Once Upon a Time - 53 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 53

વન્સ અપોન અ ટાઈમ - 53

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 53

‘તુમ તો મેરે છોટે ભાઈ હો,’ પુણેની યરવડા જેલમાં એક રીઢો ગુંડો અંડરવર્લ્ડના બે નવા નિશાળિયાઓને કહી રહ્યો હતો, ‘યહાં સે નિકલને કે બાદ મૈ તુમ દોનો કી લાઈફ બના દૂંગા.’

‘ભાઈ આપ કો કોર્ટ મેં કલ જમાનત મિલ જાયેગી ક્યા?’ નવા નિશાળિયા ગુંડાઓમાંથી એકે ચિંતિત અવાજે પૂછ્યું.

‘જમાનત મિલે યા ન મિલે અપન કો ક્યા ફરક પડતા હૈ?‘ રીઢા ગુંડાએ હસતાં હસતાં કહ્યું, પણ એવું બોલતી વખતે એને બીજા દિવસે શું બની શકે એની કલ્પના નહોતી.

યરવડા જેલમાંથી એ રીઢા ગુનેગારને મુંબઈના ઉપનગર કલ્યાણની કોર્ટમાં લઇ જવાયો. કોર્ટમાં હાજર કરીને એણે યરવડા જેલમાં પાછો લઇ જવા માટે કલ્યાણ રેલ્વે સ્ટેશન પહોંચાડવામાં આવ્યો. કલ્યાણ રેલ્વે સ્ટેશનમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રેનમાં બેસવા જતી વખતે અચાનક એની નજર કેટલાક રિવોલ્વરધારી માણસો પર પડી. એ કંઈ બોલી શકે એ અગાઉ તો રીવોલ્વરધારીઓએ એને નિશાન બનાવી દીધો. થોડી ક્ષણો તરફડીને એણે છેલ્લો શ્વાસ લીધો. એની સાથે આવેલા પોલીસ કર્મચારીઓ ડઘાઈ ગયા હતા.

***

એ રીઢો ગુંડો અરુણ ગવળીના જમણા હાથ સમો તાન્યા કોળી હતો. અશ્વિન નાઈકના સસરા હરકિસન જેઠવાના ખુનનો બદલો લેવા અમર નાઈકના શૂટર્સે ઢાળી દીધો હતો.

***

અમર નાઈક ગેંગના શૂટરોએ ગવળી ગેંગના શાર્પશૂટર તાન્યા કોળીને કલ્યાણ રેલ્વે સ્ટેશનમાં ગોળીએ દીધો. એથી ગવળી ગેંગને આંચકો લાગ્યો હતો. તાન્યા કોળીની મુંબઈ પોલીસે એક ફિફ્ટી સિકસ ગન સાથે ધરપકડ કરી હતી અને પછી એને પુણેની યરવડા જેલમાં ધકેલી દેવાયો હતો. એને કલ્યાણની કોર્ટમાં લાવવામાં આવશે એવી ખબર પડતાં અમર નાઈક ગેંગ દ્વારા એની હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હતું. તાન્યા કોળીની હત્યાથી અરુણ ગવળી ગેંગને જેટલો આંચકો લાગ્યો હતો એથી વધુ આઘાત તાન્યાની સાથે યરવડા જેલમાં એના સાથીદાર મંગેશ કરંજે અને બાબુ પાલેકરને લાગ્યો હતો. એમણે એના અંડરવર્લ્ડના ગુરુ તાન્યા કોળીની હત્યાનો બદલો લેવાના સોગંદ ખાધા.

બીજી બાજુ તાન્યાના ગુરુ અરુણ ગવળીએ પણ અમર નાઈક ગેંગ પર વળતો ઘા મારવાનો નિશ્ચય કર્યો. મંગેશ કરંજે અને બાબુ પાલેકર ટપોરી હતા. મુંબઈના ચિખલવાડી વિસ્તારના ગરીબ કુટુંબમાં જન્મેલા મંગેશ કરંજે અને બાબુ પાલેકરે ૧૯૯૦માં એક યુવતીની છેડતીને મુદ્દે દાઉદ ઇબ્રાહિમ ગેંગના રાજુ જાધવને મારી નાખ્યો હતો. એ કેસમાં એમને ત્રણ વર્ષની જેલની સજા થઇ હતી.

