Once Upon a Time - 64 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 64

વન્સ અપોન અ ટાઈમ - 64

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 64

પોલીસ ઓફિસર મિત્રએ ગુંડાઓને ગોળીએ દેવાની વાત કરી એથી પપ્પુ ટકલાના ચહેરા પર અણગમાની લાગણી તરી આવી. પણ તરત જ એણે ચહેરા પરથી એ ભાવ ખંખેરી નાખ્યો અને એની વાતનો તંતુ પકડી લીધો, ‘દાઉદ ઈબ્રાહિમે અમર નાઈક ગેંગ સાથે હાથ મિલાવ્યા અને છોટા રાજને અરુણ ગવળી ગેંગ સાથે સમજૂતી કરી એ પછી બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ થયો. દાઉદ ઇબ્રાહિમ ડ્રગ સ્મગલિંગમાં સક્રિય બન્યો હતો અને એ માટે એને અમર નાઈક ગેંગની મદદ મળી હતી. તો દાઉદની ડ્રગ સ્મગલિંગની સિન્ડીકેટ તોડી પાડવા માટે છોટા રાજન અને અરુણ ગવળી સક્રિય બન્યા હતા. આ દરમિયાન ફરી એક વાર બબલુ શ્રીવાસ્તવને દાઉદ સાથે વાકું પડ્યું એટલે બબલુ શ્રીવાસ્તવ દાઉદનો દુશ્મન બની ગયો. એણે છોટા રાજન સાથે દોસ્તી કરી લીધી. આ વખતે દિલ્હીના કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામી કે રોમેશ શર્માની ધમકીની પણ બબલુ શ્રીવાસ્તવ પર અસર થઇ નહીં. આ વખતે દાઉદ અને બબલુ શ્રીવાસ્તવ વચ્ચે દુશ્મની પેદા કરવા માટે એક રૂપાળી અને અતિ મહત્વકાંક્ષી યુવતી કારણભૂત બની હતી.

‘મેં તમને અગાઉ કહ્યું હતું કે અંડરવર્લ્ડની ગેંગવોરમાં ઘણી યુવતીઓએ પણ મહત્વના રોલ નિભાવ્યા છે અને અંડરવર્લ્ડની ઘણી પ્રેમકહાણીઓને કારણે અંડરવર્લ્ડની ગેંગવોર વધુ લોહિયાળ બની છે. આવી જ એક કહાની હું તમને કહીશ. જો કે આ કહાનીમાં પ્રેમ કરતા સેક્સ અને મહત્વકાંક્ષા વધુ છે.’ એવું કહીને પપ્પુ ટકલા ફરી એક વાર સ્ક્રિપ્ટ રાઈટરપાઠમાં આવી ગયો. બ્લેક લેબલ વ્હીસ્કીનો નવો લાર્જ પેગ બનાવીને, એમાંથી એક મોટો ઘૂંટ પોતાના ગળા નીચે ઉતારીને અને પછી ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને ધુમ્રસેર હવામાં છોડ્યા પછી એણે કુશળ સ્ક્રિપ્ટ રાઈટરની અદાથી વાત માંડી.

***

‘મિલો મેરી જાન સે,’ ડ્રગ સ્મગલર ઈરફાન ગોગાએ બબલુ શ્રીવાસ્તવને એક યુવતીનો પરિચય કરાવતા કહ્યું, ‘યે હૈ સલમા, હમારી હર એક સાંસ પર ઇનકા નામ રહેતા હૈ.’

‘વાહ ક્યા બાત હૈ? તુમ તો શાયર કી તરહ બાત કરને લગે હો,’ બબલુએ ટીખળ કરી અને ઈરફાન ગોગા મોકળા મને હસી પડ્યો. એણે સલમાને બબલુ શ્રીવાસ્તવનો પરિચય આપ્યો. એણે બબલુ શ્રીવાસ્તવના મોંફાટ વખાણ કર્યા. સલમા બબલુ શ્રીવાસ્તવથી અંજાઈ ગઈ.

