64 Summerhill - 83 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 83

64 સમરહિલ - 83

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 83

'હી વોઝ...' રિપોર્ટ ટાઈપ કરી રહેલા કેપ્ટન ઉલ્હાસની આંગળી ઘડીભર અટકી ગઈ. ટેબલ પર પડેલા ગ્લિનફિડિચ વ્હિસ્કીના ગ્લાસમાંથી તેણે એક મોટો ઘૂંટ ભર્યો. ફરીથી બીજો એવડો જ ઘૂંટ ભર્યો અને પછી આખો ગ્લાસ એક શ્વાસે ગટગટાવી ગયો.

તેની જીભ પર વ્હિસ્કીની તીખી કડવાશ બાઝી ગઈ હતી. ગળામાંથી ઉતરીને અન્નનળીના માર્ગે છેક જઠર સુધી ઉતરતો વ્હિસ્કીનો રેલો આગના ભડકા જેવો અહેસાસ કરાવતો હતો. તેણે ફરીથી લેપટોપના સ્ક્રિન પર પોતે ટાઈપ કરેલા શબ્દો વાંચ્યા પછી અવશપણે ડોકું ધૂણાવીને ઊભો થયો.

ઈન્ડિયન આર્મીના ક્વિક કોમ્બેટ કમાન્ડો યુનિટના કેપ્ટન તરીકે તેણે અનેકવાર જીવ સટોસટના ઓપરેશન્સ પાર પાડયા હતા, પણ આ અનુભવની કંપારી હજુ ય તેના રોમરોમમાં સાબુત હતી. દિલ્હી પરત આવ્યા પછીના બીજા દિવસે ય તે ચેનથી આંખો મિંચી શકતો ન હતો.

બારીના પડદા ઝાટકા સાથે ખસેડીને તે શૂન્યમનસ્કપણે નીચે રોડ પર ધમધમતા ટ્રાફિકને જોઈ રહ્યો હતો પણ તેના આંતરચક્ષુઓ સમક્ષ વધુ એક વખત રાઘવની અંતિમ ક્ષણો સાક્ષાત થઈ રહી હતી.

આખરી ઘડી ગણી રહેલા અનેક આદમીઓને ઉલ્હાસે જોયા હતા... બહુ નજીકથી જોયા હતા. પણ રાઘવના ચહેરા પર, તેની આંખોમાં અને તેના સ્મિતમાં જે સંતૃપ્તિ, જે આહ્લાદ તેણે જોયા એ દૃશ્ય તે જિંદગીમાં કદી ભૂલી શકવાનો ન હતો.

ગાઢ અંધકાર તળે ટોર્ચના અજવાળામાં મરણાસન્ન રાઘવના ચહેરા પર અંકાતા જતા, વિખેરાતા જતા દરેક ભાવને ઉલ્હાસે અચંબિત થઈને, તાજુબ થઈને, તીવ્ર આઘત તળે નિરખ્યા હતા.

તેનો ચહેરો સોહામણો હતો. આકરી કસરતને લીધે ચહેરા પર મર્દાના સખ્તાઈ હતી પણ તેની આંખોમાં બાળકસહજ માસુમિયત વર્તાતી હતી. શરીરમાં ક્યાંય દોરા જેટલી ય ચરબી ન હતી અને સ્નાયુના ગઠ્ઠામાં ફૌલાદી તાકાત ઉભરતી હતી પણ તેના સ્મિતમાં વણબોલાયેલી સાલસતા વ્યક્ત થઈ જતી હતી.

તે બહુ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો. ત્રણ ગોળી તો ખુદ ઉલ્હાસે તેના પર છોડી હતી. ઉઝી ગનમાંથી ૪૦૦ મીટર પ્રતિ સેકન્ડની સૂસવાતી ઝડપે તેના પેટમાં ઝિંકાયેલી ૯ એમએમની બબ્બે ગોળીએ તેના આંતરડાનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. તેના સાથળમાં ય ગોળી વાગી હતી.

એમ છતાં એ ક્ષુબ્ધ આંખે શૂન્યમાં તાકીને ઊભો થયો હતો. અંધારાની પેલે પાર કશોક દેદિપ્યમાન ઉજાસ નિહાળી રહ્યો હોય તેમ ઘડીક તેની આંખો ચકિત થઈ હતી. તેના ચહેરા પર સ્મિત રેલાયું હતું. મરણતોલ ઈજાઓ તળે તેણે કદાચ ભાન ગુમાવ્યું હતું પણ તેની આંતરિક સાન સાબૂત હતી. તેણે કશીક કઢંગી ચેષ્ટાઓ કરી હતી પણ એ દરેક ચેષ્ટાઓમાં કશોક ભાવ હોવાનું ઉલ્હાસને લાગ્યું હતું.

