64 Summerhill - 59 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 59

64 સમરહિલ - 59

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 59

ઉશ્કેરાટભેર તેણે ઓરડામાં લાંબી ડાંફ ભરીને આમતેમ બે-ત્રણ આંટા માર્યા અને ફરી રાઘવની સામે હાથ લંબાવીને ત્રાડ નાંખી, 'પાડ માનો પ્રોફેસરનો કે તમે સૌ આમ છૂટા ફરો છો, હાથ લાંબા-ટૂંકા કરીને સવાલ-જવાબ કરો છો પણ ભૂલો કે તમે હજુ મારા હાથમાં છો...'

'પણ અમે તારા કબ્જામાં છીએ તેનો અર્થ નથી કે તમે એમ તવાંગ થઈને તિબેટ પહોંચી જશો.. તને અંદાજ છે, માટે કેવી કેવી તૈયારી કરવી પડશે? હિમાલય એટલે શું અને બરફના તોફાન એટલે કઈ બલા તેનો ખ્યાલ છે? ધારો કે તમે તિબેટ પહોંચી પણ ગયા તો, શું તું એમ માને છે કે ત્યાં લુચ્ચા ચીનાઓ હારતોરા કરીને તમારૃં સ્વાગત કરશે... ભલે પધાર્યા મોંઘેરા મહેમાન એવા ગીતડાં ગાશે અને તમારા હાથમાં હસ્તપ્રતોના થોકડાં થમાવી દેશે?' રાઘવના અવાજમાં બેહદ ઉશ્કેરાટ હતો, 'એક એવા મુલ્કમાં તમારે જવું છે જ્યાં જવાનો કોઈ માર્ગ નથી, એક એવા મુલ્કમાં તમારે જવું છે જ્યાં ચહેરાથી પરદેશી ઓળખાઈ જાય છે, એક એવા મુલ્કમાં તમારે જવું છે જ્યાં જવાની પરદેશીને પરવાનગી નથી અને..'

'શટઅપ...' રાઘવના ઊંચા થતા અવાજની સમાંતરે હિરને દબાયેલા પણ ભયાનક આવેગભર્યા સ્વરે કહી દીધું પણ ઉશ્કેરાટથી ફાટાફાટ થતો રાઘવ અટક્યો નહિ, 'રસ્તામાં ખાવા-પીવાનું શું કરશો, ચેકપોસ્ટ પર પરમિટ માંગશે ત્યારે શું ધરશો, છૂપા વેશે ત્યાં કેટલાં દિવસ, કઈ રીતે અને ક્યાં રોકાશો, કેવી રીતે હસ્તપ્રતોની શોધ કરશો.. સાલા, કશું વિચાર્યા વગર ચાલો તિબેટ... ચાલો તિ...'

'શટઅપ્પ્પ્પ્પ્પ્પ્પ...' ભયાનક ત્રાડ નાંખીને હિરને આંખના પલકારે રાઘવની છાતીમાં એક ધબ્બો ઝિંક્યો. ઓચિંતા, વેગીલા અને બરાબર મર્મસ્થાન પર વાગેલા પ્રહારથી રાઘવ અડબડિયું ખાઈ ગયો, 'હું બેવકૂફ છું? એમ આઈ ઈડિયટ? સ્ટુપિડ?' ગુસ્સાથી તેનો ભરાવદાર સીનો તંગ થઈ ગયો હતો. ખભા પરથી સરી ગયેલા ટોપની નીચેથી બ્રેસિયરના બ્લેક સ્ટ્રેપ્સ દેખાતા હતા અને કશાંયની પરવા કર્યા વગર ગળાની નસો ફૂલી જાય રીતે તે ચિલ્લાઈ રહી હતી, 'તિબેટ મુક્તિવાહિની... નામ સાંભળ્યું છે તેં? તિબેટની આઝાદી માટે ચીન સામે ગેરિલા વોરફેર જારી રાખતી તિબેટના બહાદુરોની છૂપી સેના... ડૂ યુ નો એનિથિંગ? ધરમસાલા તિબેટ મુક્તિવાહિનીના લડાકુઓનું આશ્રયસ્થાન અને તવાંગ તેમનો બેઝ કેમ્પ, જાણે છે આમાંનું કશું?'

ઘડીક ધૂંધવાતી નજરે સૌને જોતી રહી. સ્હેજ બટકી, સ્હેજ હૃષ્ટપુષ્ટ, બેહદ ગોરી અને માદક વળાંકો ધરાવતી ફૂટડી છોકરી અને તેનો બાર ખાંડીનો મિજાજ...

