64 Summerhill - 46 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 46

64 સમરહિલ - 46

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 46

બીજા દિવસે છેક બપોરે ત્વરિત ભાનમાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં ઝુઝારનું દિમાગ ફટકી ગયું હતું. એક વાર પેલી છોકરી ચકમો આપીને અંદર ઘૂસી ગઈ એ પછી સિક્યોરિટી વધુ ટાઈટ કરવી જોઈએ તેને બદલે રાઘવે બેય ચોકિયાતોને હટાવી લીધા અને ઝુઝારને ય ભળતી-સળતી તપાસના નામે બીજી દિશાએ દોડાવ્યો.

જેના માટે આ આખી ય જફા થઈ હતી એ મૂર્તિ બગલમાં દબાવીને આરામથી તે ગેસ્ટહાઉસથી ચાલતો જ હોસ્પિટલ આવવા નીકળ્યો હતો. લટાર મારવા નીકળ્યો હોય તેમ હોસ્પિટલ સામેની તમામ દુકાને ડોકિયા કરતો મૂર્તિ સાથે જ એ ફર્યો હતો. એક જગ્યાએ લાકડાની પાટલી પર બેસીને લિજ્જતથી સડાકા બોલાવતા તેણે દાલબાટી ય ખાધી હતી અને એ બધો વખત 'જરા સમ્હાલકે રખના' એમ કહીને હોટેલના કાઉન્ટર પર જ મૂર્તિ મૂકી હતી. પછી જાણે શ્વસુરની ખબર કાઢવા જતો હોય તેમ તાજાં ફૂલોનો એક ગુચ્છો ખરીદ્યો અને આરામથી ટહેલતો ટહેલતો ત્રીજા માળે ત્વરિતના રૃમમાં પ્રવેશ્યો.

ત્વરિતના ચહેરા પર ખાસ્સી તાજગી વર્તાતી હતી. ત્રીસેક કલાકમાં સેલાઈનના ચાર બાટલા અને દવાઓ પછી હવે તે પ્રમાણમાં સ્વસ્થ હતો. રાઘવને જોઈને જાણે વીજળી પડી હોય તેમ એ ચોંક્યો હતો.

'રિલેક્સ...' રાઘવે દોસ્તાના સ્મિત વેરીને તેના હાથમાં ગુલાબ, કરેણના ફૂલનો નાનકડો ગુચ્છો થમાવ્યો પછી જાણે કોઈ મામૂલી ચીજ મૂકતો હોય તેમ ટેબલ પર મૂર્તિ મૂકી, 'નો નીડ ટૂ બી પેનિક... તારી હાલત ઠીક થાય ત્યાં સુધી મારે તને એક અક્ષર પૂછવો નથી. બસ, એટલું કહું કે...' તેણે ત્વરિતની આંખમાં આંખ પરોવીને સ્વસ્થતાપૂર્વક કહ્યું, 'સાચુ બોલીશ તો ખુબરામાં કરેલા પરાક્રમમાંથી હું તને બચાવી લઈશ...'

ત્વરિત સ્તબ્ધપણે તેને તાકી રહ્યો. ઘડીક આંખો મીંચી, ફરીથી ખોલી, ટેબલ પર પડેલી મૂર્તિ સામે જોયું અને ફરીથી આંખો મીંચી દીધી. હજુ ય તેના દિમાગમાં ભયનો ઓથાર ઝળુંબતો હતો. રેગિસ્તાનમાં નાચતી ભુતાવળ, ગોળીઓની બૌછાર, ગીધની પાંખોનો બિહામણો ફફડાટ અને મૂર્તિમાંથી અદૃશ્યપણે ઊઠતું અટ્ટહાસ્ય...

'તારા બધા જ સાથીદાર તને એકલો છોડીને છટકી ચૂક્યા છે...' રાઘવે તેનો મેડિકલ ચાર્ટ જોવાનો ડોળ કરતા હળવેથી કહી દીધું, 'એન્ડ નાવ યુ આર ઓલ અલોન ઓન માય મર્સી...' ત્વરિતના ડઘાયેલા ચહેરા સામે જોઈને તેણે આછું સ્મિત વેર્યું, 'યુ આર એન એકેડેમિશિયન એન્ડ આઈ હોપ... બીજી વાર ખોટું બોલવાની ભૂલ તું નહિ કરે...'