તેણે અર્ધબેહોશ બિરવાને ય ઓળખી હતી. તેના વાળમાં તેણે કાંપતો હાથ પણ પસવાર્યો હતો. એ વખતે ઉલ્હાસ હજુ તેને ઢંઢોળવા જાય એ પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.

- અને ત્યારેય તેના ચહેરા પર ગજબ સોહામણું, આર્જવભર્યું સ્મિત ફરકતું હતું.

એ ઘડીથી લઈને આજના ત્રીજા દિવસ સુધી ઉલ્હાસ હજુ ય કશ્મકશમાં જ હતો કે રાઘવે લાગ જોઈને છોડાવવા આવેલા કાફલા તરફ નાસી છૂટવાને બદલે આટલી હિંમતથી તેમનો સામનો કેમ કર્યો? કાંઠા પર હુમલો થયો ત્યારે બીજા આદમીઓ તેની સાથે હતા પણ અંધારાનો લાભ લઈને એ લોકો સરકી ગયા એ પછી ય રાઘવ કેમ સરન્ડર ન થઈ ગયો? એ તો પરાણે ગયો હતો. તેણે જ તો આખા રસ્તે છીંડાઓ મૂકીને પોતાના સુધીનો રસ્તો ચાતરી આપ્યો હતો.

તો પછી....

ઉલ્હાસે આમતેમ જોઈ નાંખ્યું. ભયાનક અવઢવમાં અથડાઈ-કૂટાઈને પસ્ત થઈ ગયેલા તેના દિમાગને સતત વ્હિસ્કીની તલબ ઉપડતી હતી. તેણે ફ્રિઝમાંથી બકેટ ઊઠાવી અને ગ્લાસમાં ત્રણ આઈસક્યૂબ નાંખ્યા. બોટલમાંથી ગ્લિનફિડિચ ધીમી ધારે રેડતા જઈને બરફમાંથી ઊઠતી આછેરી સિકરોને ઘડીક તાક્યા કરી.

રાઘવને ઊઠાવી જનાર લોકો કોઈપણ હોય, ઉલ્હાસને હવે તેમાં ખાસ રસ રહ્યો ન હતો. એ લોકો જરાક સરખી ય એંધાણી મૂક્યા વગર છટકી ગયા હતા. બાકીના લોકો સંભવિતપણે ડેવિલ્સ બેડ ઉતરીને તિબેટની સરહદમાં પણ સરકી ગયા હોય અથવા પહાડ ઉતરીને ગાઢ જંગલોમાં ગાયબ થઈ ગયા હોય. એ આતંકવાદીઓ ય હોઈ શકે, મળેલી બે લાશના ચહેરા પરથી લાગતું હતું કે પૂર્વોત્તરના અલગતાવાદી પણ હોય... એ શોધવાનું કામ ઉલ્હાસનું ન હતું.

રાઘવ મળ્યો એ સાથે ઉલ્હાસનું ઓપરેશન પૂરું થઈ જતું હતું. હવે તેના રિપોર્ટ પછી એ ટોળકીને જો શોધવી હોય તો બોર્ડર ફોર્સિસને ઓર્ડર કરવાનું કામ હોમ ડિપાર્ટમેન્ટનું હતું. એટલે રિપોર્ટમાં તેણે 'હાઈપ્રોફાઈલ વેપનથી સજ્જ અજાણ્યા ટ્રેઈન્ડ મિલિટન્ટ' એવું લખી નાંખ્યું હતું પણ રાઘવ વિશે લખતાં એ ખચકાતો હતો.

જો રાઘવ આખી ટોળકીને પકડાવવા જ ઈચ્છતો હતો તો છેલ્લે તક હોવા છતાં કેમ સરન્ડર ન થયો? શા માટે એક કલાક સુધી તેણે એકલે હાથે સામનો કરીને બીજા લોકોને છટકવાનો સમય આપ્યો?

તેણે જે રીતે છેક જબલપુરથી બ્રહ્મપુત્રના કાંઠા સુધી એંધાણીઓ મૂકી એ જોતાં એ બેહદ કાબેલ હતો. જે રીતે તેણે કાંઠના જંગમાં એકલે હાથે લડત આપી એ જોતાં એ પાક્કો પુલિસવાળો હતો. આવી લડાઈમાં છેવટે તેણે જ મરવાનું છે એ તેને ખબર હોય જ. તો પણ...

શા માટે???

અકળાયેલા ઉલ્હાસે વ્હિસ્કીનો વધુ એક મોટો ઘૂંટ ગળા નીચે ઉતારીને ગંદો ઓડકાર ખાધો. ઉજાગરા અને સંતાપ, અવઢવ અને ઉદાસીને લીધે લાલઘૂમ થઈ ગયેલી આંખો તેણે ભારપૂર્વક મીંચી દીધી. તેની બંધ આંખોની ભીતર મરણિયો બનેલો રાઘવ વર્તાતો હતો. કાંઠાના અંધારામાં ત્યારે ન દેખાયેલો રાઘવ અત્યારે તેને સ્પષ્ટ ભળાતો હતો.