ખુરસી પરથી ઊભા થઈને પ્રોફેસર હજુ તેને વારવા જાય ત્યાં તેણે બિન્ધાસ્ત ટોપ ઊંચું કરીને જીન્સમાં ખોસેલી ગન કાઢી અને રાઘવની સામે ધરી દીધી, 'અહીં સુધીનું આટલું કમઠાણ મેં કર્યું છે... હવે તમે યા તો મારા પ્લાનિંગ પર ભરોસો કરો...' ફરીથી દરેકની સામે તેણે નજર ઘૂમાવી, 'ઓર ગેટ લોસ્ટ ફોરએવર...'

'ઓહ કમઓન...' હિરનનો ઉશ્કેરાટ વાત વણસાવી દેશે તેવા અંદેશાથી પ્રેરાઈને ત્વરિત આગળ વધ્યો, 'તિબેટ જવાનું જોખમી તો છે પણ...' સ્હેજ ખચકાઈને તેણે વાક્ય પૂરું કર્યું, 'આઈ એમ રેડી...'

હવે દરેકની નજર ત્વરિત પર ચોંટી હતી.

ચંદ સેકન્ડની વિંધી નાંખતી ચૂપકીદી પછી ત્વરિતે ફરીથી ડોકું ધૂણાવ્યું, 'તિબેટ હોય કે દુનિયાનો કોઈપણ છેડો... જહન્નમ હોય કે દોઝખ... હવે વાતનો પાર પામ્યા વિના હું ચેનથી મરી નહિ શકું...' તેણે આવેગસભર આંખે પ્રોફેસરની સામે જોયું, હિરનની સામે નજર ફેંકી લીધી, 'કોઈ આવે કે આવે, તમે લોકો જાવ કે જાવ... હું તિબેટ જવાનો છું... ધેટ્સ ઈટ'

'ડન...' દુબળી કશુંક બોલવા જતો હતો ત્યાં હિરને ત્વરિતનો ખભો થપથપાવી લીધો, 'અત્યાર સુધી એકલેહાથે અમે અહીં સુધી પહોંચ્યા પણ હવે મારે વધુ માણસો જોઈશે... વધુ અને ભરોસાપાત્ર. તારી આવડત અને અભ્યાસનો અમને ચોક્કસ ખપ છે. છપ્પનનો પણ...'

'હું??' અત્યાર સુધી અવશપણે પણ એટલી એકાગ્રતાથી સાંભળી રહેલો છપ્પન પહેલી વખત સ્હેજ ચોંક્યો.

'હા... કારણ કે, પબ્લિક લાઈબ્રેરીમાં જઈને કાર્ડ ધરીએ એટલે આપણને ચોપડી ઈસ્યુ કરી દે એવું તો તિબેટમાં થવાનું નથી. ત્યાં જઈને કેવા કેવા ખેલ પાડવા પડે તેનો કોઈ અંદાજ નથી. સંજોગોમાં છપ્પન ઈઝ મોસ્ટ સ્યુટેબલ ગાય...'

એકધારો સ્તબ્ધતાપૂર્વક સાંભળી રહેલો છપ્પન ઊભો થયો. તેની ચાલમાં સુસ્તી હતી અને આંખોમાં કશુંક સંમોહન. તે ફક્ત એટલું બોલી શક્યો, ' મારી તકદીરનો સાદ છે... હું તૈયાર છું'

તેણે આંખો ભારપૂર્વક મીંચી દીધી. તેની પાંપણો નીચે બાઝેલી ભીનાશની પર્ત જોઈને સૌને આશ્ચર્ય થતું હતું પણ બંધ આંખોની ભીતર બાપ ગૂંગાસિંઘને ખિલખિલાટ હાસ્ય સાથે આશીર્વાદ આપતો હાથ ઊંચકતો જોઈને છપ્પન રૃંવેરૃંવેથી ભાવવિભોર થઈ રહ્યો હતો.

ક્યાંય સુધી ઓરડામાં નિઃશબ્દ સન્નાટો ઘૂમરાતો રહ્યો. છપ્પન અને ત્વરિત, જાણે અત્યારે તિબેટ જવા - જવાની બે ટીમ પડી ગઈ હોય તેમ ઓરડામાં જરાક ટહેલીને પ્રોફેસર અને હિરનની સાઈડમાં ખસી ગયા હતા અને સામેની તરફ પલંગ પર બેઠો હતો રાઘવ અને તેની બાજુની ઈઝી ચેર પર હતો ઝુઝાર...

'ઓકે... એઝ યુ વિશ...' છેવટે રાઘવે બોલાયા વગર હવામાં ઘૂમરાતો સવાલ પકડયો, 'તમે નિર્ણય પર આવી ગયા છો તો હું તમને નહિ રોકું' તે ઊભો થયો અને નિલાંબરની પાસે જઈ તેના ખભા પર હાથ મૂક્યો, 'હોલહાર્ટેડલી આઈ સેલ્યુટ યુ, પ્રોફેસર... આઈ વિશ આઈ કૂડ જોઈન યુ... પણ મારી ફરજ મને રોકે છે.'