ત્વરિતે ઊંડો નિઃશ્વાસ છોડયો. ઓશિકા પર માથું ઢાળ્યું પછી મૂર્તિને તાકીને વગર પૂછ્યે કડકડાટ બોલવા લાગ્યો.

'ઈટ વોઝ ઓલ માય મિસ્ટેક... ઈટ વોઝ ઓવર ક્યુરિઓસિટી... આઈ શુડ ટોલ્ડ યુ બટ...' તેની આંખોમાં ઝળહળી ગયેલી પીડામાં રાઘવને સચ્ચાઈ ભળાતી હતી, 'બિલિવ મી, હું કોઈ મૂર્તિચોર ગેન્ગમાં નથી. રાધર, ડિંડોરી સુધી હું આમાં ક્યાંય સામેલ જ ન હતો.'

એ જાતે જ બોલતો જતો હતો એટલે રાઘવ ચૂપચાપ તેને સાંભળતો રહ્યો. ડિંડોરીની મૂર્તિ પર માર્કિંગ જોઈને તેના મનમાં જાગેલી ઉત્સુકતાથી માંડીને તેણે છપ્પનને દબોચ્યો ત્યાં સુધીનું બધું જ એ બોલી ગયો. રાઘવ સ્મિત વેરતો રહ્યો પણ છપ્પન જેને દુબળી તરીકે ઓળખાવતો હતો એ ભેદી આદમીનો ઉલ્લેખ આવ્યો ત્યારે રાઘવના દિમાગમાં પૂરપાટ ઝડપે સ્કેનિંગ ચાલુ થઈ ગયું હતું.

'છપ્પનસિંઘ પાસે તેણે ઊઠાવેલી બીજી મૂર્તિઓના જે ફોટોગ્રાફ્સ મેં જોયા એ બધામાં પણ આર્કિયોલોજિકલ સ્કેલિંગ હતું. આવું સ્કેલિંગ એક્સપર્ટ આર્કિયોલોજીસ્ટ જ કરી શકે. મને શંકા ગઈ કે એ બધી જ મૂર્તિઓ વામપંથી છે.'

'એવું કેમ લાગ્યું?' વામપંથી મૂર્તિનો ઉલ્લેખ આવ્યો ત્યારે પહેલી વાર રાઘવે સવાલ કર્યો.

'એ દરેક મૂર્તિના પ્રપોર્શનમાં કંઈક ને કંઈક ખામી હતી અથવા કંઈક વધારાના સંકેત હતા.'

'શાના સંકેત?' રાઘવના મનમાં ય હવે ઉત્સુકતાના ધડાકા થતા હતા પણ તેણે અવાજ અને ચહેરાના ભાવ પર સંયમ રાખ્યો.

'સી, આઈ એમ નોટ શ્યોર બટ...' તેણે મૂર્તિ સામે આંગળી ચિંધી, 'ચેક ધીસ... ઈટ્સ અ રેરેસ્ટ આઈડોલ... બિલિવ મી, હું મૂર્તિશાસ્ત્રનો એક્સપર્ટ છું પણ હજાર વર્ષ પૂરાણી આવી કોઈ મૂર્તિ ખરેખર અસ્તિત્વમાં છે એવું મેં ક્યાંય સાંભળ્યું ન હતું'

'આ મૂર્તિમાં એવું શું ખાસ છે?' રાઘવના મનમાં ઉત્સુકતા ફાટાફાટ થતી હતી.

'ડિંડોરીની મૂર્તિ આઠસો-હજાર વર્ષ જૂની હતી અને આ મૂર્તિ સ્હેજે બારસો વર્ષ જૂની હોઈ શકે. હિન્દુસ્તાનમાં જૂની મૂર્તિની કોઈ નવાઈ નથી પણ કેટલીક મૂર્તિ બહુ જ વિશિષ્ટ હોવાનું કહેવાય છે. એ મૂર્તિઓ સાથે વામપંથ અને તેની સાથે સંકળાયેલા અનેક ભેદભરમ જોડાયેલા છે પણ એવી મૂર્તિ ખરેખર અસ્તિત્વમાં છે કે કેમ તેનો કોઈ પૂરાવો મળ્યો નથી.'