ખડકો વચ્ચે સપાટાભેર છલાંગ લગાવીને જગ્યા બદલતો રાઘવ... ક્યાંથી, કોણ અને કેટલાં આદમી ફેંકે છે તેનો અંદાજ સુધ્ધાં ન આવે એવી સિફતથી ગ્રેનેડ ઉછાળતો રાઘવ... બેય હાથે બે વિરુદ્ધ દિશામાં એકધારી ગન ચલાવતો રાઘવ...

ઉલ્હાસ ઝાટકા સાથે ઊભો થઈને સોફા પર ખસ્યો. લેપટોપ ઊઠાવીને તેણે ઝડપથી લખી નાંખ્યું,

'કાબુ બહારના સંજોગોમાં સર્જાયેલી ગેરસમજને લીધે એસીપી રાઘવ માહિયાનું મોત નીપજ્યું હતું. બટ હી વોઝ રિઅલી અ બ્રેવ વોરિઅર એન્ડ ડેડિકેટેડ પોલિસ ઓફિસર. તેને મરણોત્તર ઉચિત સન્માન મળે એ માટે હું ભલામણ કરું છું.'

પાંચ મિનિટ પછી તેણે હેડ ક્વાર્ટરને મેઈલ સેન્ડ કર્યો અને રેકલાઈનર ચેર પર બંધ આંખે શરીર લંબાવી દીધું. ભૂતાવળ જેવા એક દુઃસ્વપ્નના ભારમાંથી છૂટવા હવે એ તલપાપડ હતો.

* * *

'કલાક હજુ ચાલી નાંખો...' કેસીએ હાંફતા પ્રોફેસરની પીઠ પર હાથ મૂકીને કહ્યું, 'કલાક પછી આપણે પહેલો કેમ્પ કરીશું...'

'નો પ્રોબ્લેમ કેસી...' પ્રોફેસરે ફિક્કું સ્મિત વેરીને જવાબ વાળ્યો.

ગઈકાલ રાતથી શરૃ થયેલો વરસાદ હજુ ય અટક્યા વગર એકસરખા વેગથી ધોધમાર વરસી રહ્યો હતો. ડેવિલ્સ બેડની ખાઈ પસાર કર્યા પછી એકધારૃં સીધુ ચઢાણ શરૃ થયું હતું. કેસીએ ત્યાં સૌને અટકાવીને શૂઝ પર ક્રેમ્પોન્સ ચડાવવાની સૂચના આપી હતી.

વરસાદને લીધે ઢોળાવ પરથી સતત વહેતુ પાણી, ઠંડોગાર પવન, લથબથ કપડાં અને ઢોળાવના ભીના, લિસ્સા ખડક પરથી સરકતી મુરમ...

પગમાં ક્રેમ્પોન્સ ચડાવ્યા હોવા છતાં સૌથી પહેલો ઝુઝાર ગબડયો હતો. કઠણ કાંકરાની ઝીણી મુરમ સાથે ઘસડાવાથી તેના હાથ, પગ અને ચહેરો છોલાઈ ગયા હતા. છપ્પન બે વખત લપસતા બચ્યો પણ ત્રીજી વખત એય પટકાયો હતો. મુસાફરીનું પહેલું ચરણ જ સૌના હતાશ દિમાગ અને થાકેલા શરીરને આકરું પડી રહ્યું હતું.

ત્વરિત કશું જ બોલ્યા વગર શૂન્યમનસ્કપણે બસ, ચાલ્યે જતો હતો. તેના રડમસ ચહેરા પર બેબસી અને ખુન્નસના મિશ્રિત ભાવ ક્યારેક ગળામાંથી નીકળી જતાં ધીમા ડુસ્કાં વડે વ્યક્ત થઈ જતા હતા.

મુક્તિવાહિનીના બે આદમીઓએ વૃક્ષોની ડાળીઓ તોડીને તેના ફરતું કંતાન વીંટીને ડોળી જેવું બનાવી લીધું હતું અને બેહોશ તાન્શીને તેમાં સૂવડાવીને ખભે ઊંચકી લીધી હતી. માલસામાનના કોથળા ખભા પર ઊંચકીને બીજા કેટલાંક આદમીઓ ધોધમાર વરસાદ વચ્ચે ય સડસડાટ આગળ વધીને ક્યારના ચઢાણ પાર કરી ગયા હતા. પોતાને લગતું કામ શોધી લેવા ટેવાયેલો ઉજમ બહાદુર પણ કોથળા ઊંચકીને આગળના કાફલા સાથે રવાના થઈ ગયો હતો.

સતત સૌને અવલોકી રહેલો કેસી આખરે આગળ ચાલી જતી હિરનની સાથે થઈ ગયો હતો.

'ફિલિંગ કમ્ફર્ટેબલ?' તેણે સ્મિતભેર પૂછ્યું.