પ્રોફેસરે કશું બોલ્યા વગર ગરદન ઊંચકીને તેની સામે જોયું. પહેલી વાર રાઘવને તેની આંખોમાં લાગણીનો ઝબકારો વર્તાતો હતો, 'ડોન્ટ વરી સર... હું આખો કેસ અહીં પૂરો કરું છું. આમ પણ ડિંડોરીની મૂર્તિ માટે મારા સિવાય બીજા કોઈને પરવા નથી. હું કેસ રફેદફે કરી દઈશ.' પછી તેણે હિરન તરફ અછડતી નજર નાંખીને ઉમેર્યું, 'એન્ડ આઈ પ્રોમિસ... જેન્ટલમેન પ્રોમિસ, તમારા આયોજન વિશે હું કે ઝુઝાર એક અક્ષર સુધ્ધાં ક્યાંય નહિ બોલીએ... મારા તરફથી તમે હવે છૂટા છો...' પછી હિરનની બરાબર સામે જોઈને તેણે સ્મિતભેર કહી નાંખ્યું, 'આઈ હોપ કે તમે પણ મને છોડશો...'

રાઘવે ત્વરિતની પાસે જઈને તેનો ખભો થપથપાવ્યો. છપ્પનની સામે સ્મિત વેર્યું અને ઝુઝારને ઈશારો કરીને દરવાજા ભણી આગળ વધ્યો.

'વી હેવ પ્લાન ફોર યુ ટુ, મિ. એસીપી...'

હિરનના ઘેરા, રણકતા અવાજથી રાઘવના પગ ત્યાં ખોડાઈ ગયા. તેણે અચરજભેર ગરદન ઘૂમાવી.

'આટલાં વરસની અમારી રઝળપાટ, આટલી ખણખોદ, આટલાં જોખમ, એક કરોડથી વધારે રૃપિયાનો વેડફાટ અને હવે જાનના જોખમે છેક તિબેટ સુધી જવાની અમારી તૈયારી...' તેણે બેહદ માદક અને મલપતી ચાલે રાઘવ તરફ આગળ વધતાં કહ્યું, 'તું શું સમજે છે, ફક્ત પ્રોફેસરની થિયરી પૂરવાર કરવા માટે જફા થઈ રહી છે?'

થંભી ગયેલો રાઘવ પારાવાર મહેનત કરીને ચહેરો સ્વસ્થ રાખવા મથતો હતો.

બાપ-દીકરી બંને ચહેરા પર કોઈ ભાવ ફરકે કે મનમાં કોઈ સવાલ ઊગે પહેલાં તો સાંગોપાંગ વાંચી લેવામાં માહેર હતા. અત્યાર સુધીમાં પામી ગયો હતો કે આંખમાં આંખ પરોવાયેલી હોય ત્યારે તેમના માટે સામેની વ્યક્તિના વિચાર વાંચવાનું આસાન રહે છે પણ નજર ફેરવી લઈએ કે મનમાં અનેક વિચારો ઊભા કરીને મૂળ વિચારને દબાવવાની કોશિષ કરીએ તો કદાચ તેમના માટે મુશ્કેલ બની શકે??

મનમાં કોઈ સવાલ જાગે તેનો પ્રયત્ન કરતો પરાણે કોઈ બીજા, અસંબધ્ધ વિચાર પર મનને લઈ જવા મથતો હતો પણ તેના દિમાગમાં તમરાંના અવાજ જેવી ઝમઝમાટી થવા લાગી હતી.

તેણે હિરન તરફ જોવાનું ટાળીને કોઈ કારણ વગર પોતાના બાળપણના તોફાનના, બહુ ભાવતી મીઠાઈ સોનપાપડીના, પહેલી ગર્લફ્રેન્ડને પહેલી વાર કરેલી કિસના અને એવા બધા અસંબધ્ધ વિચારો કરવા માંડયા, પણ તોય ઊંડે ઊંડે તેના મનમાં સવાલ ઊઠી જતો હતો, 'સમથિંગ ઈઝ ધેર... બીજો પ્લાન... એમનો અસલી પ્લાન હોવો જોઈએ... શું છે બીજો પ્લાન?'

ઘડીક તેણે નજર ઝુકેલી રાખી, ઘડીક ઝુઝાર તરફ જોયા કર્યું અને એમ ઓરડામાં પાછો ફર્યો.

'આઈ હોપ, તને જાણવું ગમશે...' હિરને સાલસ અવાજે કહ્યું અને તેની સ્વભાવગત બેપરવાઈથી પગનો ઠેલો મારીને તેણે ખુરસી ધરી, 'પ્લિઝ હેવ સીટ..'