ત્વરિતને બોલવામાં શ્રમ પડતો હતો. તેનો અવાજ પણ ક્ષીણ હતો પરંતુ રેગિસ્તાનમાં મોતને હાથવેંત છેટું ભાળ્યા પછી અનુભવેલો કારમો થડકાટ હવે એ બોલીને બહાર કાઢવા મથતો હતો. તેણે પાણી માટે ઈશારો કર્યો એટલે રાઘવે જગમાંથી ગ્લાસ ભરીને તેને ધર્યો. એક શ્વાસે પાણી પીને તેણે ફરીથી વાત માંડી.

'એઝ એન એક્સપર્ટ, મારા માટે એ બહુ મોટી ક્યુરિયોસિટી હતી કે તદ્દન વિસારી દેવાયેલી આવી તિલસ્મી મૂર્તિ વિશે એક આદમી બધું જ જાણે છે. ઠેકઠેકાણે ભેદી, અવાવરૃ જગ્યાએ રખાયેલી આવી મૂર્તિઓ શોધે છે અને તેને આબાદ રીતે ઊઠાવી રહ્યો છે. મૂર્તિઓના ફોટોગ્રાફ પર થયેલું સ્કેલિંગ અને ચોક્કસ જગ્યાએ થયેલું માર્કિંગ જોઈને હું પાગલ થઈ ગયો હતો પણ આ મૂર્તિ જોઈને તો...' ઘડીક તે અટક્યો. મૂર્તિની સામે જોયા કર્યું અને ડોકું ધૂણાવી નાંખ્યું, 'હજુ ય મને એમ જ લાગે છે કે હું સપનામાં તો નથી ને?'

'પણ...' રાઘવને બેહદ ચટપટી ઉપડતી હતી એ જ વખતે નાઈટશિફ્ટ નર્સ અંદર પ્રવેશી.

'પેશન્ટને સ્પોન્જિંગ કરવાનું છે અને...'

તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ રાઘવે ત્વરિતને કહી દીધું, 'ડોન્ટ બોધર, વી વીલ હેવ પ્લેન્ટિ ઓફ ટાઈમ... આપણે ફરીથી વાત કરશું. કાલે બીજી હોસ્પિટલમાં તારી સ્કિન ટ્રીટમેન્ટ થવાની છે. એ પહેલાં અત્યારે તારા હાથમાં પ્લાસ્ટર કરવાનું છે.'

મેડિસિનની સ્ટ્રિપ ફાડી રહેલી નર્સે જરાક ગરદન ઊંચકી પણ રાઘવે તેનાં પર ધ્યાન આપ્યા વગર ઉમેર્યું, 'હાથના મસલ્સમાં કંઈક ઈન્જરી છે એવું ડોક્ટરે કહ્યું છે. બટ ડોન્ટ વરી, ડેફિનેટલી યુ વીલ ગેટ વેલ સૂન..'

***

મોડી સાંજે ત્વરિતે એક રોટલી ખાધી, ફ્રુટ જ્યુસ પીધું પછી ફરીથી તેને ઘેનનું ઈન્જેક્શન આપી દેવાયું. તેને હજુ ય આરામની જરૃર હતી. રાઘવની હાજરીમાં જ ડોક્ટરે તેના જમણાં હાથે પ્લાસ્ટર કર્યું. મોડી સાંજે રાઘવને બેય હાથ ખિસ્સામાં રાખીને ખુશહાલ મિજાજે નીચે ઉતરતો જોયો ત્યારે ઝુઝારને નવાઈ લાગતી હતી.

'લેટ્સ હેવ સમ ડ્રિન્ક...' ઝુઝારનું ડ્રિન્ક તો સતત ચાલુ જ હોય છે એ યાદ આવતાં તેણે ખડખડાટ હસીને ઝુઝારના ખભે ધબ્બો માર્યો, 'આઈ મિન, લેટ મી ટૂ હેવ સમ ડ્રિન્ક...'