'યસ, અફકોર્સ...' છરહરી હિરન કોઈ તકલીફ વગર સરળતાથી ચઢાણ ચઢી રહી હતી.

'પણ બીજા બધા સખત થાકેલા લાગે છે'

'હા..' હિરને છલાંગભેર એક મોટો ખડક કૂદતા જવાબ વાળ્યો, '... અને થોડા હતાશ પણ.' તેની આંખોમાં ગમગીની હોવાનું કેસીને સ્પષ્ટ વર્તાતું હતું, 'રાઘવનું ડેથ ખરેખર શોકિંગ છે. હી વોઝ રિઅલી અ બ્રેવ સોલ્જર'

'યાહ...' જવાબમાં કેસીથી ય ઊંડો નિઃશ્વાસ નંખાઈ ગયો. તેની આંખો સામે રાઘવની આખરી ક્ષણો તરી આવી.

'હુમલાખોર કોણ હોઈ શકે? તને કંઈ અંદાજ આવે છે?' શાંગરાના કાંઠા પર હોડીઓ લાંગરી એ પછી પહેલી જ વાર કેસી અને હિરનને ચર્ચા કરવાની મોકળાશ મળી હતી.

'હું હજુ ય અવઢવમાં છું...' કેસીએ ડોકું ધૂણાવી નાંખ્યું, 'આવું આ પહેલાં કદી બન્યું નથી' પછી તેણે હિરનની આંખમાં આંખ પરોવીને ઉમેર્યું, 'સાચું કહું? એક તબક્કે મને રાઘવ પર જ શંકા ગયેલી પણ તેને મેં જે રીતે લડતો જોયો એ પછી હવે મને મારી એ શંકા બદલ પસ્તાવો થાય છે...'

'મને પણ...' નીચું જોઈને હિરને જવાબ વાળ્યો, 'રાઘવ કંઈક રમત રમશે એવો ઉચાટ મને ય હતો જ'

એ જ વખતે ડોળી ઊંચકીને જતા આદમીઓએ તેમને ક્રોસ કર્યા એટલે હિરને પૂછી લીધું, 'તાન્શીને કેમ છે?'

'તેને મૂઢ માર વાગ્યો છે. થોડા આરામની જરૃર છે.' પછી તેણે ત્વરિત તરફ આંગળી ચિંધી, 'યુ શૂડ કોન્સોલ ત્વરિત... રાઘવનું મોત જોઈને એ બેહદ આઘાતમાં છે' લથડાતા કદમે દૂર, સ્હેજ પાછળ ચાલી રહેલા એકલાઅટૂલા ત્વરિતે ખભા પર ખાસ્સો બોજ ઊંચક્યો હતો. વરસાદની વાછટની પરવા કર્યા વગર એ નીચું જોઈને એકધારો ચાલ્યે જતો હતો એ તરફ અછડતી નજર ફેરવીને કેસીએ ઉમેર્યું, 'રાઘવને ન બચાવવા માટે એ મારા પર બેહદ નારાજ પણ છે'

'હમ્મ્મ્મ...' હિરને જરા અટકીને ત્વરિત તરફ જોયું, 'આઈ કેન અન્ડરસ્ટેન્ડ...'

કેસીને આગળ વધતો છોડીને એ ત્યાં જ અટકી ગઈ.

* * *

'એમાં તારો કોઈ વાંક નથી' હિરન હતાશ ત્વરિતના ખભા પર હાથ મૂકીને તેને સમજાવી રહી હતી અને ત્વરિત ધીમા ધીમા મૂંગા ડુસ્કાં ભરતો, ખભા પર મૂકાયેલો હિરનનો હાથ તરછોડતો આગળ ભાગવા જતો હતો.

છેવટે હિરને મજબૂત હાથે તેને પકડયો એટલે નાછૂટકે તેણે અટકવું પડયું. તેની આંખોમાં પારાવાર ગમગીની હતી. ખુબરાના જંગમાં તેણે બેફામ ગોળીઓ ચલાવી હતી. રણની ભીષણ આંધીમાં એ ઝઝુમ્યો હતો. ગીધડા જીવતેજીવ તેને ફોલી રહ્યા હતા ત્યારે ય તેણે પ્રબળ જીજીવિષા છોડી ન હતી. વામપંથી મૂર્તિઓનો ભેદ પામવાની અને આધુનિક સંપર્કવિદ્યા સાથે તેનો તાળો મેળવવાની તેને અપાર ઉત્સુકતા હતી. તિબેટ જવા માટે... ગમે તેમ કરીને હર હાલતમાં પણ તિબેટ જવા માટે પ્રોફેસર પછી જો કોઈ દૃઢ અને મક્કમ હોય તો એ ત્વરિત હતો.

- પણ રાઘવના મૃત્યુએ તેને ખળભળાવી દીધો હતો.