'આમ તો આવા વખતે મને ચોંકાવી દેવા માટે મારા મનના ભાવ વાંચીને તેને અનુરુપ જવાબ વાળવી જોઈએ... પણ તેણે એવું કર્યું નહિ...' મનોમન ગડમથલ અનુભવતો રાઘવ પોતાનો કિમિયો ચકાસવા સઘન પ્રયત્નપૂર્વક મનમાં ચિત્ર-વિચિત્ર વિચારોનું તોફાન જગાવતો જતો હતો.

આઈપીએસ અફસર તરીકે તેણે જાતભાતની તાલીમ મેળવી હતી પણ મનમાં તદ્દન વિરોધાભાસી અસંબધ્ધ વિચારો જગાવીને તેને ચહેરા પર ઓઢવાનો, આંખોમાં પહેરાવવાનો બહુ દુષ્કર પ્રયત્ન હતો.

'નો ડાઉટ... પ્રોફેસરની થિયરી સાચી સાબિત થાય અમારો અલ્ટિમેટ ગોલ છે...' ભીંતને અઢેલીને રાઘવ સામે તાકીને બોલી રહી હતી. અદબ વાળવાથી લૂઝ ટોપમાં ચસોચસ ભીંસાતો તેના સ્તનોનો ઉભાર, પગની આંટી વાળવાથી છલકાતો ભરાવદાર સાથળનો ચુસ્ત આકાર, ગોરા-રતુમડા ચહેરા પર ફરફરતો ભુખરા વાળનો અંબાર અને કથ્થાઈ આંખોમાંથી છલકાતી આત્મવિશ્વાસ સભર બેપરવાઈ.. હિરનના રૃપના અંઘોળમાં અંજાયેલો ઓરડો સ્તબ્ધપણે તેને તાકી રહ્યો.

'ડેડ એન્ડ મી ટુ...' તેણે ઘડીક દુબળીની સામે એકીટશે જોયા કર્યું, 'વેરી મચ ડેસ્પરેટ ટૂ પ્રુવ હિમ રાઈટ... પણ મને હતું કે...' તેણે રાઘવની સામે આંગળી ચિંધી, 'તું એટલો તો સ્માર્ટ હોઈશ ..'

રાઘવે અછડતી નજરે તેની સામે જોયું અને જરાક સ્મિત વેરીને અકારણ ત્વરિત તરફ નજર ફેરવી દીધી.

'તમે કદાચ અનબિલિવેબલ વાતના પ્રભાવમાં દિશામાં તો વિચાર્યું નથી કે ધારો કે...' ફરીથી તેણે પ્રોફેસરની સામે જોયું. ઘડીક જોયા કર્યું અને પછી ઉમેર્યું, '... ધારો કે આપણે વિચારીએ છીએ બધી પ્રાચીન વિદ્યાઓ, એન્શ્યન્ટ કમ્યુનિકેશન સ્કિલ્સ સુધી આપણે પ્હોંચી પણ ગયા તો...'

સવાલને અધવચ્ચે લટકતો છોડીને તેણે હાથને સ્ટાઈલભેર જિન્સના ખિસ્સામાં ખોસ્યા, સીનો ટટ્ટાર કર્યો, પગની એડી ઠપકારીને શરીરને સ્હેજ ઊંચક્યું અને આંખોનો બેહદ મારકણો ઉલાળો ઘૂમાવીને ફરીથી પૂછ્યું, '... તો શું, વિચાર્યું છે?? શું થઈ શકે, આપણી પાસે કેવી તાકાત આવી જાય, આપણે શું કરી શકીએ?' ઘૂરી રહેલા ઝુઝારની નજીક પહોંચીને તેણે કહ્યું, 'હું અને તું બોલ્યા વગર વાત કરી શકીએ તેનાંથી દુનિયામાં કેવી ઉથલ-પાથલ સર્જાઈ જાય, તને અંદાજ આવે છે?'

'પ્લિઝ સ્ટોપ ઈટ...' અચાનક પ્રોફેસરે હાથ ઊંચો કરીને મોટા અવાજે ઘાંટો પાડયો, ' બધી વાત ક્યાં..'

'રિલેક્સ ડેડ..' હિરને તરત પ્રોફેસરને અટકાવ્યો. તેની નજીક જઈને એકધારી તેની આંખમાં જોતી રહી. દુબળી પણ અવશપણે તેની આંખોમાં તાકતો રહ્યો અને પછી નીચે જોઈને માથું ધુણાવવા માંડયો.

કદાચ હિરનની વાત સાથે સંમત હતો... કદાચ હિરન કહી રહી હતી તેને ગમતું હતું. રાઘવ બહુ બારિક નજરે બેયના ચહેરા પરના ભાવ પામવા મથતો હતો.