ઝુઝારને પારાવાર નવાઈ લાગતી હતી. કોઈ ચોકીપહેરા વગર ત્વરિતને એકલો છોડીને રાઘવ હવે તેને ય સાથે લઈ જઈ રહ્યો હતો.

બંને હોસ્પિટલનો ગેટ વટાવીને બહાર નીકળ્યા ત્યારે તેમણે પાછળ જોયું હોત તો ઓપીડીની લાઉન્જ પાસે સાઈન બોર્ડ અને ભીંતના પોલાણમાં કશોક કાગળ ખોસી રહેલી એ નર્સને જોઈ શક્યા હોત.

રાઘવ સાચો હતો. વગર જોયે એ પારખી ગયો હતો.

***

બીજા દિવસે બપોરે ચાર વાગ્યે ...

હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર થોડી ધમાલ થઈ.

સિવિલ હોસ્પિટલમાં પેશન્ટને લઈ જવા માટે આવેલી એક એમ્બ્યુલન્સના વોર્ડબોયે કાઉન્ટર પર ટ્રાન્સફર ઓર્ડર ધર્યો એટલે ક્લાર્ક ગિન્નાયો હતો. પેશન્ટને શિફ્ટ કરવાના પેપર પર રબ્બર સ્ટેમ્પ કેમ નથી, આ સહી કોની છે, જે પેશન્ટને લઈ જવાનો છે તેને એવી કોઈ ગંભીર ઈજા હોવાનું અહીં રેકોર્ડમાં ક્યાંય લખાયું નથી એવા સવાલો કરીને તે વોર્ડબોયને ધમકાવી રહ્યો હતો એ જ વખતે ત્રીજા માળેથી એ નર્સ લિફ્ટમાં ઉતરી હતી અને કાઉન્ટર પર કાગળ ધર્યા હતા.

'અરે સિસ્ટર...' કેસ હિસ્ટ્રી વાંચીને ઝંખવાણા પડી ગયેલા ક્લાર્કે સફાઈ પેશ કરવા માંડી, 'મારી પાસે આ કોપી નથી આવી એટલે મને તો એમ જ થાય ને કે પેશન્ટને સિવિલમાં મોકલવાની કોઈ જરૃર નથી. આપણું તંત્ર જ આવું લાહડિયું છે. તમારે મને તરત કોપી ફોરવર્ડ કરવી જોઈએ...' એવું બધું બબડતા જઈને ક્લાર્કે સહી-સિક્કા કરી આપ્યા એટલે સ્ટ્રેચર લઈને વોર્ડબોય ત્રીજા માળે ગયા. પોણી કલાક પછી સાયરન વગાડતી એમ્બ્યુલન્સ ઉપડી ત્યારે ત્વરિત હજુ ય બેહોશ હતો.

બપોરે પોણા પાંચ વાગ્યે...

ઓરડામાં ભરાઈને ધીમા અવાજે સતત મોબાઈલ પર ઘૂસપૂસ કરી રહેલો રાઘવ અચાનક બહાર આવ્યો એ જોઈને ઝુઝાર ઘડીક ચોંકી ગયો હતો. ખાખી કોટન ટ્રાઉઝર, ચાઈનિઝ કોલરનો ઓપન વ્હાઈટ શર્ટ, ચેસ્ટ બેલ્ટમાં બંને સાઈડ ખોસેલી પિસ્તોલ, હિપ પોકેટમાં ત્રીજી એક ગન અને ખભા પર બેકપેક.

'લેટ્સ મૂવ...' તેણે એમ્યુનિશન કિટ ચેક કરતા ઉતાવળા અવાજે કહ્યું, 'તારા વેપન્સ લઈ લે...'

એ સમયે રાઘવને એમ હતું કે તે બહુ જ શાણપણ દાખવીને આ કેસ ઉકેલવા તરફ દોડી રહ્યો છે.

  • - પણ એ તેનો ભ્રમ હતો.
  • (ક્રમશઃ)

    Rate & Review

    Hina Thakkar

    Hina Thakkar 4 months ago

    Geeta Patel

    Geeta Patel 4 months ago

    Sukesha Gamit

    Sukesha Gamit 6 months ago

    Jayesh Vora

    Jayesh Vora 6 months ago

    nihi honey

    nihi honey 10 months ago