Once Upon a Time - 45 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 45

વન્સ અપોન અ ટાઈમ - 45

 

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 45

દાઉદના બનેવી ઈબ્રાહિમ પારકરનું ખૂન કરનારા ગવળી ગેંગના શૂટર્સ શૈલેશ હલદનકર અને બિપિન શેરેને ખતમ કરવા માટે દાઉદના ભાઈ નૂરાએ દાઉદ ગેંગના શાર્પ શૂટર સુનીલ સાવંત ઉર્ફે સાવત્યાને આ ‘ઓપરેશન’ સોંપ્યું હતું. સાવત્યા અને સુભાષસિંહ ઠાકુર ચાર શૂટર્સ સાથે જે.જે. માર્ગ હોસ્પિટલના કંપાઉન્ડમાં પહોચ્યાં. એક મારુતિ અને એક એમ્બેસેડર કારમાં આવેલા છ શૂટર અત્યંત  સહજતાથી જે.જે.માર્ગ હોસ્પિટલના ત્રીજા માળે પહોંચ્યા. ત્યાં અઢાર નંબરના વોર્ડમાં જઈને એમણે સ્ટેનગન્સ અને પિસ્તોલ્સ ધણધણાવી. શૈલેષ હલદનકર અને બિપિન  શેરે પર વોચ રાખવા મુકાયેલી પોલીસ ટીમના સભ્યો પહેલાં તો ડઘાઈ ગયા પણ એ ટીમનું સુકાન સંભાળતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.બી. ઠાકુરે પોતાની રિવોલ્વર ખેંચીને સામો ગોળીબાર શરુ કર્યો. પણ એટલી વારમાં તો અઢાર નંબરના વોર્ડમાં ત્રણ લાશો ઢળી ગઈ અને બીજા અનેક માણસોના શરીરમાં ગોળીઓ ખૂંપી ગઈ.

ખુદ સબ ઈન્સ્પેક્ટર કે.બી ઠાકુરને પણ ગોળી વાગી હતી. એમ છતાં ઠાકુરે હુમલાખોરોને બરાબર ટક્કર આપી. તેમણે દાઉદ ગેંગના એક ગુંડાની છાતીમાં ગોળી ધરબી દીધી. પણ દાઉદ ગેંગના શૂટર્સ પાસે અત્યાધુનિક શસ્ત્રો હતાં. એમણે ગણતરીની સેકન્ડોમાં ૩૩ ગોળી છોડીને ‘ઓપરેશન’ પાર પાડ્યું હતું. દાઉદ ગેંગના શૂટરો ‘કામ પતાવીને’ જે.જે.માર્ગ  હોસ્પિટલમાંથી રફુચક્કર થઇ ગયા. સબ ઈન્સ્પેક્ટર ઠાકુરના વળતા ગોળીબારમાં ઘવાયેલા શૂટરને ઊચકીને તેઓ સાથે લઇ ગયા.

***

જે.જે.માર્ગ હોસ્પિટલમાં ગવળી ગેંગનો શૂટર શૈલેષ હલદનકર સારવાર મળે એ અગાઉ જ એ કમોતે મરી ગયો હતો. જોકે બીજો શૂટર બિપિન શેરે સદભાગી સાબિત થયો હતો. એને બે ગોળી વાગી પણ એ બચી ગયો હતો. હલદનકર અને શેરે પર વોચ રાખી રહેલી પોલીસ ટીમના સભ્યોના બહુ ભૂંડા હાલ થયા હતા. મુંબઈ પોલીસના બે યુવાન કોન્સ્ટેબલ કંવલસિંહ બન્ટુ અને ચિંતામણી જાવસે પણ બાપડા શૈલેષ હલદનકરની સાથે માર્યા ગયા હતા. સબ ઈન્સ્પેક્ટર કે.બી. ઠાકુર અને કોન્સ્ટેબલ વિજય નાંગરેને ગોળીઓ વાગી હતી, પણ તેઓ બચી ગયા હતા.