'એક મિનિટ સર...' ત્વરિતને કથાની નવી માંડણી ગોટે ચડાવતી હતી, 'તેને બોલી લેવા દો, ડોન્ટ મેક અસ કન્ફ્યુઝ પ્લિઝ..' તેણે રાઘવ અને છપ્પનની તરફ જોયું. બંનેએ બોલ્યા વગર સંમતિસૂચક ગરદન ધુણાવી દીધી.

'યસ્સ્સ...' હિરને ફરીથી વાતનો દોર હાથમાં લીધો, ' બહુ લાંબા ગાળાનું આયોજન છે. ડેડનો સબ્જેક્ટ નથી. રીતે વિચારવા ટેવાયેલા પણ નથી બટ આઈ એમ સ્યોર, તમને તો ગળે ઉતરશે ...'

'બટ વ્હોટ??' ત્વરિતના સ્વરમાં અકળામણ વર્તાતી હતી.

'વેલ... હું ફટાફટ મૂળ મુદ્દા પર આવવાની કોશિષ કરું...' ઝડપથી ચાલીને તે સોફાચેરની કિનારને અઢેલીને ઊભી રહી, 'ટેલ મી, તારા દોસ્તો સાથે, ફેમિલી મેમ્બર સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે તું શું કરે છે... આઈ મિન કોલ કરે છે, એસએમએસ ઓર એનિથિંગ એલ્સ?'

'મેઈનલી આઈ યુઝ વ્હોટ્સએપ ઓર મેસેન્જર...'

'કેમ એસએમએસ યુઝ નથી કરતો?'

'કારણ કે...' ત્વરિતને હજુ પ્રશ્નાવલિ સમજાતી હતી. રાઘવ પણ સાશંકપણે ધ્યાનથી જોઈ રહ્યો હતો, 'વ્હોટ્સએપ વધારે કમ્ફર્ટેબલ છે. ફાસ્ટ છે. તેના ફિચર્સ વધુ યુઝફૂલ છે એન્ડ...'

'એબસોલ્યુટલી રાઈટ...' હિરને ખુશહાલ ચહેરે હાથની ચપટી વગાડી નાંખી, '...પણ ત્રણ-ચાર વર્ષ પહેલાં તને કલ્પના સુધ્ધાં હતી કે શોર્ટ મેસેજ સર્વિસિઝ આટલી જલદી ખતમ થઈ જશે? તેનાં દસ વર્ષ પહેલાં તને કલ્પના હતી કે એક એસએમએસ વડે તું ક્યાંય પણ, કોઈને પણ મેસેજ મોકલી શકતો હોઈશ?'

તેણે રમતિયાળ સ્મિત સાથે દરેકની આંખોમાં નજર ફેરવી નાંખી, 'પચ્ચીસ વર્ષ પહેલાં મોબાઈલ ફોન વિશે કલ્પના પણ થઈ શકતી હતી? આપણા બાપાઓ એસટીડી પીસીઓની બહાર લાઈન ખૂલે તેની રાહ જોઈને ઊભા રહેતા હતા એવું મેં સાંભળ્યું છે. મારા મામા કહેતા કે ગામમાં ઠેકઠેકાણે પીળા પાટિયામાં બ્લેક અક્ષરે પીસીઓ લખેલી કેટલીય દુકાનો ખૂલી ગઈ હતી અને મારા મામા હોંશભેર દર અઠવાડિયે છેક ત્રિપુરામાં મારી મા સાથે વાત કરીને તાજુબી અનુભવતા હતા...'

'પચ્ચીશ વર્ષમાં આપણી આસપાસની આખી દુનિયા બદલાઈ ગઈ... થેંક્સ ટૂ આઈટી રિવોલ્યુશન... પણ વખતે જો કોઈએ આવું થશે એવી આગાહી કરી હોત તો આપણે માન્યું હોત? હું જે વાત કહેવા જઈ રહી છું આવતાં પંદર-વીસ કે પચ્ચીશ વર્ષ પછીની ક્રાંતિની છે...' તેણે સોફાચેરના હાથા પર પગ અને ઢિંચણ પર હાથ ટેકવ્યો, 'પોસિબલ છે કે આજે બિયોન્ડ ઈમેજિનેશન લાગે... ભેજાંમાં ઉતરે...'

ઝાટકા સાથે તેણે પગ હટાવ્યો, થોડો પોઝ આપીને સોફાચેર ફરતો એક આંટો માર્યો અને ત્વરિતની સામે જોયું... ઘડીક અનિમેષપણે જોયા કર્યું, 'વ્હોટ્સએપ નામની મુદ્દલ એક મોબાઈલ એપ્લિકેશન હજુ તો દસ વર્ષ પૂરા કરે પહેલાં તો ૧૯ બિલિયન ડોલરમાં ફેસબુકે ખરીદી લીધી...' પછી તેણે છપ્પન અને ઝુઝારની સામે જોયું, '૧૯ બિલિયન ડોલર યાને... ૧૯૦૦ કરોડ ડોલર યાને ,૧૪,૦૦૦ કરોડ રૃપિયા...'

