64 Summerhill - 82 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 82

64 સમરહિલ - 82

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 82

વમળમાં ફસાઈ રહેલી ડિંગીમાંથી બિરવાએ દોરડાના સહારે પડતું તો મૂક્યું પણ બ્રહ્મપુત્રના તોફાની પ્રવાહમાં સંતુલન જાળવવું અને તરતા રહેવું જરાય આસાન ન હતું. કાળમીંઢ ખડકો પર અથડાતા અને અથડાયા પછી બુંદ બુંદ સિકરમાં ઉછળતા નદીના ઠંડાગાર પાણીમાં પછડાઈને બિરવા પહેલાં તો ક્યાંય ફંગોળાઈ ગઈ હતી. દોરડા પર માંડ એક હાથ સાબૂત રહ્યો હતો અને નદીના ધસમસતા વહેણ તેને સડસડાટ નીચે ખેંચી રહ્યા હતા.

તેની પાછળ કૂદેલો આદમી કેળવાયેલો કમાન્ડો હતો પણ તેની ય હાલત એવી જ કફોડી હતી. વમળ ભણી ખેંચાતી હોડી, હોડી સાથે બંધાયેલું દોરડું અને દોરડા સાથે બંધાઈને નદીના પ્રવાહમાં ફંગોળાતા આ બેઉ...

વમળનો વેગ પાણીના ધસમસાટને કાપી નાંખે અને લાગ જોઈને પોતે કોઈ મોટા ખડકની આડશમાં સંતુલન જાળવી લે એવી તેમની ગણતરી હતી પણ નદીમાં પડતું મૂક્યા પછી અહેસાસ થતો હતો કે એ જરાય આસાન ન હતું.

પહેલી પછડાટ ખાધા પછી દસ જ સેકન્ડમાં એ કમાન્ડોએ દોરડું પડતું મૂક્યું પણ ઘાંઘી બનેલી બિરવા નિર્ણય લઈ શકતી ન હતી. ડિંગી સાથે દોરડું અને દોરડા સાથે બિરવાને વમળ ભણી સડસડાટ ખેંચાતા જોઈને પેલો આદમી સતર્ક થયો. અંધારા જળમાં આમતેમ હાથ વિંઝીને તેણે બિરવાને ઝાલી. બેય ઘડીક એકસાથે ફંગોળાયા પણ એટલી વારમાં બિરવાના હાથમાંથી દોરડું છોડાવવામાં એ સફળ થયો હતો.

તોફાની પ્રવાહમાં ક્યાંય સુધી બેય દિશાહિન ફંગોળાતા રહ્યા. અણિયાળા ખડકો સાથે આડેધડ ટીચાતા રહ્યા પણ આખરે પાંચમા વળાંક પર પટ મોટો થયો એટલે પ્રવાહ થોડો શાંત પડયો. હવે તરવાનું ખાસ મુશ્કેલ ન હતું. ખડક સાથે અથડાઈને બિરવા અર્ધબેહોશ થઈ રહી હતી. પેલો જવાન સતત એક હાથે તેનું લાઈફજેકેટ ખેંચીને બીજા હાથે કાંઠા ભણી સરકવા મથતો હતો. જમણા કાંઠે કેપ્ટન ઉલ્હાસની ડિંગી ફંગોળાઈ હતી. એ તરફ જવાનો તેનો પ્રયાસ હતો પણ તેને ય અવઢવ હતી. ઉલ્હાસની હાલત કેવી હશે?

* * *

સામેથી ફાયર થતું અટક્યું હતું પણ એકવાર આડેધડ ગ્રેનેડનો વરસાદ વરસી ગયો એટલે ઉલ્હાસ કોઈ જોખમ લેવા માંગતો ન હતો. આ જંગ તેના માટે ધારણા કરતાં અનેકગણો ખોફનાક પૂરવાર થયો હતો. મહઝ એક પોલિસ અફસરને છોડાવવાની ગણતરીએ તે નીકળ્યો હતો અને તદ્દન અજાણ્યા લડાકુઓનો સામનો કરવાની નોબત આવી ગઈ હતી. તેના આદમીઓની ખુવારી, બેકાબુ બનીને આગળ ભાગેલી ડિંગી, તેમાં સપડાયેલી બિરવા...