દુબઈની એક વૈભવશાળી હોટેલના રેસ્ટોરામાં ડિનર લઈને બબલુ શ્રીવાસ્તવ ઈરફાન ગોગા અને સલમાથી છુટો પડ્યો. પણ એના આશ્ચર્ય વચ્ચે બીજે જ દિવસે ઈરફાન ગોગની ‘જાન’ સલમાએ એનો સંપર્ક કર્યો. આડીતેડી વાતો કર્યા વિના એણે બબલુને સીધું જ કહ્યું, “મૈ આપ સે દોસ્તી કરના ચાહતી હૂં.”

એ જ દિવસે બબલુ શ્રીવાસ્તવ અને સલમા મળ્યા હતા. ઈરફાન ગોગા એ દિવસે કરાંચી જવા નીકળ્યો હતો. સલમા બબલુ શ્રીવાસ્તવને પોતાના ફ્લેટમાં લઇ ગઈ. એ ફ્લેટ એને ઈરફાન ગોગાએ અપાવ્યો હતો. ઈરફાન ગોગા પરણેલો હતો. અને સલમા તેની પ્રેમિકા હતી. પણ સલમાને માત્ર કોઈની પ્રેમિકા બની રહેવામાં રસ જ નહોતો. સલમા પોતાની મહત્વકાંક્ષા સંતોષવા માટે કંઈ પણ કરવા તૈયાર હતી. પરંતુ એ ‘કંઈ પણ’ કરવા છતાં એની મહત્વકાંક્ષા સંતોષાય એવો રસ્તો એને મળતો નહોતો. અને ઈરફાન ગોગા એની વાત ગંભીરતાથી સમજતો નહોતો. પણ બબલુ શ્રીવાસ્તવને મળ્યા પછી સલમાના મનમાં આશા બંધાઈ હતી.

***

દુબઈમાં ઈરફાન ગોગાએ અપાવેલા ફ્લેટમાં બબલુ શ્રીવાસ્તવને લઇ ગયા પછી સલમાએ શરાબ પીતા-પીતા પોતાની જીવનકથા બબલુને કહી. સલમાનું સાચું નામ અર્ચના શર્મા હતું. એના પિતા ઉજ્જૈન એક મધ્યમવર્ગીય સજ્જન હતા.

ઉજ્જૈન પાઈપ એન્ડ ફાઉન્ડરી કંપનીમાં સિક્યુરીટી ઓફિસર તરીકે કરતા બાલમુકુન્દ શર્માને ત્રણ દીકરી હતી. પણ એ ત્રણેયમાં સૌથી નાની અર્ચના ભણવામાં હોનહાર હતી. એણે ઉજ્જૈનની સેન્ટ્રલ સ્કૂલમાં અભ્યાસ પૂરો કરીને કોલેજનો અભ્યાસ શરુ કર્યો પણ કોલેજ અધૂરી છોડીને એ મધ્ય પ્રદેશ પોલીસમાં જોડાઈ ગઈ. પણ એ નોકરી એને માફક ન આવી. એટલે છ મહિનામાં રાજીનામું આપીને એણે ભોપાલની એક ખાનગી કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી મેળવી. એ કંપનીમાં નોકરી કરતાં કરતાં એની ઓળખાણ ભોપાલના ઘણા રાજકારણીઓ સાથે થઇ એટલે એની મહત્વકાંક્ષા ઓર વધી ગઈ.

રિસેપ્શનિસ્ટ તરીકે પણ લાંબો સમય નોકરી ન કરી શકી. એને સંગીત પ્રત્યે રુચિ હતી એટલે એણે એ દિશામાં પોતાનું નસીબ અજમાવવાની કોશિશ કરી. ૧૯૯૪માં ૨૪ વર્ષની ઉમરે એનો પરિચય પોપગાયક બાબા સાયગલ સાથે થયો. બાબા સાયગલ એ જ વર્ષે એને દુબઈમાં એક કાર્યક્રમમાં પોતાના ગ્રુપ સાથે લઇ ગયો.