મુંબઈ પોલીસનું નાક વાઢી લેનારા આ હુમલામાં જે.જે.માર્ગ હોસ્પિટલની નર્સ ચંદ્રકલા પાંડે, હોસ્પિટલના બીજા બે કર્મચારી શંકર કદમ અને યુસુફ દાદરકર તથા ગણપત કદમ નામના એક દરદીને પણ ગોળીઓ વાગી હતી. દાઉદ ગેંગના શૂટર્સના હુમલાને કારણે જે.જે.માર્ગ હોસ્પિટલના અઢાર નંબરના વોર્ડમાં અંધાધુંધી અને નાસભાગ થઇ અને એનો લાભ ઉઠાવીને દાઉદ ગેંગના શૂટરોને નાસી છૂટવાનું સહેલું પડ્યું. દાઉદ ગેંગના શૂટર્સ જે.જે.માર્ગ હોસ્પિટલના ‘હિંમતવાન’ સિક્યુરિટી ગાર્ડસ અઢાર નંબરના વોર્ડમાં ધસી ગયા હતા.

જે.જે. માર્ગ હોસ્પિટલમાં દાઉદ ગેંગ ત્રાટકી હોવાના સમાચાર અડધી રાતે મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર શ્રીકાંત બાપટને મળ્યા ત્યારે એમની ઊંઘ હરામ થઇ ગઈ અને એમણે પોલીસ અધિકારીઓને દાઉદના અડ્ડાઓ ધમરોળી નાખવાનો આદેશ આપી દીધો. મુંબઈ પોલીસ સાથે દાઉદ ઇબ્રાહિમે ફરી એક વાર સીધી દુશ્મની વહોરી લીધી હતી. મુંબઈ પોલીસ પૂરા ઝનૂનથી દાઉદના અડ્ડાઓ પર તૂટી પડી હતી.

દાઉદ ગેંગના ચાલીસથી વધુ અડ્ડાઓ ઘમરોળીને પોલીસે દાઉદના બનેવી રહીમ મહમ્મદ, દાઉદના ગેંગવોરમાં માર્યા ગયેલા બનેવી ઈબ્રાહીમ પારકરના ભાઈ ઇકબાલ પારકર અને દાઉદના બનેવી રહીમ મહમ્મદના મામા ઈબ્રાહીમ અંતુલે સહિત દાઉદ ગેંગના ડઝનબંધ ગુંડાઓને લોકઅપમાં ધકેલી દીધા.

બીજી બાજુ અરુણ ગવળી ગેંગ પણ પૂરા ઝનુનથી દાઉદ ગેંગની સામે મેદાને પડી હતી. શૈલેષ હલદનકર ગવળી ગેંગના ટોપટેન લીડર પૈકી તાન્યા કોળીનો ખાસ માણસ હતો. એને દાઉદ ઇબ્રાહિમના શૂટરોએ ઢાળી દીધો. એનો બદલો લેવા ગવળી ગેંગના શૂટરો દાઉદના શૂટરોને વીણી-વીણીને મારવા માંડ્યા. અને મુંબઈમાં ગેંગવોર ચરમસીમાએ પહોંચી ગઈ.

જે.જે. માર્ગ હોસ્પિટલમાં પોલીસની ગોળીઓથી ઘવાયેલા શૂટરને કારણે દાઉદ ગેંગની હાલત પણ કફોડી થઇ હતી. એ શૂટર બીજો કોઈ નહી પણ સાવત્યા હતો. ઘવાયેલા સાવત્યાને સારવાર અપાવવા માટે દાઉદ ગેંગના બીજા શૂટરો મુંબઈમાં અહીંથી તહીં ભટકી રહ્યા હતા. ગમે ત્યારે પોલીસના હાથમાં ઝડપાઈ જવાનો ડર હતો. અને સાવત્યાને પડતો મૂકી દેવાય એવી સ્થિતિ નહોતી.

માયા ડોળસના એન્કાઉન્ટર પછી દાઉદ ગેંગના શૂટરોમાં થોડો અવિશ્વાસ ફેલાયો હતો. એમાં શ્રીકાંત રાયને બરાબર સારવાર ન અપાવી શકાય કે એને પોલીસનો શિકાર બનાવી દેવાય તો દાઉદ ગેંગના શૂટર્સ બળવો પોકારે એવી સ્થિતિ હતી. દાઉદે દુબઈમાં બેઠાં બેઠાં જ મુંબઈમાં કોઈ વ્યવસ્થા કરીને એ શૂટરને સારવાર અપાવવાની હતી અને એને પોલીસથી બચાવવાનો પણ હતો. નૂરા તો રાતે જે.જે. માર્ગ હોસ્પિટલમાં દાઉદ ગેંગના શૂટરો ત્રાટક્યા એના થોડા કલાક અગાઉ જ પાછો દુબઈ ભેગો થઈ ગયો હતો.

