Once Upon a Time - 78 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 78

વન્સ અપોન અ ટાઈમ - 78

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 78

‘બબલુના ધડાકાને પગલે ચંદ્રાસ્વામી વિવાદમાં ઘેરાયા એટલે દાઉદ ઈબ્રાહિમ અને રોમેશ શર્મા થોડો સમય ટાઢા પડી ગયા. આ દરમિયાન દાઉદના હવાલા નેટવર્કને પણ ફટકો લાગ્યો હતો, પણ દાઉદની મોટા ભાગની પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહી હતી. બબલુ શ્રીવાસ્તવ જેલમાં ગયો એ પછી એણે થોડા સમયમાં જેલમાં બેઠા-બેઠા પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. પણ બબલુના કારાવાસનો લાભ ઉઠાવીને એની ગેંગ ખતમ કરી દેવાની પેરવી દાઉદ ગેંગ દ્વારા શરૂ થઈ ગઈ હતી. ઈરફાન ગોગા, અનીસ ઈબ્રાહિમ અને અબુ સાલેમ બબલુની ગેંગની પાછળ પડી ગયા. પણ બબલુ શ્રીવાસ્તવનો દોસ્ત છોટા રાજન બબલુની વહારે આવ્યો અને એણે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. બબલુની ગેંગનું સુકાન છોટા રાજને સંભાળી લીધું. છોટા રાજને દોસ્તી નિભાવીને બબલુની ગેંગના હિત જાળવવાની જવાબદારી ઉઠાવી દીધી હતી.

બબલુ શ્રીવાસ્તવે માસ્ટર સ્ટ્રોક મારીને દાઉદને આડકતરી રીતે ટાઢો પાડી દીધો. એ દરમિયાન જ દાઉદને વધુ એક કડવા સમાચાર મળ્યા. મુંબઈના પાડોશી વિસ્તારોમાં વસઈમાં એકચક્રી સામ્રાજ્ય ધરાવતા ભાઈ ઠાકુરે અરુણ ગવળી સાથે હાથ મિલાવીને ‘ઓપરેશન્સ’ શરૂ કર્યા. મુંબઈમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ્સ પછી ઠાકુરે પણ દાઉદ સાથે છેડો ફાડી નાખ્યો હતો. એ થોડો સમય છોટા રાજનની સાથે ગયો પણ પછી તરત જ દિલ્હીમાં એ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો. ત્યાર બાદ એ તિહાર જેલમાં ધકેલાઈ ગયો. એ અરસામાં એની ગેંગની પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. પણ ઠાકુરને એથી સંતોષ નહોતો. દુશ્મનનો દુશ્મન દોસ્ત એ ન્યાય પ્રમાણે છોટા રાજન અને અરુણ ગવળી વચ્ચે સમજૂતી થઈ કે એ બંને ગેંગના માણસોએ એકબીજાને સહકાર આપવો. એ ગણતરીના સમયમાં તેણે તો એક ડગલું આગળ વધીને ગવળી ગેંગની સાથે ‘વાટકી વહેવાર’ની જેમ ‘શૂટર વહેવાર’ પણ શરૂ કરી દીધો. દાઉદને આ વાતની ખબર પડી ત્યારે એ અકળાયો પણ એ દરમિયાન એક નવી ઘટના આકાર લઈ રહી હતી. દાઉદે એક ધુરંધર કૉંગ્રેસી નેતાની ઠાકુરનો કાંટો કાઢવા માટે મદદ માગી હતી અને બીજી બાજુએ એ કૉંગ્રેસી નેતાના ગળામાં કાનૂની ગાળિયો નાખવાની તૈયારી સીબીઆઈએ શરૂ કરી હતી...’

‘આફતો હંમેશાં બટેલિયનમાં આવતી હોય છે,’ બ્લેક લેબલનો ઘૂંટ ભરવા માટે અટકેલા પપ્પુ ટકલાએ કહ્યું, ‘૧૯૯૫માં દાઉદને આ કહેવત બરાબર સમજાઈ ગઈ હશે. એક બાજુ મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટસનું ઉંબાડિયું એને ભારે પડી રહ્યું હતું અને બીજી બાજુ છોટા રાજન અને અરુણ ગવળી એની ઉંઘ હરામ કરી રહ્યા હતા. એમાં વળી તેના દુશ્મનોમાં બબલુ શ્રીવાસ્તવ ઉમેરાયો હતો. દાઉદની મુસીબતોનું લિસ્ટ લાંબું થઈ રહ્યું હતું એ અરસામાં જ એને વધુ એક માઠા સમાચાર મળ્યા. દાઉદ ઈબ્રાહિમે હવાલાનો ધંધો પણ મોટે પાયે શરૂ કર્યો હતો. ૧૯૯૨ સુધી દાઉદ હવાલાના ગોરખધંધામાં સીધો સંકળાયો નહોતો. ભારતના સામાન્ય નાગરિકોથી માંડીને ટોચના રાજકારણીઓના પૈસાની હવાલાથી દેશવિદેશમાં હેરફેર કરવા માટે એની પાસે એક નમૂનો હાથવગો હતો. મૂળચંદ શાહ ઉર્ફે ચોકસી દાઉદની સૂચના પ્રમાણે લાખો, કરોડો અને ક્યારેક અબજો રૂપિયાની હેરફેર કરી આપતો હતો. પણ મુંબઈમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટસ પછી મૂળચંદ શાહ ઉર્ફે ચોકસી મુંબઈ પોલીસની ઝપટમાં આવી ગયો હતો. મુંબઈમાં બૉમ્બ ધડાકા કરાવવા માટે દાઉદ ઈબ્રાહિમે અઢી કરોડ રૂપિયા મૂળચંદ શાહ મારફત ટાઈગર મેમણને મોકલ્યા હોવાની માહિતી મળતાંવેંત મુંબઈ પોલીસે ૪ મે, ૧૯૯૩ના દિવસે મૂળચંદ શાહને ટાડા હેઠળ જેલમાં ધકેલી દીધો હતો.

આ મૂળચંદ શાહ પણ જાણવા જેવો નમૂનો કહી શકાય. ૧૯૮૦થી ૧૯૯૩ સુધી એ મુંબઈ પોલીસ અને સીબીઆઈના હાથમાં વારંવાર આવતો રહ્યો હોવા છતાં દર વખતે ભેદી રીતે એ છટકી ગયો હતો. દાઉદ ગેંગ માટે એ પૈસાની હેરફેર કરતો. એ સિવાય ફિલ્મસ્ટાર્સ, કેન્દ્રીય પ્રધાનો અને વિપક્ષી રાજકારણીઓના કરોડો રૂપિયા વિદેશોની બેન્કો સુધી પહોંચાડવામાં એ એક્કો હતો. હવાલા ડીલર મૂળચંદ શાહ બૉમ્બ બ્લાટ્સ અગાઉ અનેકવાર પોલીસના હાથમાં પડ્યો હોવા થતાં દરેક વખતે એ બહુ ઝડપથી લોકઅપ બહાર આવી ગયો હતો. દેશની પાવર લોબીમાં મૂળચંદ શાહને લગભગ બધા જ ઓળખતા હતા. પોલીસે બૉમ્બ બ્લાસ્ટ્સ કેસમાં મૂળચંદને પકડ્યા ત્યારે એના ‘ગાઢ મિત્રો’ ઈચ્છા હોવા છતાં એની મદદ કરી શક્યા નહોતા. બૉમ્બ બ્લાસ્ટ્સ પછી પકડાઈ ગયેલા મૂળચંદ શાહે કબૂલ્યું હતું કે ૧૯૮૫માં રાજીવ ગાંધીના પ્રધાનમંડળના સભ્ય અરુણ નહેરુને મેં ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. મૂળચંદે એવા તો અનેક ચોંકાવનારા નામ આપ્યા હતા પણ મૂળચંદની ડાયરીમાં થયેલી નોંધ પરથી સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો હતો કે એણે મહારાષ્ટ્રના સૌથી વધુ હેવી વેઈટ અને ખેપાની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને દાઉદ વતી કરોડો રૂપિયા પહોંચાડ્યા હતા. પાછળથી એક અંગ્રેજી સાપ્તાહિકે આ બધી માહિતી દેશની પ્રજા સામે મૂકી હતી. મૂળચંદ શાહની નોંધ પ્રમાણે ૧૯૭૯ થી ૧૯૯૨ના ઑક્ટોબર મહિના સુધીમાં દાઉદ ઈબ્રાહિમે એ મુખ્ય પ્રધાનને કરોડો રૂપિયા હવાલા મારફત મોકલાવ્યા હતા એ સિવાય પણ ઘણા મહાનુભાવોએ એ મુખ્ય પ્રધાનને હવાલાથી રૂપિયા મોકલ્યા હતા, જેનો કુલ આંકડો રૂપિયા ૭૨ કરોડ સુધી પહોંચતો હતો!