યરવડા જેલમાં સજા ભોગવતી વખતે એમનો પરિચય તાન્યા કોળી સાથે થયો હતો. અને તાન્યા કોળીએ એમને ગવળી ગેંગમાં એન્ટ્રી અપાવી હતી. તાન્યા કોળીએ યરવડા જેલમાં આ બંનેની સગા ભાઈની જેમ દેખરેખ રાખી હતી.એટલે તાન્યાની હત્યાથી મંગેશ કરંજે અને બાબુ પાલેકરને રૂંવે રૂંવે આગ લાગી ગઈ હતી. તાન્યાની હત્યા પછી ગણતરીના દિવસોમાં એમની સજા પૂરી થઇ અને એ બંને જેલની બહાર આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી એમનું પહેલું લક્ષ્ય એક જ હતું. તાન્યાભાઈની હત્યા કરનારને અને કરાવનારને પરધામ પહોંચાડવાનું.

ત્રણ માર્ચ,૧૯૯૪ની બપોરે મંગેશ કરંજે અને બાબુ પાલેકરને દગડી ચાલમાંથી મેસેજ મળ્યો, ‘સદગુરુ હોટેલ મેં આ જાઓ.’ મંગેશ અને બાબુ ‘સદગુરૂ’ હોટેલમાં પહોંચી ગયા ત્યાં એમને ગવળી ગેંગના એક ગુજરાતી સભ્યએ કહ્યું કે, ‘તાન્યાની હત્યા કરાવનાર માણસ ઓળખાઈ ગયો છે. છઠ્ઠી માર્ચે એનું કામ તમામ કરવાનું છે.’ મંગેશ અને બાબુ ક્યારેય દગડી ચાલમાં ગયા નહોતા. એમને જરૂર પડે ત્યારે ભાયખલાની ‘સદગુરુ’ હોટેલમાં બોલાવીને આદેશ અપાતો હતો.

છઠ્ઠી માર્ચે સવારના પહોરમાં મંગેશ કરંજે અને બાબુ પાલેકર ‘સદગુરુ’ હોટેલમાં પહોંચી ગયા ત્યાં ગવળી ગેંગના બે ગુંડા એમને મળ્યા. એમણે મંગેશ અને બાબુએ કહ્યું કે, આજે આપણે તાન્યાના ખુનનો બદલો લેવાનો છે. અમે જે માણસ પર હુમલો કરીએ એના પર તમે તૂટી પડજો. ત્યાંથી એ ચારેય ટેક્સીમાં ક્બીરવાડી વિસ્તાર ભણી રવાના થયા.

***

છઠ્ઠી માર્ચે રવિવારની સવારે મુંબઈના દાદાસાહેબ ભડમકર માર્ગ (ડી.બી.માર્ગ) પર થોડી ઘણી ચહલપહલ હતી. રવિવારની સવાર હતી એટલે રોજ જેવો ટ્રાફિક નહોતો. ગણ્યાગાંઠ્યાં મુંબઈગરા ડી.બી.માર્ગ પર અવરજવર કરી રહ્યા હતા. ત્યાં અચાનક ડી.બી.માર્ગના ક્બીરવાડી વિસ્તારમાંથી કાળજું કંપાવી દે એવી ચીસો સંભળાવા માંડી. લોકો દોડીને એ તરફ ગયા ત્યારે આધેડ વયનો એક માણસ લોહીના ખાબોચિયામાં તરફડી રહ્યો હતો. એને હોસ્પિટલમાં લઇ જવાય એ પહેલાં જ એણે છેલ્લો શ્વાસ લઇ લીધો હતો. એ આધેડ માણસના શરીર પર ગુંડાઓએ ચોપરના વાર કર્યા હતા. ચોપરના ડઝનબંધ ઘા કરીને એ આધેડ માણસને કમોતે માર્યા પછી ગવળી ગેંગના ગુંડાઓ સાથે મંગેશ કરંજે અને બાબુ પાલેકર ટેક્સીમાં નાસી છૂટ્યા હતા.