ઉલ્હાસે તંગ હાલતમાં કેટલીક મિનિટો લપાયેલી હાલતમાં જ પસાર કરી નાંખી, પછી તેણે સતર્કતાથી ગરદન ઊંચકી અને છેલ્લે થયેલા ફાયરની દિશામાં આંખ માંડી. જમીન પર અધૂકડો ફસડાયેલો એક આદમી ઘડીક બેઠો થતો હતો, ઘડીક ઊંચે જોતો હતો, ઘડીક ગરદન પરાણે સ્થિર રાખવા મથીને બેય હાથ છાતી સામે પ્રસરાવતો હતો...

રણમોરચે અનેક યુધ્ધોનો, મુઠભેડનો અનુભવ ધરાવતા ઉલ્હાસે છેલ્લા શ્વાસ લઈ રહેલા અનેક આદમીઓ જોયા હતા પણ આ ચેનચાળા તેને સમજાતા ન હતા.

તે સાવચેતીથી આગળ વધ્યો. સલામત આડશ શોધીને તેણે ટોર્ચના બે ઝબકારા ય કરી જોયા. ક્યાંયથી કોઈ ફાયર ન થયું એટલે બીજી દિશાએથી બે કમાન્ડો અને સીધમાં પોતે... એમ ત્રણ દિશાએથી સીધો જ હલ્લો કર્યો.

તોય એ આદમી યથાવત અધૂકડો, ઢીંચણભેર પડયો રહ્યો. ઉલ્હાસે તેની ગરદન ઊંચકીને ચહેરા પર ટોર્ચની રોશની ફેરવી એ સાથે તેના મોંમાંથી હાયકારો નીકળી ગયો.

આ એ જ આદમી હતો જેની તલાશમાં તેણે આટલી ખુવારી વેઠવાની થઈ હતી. મિશન પર નીકળતી વખતે અપાયેલી રાઘવની આઠ-દસ તસવીર તેણે બેકપેકમાંથી કાઢી અને ફરીથી તેનો ચહેરો સરખાવ્યો.

એ જ... એ જ પાતળી, ઘેરી આંખો... એ જ ટૂંકા પણ રેશમી, સ્હેજ ભુખરા વાળ, એ જ તરાશેલા શિલ્પ જેવો મર્દાના ચહેરો...

ઉલ્હાસ હતાશાથી બેસી પડયો.

એક કલાક પછી...

કાંઠા પર ચહલપહલ વધી હતી. મહામુસીબતે અહીં સુધી પહોંચેલો જવાન કાંઠે આવીને હિંમત હારીને એકધારી ઉલટી કરી રહ્યો હતો. ઉલ્હાસના બીજા કમાન્ડો તેની મદદમાં જોડાયા હતા. ખડક વચ્ચે હિલોળાતી તૂટેલી ડિંગીમાંથી ફર્સ્ટ એઈડ કિટ કાઢીને ખુદ ઉલ્હાસે રાઘવના ઘા સાફ કરવા માંડયા હતા. રાઘવની બાજુમાં અર્ધબેહોશ બિરવા ખુલ્લી આંખે સમજણના કોઈ ભાવ વગર રાઘવ તરફ જોઈને બબડી રહી હતી. રાઘવ બોઝિલ આંખે ઘડીક બિરવા તરફ, ઘડીક તેના પેઢુમાં, પેટમાં, સાથળ પર ઘાવ સાફ કરી રહેલા ઉલ્હાસને જોઈ રહેતો હતો અને પછી આંખો મીંચી જતો હતો.

બંધ આંખોની ભીતર તે છપ્પનસિંઘને કહી રહ્યો હતો... વડવા તો મારાય હતા... મારાય બાપદાદાએ આ પૂરાતન શાસ્ત્ર અને આ પ્રતિમાઓ અને આ વિદ્યાઓ માટે પોતાની આહુતિ આપી હશે... ફરજ તો મારી ય છે જ...

તેના પેટમાં ઘૂસેલી બબ્બે ગોળીઓએ તેના આંતરડા ફાડી નાંખ્યા હતા એ જોઈને મજબૂત મનોબળનો ઉલ્હાસ પણ ધ્રૂજી ગયો હતો પણ રાઘવ તમામ દર્દ, તમામ સંવેદનની પેલે પાર પહોંચવા લાગ્યો હતો.

