Doctor ni Diary - Season - 2 - 20 in Gujarati Motivational Stories by Sharad Thaker books and stories PDF | ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 20

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 20

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(20)

ન કારણ ન વાતાવરણ શોધું છું,

કપટ માટે હું ફક્ત આવરણ શોધું છું.

જમનભાઇને હું પહેલી વાર 1982માં મળ્યો હતો. પરીચય કરાવનારે આ શબ્દોમાં એમની ઓળખાણ આપી હતી: “ આ જમનભાઇ છે. આખું ગામ એમને ‘જમન જલસા’ ના નામથી જાણે છે.”

“એમ? એનો મતલબ એ કે એમની પાસે જલસા કરવા જેટલા પૈસા હશે. શું કરે છે આ જલસાભાઇ, સોરી, જમનભાઇ?” મેં પૂછ્યું ત્યારે મારા જ સવાલના જવાબમાં બે-ચાર જવાબો મારા મનમાં સળવળ-સળવળ થતા હતા. જમનભાઇ કાં તો મોટા બિઝનેસમેન હશે, કાં કોઇ મોટી ફેક્ટરીના માલીક અને કંઇ નહીં તો છેવટે બાપકી દોલતના એક માત્ર વારસદાર હોવા જોઇએ. હું પોતે ગાયનેકોલોજીસ્ટ થઇને ત્યાં જોબ કરવા માટે ગયો હતો. ડોક્ટર બની ગયો હોવા છતાં મારી પાસે જલસા કરવા જેટલી જોગવાઇ થઇ ન હતી.

“જમનભાઇ કંઇ જ કરતા નથી.” જે જવાબ મળ્યો તે ચોંકાવી મૂકે તેવો હતો, “બસ, એ બેઠા બેઠા દિમાગ લડાવ્યા કરે છે. એમનું માનવું છે કે આ દેશની પ્રજા મૂર્ખ છે. જો એને બુધ્ધુ બનાવવાની આવડત આપણી પાસે હોય તો આ જનતાની જેબમાંથી નાણાંનો વરસાદ ધારો ત્યારે અને ધારો એટલો વરસાવી શકાય.”

મને આ વાતમાં રસ તો પડ્યો, પણ વિશ્વાસ ન બેઠો. મેં આવી ડંફાશો હાંકતા અનેક ‘મહાન આત્માઓ’ ને જોયા છે, પણ કોઇને દરેક વખતે સફળ થતા નથી જોયા. કેટલાંક તો ઉધારચંદ(એમ.ડી.) પણ મેં જોયા છે; જેમણે આખી જિંદગી પૈસા ઊધાર લઇને જ ચલાવ્યે રાખ્યું હોય. એ લોકોને પણ એક જણાં પાસેથી બે વાર નાણાં ઉધાર મેળવવામાં સફળતા મળતી નથી હોતી.

મેં જમનભાઇ સાથેની વાત ટૂંકાવી દીધી. ભગવાનને મનોમન પ્રાથના કરી કે ‘આ જમન જલસાના એકાદ ખતરનાક આઇડીયાનો ભોગ મને ના બનાવીશ!’

ભગવાને મને ભોગ તો ન બનાવ્યો, પણ સાક્ષી જરૂર બનાવ્યો. એક દિવસ બપોરની ઓ.પી.ડી.માં જમન એની વાઇફ જાગૃતીને લઇને આવ્યો, “સાહેબ, આને છેલ્લા દિવસો જાય છે. આમ તો અત્યાર સુધી અને પ્રાઇવેટમાં બતાવતા હતા. હવે તમારી સાથે ઓળખાણ થઇ છે તો મને થયું કે લાવ ને આ હોસ્પિટલમાં જ એની ડિલીવરી કરાવી લઉં. નાહકનો ખર્ચ શા માટે કરવો?” હું સાવધ થઇ ગયો: “જમનભાઇ, ખર્ચ તો આ હોસ્પિટલમાં પણ થશે જ.”

“કેમ? આ તો ચેરીટેબલ હોસ્પિટલ છે.”

“એ સાચું, પણ અહીં બધાં દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવતી નથી. અહીં ત્રિ-સ્તરીય બિલ-માફી યોજના અમલમાં છે.”

