64 Summerhill - 91 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 91

64 સમરહિલ - 91

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 91

વહેલી સવારે લ્હાસાની ભાગોળે પૂર્વ દિશાની પહાડીઓ તરફ જતી પગદંડી પર ત્રણ જણા પગપાળા જઈ રહ્યા હતા.

કિરમજી વસ્ત્રોમાં સોહતો એક બૌધ્ધ સાધુ હાથમાં મણિસ્તંભ ફેરવતો ઝૂકાવેલા ચહેરે સતત મંત્રજાપ કરતો ચાલ્યા કરતો હતો. વહેલી સવારની ઠંડકથી બચવા તેણે ઊઘાડા માથા પર મફલર જેવો દુશાલો ઓઢ્યો હતો અને પહોળું, ખુલતું ઘેરદાર પહેરણ છેક નીચે સુધી લહેરાતું હતું.

તેની પાછળ બે દેહાતી તિબેટી, એક પુરુષ અને એક ઓરત, થોડુંક અંતર રાખીને ચાલ્યાં જતાં હતાં. પુરુષે માથા પર કશોક ટોપલો ઊંચક્યો હતો. સ્ત્રીના હાથમાં ય કશાક પોટલાં હતાં.

રસ્તા પર હજુ વહેલી સવારની સુસ્તી વર્તાતી હતી. દૂર ટેકરીના ઢોળાવ પર વાંસના ટૂકડા સાથે કંતાન બાંધીને ઊભી કરાયેલી એક નાનકડી હાટડીમાં ફાનસ હજુ ય જલતું હતું. બહાર ચાઈનિઝ રેડ આર્મીનો ઝંડો લહેરાવતી એક ગાડી પાર્ક થયેલી હતી. એક-બે ફૌજી હાથમાં માટીનું ગરમ શકોરું ઝાલીને દૂધમાં નાંખેલી ચાય પત્તીનો રગડા જેવો ઉકાળો પી રહ્યા હતા. તેમનાંથી થોડે દૂર તિબેટ પરિવહનની મિનિ બસ પાસે પાંચ-સાત મુસાફરો ટોળે વળેલા હતા.

એ કશાય તરફ નજર સુધ્ધાં નાંખ્યા વગર સાધુએ સાંકડી પગદંડી પર ચાલ્યા કર્યું. મિનિ બસની દિશામાં તેને આવતો જોઈને મુસાફરો અદબભેર સ્હેજ દૂર ખસી ગયા. કેટલાંકે કમરમાંથી ઝૂકીને પરંપરાગત અભિવાદન કર્યું. જવાબમાં એ બૌધ્ધ સાધુએ ગરદન ઊંચક્યા વગર જ મણિસ્તંભ ઊંચો કરીને આશિષ આપ્યા.

'બસ ક્યારે ઉપડશે?' તેની સાથેના આદમીએ મુસાફરોને પૂછ્યું.

'ટાઈમ તો થઈ ગયો છે પણ આ લાલિયાઓ તલાશી લે તો ને?' એક મુસાફરે દબાયેલા અવાજે ઉકાળો પી રહેલા ફૌજીઓ તરફ નજર ફેરવીને તિરસ્કારભર્યા ભાવથી કહ્યું.

'હા...' સાધુ બસમાં પ્રવેશીને બેસી રહ્યો હતો ત્યારે સાથેનો આદમી અહીં વાતોએ વળગ્યો હતો, 'એ લોકો ય નવાં-નવાં ડિંડક ઘાલતાં જ જાય છે...'

'સાંભળ્યું છે કે શોટોન વખતે કંઈક થવાનું છે...' પેલો મુસાફર ફૌજી તરફ જોઈને બોલી રહ્યો હતો.

'હવે આટલાં વરસ કંઈ ન થયું તો હવે શું થઈ જવાનું?' બીજા ય એક મુસાફરે ફોકટની ચર્ચામાં ઝુકાવ્યું.

'હા પણ તોય આ લાલિયા હડકાયા થયા છે'

એ જ વખતે બે ફૌજીઓ બસની દિશામાં આગળ વધ્યા એટલે સૌ ઓળખપત્રો, બિલ્લાઓ હાથમાં ઝાલીને પોતપોતાના સામાન સાથે કતારમાં ઊભા રહી ગયા.