બીજી બાજુ એ પાવરફુલ મુખ્ય પ્રધાને પણ મૂળચંદ શાહ ઉર્ફે ચોકસી દ્વારા રૂપિયા ૭૦ કરોડ જેટલી રકમ હવાલાથી વિદેશ મોકલી હતી. એ રકમ મૂળચંદ શાહ સુધી પહોંચાડવાનું કામ ઉલ્હાસનગરમાં દાઉદ ઈબ્રાહિમના સૂબા તરીકે અને મહારાષ્ટ્રના વિધાનસભ્ય તરીકે સ્થાન ભોગવતા પપ્પુ કલાણીએ કર્યું હતું. એ સિવાય ઑક્ટોબર, ૧૯૯૨માં મૂળચંદ શાહે પશ્ચિમ એશિયામાંથી એ મુખ્ય પ્રધાનને માટે કોઈએ મોકલેલા રૂપિયા ૧૦ કરોડ એ મુખ્ય પ્રધાનના ભત્રીજાને આપ્યા હોવાની નોંધ પણ એની ડાયરીમાં હતી. રાબેતા મુજબ પાછળથી આ બધી વાતોનો વીંટો વળી ગયો હતો! (પપ્પુ ટકલાએ કહ્યું કે તમારે કોર્ટના ધક્કા ખાવાનો શોખ ન હોય તો એ મુખ્ય પ્રધાનનું નામ ન લખતા બાકી એ વખતે મીડિયામાં એનું નામ ખૂબ જ ચમક્યું હતું અને ઉસ્તાદ વાચકોને તો આમ પણ એ નામ કહેવાની જરૂર જ નથી!) પણ મે, ૧૯૯૩માં મૂળચંદ શાહની બૉમ્બ બ્લાસ્ટ્સ કેસમાં ધરપકડ થઈ એ પછી એના હવાલાના ધંધાને બ્રેક લાગી ગઇ. હવાલા ઓપરેટર નંબર વનનું સ્થાન ભોગવતો મૂળચંદ શાહ ટાડા હેઠળ જેલમાં ધકેલાઈ ગયો એ પછી દાઉદ ઈબ્રાહિમે હવાલાનો ધંધો શરૂ કર્યો. એણે મુંબઈના કુર્લા અને ડોંગરી વિસ્તારમાં આ માટે ઓફિસ શરૂ કરી. દાઉદનો આ ધંધો ૧૯૯૫ સુધીમાં બરોબર ગોઠવાઇ ગયો હતો. પણ છોટા રાજન આદુ ખાઈને દાઉદ પાછળ પડ્યો હતો. એણે એક ખબરી દ્વારા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચને દાઉદના હવાલા નેટવર્ક વિશે માહિતી પહોંચાડી દીધી.

‘મુંબઈ પોલીસને માહિતી પહોંચાડવા માટે પણ યોગ્ય સમયની રાહ જોવી પડતી હોય છે,’ પપ્પુ ટકલાએ અંદરની વાત કરતા કહ્યું, ‘મુંબઈ પોલીસ સ્કૉટલેન્ડ યાર્ડ પછી બીજા નંબરે ગણાતી હોવા છતાં મુંબઈ પોલીસના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દાઉદ ઇબ્રાહિમ પાસેથી ‘પગાર’ મેળવતા હતા. આવા પોલીસ અધિકારીઓ ફરજ કરતા પૈસાને વધુ મહત્ત્વ આપતા હતા અને અંડરવર્લ્ડને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનતા છે. એટલે જ બે દાયકા અગાઉ મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓને મહારાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ધકેલી દેવાયા હતા. સામાન્ય રીતે આઈપીએસ અધિકારીઓને બાદ કરતા બાકીના અધિકારીઓની મુંબઈ બહાર બદલી થતી નથી હોતી. પણ બે દાયકાઓ અગાઉ એવું કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે એ વખતે એવું દર્શાવાયું હતું કે ‘ગુનેગારો સાથે સંબંધ ધરાવતા હોવાની શંકા જેમની સામે છે, એવા તથા પૂરતા કાર્યદક્ષ ન હોય એવા બંને પ્રકારના અધિકારીઓને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં મોકલાઈ રહ્યા છે.’ પણ વાસ્તવમાં એ વખતની સરકારની કોઈ કારણથી દાઉદ ઈબ્રાહિમ ગેંગની કમર તોડવા માટેની જ એ એક કવાયત હતી.