“એટલે?”

“દલીતો અને આદીવાસીઓના બિલમાં અહીં સો પ્રતિશત માફી આપવામાં આવે છે. આર્થિક રીતે પછાતોને પચાસ ટકા જેટલી રાહત આપવામાં આવે છે. બાકીના દર્દીઓએ પૂરેપૂરી ફી ભરવી પડે છે.”

“હું આ ત્રણમાંથી કઇ કેટેગરીમાં આવું?”

“પૂરેપૂરા બિલવાળી કેટેગરીમાં.” મારો જવાબ સાંભળીને જમનભાઇ વિચારમાં પડી ગયા. પછી અચાનક એમણે પૂછ્યું, “અહીં નોર્મલ ડિલીવરીનું બિલ કેટલું થતું હોય છે?”

મેં એ સમયે જે લેવામાં આવતો હતો તે આંકડો જણાવી દીધો. એમના ચહેરા પર પ્રસન્નતા છવાઇ ગઇ, “ નો પ્રોબ્લેમ. આ રકમ ઊભી કરવી એ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. તમતમારે કેસ કાઢીને સારવાર ચાલુ કરી દો!”

મેં સારવાર શરૂ કરી દીધી. સુવાવડની તારીખ નજીકમાં જ આવતી હતી. હું સાવધ હતો. જમનભાઇ ક્યાંક મારું ન કરી નાખે!

બાર દિવસ પછી જાગૃતિ લેબર પેઇન્સ સાથે દાખલ થઇ ગઇ. કુદરતને કરવું તે ચૌદ કલાક સુધી રાહ જોયા પછી પણ એની ડિલીવરી ન થઇ શકી. ગર્ભસ્થ બાળકની હાલતમાં ગંભીર ફેરફાર થવા માંડ્યો. એટલે તાબડતોબ નિર્ણય લેવો પડ્યો. મેં જમનભાઇને બોલાવીને કહ્યું, “અહીં સહિ કરી આપો. જાગૃતિબહેનનું સિઝેરીઅન કરવું પડશે.” જમન જલસાનુ મોં વિલાઇ ગયું. હું કારણ સમજી શક્યો નહીં; મારું મન પૂર્ણપણે દર્દી અને બાળકનાં પ્રાણ બચાવવામાં રોકાયેલું હતું. ઓપરેશન પૂરું થયું. જમનભાઇ એક તંદુરસ્ત દીકરાના બાપ બન્યા હતા.

બીજા દિવસે મને એમના વિલાયેલા ચહેરાનું રહસ્ય જાણવા મળ્યું.

“સાહેબ, હું તો નોર્મલ ડિલીવરીના ખર્ચની વેતરણમાં હતો. આ તો ઓપરેશન થઇ ગયું.”

“હા, જમનભાઇ! હવે બિલનો આંકડો......”મેં આંકડો જણાવ્યો. જમનભાઇ ચિંતામાં સરી પડ્યા. એમની ચિંતા ચાર-પાંચ દિવસ સુધી ચાલતી રહી. છઠ્ઠા દિવસે મેં એમને જોયા તો લાગ્યું કે એમના દિમાગમાં કશુંક ધમધમી રહ્યું છે.

છઠ્ઠની રાત્રે હોસ્પિટલમાં તહેલકો મચી ગયો. જમનભાઇની પત્ની જાગૃતીએ રાત્રે અગ્યાર વાગ્યે બુમાબુમ કરી મૂકી, “અરે! આ શું થયું? જુઓ તો ખરા? આ મારા દીકરાના પગના તળીયામાંથી લોહી નીકળે છે. કોઇએ એને ચપ્પુ-બપ્પુ મારી દીધું! સિસ્ટર...!”

દર્દીઓ ઊંઘતા હતા, એ જાગી ગયા. પરસાળમાં બધાંના સગાઓ ઊંઘતા હતા એ જાગીને દોડી આવ્યા. થાકીને ઝોકે ચડેલી નર્સ બહેનો પણ આવી ગઇ. ચારે તરફ ‘શું થયું?.....શુ થયું?’ ની પૂછપરછ મચી રહી.

મને બોલાવવામાં આવ્યો. મેં જોયું તો બાળકના બંને પગના તળીયા લોહી લૂહાણ હતા!! મેં સ્પિરીટ વાળુ કોટન મગાવ્યું. તળીયા પર ઘસ્યું. ‘લોહી’ નીકળી ગયું! ચામડી સલામત હતી. ક્યાંક એક પણ ઝખમ દેખાતો ન હતો.

“સિસ્ટર! ધીસ ઇઝ નોટ બ્લડ. લાગે છે કે કોઇએ.....” હું બોલવા ગયો, પણ મારું વાક્ય પૂરું ન થયું. બાજુમાં ઊભેલા જમનભાઇએ વાત ઝીલી લીધી.

“કોઇએ નહીં, સાહેબ, સ્વયં વિધાતાએ જાતે આવીને આ શુભ સંકેત આપ્યો છે. આજે મારા દીકરાની છઠ્ઠી છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે કોઇ પણ જાતકના જન્મની છઠ્ઠી રાત્રે વિધાતા એના લેખ લખવા માટે આવે છે. સામાન્ય જાતકોના કિસ્સાઓમાં એ કોઇને દર્શન આપતા નથી. પણ કરોડો માનવીઓમાં એકાદ વાર વિધાતા પોતાના આગમનની નિશાની આપે છે. જો જાતક ખૂબ જ પૂણ્યશાળી આત્મા હોય તો.....” થઇ રહ્યું! મધરાતે આ સમાચાર સુનામીની ઝડપે આખી હોસ્પિટલમાં ફરી વળ્યા. દર્દીઓના ગરીબ સગાવહાલાઓ પણ આવી ગયા અને આ પુણ્યશાળી આત્માના દર્શન કરીને અગ્યાર રૂપીયા મૂકી ગયા.

બીજા દિવસે આખું ગામ ઉમટી પડ્યું. ઝભલા-ચડ્ડીઓ, રમકડાં, શીરાની સામાગ્રી, એકાવન રૂપીયાથી લઇને એકસો એકાવન સુધીની નગદ રકમ! જેવી શક્તિ તેવી ભક્તિ! જમનભાઇએ રીતસર વોર્ડમાં જ ખાટલાની બાજુમાં ‘કેશ’ લેવા મોટેનું કાઉન્ટર ખોલી નાખ્યું.

આઠમા દિવસે રજા લેતા પહેલાં જમન જલસો મને મળવા આવ્યો. આંખ મિંચકારીને મને કહેવા લાગ્યો, “જોયું ને, સાહેબ! દસ પૈસાના કંકુમાંથી ઓપરેશનનું બિલ કાઢી લીધું ને! આ દેશની પ્રજા મૂર્ખ છે. મેં તો બિલ જેટલા જ રૂપીયાની આશા રાખી હતી; પણ લોકોએ મારા દીકરાનો આવનારા બે વર્ષનો ખર્ચ કાઢી આપ્યો.”

જમનભાઇ ખૂશ હતા. હું પણ ખૂશ હતો કારણ કે હું બચી ગયો હતો. આ ઘટના આટલા વર્ષો પછી મને યાદ એટલા માટે આવી કેમ કે હમણાં જમનભાઇ મળી ગયા. મેં હાલચાલ, પૂછ્યા, “શું કરે છે તમારો પૂણ્યશાળી આત્મા? એ દીકરો તો હવે 32-33 વર્ષનો થઇ ગયો હશે ને?

“હા, સાહેબ! દીકરો ખૂબ તેજસ્વી નીકળ્યો. બાપને ય પાછળ રાખી દીધો. એક રૂપીયાના ડબલ કરી આપવાની સ્કીમ ચલાવીને એણે એંશી કરોડનું કરી નાખ્યું! છઠ્ઠીના લેખ એને ફળ્યા, સાહેબ!”

(શીર્ષક પંક્તિ: ‘બરબાદ’ અમદાવાદી)

-----------

Rate & Review

Anu

Anu 9 months ago

Arvind Agarwal

Arvind Agarwal 9 months ago

nihi honey

nihi honey 9 months ago

Haren Shah

Haren Shah 10 months ago

Dhruvi Golakiya