'અંદર કોણ બેઠું છે?' તલાશી પહેલાં જ કોઈ બસમાં બેસી જાય એથી ફૌજીને પોતાના ગણવેશનું અપમાન લાગતું હતું.

'જી, એ ઝેન્પા મઠના એન્ગ-લામા છે...' પેલો આદમીએ સ્હેજ દબાયેલા અવાજે દેહાતી તિબેટીમાં જવાબ વાળ્યો.

'એ કોઈપણ હોય, સામાન તો બધાનો ચેક થશે' તેણે કતારમાં આગળ ઊભેલા આદમીની તલાશી શરૃ કરતાં તોછડાઈથી જવાબ વાળ્યો.

'હા, એમનો સામાન અહીં જ છે'

એટલી વારમાં એ સાધુ નીચે ઉતર્યો. પોતાના ઓળખપત્રનો બિલ્લો પેલા આદમીને સોંપીને તેના હાથમાંથી એક થેલી લીધી. બીજો એક ફૌજી તેને જોઈ રહ્યો હતો પણ તેણે જાણે કશી ય પરવા ન હોય તેમ ટેકરીના ઢોળાવ પર આડા-અવળા ઊગી નીકળેલા જંગલી ઘાસ પર નીચે ઝૂકીને થેલીમાંથી લોટ કાઢીને કિડિયારું પૂરવા માંડયું. એ આમતેમ ભમીને કિડિયારા પૂરી રહ્યો હતો એટલી વારમાં તલાશી પૂરી થઈ. ફૌજીઓ રાવટી તાણેલી પેલી હાટડી તરફ પાછા ફર્યા અને ઘરઘરાટી કરતું જૂનવાણી બસનું ખખડધજ એન્જિન ગર્જ્યું. કિડિયારું પૂરતાં દૂર સડક સુધી આગળ વધી ગયેલા એ સાધુની પાસે બસ ઊભી રહી એટલે એ પણ મોં પર દુશાલો દબાવતો અંદર ચડી ગયો.

અને જોતજોતામાં ટેકરીઓના ઢોળાવ પર એન્જિન રાઉસ કરતી બસ આગળ વધવા લાગી.

***

છપ્પનસિંઘ માટે એ ભયાનક કટોકટીની ક્ષણ હતી.

લ્હાસામાં ચારેબાજુ ચેકિંગ, જડતી, તલાશી ચાલે છે, બનાવટી પરવાના હેઠળ ઘુસેલા ભારતીયોની જ શોધ ચાલી રહી છે એ ખબર હોય અને તો પણ બહાર નીકળવું એ બહુ જ મોટો ખતરો હતો.

પણ એ ખતરો ઊઠાવ્યા વગર આરો ન હતો.

અત્યાર સુધીની દરેક ચોરીમાં તે પાકો નકશો બનાવતો. સ્થળ પર જઈને એક-બે દિવસ સુધી નક્કર આયોજન કરતો. આ વખતે સમય અને અનુકૂળતાની એવી બાદશાહી મળે તેમ ન હતી. ફક્ત પ્રોફેસરે આપેલા વર્ણનના આધારે તેણે યોજના બનાવવાની હતી. તેના કસબની ખતરનાક કસોટી હતી. તેના બાપ ગૂંગાસિંઘની ઈજ્જતનો સવાલ હતો.

- અને એટલે જ એ તાનમાં આવી ગયો હતો.

મોડી રાત સુધી પ્રોફેસર, હિરન અને કેસી સાથે મસલત કરીને છપ્પને પ્લાન વિચારી લીધો હતો. હાજર હોય એ કોઈપણ ચીજને હથિયાર તરીકે વાપરી જાણવાનો તેનો કસબ આજે સરાણે ચડયો હતો. તેઓ જ્યાં છૂપાયા હતા એ દૂધાળા ઢોર અને ખચ્ચરનું નિરણ ભરવાનો તબેલો હતો. સૌથી પહેલાં તેણે ત્રણ બાજુએથી બંધ અને એક બાજુથી ખુલ્લા એવા વિશાળ તબેલામાં લાલટેન ઝાલીને ત્રણ-ચાર આંટા માર્યા અને પોતાના કામની ચીજો એકઠી કરવા માંડી.