‘કુત્તે કી મોત મારા ગયા સાલા, સાલેને તાન્યા ભાઈ કા ખૂન કરવાયા થા,’કહીને ગવળી ગેંગના એક ગુંડાએ મંગેશ કરંજે અને બાબુ પાલેકરને પૂછ્યું, ‘માલુમ હૈ કોન થા યે આદમી?’

મંગેશ અને બાબુએ નકારમાં માથા ધુણાવ્યા એટલે પેલાએ કહ્યું, ‘એ અમર નાઈક ગેંગ કા ફાઈનાન્સર થા. ‘શીતલ’ શો રૂમ માલૂમ હૈ ના ઉનકા બાબુ શાહ થા વો!’

વિખ્યાત ‘શીતલ’ શો રૂમના માલિક બાબુભાઈ શાહની હત્યાથી મુંબઈ પોલીસ પર પ્રચંડ દબાણ આવ્યું. આ ઘટનાથી મુંબઈના કેટલાક ગુજરાતીઓની અંડરવર્લ્ડ સાથે કેટલી સાંઠગાંઠ છે એનો પૂરાવો પણ પોલીસને મળ્યો હતો.

પપ્પુ ટકલાએ પૂરક માહિતી આપતાં કહ્યું, ‘મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારનો શીતલ શો રૂમ વિદેશના ગુજરાતીઓમાં પણ પ્રખ્યાત છે અને મુંબઇમાં તો એ કેટલો પ્રખ્યાત છે એ તમે જાણતા હશો. એટલે ત્રેપન વર્ષના બાબુભાઈ શાહની હત્યા પછી એમના હત્યારાઓને પકડવા માટે મુંબઈ પોલીસ પર કેટલું દબાણ આવ્યું હશે એની કલ્પના તમે કરી શકો છો. અને મુંબઈ પોલીસ બાબુભાઈ શાહની હત્યા પછી સવા મહિનામાં મંગેશ કરંજે અને બાબુ પાલેકરને ચિખલવાડી વિસ્તારમાંથી વહેલી સવારે પકડી પાડ્યા. એ બંને બાબુભાઈ શાહની હત્યા કર્યા પછી શિરડી ભાગી ગયા હતા. પણ પૈસા ખૂટી ગયા એટલે પાછા ચિખલવાડીમાં આવી પહોચ્યા હતા. અને પોલીસથી છુપાઈને ચિખલવાડીમાં રહેવા માંડ્યા હતાં. પણ કોઈએ પોલીસને જાણ કરી દીધી અને બંને મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા. પણ આ ઘટના પછી અમર નાઈક અને ગવળી ગેંગ વચ્ચેની વોર વધુ તેજ બની હતી. અને આ સાથે જ નવો ટ્રેન્ડ શરુ થયો હતો, એકબીજાના ફાઈનાન્સરની હત્યા કરાવવાનો, ગવળી ગેંગના શૂટરો અમર નાઈક અને દાઉદ ઇબ્રાહિમ ગેંગના ફાઈનાન્સરોને ખતમ કરવા માંડ્યા હતા. તો છોટા રાજન ગેંગના શૂટરો દાઉદ ઇબ્રાહિમ ગેંગના ફાઈનાન્સરોને અને ગેંગના શૂટરો રાજન ગેંગના ફાઈનાન્સરને નિશાન માંડ્યા અને મુંબઈમાં બિલ્ડરો તથા મોટા વેપારીઓની હત્યાની પરંપરા શરુ થઇ. અત્યાર સુધી હરીફ ગેંગના શૂટરોને કે અન્ય મહત્વના ગુંડાઓને ગોળીએ દેવાતા હતા. પણ અંડરવર્લ્ડમાં નવી પરંપરા શરુ થઇ હતી. દુશ્મન ગેંગના ફાઈનાન્સરોને ખતમ કરીને હરીફ ગેંગને નબળી પાડવાનો ખેલ શરુ થયો.

આ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્ર બહારના એક ખેપાનીએ મુમ્બૈયા અંડરવર્લ્ડમાં ધમાકેદાર એન્ટ્રી કરી!

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Nimisha Patel

Nimisha Patel 10 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Dipti

Dipti 2 years ago

Manoj Joshi

Manoj Joshi 3 years ago