ઝુઝાર અને છપ્પન સ્તબ્ધ ચહેરે, ફાટી આંખે તેને નિરખી રહ્યા હતા. ત્વરિત જાણે કશુંક સમજી રહ્યો હોય તેમ જરાક ગરદન હલાવી રહ્યો હતો. રાઘવના ચહેરા પર હજુ મક્કમતા અંકાયેલી હતી.

'એક એપ્લિકેશન આવે છે અને હજુ તો મોબાઈલનું કિ-પેડ પણ ઘસાયું હોય ત્યાં લાખો, કરોડોમાં તેના ભાવ મંડાવા લાગે છે... એક ફેસબુક... એક ગુગલ... એક એપલ... એક માઈક્રોસોફ્ટ... જગતની સૌથી વધુ જાણીતી, સૌથી વધુ કમાણી કરતી, સૌથી વધુ ચર્ચાતી અને સૌથી વધુ શક્તિશાળી બની રહેલી કંપનીઓ આખરે કરે છે શું?'

નાટકિય અંદાજે બેય હાથ પહોળા કરીને તે ધીરે ધીરે નજીક લાવતી ગઈ અને એક-એક શબ્દ છૂટો પાડીને કહેતી ગઈ, 'બે ડિવાઈસ વચ્ચેની કનેક્ટિવિટી... તારો મોબાઈલ અને મારો મોબાઈલ વ્હોટ્સએપથી કનેક્ટ થાય એટલે આપણે આખો દિવસ વાતો કરી શકીએ... પિક્સ, સોન્ગ્સ, વીડિયો શેઅર કરી શકીએ... ગ્રુપ બનાવીને કામની વાત પણ કરી શકીએ અને મજા પણ કરી શકીએ...'

પછી અચાનક છપ્પન તરફ ફરી, 'છપ્પન, પ્રોફેસર તને મૂર્તિની તમામ ડિટેઈલ્સ આપે પછી પણ તું તારી રીતે સ્થળ ક્રોસ ચેક કરતો હતો... કઈ રીતે?'

'હેં???' મંત્રમુગ્ધપણે સાંભળી રહેલો છપ્પન ઓચિંતા સવાલથી ચોંક્યો હોય તેમ તેનો સ્વર હડબડવા લાગ્યો, 'હું... મેં... હું આમ તો ગૂગલ પર ચેક કરતો. જીપીએસ વડે રસ્તા ચેક કરીને પ્લાન બનાવતો હતો અને...'

'ધેટ્સ આઈ મિન ટુ સે...' સાથળ પર હથેળીનો ટપાકો મારીને તેણે કહ્યું, 'દુનિયાભરના કમ્પ્યૂટરની કનેક્ટિવિટી વડે ગૂગલ ડેટા બેન્ક તૈયાર કરે, આપણે આંગળીના ટેરવે ડેટા મેળવી શકીએ, સેવાના બદલામાં આપણે એક પૈસો ચૂકવીએ અને છતાં ગૂગલ તગડી થતી જાય... કેટલી તગડી, તને કંઈ અંદાજ આવે છે?'

તેણે પહેલાં ઝુઝારને અને પછી છપ્પનને પૂછ્યું અને જાતે એક-એક શબ્દ છૂટો પાડતા જવાબ વાળ્યો, 'ઝીરોથી ૪૦૦૦ કરોડ ડોલરની કંપની થવામાં ગૂગલને ફક્ત પંદર વર્ષ લાગ્યા હતા...'

'હવે સમજાય છે, હું શું કહી રહી છું?' તેણે સ્મિતભેર હવે રાઘવને ટાર્ગેટ કર્યો, 'બે ડિવાઈસ વચ્ચેની કનેક્ટિવિટી જો દુનિયાભરમાં આટલી ઉથલપાથલ મચાવી શકતી હોય, રૃપિયાની અને પાવરની રેલમછેલ વરસાવી શકતી હોય તો...'

ઘડીક તે અટકી, ત્વરિતની સામે ધ્યાનથી તેણે જોયા કર્યું, ઊંડો શ્વાસ લીધો, તેનો સ્વર સહેજ ધીમો પડયો, 'એન્શ્યન્ટ કમ્યુનિકેશન સ્કિલ તો બે માણસના દિમાગ વચ્ચેની કનેક્ટિવિટીની વાત કરે છે. જો આપણે સાચા પડયા, જો આપણે ધારીએ છીએ મુજબના ગ્રંથો અને તેમાં કહેવાયેલી આવડત હસ્તગત કરી શક્યા તો...' રાઘવની સાવ સામે ખસીને તેણે આંખમાં આંખ પરોવી દીધી, 'તને કલ્પના આવે છે, પંદર-વીસ કે પચ્ચીશ વર્ષ પછીનું જગત કેવું હશે?'