ઘાસની ગંધાતી ગંજીમાંથી તેણે સુક્કા ખડની એક પૂળી ઊઠાવી હતી અને સૂકાઈને બટકણા થઈ ગયેલા ખડની સળીઓ કેવી રીતે ગૂંથવી તેનો ડેમો આપીને ત્વરિતને કામે વળગાડી દીધો હતો. ટ્રકના રદ્દી ટાયરમાંથી જૂદાં જૂદાં કદ-આકારનાં જાડા ચોસલા કાપવા ઝુઝારને બેસાડી દીધો હતો. ખચ્ચરના પગે નાળ જડવાના ઓજાર જોઈને તેનો ચહેરો ખીલી ઊઠયો હતો. તેમાંથી મળેલા કટર વડે તેણે પતરાંના ડબ્બા કાપીને અણીદાર ફણા જેવા ચપતરાં બનાવ્યા હતા.

ઢોરના શરીર પર બગાઈ ન થાય એ માટે તેમને નવસાર અને કળીચૂનાના પાણીથી નવડાવવા પડે. ચરિયાણમાં ઢોરને કંઈક ઈજા થાય કે ગૂમડાં પાકે ત્યારે તેના પર ગંધકનો મલમ પણ લગાવવો પડે. તબેલો ફંફોસતા મળેલી એ ત્રણેય ચીજ જોઈને છપ્પનના ચહેરા પર સ્મિત તરી આવ્યું અને પછી તેણે આભારવશ બનીને બંધ આંખે આકાશ ભણી જોઈ લીધું.

ગંધ મારતા નવસારમાં તેણે લીંબુની છાલ છૂંદીને પેસ્ટ બનાવી નાંખી. પ્લાસ્ટિકની બંધ કોથળીમાંથી ગંધકનો પાવડર હવામાં ખુલ્લો પાથરી દીધો. છપ્પન કેમિસ્ટ્રીનો ક ભણ્યો ન હતો. નવસાર એટલે એમોનિયા અને ગંધક એટલે સલ્ફર એ ય તેને ખબર નહિ હોય. પણ ગંધકના પાવડરમાંથી સહેલામાં સહેલી રીતે વધુમાં વધુ કામ આપી શકે તેવો એસિડ કેમ બનાવવો તેની તેને બરાબર ખબર હતી.

ઝુઝારને કહીને તેણે તબેલાની પછવાડે જોયેલો ત્રાંબાનો બંબો મંગાવ્યો. તેમાં કરગઠિયા ઠાંસીને આગ પેટાવી અને ઉપરના ખાનામાં ગંધક બાળવા માંડયો. પતરાના ડબ્બા કાપીને બનાવેલા નળાકારને બંબામાંથી વરાળ નીકળતી હોય એ ભાગે બાંધીને તેનો બીજો છેડો પાણી ભરેલા એક કેરબા સાથે જોડી દીધો.

છપ્પનની કરામત સૌ તાજુબીભેર જોઈ રહ્યા હતા અને બંધિયાર તબેલામાં જલતા ગંધકની કડવી, ઘેરી વાસ ઘૂમરાવા લાગી હતી. એક ટમલર જેટલાં પાણીમાં ગંધકની વરાળ ભરચક માત્રામાં ભેળવીને તેણે જલદ એસિડ બનાવી નાંખ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત રમતું હતું.

દિખાવા, પહનાવા ઔર ચલાવા.. ઉ તીણ બાતા ધિયાન મેં રખઉ..

બાપ ગૂંગાસિંઘના એક એક આદેશને ભગવદ ગીતાની આસ્થાથી યાદ રાખતા છપ્પને ઓજારની કિટ તૈયાર કર્યા પછી વેશપલટાની કરામત આદરી હતી.