હિરનને વળગીને એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયો. ક્યાંય સુધી હિરન તેના વાળમાં, તેના ચહેરા પર હાથ પસવારતી રહી. આકાશમાંથી વરસતો મેઘ, પહાડો પરથી વળ ખાઈને નીચે ધસી જતા ઝરણાઓનો મંજુલ કલરવ, ધરતીની બાથમાં ભીંસાયેલા ખડક પર પછડાતા વરસાદના મોટા ફોરાથી થતી તડતડાટી અને અહીં અટૂલા બે જણ...

આખરે ત્વરિત સ્વસ્થ થયો, પણ હજુ ય તેના અવાજનો કંપ ઘટતો ન હતો.

'તેણે બેહદ જીદ કરી હતી...' નીચે જોઈને એ સ્વગત બોલ્યે જતો હતો, 'મેં તેને એકલા છોડવાની ના પાડી ત્યારે તેના ચહેરા પર અજબ ઉન્માદ તરી આવ્યો હતો. તેણે મને સવાલ કર્યો હતો કે, મૂર્તિ જ શા માટે... કોઈક માણસનો માંહ્યલો પણ વામપંથનો સુચક ન હોઈ શકે? દેશભરમાં ઠેરઠેર છૂપાવેલી મૂર્તિઓની માફક કોઈકનો આત્મા જન્માંતરોથી પ્રાચીન જ્ઞાનના રક્ષણ માટે દોરવાયો હોય તેમ ન બની શકે?'

'તેના સવાલોનો હું શું જવાબ આપું? હું ઘડીક મૌન રહ્યો એટલે તેણે જાતે જ જવાબ વાળી દીધો હતો કે, જો ખરેખર એવું હોય તો સમજી લે કે પૂર્વજોએ સદીઓની જહેમતથી જાળવેલા એ જ્ઞાનના સંરક્ષણ માટે જ હું જન્મ્યો છું. એ વગર હું, એક સીધોસાદો પોલિસ અફસર આટલો ઊંડો ન ઉતર્યો હોઉં...'

'તેં કહ્યું હતું ને કે હું ટિપિકલ ખાખી છું? હા, હું ટિપિકલ ખાખી જ છું.... અ ખાખી ડેડિકેટેડ ટૂ હીઝ ડયુટી. હવે એ વાત અલગ છે કે કાયદા કરતાં મારા પૂર્વજો પ્રત્યેની, સદીઓની આ મહામથામણ પ્રત્યેની મારી ફરજ મને વધુ અગત્યની લાગે છે. બટ અલ્ટિમેટલી આઈ એમ ડુઈંગ માય ડયુટી...'

ત્વરિત કહી રહ્યો હતો અને હિરન રાઘવની આખરી ક્ષણોનું વર્ણન તાજુબ થઈને સાંભળી રહી હતી. પ્રોફેસર સાચું જ કહેતા હતા, વામપંથનું શાસ્ત્ર બહુ અજીબ છે. તેમાં ઊંડા ઉતરવામાં સાર નથી. એ જ્ઞાન બધા માટે નથી. તલવારની ધાર જેવી તીક્ષ્ણ સમજણ અને સ્પષ્ટતા ન હોય તો જ્ઞાન અને ભ્રમ વચ્ચે, સત્યના આગ્રહ અને સત્યના વળગણ વચ્ચેનો ફરક પામી શકાતો નથી.

રાઘવની એ અવઢવ જ આખરે તેને તેના અંતિમ ભણી દોરી ગઈ હતી કદાચ...

*** *** ***

આકાશમાં છવાયેલા મેઘાડંબરને લીધે સમયનો ખ્યાલ આવતો ન હતો પણ આકરા ચઢાણ પાર કર્યા પછી બે પહાડોને જોડતી તળેટી જેવી જરાક સમથળ જમીન પર રેક્ઝિનના પાતળા તંબુ તણાઈ ગયા હતા. આગળ પહોંચેલા આદમીઓ હંમેશ મુજબ, તેમની ફરજ અવ્વલપણે બજાવી રહ્યા હતા.

હવે અડધો દિવસ અને આખી રાત અહીં જ આરામ કરવાનો હતો. રાતભર ચાલેલા જંગ અને રાઘવ સહિત મુક્તિવાહિનીના બે આદમીઓના મોતને લીધે સૌના મન પર છવાયેલો ઓથાર હળવો કરવા માટે કેસીએ પહેલે જ દિવસે કેમ્પ ડાઉનનો નિર્ણય લીધો હતો.

સળંગ દસ દિવસ એકધારી ગતિએ રોજ નવ-દસ કલાક પહાડોનું ચઢાણ કરતાં રહીએ ત્યારે માંડ તિબેટ આવે. આ રસ્તાનો ફાયદો એ હતો કે અહીં ચઢાણ એકધારા હતા પણ તેને આરોહણ કહેવાય એવા ન હતા. હિરનના કાફલાની કમજોરીને ધ્યાનમાં રાખીને કેસીએ આ માર્ગ પસંદ કર્યો હતો.