ઉલ્હાસ તેના ચહેરા પર સતત બદલાતા ભાવથી અચંબો અનુભવતો હતો. તેના ચહેરા પર સ્મિત હતું કે સંતૃપ્તિ?

તેની બંધ પાંપણો વચ્ચે ડોળા ફરફરી રહ્યા હતા. દૂર ક્યાંક તેના ભાવવિશ્વમાં દેદિપ્યમાન ઉજાસ પ્રગટતો હતો અને એ ઉજાસ વચ્ચેથી કશોક આકાર ખડો થતો હતો. અંજાયેલી આંખ આડે હાથનું નેજવું કરીને એ જોવા મથતો હતો અને અચાનક તેના કાનમાં હજારો કંઠેથી ગવાતી કશીક સ્તુતિ સંભળાતી હતી.

ગલદૃક્તમુંડાવલિ કંઠમાલા

મહાઘોરરાવા સુદૃષ્ટાં કરાલા

વિવસ્ત્રાં સ્માશાનાંલયા મુક્તકેશી

મહાકાલિકામાકુલા કાલિકેયમ...

અવશપણે અચાનક જ તેના બે ય હાથ ઊંચકાયા. સાથળમાંથી નીકળી ગયેલા માંસના લોચા અને પેટમાંથી બહાર લબડતો આંતરડાનો કૂચો છતાં કોઈ આદમી ઊભો થઈ જાય એવું દૃશ્ય ઉલ્હાસ પણ તાજુબીથી જોતો રહ્યો. બેય હાથ છાતીની સમાંતરે નમસ્કારની મુદ્રામાં લાવીને તે કશુંક બોલવા મથતો હતો. ઉલ્હાસને સમજાતું ન હતું પણ રાઘવના ઓલવાઈ રહેલા આંતરકર્ણોમાં સ્પષ્ટ નાદ પડઘાતો હતો...

સ્વરૃપમ્ ત્વદિયં ન વિન્દન્તિ દેવા...

સ્વરૃપમ્ ત્વદિયં ન વિન્દન્તિદેવા...

સ્વરૃપમ્ ત્વદિયં...

એ ત્યાં જ પટકાયો. ઘડીક બિરવાના વાળમાં હાથ પસર્યો. તેની અધખુલ્લી અર્ધબેહોશ આંખોમાં જોવાની કોશિષ કરી..

- અને ખુલ્લી આંખે તેણે ત્યાં જ દમ તોડી દીધો.

* * *

પારાવાર ગોઝારી રાત પછી કાંઠા પર રેલાયેલા ઉજાસની સંગાથે કારમો વિષાદ લઈને પહાડોનું અંધારું નીચે ઉતરી રહ્યું હતું. પરાજિત ઉલ્હાસે વીલા મોંએ પરત જવાની તૈયારી આરંભી હતી.

બીજી તરફ, સુરજના ઉજાસની દિશામાં એક કાફલો મૂંગા મોંએ ડેવિલ્સ બેડનો ઢોળાવ ઉતરી રહ્યો હતો. જ્યાં પહોંચવાની આટલી તાલાવેલી હતી એ દિશામાં પગ માંડતી વખતે સૌના ચહેરા પર ગમગીની મઢાઈ ગઈ હતી. હિરન નતમસ્તકે પ્રોફેસરનો હાથ ઝાલીને ખીણ ઉતરી રહી હતી. ઝુઝાર ક્યાંય સુધી શૂન્યમનસ્ક થઈને રસ્તામાં અટકી જતો હતો. ત્વરિતને હજુ ય પાછા જવાની તડપ જાગતી હતી. હજુ ય તે ખુન્નસભેર કેસી તરફ તાકી રહેતો હતો. છપ્પન સ્તબ્ધ મૌનથી યંત્રવત્ત ચાલ્યા કરતો હતો.

- અને એ સૌની આગળ જઈ રહેલી તેમની નિયતિ ઢોળાવ ચડીને ગર્ભિત સ્મિત વેરી રહી હતી.

(ક્રમશઃ)

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 months ago

nihi honey

nihi honey 10 months ago

Nitesh Shah

Nitesh Shah 1 year ago

Tejal

Tejal 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago