64 Summerhill - 62 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 62

64 સમરહિલ - 62

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 62

વારંગલથી નીકળ્યા પછી રાબેતા મુજબ બંને આરામથી ઘોરી રહ્યા હતા. એકાદ કલાક પછી છપ્પને આળસ મરડી હતી. નેટ કર્ટનની બહાર દેખાતા ઝાંખાપાંખા લેન્ડસ્કેપનો બદલાવ એ નીરખી રહ્યો હતો. સમથળ વગડાઉ મેદાનોને બદલે હવે ઘટાટોપ ઝાડીઓથી છવાયેલો ફલક અને ક્ષિતિજ પર ક્રમશઃ ઊંચકાતી જતી ટેકરીઓની હારમાળા, પાણીમાં ભીંજાયેલા પિતાંબર જેવી ઘેરી પીળી ઝાંય ધરાવતી ધરતી... છત્તીસગઢનો પહાડી વિસ્તાર શરૃ થઈ ગયો તેના અહેસાસથી છપ્પનના રૃંવેરૃંવે રોમાંચ ઘેરાવા લાગ્યો. બિહારના નાલંદા, મધુબની, દરભંગા જેવા પોતાના વિસ્તાર જેવી તેને આ ધરતી લાગતી હતી.

અકારણ જ તેને પોતાના ગામની સાંજ યાદ આવવા લાગી. બાળપણમાં એ બેહદ શરારતી હતો. મા તો નાનપણમાં જ ગુમાવી દીધી હતી અને બાપ તો પંદર દિવસે એકવાર અડધી રાતે આવી ચડે ત્યારે જ જોવા મળતો હતો. વૃધ્ધ દાદા-દાદી પાસે ઉછરતા છપ્પનને તેના દાદા સાંજે મંદિરની આરતીમાં લઈ જતા. ઝાલર પર દાંડી પીટવાથી થતો રણકદાર અવાજ છપ્પનને બહુ ગમતો.

આરતી પતે પછી બધા સમૂહમાં 'સેં રામચંદર કિરપાલુ ભજમન...' એવું આદતવશ કેળવાયેલા લયમાં ગાતા અને પછી પ્રસાદનો લાડવો રસ્તામાં જ ખાઈ રહેલા છપ્પનને તેના દાદા વાર્તાઓ કહેતા. છપ્પનને ભીમની અને બાણાવળી અર્જુનની વાર્તાઓ બહુ ગમતી પણ ઘડીક રહીને દાદા હંમેશા મહાભારતમાંથી પલટી મારીને પોતાના જ દાદા-પરદાદાની કહી-સૂની વાતો પર ચડી જતા.

પોતે રાજપૂત હોવાનું દાદાને ભારે ગુમાન. નાનકડા છપ્પનને ય તેઓ પ્યાલા ભરી ભરીને કુળાભિમાનનું એ ગુમાન પીવડાવતા રહે.

'હમ કરસુકા હૈ... ભલે હી હમ ખેતીબાડી કરત હઈ પર હમ હૈ તો રાજપૂત... હમરે પુરખોં કા બડા નામ હુઆ કરતા થા..' એમ કહીને દાદા પૂર્વજોની પરાક્રમગાથા માંડે એટલે રાત પડી જાય.

એક દાદા ખાધે બહૂ શૂરા. નાતજમણમાં ન્યોતા મળે તેના આગલા દિવસથી જ ઉપવાસ કરે અને જમણવારમાં ખાઈ-ખાઈને રસોઈ ખૂટવાડી દે. બીજા દાદા વળી મહાશક્તિમાન. તોફાની આખલાને શિંગડા પકડીને ફંગોળી દે. એક દાદાએ તો રસ્તો આપવા જેવી બાબતમાં તોછડાઈએ ચડેલા અંગ્રેજ લાટસાહેબની આખી બગી ઉથલાવી દીધી હતી. એક દાદાએ ૧૮૫૭ના વિપ્લવમાં ભાગ લઈને તબાહી નોંતરી લીધી હતી અને બીજા એક દાદાએ...

છપ્પને ડોકું ધૂણાવીને સજળ આંખો લૂછી નાંખી. ભાવાવેશમાં આવવું એ કદી તેનો સ્વભાવ ન હતો. સેંકડો છોકરીઓ, બજારૃ સ્ત્રીઓનો સંગ કર્યા પછી ય એ કોઈની સાથે મનમેળ ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખતો. ચોરી અને કમાણી એ બે સિવાય બીજે ક્યાંય તેને દિલનો રિશ્તો બંધાયો ન હતો.

- પણ ખબર નહિ, અત્યારે તેને દાદા નામધારી સિંઘ કરસુકા અને તેમણે કહેલી વડવાઓની પરાક્રમગાથાઓ બહુ જ તીવ્રતાથી યાદ આવી રહી હતી.

'ક્યો રો રહા હૈ 'બે??'