સૌના સ્તબ્ધ, સુન્ન થઈ ગયેલા ચહેરા જોઈને ખડખડાટ ઠહાકો વેરીને તેણે ફરીથી સોફાચેર ફરતા ચક્કર મારી લીધા, 'જગતની વાત છોડ... હ્યુમન માઈન્ડ કનેક્ટ કરી શકતી એપ્લિકેશનના માલિક તરીકે ઝુઝાર, ચંબલનો લુખ્ખો ક્યાંનો ક્યાં પહોંચી ગયો હશે તેનો અંદાજ આવે છે? જિંદગીભર મોં સંતાડીને ભાગતો-ફરતો ચોર... છપ્પન કેવી તાકાત ધરાવતો હશે તેની કલ્પના કરી શકે છે? અરે, બધાની વાત છોડ, તું ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોઈશ તેનું તને ભાન પડે છે?'

'એક મિનિટ...' ત્વરિતે અચાનક હાથ ઊંચો કરી દીધો, ' બધું કેવી રીતે થશે?'

'સિમ્પલ... આજે ગૂગલે જે ઈન્ટરનેટ કનેક્ટિવિટી વડે કર્યું આપણે હ્યુમન માઈન્ડની કનેક્ટિવિટી વડે કરી શકીએ. વ્હોટ્સએપે મોબાઈલ એપ્લિકેશન વડે જે કર્યું આપણે આપણી પોતાની તદ્દન નવા પ્રકારની અને કોઈ ડિવાઈસ વગરની એપ્લિકેશન વડે કરી શકીએ. આપણે માણસના દિમાગના કનેક્શન વિશે જે જાણતાં હોઈશું તેની વર્લ્ડ પેટન્ટ આપણી પાસે હશે. આપણે દુનિયાને અનોખા પ્રકારની સર્વિસિઝ પૂરી પાડશુંં...'

'બટ...' ત્વરિત કશુંક બોલવા ગયો પણ ઘડીક ત્વરિતની સામે ત્રાટક કરીને અને પછી રાઘવની આંખોમાં આંખ પરોવીને બોલતી ગઈ, 'ગવર્નમેન્ટ, કોર્પોરેટ સેક્ટર, પોલિસ, હોસ્પિટલ, યુનિવર્સિટી, આર્મી... ક્યાં ક્યાં આવા પર્સનલ, ફાસ્ટ, બેહદ સિક્રેટ અને છતાં એટલાં અસરકારક કમ્યુનિકેશનની જરૃર નહિ હોય? તમને કોઈને અંદાજ નહિ આવતો હોય પણ મને દેખાય છે કે, દસ-પંદર વર્ષ પછી આપણે ક્યાં હોઈશું? તિબેટનું પારાવાર જોખમ જો સફળ થયું તો આપણાં સૌ માટે ગંજાવર શક્યતા હું નિહાળી રહી છું. આપણે સૌ તેમાં બરાબરના હિસ્સેદાર હોઈશું. ધેટ્સ વ્હાય આઈ નીડ યુ, મિ. એસીપી... હવે સમજાય છે હું શા માટે તને રોકી રહી છું?'

'બટ... વેઈટ મિનિટ...' ત્વરિતે ફરીથી હિરન અને રાઘવની વચ્ચે જવાની કોશિશ કરતાં કહ્યું પણ હિરન હવે અટકવાના મૂડમાં હતી.

તે ભારપૂર્વક રાઘવને કહી રહી હતી, 'મારે બેહદ વિશ્વાસુ, ચાલાક અને પ્લાનિંગમાં શ્રધ્ધા રાખી શકે તેવા લોકોની જરૃર પડવાની છે. હું કે પ્રોફેસર એકલે હાથે કરી શકવાના નથી. એક ટીમ જોઈશે... મજબૂત અને વિશ્વાસુ ટીમ... તું અહીં સુધી પહોંચ્યો છે, આટલી માહિતી તે મેળવી લીધી છે, તને પારાવાર ક્યુરિયોસિટી જાગી છે તો શા માટે ઊંબરે આવીને ઊભો થઈ જાય છે? તારો લોસ છે કે તું એક એવી તક ગુમાવી રહ્યો છે જે ગુમાવવા માટે તારી સાત પેઢી તને ગાળો દેશે અને મારો લોસ છે કે તારા જેવો ચાલાક, ઈન્ટેલેક્ચુયઅલ અને વિઝનરી આદમી શોધવા માટે મારે ગમે તેના પર ભરોસો મૂકવો પડશે. ધેટ્સ વ્હાય આઈ નીડ યુ... એન્ડ નાવ આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ યોર નીડ ટુ...'

'બટ હેઈઈઈઈ...' ત્વરિતે અચાનક હિરનનું બાવડું પકડીને ઉશ્કેરાટમાં તેને રીતસર ધક્કો મારી દીધો, 'પહેલા મારી વાત સાંભળ... સાંભળ મારી વાત..' તેના અવાજમાં, તેના ચહેરા પરના ભાવમાં અને તેની આંખોમાં અજબ ઉન્માદ વર્તાતો હતો, 'માય ગ્ગ્ગોડ... તેં તો બારોબાર બધો વહીવટ પ્લાન કરી નાંખ્યો છે... યુ આર ડેન્જરસ ગર્લ.. તું ખતરનાક ગુનો કરી રહી છે'

તેણે ભારે અચંબાથી ડોકું ધૂણાવતા પ્રોફેસરની સામે જોયું, રાઘવની સામે જોયું અને ફરીથી હિરનને ઝકઝોરી, 'એન્શ્યન્ટ નોલેજ તો નેશનલ ટ્રેઝર કહેવાય... હજારો વર્ષ સુધી તેના વિઝન માટે મથેલા પ્રાચીન વિદ્વાનો અને તેની સાચવણી માટે મથેલા સંખ્યાબંધ અનામ લોકોની જહેમત પર તારો, મારો કે આપણો આઠ-દસ જણાનો અધિકાર કેવી રીતે હોઈ શકે? તો રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણે જો સફળ થઈએ તો આપણે બધું રાષ્ટ્રને સમર્પિત કરી દેવું જોઈએ...'

'ઓહ્હ્હ્...' હિરને બેહદ નાટકિય અવાજે તેની સાવ લગોલગ જઈને વિસ્ફારિત આંખે કહ્યું, 'જો રાષ્ટ્રિય સંપત્તિ હોય તો...' તેણે વળતા એવા ઉશ્કેરાટથી ત્વરિતનો કોલર ભીંસી દીધો, 'તો જા.. તું અને તારું રાષ્ટ્ર્ એકલે હાથે બધું શોધી લેજો.. જા'

'આઈ મિન...' તેનાં ધક્કાથી ત્વરિત સ્હેજ લથડિયું ખાઈ ગયો.

'યુ મિન માય ફૂટ..' તેણે બેહદ ગુસ્સાથી પગ પછાડી નાંખ્યો અને ત્વરિત પર છલાંગ મારવા ધસી ભેગો ઝુઝાર વચ્ચે લપક્યો, 'બસ... બસ... બહોત હો ગયા...' તેણે નાજૂક ઢિંગલીને ઊંચકતો હોય અદાથી હિરનને પાછળ હડસેલી અને બીજા હાથે ત્વરિતને રોકી દીધો.

'સોરી માહિયાસા'...' તેણે રાઘવની સામે જોઈને ભદ્દુ સ્મિત વેર્યું, 'હમ તો જાયેગા...' પછી ગુસ્સાથી ધૂંધવાતી હિરન તરફ ફર્યો, 'કોઈ આવે કે આવે... ફિકર મત કર, ઝુઝારસિંહ મલ્હાન તારી સાથે આવશે... તિબ્બત તો ક્યા, જહન્નમ મેં ભી આયેગા...'

બેહદ ઉશ્કેરાટથી હાંફતો ત્વરિત હજુ પ્રોફેસરની સામે જોઈ રહ્યો હતો અને પ્રોફેસર આગ ઓકતી નજરે ત્વરિતને તાકી રહેલી હિરનને ઠંડી પાડતો હતો. છપ્પન દિગ્મૂઢપણે સૌ કોઈને જોઈ રહ્યો હતો.

'ઓકે ગાય્ઝ...' ઘડીક ત્વરિતને, ઘડીક હિરનને તાકીને આખરે રાઘવે ઊંડો શ્વાસ લીધો અને ખામોશી તોડી, 'હું પણ તૈયાર છું...'

તેની ઓચિંતી સંમતિથી ત્વરિત ચોંકી ઊઠયો હતો. છપ્પનના ચહેરા પર રાહત હતી. ઝુઝારે ખુશીથી રાઘવની પીઠ પર હળવો ધબ્બો મારી લીધો. પ્રોફેસર હિરનની સામે જોઈને માથું ધુણાવી રહ્યો હતો.

- અને બારી તરફ મોં ફેરવીને બહાર ઘેરાતા અંધારામાં તાકી રહેલી હિરનના ચહેરા પર સ્મિત હતું... પોતાનું ધાર્યું કરાવી શકાયાના કેફનું સ્મિત...

(ક્રમશઃ)

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 months ago

Sukesha Gamit

Sukesha Gamit 6 months ago

nihi honey

nihi honey 10 months ago

Parul Bhavsar

Parul Bhavsar 11 months ago

Manoj Shah

Manoj Shah 12 months ago