બે દિવસની મુસાફરી પછી ત્સાલિંગ નામનો પહેલો કસ્બો તેમણે પસાર કરવાનો હતો. ખચ્ચર ચરાવવા માટે ચોમાસાની સિઝનમાં અહીં ભરવાડો કૂબા બાંધીને વસતાં અને પાછોતરો વરસાદ શરૃ થાય એ પહેલાં મેદાની વિસ્તારોમાં પરત જતાં રહેતાં. તિબેટની લગભગ તમામ આવી વિચરતી જાતિ મુક્તિવાહિનીના સ્લિપર સેલ જેવું કામ કરતી.

પરંતુ આ રસ્તાનો ગેરફાયદો એ હતો કે કૈલાસ-માનસરોવર તેમજ બૌધ્ધ ધાર્મિક સ્થળોના પ્રવાસે જતા યાત્રાળુઓનો ત્રિભેટો આ માર્ગ પર જ પડતો હતો. યાત્રાળુઓની અવરજવર બહુ જ કડકાઈથી નજર તળે રાખતા ચીની અફસરો ક્યારેક આ રસ્તે ય રાઉન્ડમાં આવી ચડતા.

બીજો રસ્તો વધારે સલામત હતો કારણ કે એ બેહદ કઠણ હતો. ડેવિલ્સ બેડ ઉતર્યા પછી દક્ષિણ તરફની દોમ્ઝા તરીકે ઓળખાતી પર્વતમાળા હતી. મુક્તિવાહિનીના પહાડછોરુ મોટાભાગે તિબેટની આવ-જા માટે એ રસ્તો જ પસંદ કરતા કારણ કે અડાબીડ પહાડોને લીધે અહીં ચાઈનીઝ લશ્કરનો ભેટો થવાના કોઈ ચાન્સ ન હતા.

પરંતુ હિરનના કાફલા માટે એ પહાડોનું આરોહણ બેહદ મુશ્કેલ હતું. તાન્શીએ આપેલી તાલીમ પૂરી થાય એ પહેલાં જ તેમને ભાગવાની નોબત આવી હતી. વળી, આટલી ટૂંકી તાલીમ દોમ્ઝાની પર્વતમાળા વટાવવા માટે અપૂરતી પણ હતી. એટલે કેસીએ ત્સાલિંગ કસ્બાનો રસ્તો પસંદ કર્યો હતો.

આયોજનમાં માહેર કેસીએ પહેલેથી જ પૂરતી તૈયારી કરી રાખી હતી. પર્વતારોહણની તાલીમ શરૃ થઈ એ પહેલાં જ દરેકની તસવીરો, બોડી માર્ક્સ વગેરેની નોંધ તૈયાર થઈ ગઈ હતી અને તેના આધારે ઓળખના ખોટા પૂરાવા, તિબેટમાં જરૃર પડનારા ત્રણ-ચાર પ્રકારના પરવાના વગેરે તૈયાર કરી નાંખ્યા હતા.

દસ દિવસની મુસાફરી માટે આખાય કાફલાની જરૃરિયાત મુજબનો સામાન અગાઉથી ખોખાઓમાં પેક કરીને તૈયાર રખાયો હતો. એટલે જ, અણધાર્યા સમયે અણધાર્યો જંગ ખેડીને અચાનક જ તિબેટની ભૂમિમાં ઉતરી જવું પડયું તો પણ કેસીને મુંઝવણ ન હતી.

પહેલાં કેમ્પ પર પહોંચીને કેસી સહિત મુક્તિવાહિનીના આદમીઓએ ઉત્તર દિશાએ મોં કરીને પ્રાર્થના કરી હતી. દૂર ખડક પર માખણના દિવા પ્રગટાવ્યા હતા અને લાલ, પીળા, નારંગી રંગની ત્રણ ધજાઓ ખોસી હતી.

સાંજ ઢળી ત્યારે વરસાદ અટક્યો હતો. પહાડોની આરપાર આથમતા સુરજના ઝાંખા અજવાળામાં દૂર ક્ષિતિજ પર તાકી રહેલાં પ્રોફેસરની એક આંખમાં અફાટ ઉતાવળ અને બીજી આંખમાં અજંપો વર્તાતા હતા.

જ્યાં પહોંચવાનું સપને ય વિચાર્યું ન હતું એ તિબેટની ભૂમિમાં તેઓ પગ માંડી ચૂક્યા હતા પણ જે શોધવા માટે આટઆટલા જોખમો ઊઠાવ્યા હતા તેના વિશે કોઈ ઠામઠેકાણું તેમની પાસે ન હતું.

* * *

'બટ બેટા ટ્રાય ટૂ અન્ડરસ્ટેન્ડ...' બિરવાના માથા પર વ્હાલસોયો હાથ ફેરવીને તેમણે કહ્યું, 'કેપ્ટન રેડ્ડી હેઝ ઓલરેડી સબમિટેડ હિઝ રિપોર્ટ... એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે...'

'નો વે... આઈ ડોન્ટ બિલિવ ઈટ..' બિરવા ઉગ્રપણે ચિલ્લાઈ હતી, 'હાઉ કૂડ આઈ બિલિવ ઈટ પાપા? રાઘવ આટલી મુસીબતમાં મૂકાયો હોય, આટલી ચીવટથી સંદેશો મૂકે, આટલું જોખમ ઊઠાવીને છેક સુધી નિશાનીઓ છોડતો જાય અને છેવટની ઘડીએ એ પોતે સામનો કરીને મોતને ભેટે?'

રાઘવ નથી રહ્યો એ સ્વીકારતા બિરવાને ત્રણ દિવસ લાગ્યા હતા પણ ત્રીજા દિવસે એ બરાબર વિફરી હતી.

'હુ વેર ધોઝ ગાય્ઝ? ક્યાં જતી રહી એ ટોળકી? કેમ એકલો રાઘવ જ મરાયો? કેમ ઉલ્હાસે બીજા લોકોનો પીછો ન કર્યો? પાપા, જ્યાં સુધી આ દરેક સવાલના જવાબ નહિ મળે ત્યાં સુધી રાઘવના ડેથનું રિઝન જાણવા નહિ મળે અને ત્યાં સુધી....'

જી.ડી. અસનાની ફાયનાન્સ મિનિસ્ટ્રીનો સેક્રેટરી હતો. સરકારમાં તેની ઊંચી વગ હતી પણ આઈએએસ અફસર તરીકે બિરવા ય કમ ન હતી.

'વ્હાય શૂડન્ટ આઈ ગીવ અ સેપરેટ સ્ટેટમેન્ટ એઝ એન આઈ વિટનેસ ઓફ ધ ઈન્સિડન્ટ? કેપ્ટન રેડ્ડીએ તેની રીતે રિપોર્ટ આપ્યો હોય તો હું પણ હોમ ડિપાર્ટમેન્ટને એક રિપોર્ટ આપી જ શકું ને? હું જ આ કેસની ફરિયાદી છું. મેં જ તપાસ માટે અરજી કરી છે તો પછી ઈન્વેસ્ટિગેશનનું કન્ક્લુઝન અધકચરું છે. ભાગી ગયેલા લોકોની ભાળ મેળવવામાં ન આવે ત્યાં સુધી રાઘવના ડેથનું રિઝન સ્વીકારી શકાય તેમ નથી. ઈટ મે બી અ બિગ, બિગેસ્ટ કોન્સ્પિરસી અગેઈન્સ્ટ નેશન. આખરે એક આઈપીએસ ઓફિસરના અપહરણ અને મોતનો આ ઈસ્યુ છે...'

બિરવાએ એકધારી દલીલો વરસાવીને જી.ડી.ને ચૂપ કરી દીધા.

'પણ બેટા...' જી.ડી.ને ય બિરવાની દલીલ ગળે ઉતરતી હતી પણ દીકરી હવે આ પ્રકરણને ભુતકાળ ગણીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેની તેમને વધારે ચિંતા હતી, 'એઝ ઉલ્હાસ હેઝ રિપોર્ટેડ, રાઘવને ઊઠાવી ગયેલા લોકો તિબેટની સરહદ પાર કરી ગયા હોય એ શક્યતા બળવત્તર છે'

'સો વોટ?' બિરવા તાડુકી ઊઠી, 'તિબેટ ઈઝ નોટ એન એલિયન કન્ટ્રી... હોમ ડિપાર્ટમેન્ટ ચાઈનાને એલર્ટ કરી શકે'

'ચાઈના સાથે આપણે એવી કોઈ એક્સ્ટોર્શન ટ્રિટી નથી'

'ઈટ્સ નોટ મેટર ઓફ એક્સ્ટોર્શન... નોટ એટ ઓલ... શક્ય છે કે એ લોકો ચાઈનાના ય ગુનેગાર હોય. ખુદ કેપ્ટન સ્વીકારે છે કે એ આખો રિમોટ બોર્ડર એરિયા છે અને બંનેમાંથી એકપણ દેશની ત્યાં ચોકી નથી. તો શક્ય છે કે એ રિમોટ બોર્ડર એરિયાની આવી મૂવમેન્ટથી ચાઈના પણ અજાણ હોય.'

એ પછી ય જી.ડી.એ મૌન ન તોડયું એટલે બિરવાએ છેલ્લું શસ્ત્ર ઉગામી લીધું,

'ઈફ યુ વિલ નોટ ઈન્સિસ્ટ હોમ ડિપાર્ટમેન્ટ ધેન...' બિરવાએ ખુન્નસ ભભૂકતી આંખે જી.ડી.ની આંખમાં આંખ પરોવીને કહી દીધું, '... તો હું આ તમામ પ્રુફ સાથે મીડિયામાં જઈશ અને એક હોનહાર આઈપીએસ અફસરના મૃત્યુની તપાસમાં સરકાર કેવા ઠાગાઠૈયા કરે છે એ ઉઘાડું પાડી દઈશ... ભલે મારી કારકિર્દી રોળાઈ જાય...'