આ તરફ મુંબઈ પોલીસને સબ ઇન્સ્પેક્ટર કે.બી. ઠાકુરે કહ્યું હતું કે હુમલાખોરો પૈકી એક  શૂટરને છાતીમાં ગોળી વાગી છે. એટલે એ શૂટરને સારવાર માટે કોઈ હોસ્પિટલમાં લઇ જ જવો પડશે. એવી ખાતરીથી મુંબઈ પોલીસે શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોને તાકીદ કરી કે આ પ્રકારનો કોઈ પણ કેસ આવે તો તરત જ પોલીસને જાણ કરવી. મુંબઈ દૂરદર્શન પર પણ આ ચેતવણી પ્રસારિત કરવામાં આવી. આ દરમિયાન શ્રીકાંત રાયને ઇસ્ટ વેસ્ટ એરલાઇન્સના એક ટોચના અધિકારીના ઘરે લઇ જ્વાયો હતો અને ત્યાં એક ડોક્ટરને બોલાવીને એની સારવાર કરવા કહેવાયું પણ એ ડોકટરે એ કામ ઓપરેશન થિયેટર અને સર્જન વિના શક્ય ન હોવાનું કહ્યું. દાઉદ ગેંગના શૂટરો બરાબર મૂંઝાયા હતા. પણ એ જ વખતે એમને દાઉદનો મેસેજ મળ્યો. દાઉદે શૂટર શ્રીકાંત રાયને સારવાર અપાવવાની અને મુંબઈ બહાર લઇ જવાની વ્યવસ્થા કરી આપી હતી.

સ્વભાવિક રીતે જે.જે. માર્ગ હોસ્પિટલમાં આટલી લોહિયાળ ઘટના બાદ મુંબઈ પોલીસે શહેરના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હતી એટલે મુંબઈમાંથી સાવત્યાને હેમખેમ બહાર કાઢવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. પણ દાઉદનું ફળદ્રુપ ભેજું કામ કરી ગયું હતું અને ભિવંડી  મ્યુનિસિપાલિટીના પ્રમુખ જયંત સૂર્યારાવ એમની કોન્ટેસા કાર લઈને દાઉદ ગેંગના શૂટરોની વહારે ધસી ગયા હતા. મુંબઈના પાડોશી શહેર ભિવંડીના મ્યુનિસિપાલિટીની સત્તાવાર કાર દાઉદ ઇબ્રાહિમના ઘવાયેલા શૂટરની સેવામાં હાજર થઇ ગઈ હતી !

ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કાઉન્સિલના વાઈસ પ્રેસિડેન્ટ જયંત સૂર્યારાવ સરકારી કોન્ટેસા કાર લઈને દાઉદ ગેંગના શૂટરોની વહારે ધાયા. એ કાર ભિવંડી –નિઝામપુર મ્યુનિસિઅપલિટીના વાઈસ પ્રેસિડેન્ટ મહમ્મદ અલી ખાનની હતી. પણ મહમ્મદ અલી ખાન એ દિવસે દિલ્હી ગયા હતા એટલે એમની કાર લઈને જયંત સૂર્યારાવ દક્ષિણ મુંબઈમાં સર જે.જે. માર્ગ હોસ્પિટલથી થોડે દૂર ઈસ્ટવેસ્ટ એરલાઇન્સ કંપનીના એક સિનિયર ઓફિસરના ઘરે પહોંચી ગયા. ત્યાંથી ઘવાયેલા શૂટરને લઈને એમની કાર અંધેરી ઉપનગર તરફ રવાના થઈ.

એ વખતે ભીવંડી મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ જયંત સૂર્યારાવનો બોડીગાર્ડ-સશસ્ત્ર  પોલીસ જવાન પણ એ કારમાં હતો!

(ક્રમશ:)

 

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Nimisha Patel

Nimisha Patel 10 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Nayan Kalola

Nayan Kalola 3 years ago

Bhavesh Soni

Bhavesh Soni 3 years ago