અચાનક ઝુઝારના અવાજે તેને ચોંકાવી દીધો. હૈયેથી નીકળીને આંખો વાટે વહી રહેલી સ્મરણોની ભીનાશને તેણે મહાપરાણે રોકી દીધી.

'અરે કછુ નહિ યાર... આંખે જલ રહી હૈ...'

'ક્યોં આંખે જલ રહી હૈ? વો લોંડિયા નઈ હૈ ઈસ લિયે?' ઝુઝારે તેના પેટમાં દોસ્તાના અંદાજે ગોદો મારી દીધો, 'કલ તો ઉસ કે સામને બહોત શાના બનતા થા...'

'અરે નહિ રે...' છપ્પને જરાક શરમાઈને મોં ફેરવી લીધું અને પછી એવી જ મસ્તીભેર જવાબ વાળ્યો, 'ઔર તૂ ભી ઉસે ઘૂરના બંદ કર જલ્દી... તિબત દૂર રહ જાવેગા ઔર વો તેરી આંખે નોચ કે હથલિયા મેં રખ્ખ દેગી...'

'ઉસે ઘૂરે મેરા સસૂરવા સાલા ****** ' ગિન્નાયેલા ઝુઝારે ભદ્દી ગાળ બોલી નાંખી.

'ક્યોં, તેરા સસૂરવા ભી તેરે જઈસા લૌંડિયાબાજ હૈ કા?'

'ના તો મેરા કોઈ સસુરવા હૈ... ઔર ના હી મૈં લૌંડિયાબાજ હું સમજા?' અચાનક તેનો સ્વર પલટાયો એટલે છપ્પને તાજુબીથી તેની સામે જોયું. તેની મજાકથી ઝુઝાર સાચે જ છેડાઈ ગયો હોય તેમ તેના મુચ્છડ ચહેરા પર લાલી તરી આવી હતી, 'કુછ ભી કહે તૂ મુજે પર લૌંડિયાબાજ મત કહેના...' છપ્પનનો હાથ હડસેલીને એ બારીની બહાર મોં ફેરવી ગયો, 'લૌંડિયા લોગ સે મૈં સખ્ત નફરત કરતાં હું...'

નજીવી વાતમાં ઝુઝારના અચાનક બદલાયેલા તેવરથી છપ્પનને આશ્ચર્ય થતું હતું પણ હવે સ્મરણોમાં ભીંજાવાનો વારો જાણે ઝુઝારનો હતો.

તે સાચે જ છોકરીઓને, સમગ્ર સ્ત્રીજાતને જ પારાવાર નફરત કરતો હતો.

કોરેકોરા રમનો કડવો ઝેર જેવો ઘૂંટડો ગળે ઉતારીને તેણે આવેગપૂર્વક બોટલનું ઢાંકણું ભીંસી દીધું પણ મનોમન તેને ગ્વાલિયરની શેઠાણી દેખાતી હતી... પોતાના ભરાવદાર રાઠોડી પંજા વચ્ચે ભીંસાયેલું તેનું ગળુ દેખાતું હતું... શેઠાણી તરફડિયા મારી રહી હતી... ફાટેલી આંખે ઝુઝારની સામે જોઈને વણબોલાયેલી વિનવણી કરી રહી હતી... તેના પગની પારાવાર છટપટાહટ પલંગની નીચે પડેલી શેઠની લાશને અડકી રહી હતી અને...

ધૂંધવાયેલો ઝુઝારે સ્થળ-કાળનું ભાન ભૂલીને બારી સાથે માથું પટકી દીધું.

ચોંકેલો છપ્પન કશું જ સમજ્યા વગર અડબંગ, ખડ્ડુસ અને માથાભારે દેખાતા આ દેહાતી લઠૈતની કુમાશ જોઈ રહ્યો.

- અને ફરીથી બન્ને પોતપોતાની જિંદગીના એવાં પ્રકરણોના વિચારમાં સરી પડ્યાં, જે સાધારણ રીતે તેઓ ખોલવાનું જ ટાળતાં હતાં.

***

ત્રણ દિવસ પછી...

હિરન અને રાઘવ જબલપુરથી આવી ચડયા એટલે રાંચીથી આખો કાફલો ટેમ્પો ટ્રેવેલરમાં જ કોલકાતા જવા નીકળ્યો હતો. હિરને રાંચીમાં જ ક્યાંક તેનું બુલેટ છોડી દીધું હતું અને અહીં સીટ પર જાણે સોરવતું ન હોય તેમ સતત હલચલ કરીને એ બુલેટનો હિઝરાટ વ્યક્ત કરી રહી હતી.

બહેરો-મૂંગો ઉજમ બહાદુર થાપા હંમેશની માફક જાણે યંત્રમાનવ હોય તેમ થાક્યા વગર... અરે, હસ્યા વગર એકધારો બસ ગાડી ચલાવ્યા કરતો હતો. પાછલી સીટ પર રાઘવ, ત્વરિત અને દુબળી તાશની રમત રમ્યા હતા. ઘડીક છપ્પને પોતાના ચોરીના રમૂજી કિસ્સાઓ કહીને સૌને હસાવ્યા હતા. દુબળીએ ઘડીક બધાથી અલિપ્ત થઈને વાંચવામાં સમય પસાર કર્યો હતો અને બીજા બધા ઘોરી ગયા હતા.