એ પછી વધુ અડધી કલાકની ઉગ્ર દલીલોને અંતે આખરે જી.ડી.અસનાનીએ નમતું જોખ્યું. હોમ સેક્રેટરીને ફોન જોડયો અને તાત્કાલિક ચીનના બોર્ડર ફોર્સને માહિતગાર કરવાની તાકિદ કરી.

*** *** ***

આરામ કર્યા પછીના બીજા દિવસે થયેલી આગેકૂચથી કેસી સંતુષ્ટ હતો. મોડી સાંજે સુરજ અસ્તાચળે જઈ રહ્યો હતો ત્યારે તેણે કેમ્પ નાંખવા સૂચના આપી હતી. રાત્રે ભોજન પછી સૌની કેમ્પ મીટિંગ લઈને તેણે આવતીકાલની મુસાફરી વિશે, રસ્તા વિશે માહિતી આપી અને બે દિવસ પછી ચીની બોર્ડર ફોર્સનો ભેટો થાય તો એલિયન પરમિટ વિશે સૌને ગોખાવેલી વિગતોની પરીક્ષા લીધી.

દરેકના ખોટા નામ હતા, ખોટા વ્યવસાય અને ખોટા ઠામઠેકાણા હતા. દરેક લોકો ભારતની જૂદી જૂદી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા હતા. કોઈ નૃવંશશાસ્ત્રનો અભ્યાસ કરતું હતું તો કોઈ વંશિય ઉત્ક્રાંતિના અભ્યાસ માટે તિબેટ આવ્યા હતા. આ પ્રકારની અભ્યાસ ટૂરને તિબેટના આંતરિક વિભાગોમાં જવા માટે બેજિંગ યુનિવર્સિટી તરફથી ભલામણ કરવામાં આવે તો ચીનનો પ્રોવિન્સ વિભાગ સીધી જ પરમિટ કાઢી આપતો હતો.

કેસીએ આ છટકબારીનો જડબેસલાક ઉપગોય કરી નાંખ્યો હતો.

હોશમાં આવેલી તાન્શી હવે સ્વસ્થ થઈ ચૂકી હતી. ચોથા અને પાંચમા દિવસનું ચઢાણ વધારે અઘરું અને દોહ્યલું બનવાનું હતું. ત્યાં સુધીમાં તાન્શીને આરામ મળે એ માટે કેસીએ તેને ડોળીમાં જ મુસાફરી કરવાનો આગ્રહ કર્યો પણ એ લડાયક છોકરીને કોકની ખાંધે ચડીને મુસાફરી કરવામાં પર્વતોની તૌહિન લાગતી હતી.

ત્રીજા દિવસે એકધારા અને એકસરખા ચઢાણથી સૌ પરિચિત થઈ ચૂક્યા હતા એટલે ધારણા કરતાં ઘણી સારી ઝડપ મેળવી શકાઈ હતી. બપોરે નાનકડો બ્રેક લીધા પછી કાફલો વળી આગળ વધી રહ્યો હતો એ જ વખતે તીણા, પાતળા અવાજથી કેસી પહેલાં ચોંક્યો. મુક્તિવાહિનીની સંદેશા આપવાની આ અનોખી રીતથી ધીમે ધીમે પરિચિત થઈ રહેલી હિરન પણ છેક છેલ્લી હરોળમાં ખડી રહી ગઈ.

સાવ આગળની હરોળમાંથી આવેલો ચેતવણીનો આ સંકેત હતો.

શેના વિશે ચેતવણી અપાઈ છે, લપાઈ જવાનું છે કે પોઝિશન લેવાની છે કે અટકી જવાનું છે તેની કશી જ ગતાગમ પડે એ પહેલાં દૂર પૂર્વ દિશાની પહાડી પાછળથી બે હેલિકોપ્ટર દેખાયા.

'ફોલ ડાઉન...' કેસીના મોંમાંથી ચીસ ફાટી ગઈ.

બે જ મિનિટમાં પહાડની બંજર, ખુલ્લી જમીન પર તિતરબિતર થયેલો કાફલો ભોંયસરસો લપાઈને નિર્જીવ બની ગયો હતો અને હેલિકોપ્ટરની પાંખોનો અવાજ સતત નજીક આવતો જતો હતો...

ફટ્..ફટ્..ફટ્..ફટ્..ફટ્...ફટ્....

(ક્રમશઃ)

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 months ago

Bhavesh Tanna

Bhavesh Tanna 7 months ago

KiranSinh Parmar

KiranSinh Parmar 9 months ago

nihi honey

nihi honey 10 months ago

Nitesh Shah

Nitesh Shah 1 year ago