દરેક સરકારના પોતાના પાળીતા ગુંડા સરદાર હોય છે અને એમને મદદ કરવાનું ‘કર્તવ્ય’ ઘણા પ્રધાનો નિભાવતા હોય છે અને બદલામાં તેઓ પ્રધાનોનું બેન્ક બેલેન્સ વધુ તગડું બનાવતા હોય છે અથવા તો પોતાના માર્ગમાં આવતા ‘અવરોધ’ દૂર કરવા ગુંડા સરદારોની સેવા મેળવતા હોય છે. ખબરીઓ આવા પોલીસ અધિકારી સુધી માહિતી પહોંચાડે તો એનો અર્થ સરે નહીં એટલે હરીફ ગેંગ બીજી ગેંગ વિશે પોલીસ સુધી માહિતી પહોચાડવા માગતી હોય તો યોગ્ય પોલીસ અધિકારી યોગ્ય જગ્યાએ બેઠા હોય ત્યારે જ મોકો ઝડપી લે છે. મુંબઈ પોલીસમાં ખરાબ અધિકારીઓની સામે સારા અધિકારીઓ પણ છે જ. બે વર્ષ અગાઉ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એક સિનિયર ઈન્સ્પેક્ટર જાતે ખંડણી ઉઘરાવતા ઝડપાયા હતા. એની સામે એવાય ઘણા અધિકારીઓ છે કે જે પોતાના જીવના જોખમે ફરજ બજાવતા હોય.

પપ્પુ ટકલા આ વાત હજી આગળ ચલાવત પણ અમારા ચહેરા પર કંટાળાનો ભાવ એ કળી ગયો હોય કે પછી અમારા પોલીસ ઓફિસર મિત્રના ચહેરા પર ધસી આવેલો અણગમો એ વાંચી ગયો હોય એમ એ ફરી મૂળ ટ્રેક પર આવી ગયો, ‘મુંબઈ ભાજપના અધ્યક્ષ પ્રેમકુમાર શર્માની હત્યા કરીને હૈદરાબાદમાં છૂપાઈ ગયેલા દાઉદ ગેંગના શૂટર હારુન શેખ ઉર્ફે મુન્ના અને મુશરફ હુસૈનને હૈદરાબાદમાં પકડી પાડનાર ક્રાઈમ બ્રાંચના સિનિયર ઈન્સ્પેક્ટર વિનાયક કદમને એક ખબરીએ દાઉદ ગેંગના હવાલા નેટવર્ક વિશે માહિતી પહોંચાડી અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સિનિયર ઈન્સ્પેક્ટર વિનાયક કદમે પોતાની ટીમને સાબદી કરી.’

***

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સિનિયર ઈન્સ્પેક્ટર વિનાયક કદમની આગેવાની હેઠળ પોલીસ ટીમે મુંબઈના કુર્લા ઉપનગરના વિનોબા ભાવે નગરસ્થિત એલ.આઈ.જી. કોલોનીના ૧૪ નંબરના બિલ્ડિંગને કોર્ડન કરી લીધા પછી સિનિયર ઈન્સ્પેક્ટર કદમે બાર નંબરના ફ્લેટની ડોરબેલ દબાવી. ‘કોન હૈ બે?’ કહેતા એક યુવાને ફ્લેટનો દરવાજો ખોલ્યો. તેણે પોલીસ ટીમને જોઈ અને તેના મોતિયા મરી ગયા!

(ક્રમશ:)