અર્ચના શર્મા દુબઈની ઝાકમઝાળ જોઇને અંજાઈ ગઈ. દુબઈમાં એની મુલાકાત અમદાવાદના એક યુવાન સિંધી વેપારી સાથે થઇ. પ્રીતમ મોગલાણી નામના એ યુવાન વેપારીને અર્ચના શર્મામાં રસ પડ્યો. એણે અર્ચનાને વિઝા અપાવીને દુબઈમાં રેડીમેડ ગારમેન્ટની દુકાન કરાવી આપી. અને અર્ચનાને લગ્નનું વચન આપીને એ એની સાથે પતિની જેમ રહેવા માંડ્યો. પણ પાછળથી ખબર પડી કે મોગલાણી પરણેલો છે. એ દરમિયાન અર્ચનાએ મુંબઈમાં અંધેરી વિસ્તારમાં પોતાના અને પ્રીતમ મોગલાણીના નામે એક ફ્લેટ લઇ રાખ્યો હતો પણ મોગલાણીએ એ ફ્લેટ વેચી માર્યો.

અર્ચના શર્માએ મોગલાણી વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોધાવી. એ થોડો સમય હતાશ થઇ ગઈ હતી. ૧૯૯૫માં એ થોડો સમય માટે મુંબઈ આવી ત્યારે ખબર પડી હતી કે મોગલાણીએ ફ્લેટ વેચી નાખ્યો હતો. મુંબઈમાં રહેવા માટે એની પાસે કોઈ આશરો નહોતો એટલે એને ઈરફાન ગોગા યાદ આવ્યો.

દુબઈમાં એનો પરિચય ઈરફાન ગોગા સાથે થયો અને ઈરફાન ગોગાને પોતાનામાં (અર્ચનામાં) રસ પડ્યો હતો એ અર્ચના સારી રીતે સમજી ગઈ હતી. અર્ચના શર્માએ ઈરફાન ગોગાને દુબઈ ફોન કર્યો હતો અને ઈરફાન ગોગાએ ચપટી વગાડતાં એને મુંબઈમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. થોડા સમયમાં ગોગાએ અર્ચનાને દુબઈ બોલાવી લીધી અને ત્યાં એને ફ્લેટ અપાવી દીધો. ત્યારથી અર્ચના શર્મા એની સાથે રહેતી હતી.

બબલુ શ્રીવાસ્તવ શરાબ પીતાં પીતાં શાંતિથી અર્ચનાની કહાની સાંભળી રહ્યો હતો. અર્ચના ઉર્ફે સલમા પણ શરાબ પી રહી હતી. શરાબની અસરને કારણે એ થોડી ભાવુક બની ગઈ. એણે બબલુનો હાથ પકડીને કહ્યું, ‘મુઝે કોઈ નહીં સમજતા હૈ. મુઝે કુછ બનના હૈ, બહુત રિચ (શ્રીમંત) બનના હૈ. મૈ કુછ ભી કરને કે લિયે રેડી હૂ, કુછ ભી, લેકિન કોઈ મેરી બાત સુનતા નહીં હૈ...’

ભાવવેશમાં આવી ગયેલી અર્ચનાની આંખો ભીની થઇ ગઈ હતી. બબલુ શ્રીવાસ્તવે એની આંખોમાં પોતાની આંખ પરોવીને કહ્યું, ‘તુમ્હારી ખ્વાહિશ મૈ પૂરી કરુંગા, તુમ્હેં સબ લોગ પહેચાનને લગેંગે. યે મેરા વાદા હૈ, તુમ અબ મેરે સાથ હો, ઓમપ્રકાશ શ્રીવાસ્તવ કે સાથ.’ બબલુએ હળવો ઝટકો મારીને અર્ચનાને પોતાની તરફ ખેંચી અને બીજી ક્ષણે અર્ચના એના બાહુપાશમાં જકડાઈ ગઈ હતી. બબલુ શ્રીવાસ્તવે એના હોઠ ઉપર હળવું ચુંબન કર્યું. પછી એ અર્ચનાને લઈને બેડરૂમ ભણી આગળ વધ્યો.

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Santosh Solanki

Santosh Solanki 10 months ago

Sudhirbhai Patel

Sudhirbhai Patel 2 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Abhishek

Abhishek 3 years ago