છપ્પનને કોઈક ભાવ જોવા મળ્યો. તેની આંખોમાંથી ખુશહાલીની વાછટ ઊગતી હતી અને ચહેરા પર રંગત વર્તાવા લાગી હતી.
છપ્પન તદ્દન મૌન રહીને તેના બદલાયેલા તેવર જોઈ રહ્યો.

તેણે ઊભા થઈને ગેલેરીનું બારણું ઉઘાડયું એ સાથે ભીની માટીની મહેંક ઓરડાને ઘેરી વળી. બિકાનેરની હોટેલમાંથી સ્થળાંતર કર્યા પછી પહેલી વાર છપ્પનને અહેસાસ થયો કે તેઓ ભોંયતળિયાના કોઈ મકાનમાં હતા. બહાર નજર સામે જ રાઈનું ખેતર હતું અને વેગીલા પવનમાં દોઢ-બે ફૂટના છોડવા હિલોળાઈ રહ્યા હતા.

ગેલેરીના બારણે ઊભો રહીને તે ગરદન જરાક ઊંચકીને, બંધ આંખે મોસમની ભીનાશ શ્વાસમાં ભરતો રહ્યો. વરસાદનું જોર હવે વધ્યું હતું. આકાશમાં મેઘાડંબર બરાબર જામ્યો હતો. વીજળીના ચમકારે પવનના દોરે પરોવાયેલી વાછટ રાઈના છોડવાની અડાબીડ પીળાશ છેક ઓરડા સુધી ખેંચી લાવતી હતી અને આખો ઓરડો ઝળાંહળાં થઈ જતો હતો. એ ક્યાંય સુધી ગેલેરીમાં ઊભો રહીને ચહેરા પર બંધ આંખે શીતળતાનો અહેસાસ લેતો રહ્યો.

અચાનક આકાશ સામે જોઈને તેણે મોટે મોટેથી બોલવાનું શરૃ કર્યું,

અહં વૃક્ષસ્ય રેરિવા

કિર્તીઃ પૃષ્ઠં ગિરેરિવ

ઉર્ધ્વપવિત્રો વાજિનિવ સ્વમૃતસ્મિ

દ્રવિણં સવર્ચસમ્

સુમેધા અમૃતોક્ષિતઃ

પછી ખુશહાલ ચહેરે તેણે છપ્પન તરફ જોયું, 'સમજાય છે મેં શું કહ્યું?'

તેના આટલી હદે બદલાયેલા મિજાજને સતર્કપણે નિરખતા છપ્પને ડોકું ધૂણાવીને ના પાડી.
છપ્પનને ટેકો દઈને તેણે પરાણે ઊભો કર્યો અને ગેલેરીમાં ખુરસીમાં બેસાડતા કહેવા માંડયું, 'મહર્ષિ વેદવ્યાસે પોતાના ચાર શિષ્યોને ચાર વેદ શીખવ્યા. જેમાં વૈશમ્પાયનને યજુર્વેદ શીખવ્યો હતો. વૈશમ્પાયને આ જ્ઞાન પોતાના શિષ્ય યાજ્ઞાવલ્ક્યને આપ્યું. એક વખત કોઈક કારણસર યાજ્ઞાવલ્ક્ય સાથે તેમને ઝગડો થઈ ગયો એટલે ગુસ્સે થયેલા વૈશમ્પાયને પોતે શીખવેલું બધું જ જ્ઞાન ઓકી નાંખવા શિષ્યને આદેશ કર્યો. ગુરુની આજ્ઞા સ્વીકારીને યાજ્ઞાવલ્ક્યે શીખેલો યજુર્વેદ ઓકી તો નાંખ્યો પણ એ વખતે તેમના શિષ્યોએ તરત તેતર પક્ષીનો સ્વાંગ લીધો અને વમન કરેલો યજુર્વેદ ચણી ગયા. એ રીતે સચવાયેલું યાજ્ઞાવલ્ક્ય ઋષિનું દર્શન તૈત્તિરીય સંહિતા તરીકે ઓળખાય છે.'
'હું બોલ્યો એ તૈત્તિરીય સંહિતાનો મંત્ર છે...' છપ્પનના દિગ્મૂઢ ચહેરા સામે જોઈને તેણે તોફાની સ્મિત વેર્યું, 'આયા કુછ સમજ મેં?'

આટલું કહીને તે જાણે બાળપણ તાજું થયું હોય તેમ ખુલ્લા ખેતરમાં દોડી ગયો. ભીની, લથપથ માટીમાં પડતાં પગલાં, કાળુ મલિર ઓઢીને ઈજન આપતી વાદળોની ગડગડાટી, ધરતી પર લહેરાતી રાઈના ખેતરની ખુશ્બોદાર પીળાશ અને એકધારા વરસાદ વચ્ચે બેય હાથ હવામાં પસારી, ગરદન આકાશ ભણી ઊંચકી બંધ આંખે અહાલેકના અવાજમાં એ બોલી રહ્યો હતો…

સમગ્ર સંસારરૃપી વૃક્ષ મારામાંથી સ્ફૂટ થાય છે... કીર્તિઃ પૃષ્ઠં ગિરેરિવ... મારી કીર્તિ પર્વતના શિખરની માફક ઉન્નત છે... જ્ઞાનનો પ્રકાશ મારા ધનના ભંડારનું રક્ષણ કરે છે... સુમેધા અમૃતોક્ષિતઃ... અમૃત થકી અભિષેક પામેલો હું સંસારમાં સૌથી બુધ્ધિવાન છું…

છપ્પન સ્તબ્ધપણે, ફાટી આંખે તેને જોઈ રહ્યો હતો. છાતી માથે ઘેરાયેલા મેઘાડંબરને આહ્વાન કરતો હોય તેમ એ એકધારો બોલી રહ્યો હતો…

જ્ઞાનનો પ્રકાશ મારા ધનના ભંડારનું રક્ષણ કરે છે…

અમૃત થકી અભિષેક પામેલો હું સંસારમાં સૌથી બુધ્ધિવાન છું…

હું સૌથી વધુ બુધ્ધિવાન છું…

(ક્રમશઃ)

Rate & Review

anita patel

anita patel 3 months ago

Hina Thakkar

Hina Thakkar 4 months ago

Manisha

Manisha 7 months ago

nihi honey

nihi honey 10 months ago

Parul Bhavsar

Parul Bhavsar 11 months ago