કોલકાતા પહોંચીને હાઈ-વે પર એક ઘરઘરાઉ હોટેલ પર ગાડી ઊભી રહી હતી અને ઉજમ બહાદુરને લઈને હિરન ક્યાંક જતી રહી હતી.

આદુ-લસણની પેસ્ટ ચોપડીને શેકાતી માછલીઓ, ઝીણી કાળી રેતીમાં ભૂંજાતા સિંગચણા, ફૂદીનાના પાન ભભરાવેલી મિષ્ટી દોઈની હાંડીઓ અને કલબલ કલબલ અવાજે શોર મચાવી રહેલા દેહાતી બંગાળીઓ...

મોડે સુધી એ માહોલમાં તેઓએ સમય પસાર કર્યો. રાત ઢળી ત્યાં સુધી હિરન ન આવી એટલે અંદરના ઓરડામાં ખાટલાઓ ભાડે રાખીને સૌએ લંબાવી દીધું. વહેલી સવારે હજુ ભડભાંખળું ય થયું ન હતું ત્યારે હિરન પાછી ફરી હતી.

હવે ટેમ્પો ટ્રેવેલેરને બદલે તેની સાથે બે ટેક્સી હતી. અહીંથી તેમણે એરપોર્ટ પહોંચવાનું હતું અને સવારે સાડા દસ વાગ્યે ગૌહાતીની તેમની ફ્લાઈટ હતી.

ત્વરિત બહુ જ સહજતાથી અનુકૂળ થઈ જતો હતો પણ રાઘવ સતત સતર્ક અને સચિંતપણે આખું ય આયોજન નીરખી રહ્યો હતો. હજુ ય હિરન શું કરવા ધારે છે એ તેને સમજાતું ન હતું.

બીજા દિવસે બપોરે ગૌહાતીના એરપોર્ટ પર તેમના માટે વાહનો તૈયાર હતા. શહેરી વાતાવરણ વટાવીને ગીચોગીચ જંગલ, તેજીલી નદીઓ અને કાદવ-કીચડથી છલકાતા રસ્તા પર ગાડીઓ અટકી. તદ્દન નિર્જન અને ડરામણા વગડા વચ્ચે કેમ ઊભા રહ્યા તેવો સવાલ કોઈ પૂછવાનો ન હતો.

લગભગ એકાદ કલાક એમ જ અહીંતહીં ભટકીને સૌ સમય પસાર કરતા રહ્યા. શા માટે સમય પસાર કરવાનો છે, કોની રાહ જોવાઈ રહી છે, હવે ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે તેની કોઈ ગતાગમ વગર તેમણે એમ જ સાંજ પાડી દીધી.

ઝુઝારે અને છપ્પને આજુબાજુમાંથી નાળિયેર, ફણસ, જમરૃખ જેવા લાગતા કેટલાંક ફળ વગેરે ઉતાર્યા. ઉજ્જડ ખેતરમાં જરાક કોરી જમીન શોધીને સૌએ પલાંઠી મારીને ત્યાં જ એ મિજબાની માણી. સાંજ ઢળી એ સાથે અચાનક જાણે હવામાંથી પ્રગટયા હોય તેમ કેટલાંક આદમીઓ તેમને ઘેરી વળ્યા.

પગમાં કછોટો વાળેલું લાલ-ભૂરા ચેક્સની ધોતી જેવું વસ્ત્ર અને ઉપર કસ મારીને બાંધેલું રાખોડી રંગનું અંગરખું પહેરેલો એક આદમી ટેકરીનો ઢોળાવ ઉતરીને નીચે આવી રહ્યો હતો એ જોઈની સૌની આંખોમાં તાજુબી અને અજાણપણાનો ભય અંજાવા લાગ્યા હતા. રાઘવ ત્વરાથી બેઠો થઈ ગયો. ઝુઝાર પણ પોઝિશન લેવા જઈ રહ્યો હતો એ જ ઘડીએ દૂરથી જ એ આદમીએ હાંકોટો પાડયો...

'ઈગ્ના સુ લા... દોર વા નીકુડા ઈગ્ના સુ લા...' સ્હેજ નજીક આવીને તે કમરમાંથી જરાક ઝુક્યો અને સ્મિતભેર સફાઈદાર હિન્દીમાં કહ્યું, 'સ્વાગત છે મહેમાનો... ઈશ્વરની ભૂમિ તિબ્બત જવાના રસ્તે આપ સૌનું સ્વાગત છે'

(ક્રમશઃ)

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 months ago

Sukesha Gamit

Sukesha Gamit 6 months ago

Shivram lodha

Shivram lodha 10 months ago

nihi honey

nihi honey 10 months ago

Parul Bhavsar

Parul Bhavsar 11 months ago