બહાર ગમે ત્યારે ચેકિંગ થશે, જડતી લેવાશે અને ઝેન્પાના મઠમાં પ્રવેશ મેળવવો ય કંઈ આસાન નહિ હોય એ બધી જ શક્યતાને ધ્યાનમાં રાખીને છપ્પન સતત કેસી સાથે મસલત કરતો રહ્યો. છપ્પનને એકલા જ કામ પાડવાની આદત હતી પણ આજે છૂટકો ન હતો. તેણે બૌધ્ધ સાધુ બનવાનું હતું અને કેસી તેમજ તાન્શી તેના અનુચર તરીકે તેની સાથે જોડાવાના હતા. ઝેન્પા મઠમાં પ્રવેશવા માટે એ જરૃરી હતું.

છપ્પને ક્યાંય સુધી પોતાની તૈયારીઓને આખરી ઓપ આપ્યા કર્યો. છેવટે તેણે તૈયાર કરેલા ઓજારો વગેરે ચીજોને પેક કરવા માંડી. કેસી મોડી રાત સુધી તાજુબીભેર આ રીઢા ચોરની કુશાગ્ર બુધ્ધિને અહોભાવથી જોતો રહ્યો.

***

ઝેન્પા સરોવર એ ત્રણ ટેકરીઓના ઢોળાવ પરથી વહી આવતા ચોમાસું પાણીનું નૈસર્ગિક સરોવર હતું. દરેક ટેકરીઓની આસપાસ છૂટાછવાયા વિહારો બનેલા હતા. બેઠા ઘાટના, લાકડાના મંચ પર બનેલા દરેક વિહારો બૌધ્ધ દર્શન અને ધ્યાનના સાધના કેન્દ્ર તરીકે જાણીતા હતા.

તિબેટિયન કેલેન્ડર મુજબ જળતત્વનું વર્ષ હોય ત્યારે પંચેન લામા સહિતના મુખ્ય લામાઓ ઝેન્પા સરોવર આસપાસના મઠમાં સાધના કરવા આવતા. ચોક્કસ તીથીએ દલાઈ લામા પણ અહીં પધરામણી કરતા. લામાઓના અનુષ્ઠાનના એ સમયે અહીં આખોય ઈલાકો ખાલી થઈ જતો અને નીરવ, પ્રગાઢ શાંતિ પ્રવર્તી જતી.

એક જમાનામાં પ્રત્યેક ત્રીજો તિબેટી પુરુષ ઠેરઠેર પથરાયેલા વિવિધ મઠ અને વિહારોમાં વસતો હતો અને તિબેટી જીવન તેમજ વ્યવહાર પર મઠોના માધ્યમથી જ ધર્મસત્તા ચાલતી હતી. પરંતુ ચીનના આક્રમણ પછી આવેલા બદલાવે ઝેન્પા મઠની ય પૂરી બદહાલી કરી નાંખી હતી.

દલાઈ લામા અને પંચેન લામાની ગેરહાજરીમાં ચીનના રિજન્ટે કેટલાંક નિયમો લાદી દીધા હતા. એ મુજબ, એક મઠનો લામા બીજા કોઈ મઠમાં જાય તો તેણે પોતાલા પેલેસમાંથી સત્તાવાર હુકમનામુ મેળવવું પડતું હતું. કહેવા પૂરતો એ અધિકાર પોતાલા પેલેસની સર્વોચ્ચ બૌધ્ધ ધર્મસત્તાને અપાયો હતો પણ તેના પર નિયમન તો ચીની રિજન્ટનું જ રહેતું. ચીન દાવો તો એવો કરતું હતું કે તે લામાઓને સુવિધા-સુરક્ષા આપવા માંગે છે પણ વાસ્તવમાં તેનો હેતુ લામાઓની હરફર પર અંકૂશ રાખવાનો હતો.

ચીનની સીધી દખલને લીધે લામાઓ ય બને ત્યાં સુધી અન્યત્ર આવવા-જવાનું ટાળવા લાગ્યા હતા. પરિણામે લોકો સાથેનો તેમનો સીધો સંપર્ક તૂટતો જતો હતો. ચીનને એ જ જોઈતું હતું. હવે ઝેન્પા મઠમાં ગણ્યાંગાંઠયા લામાઓ, કેટલાંક ભીખ્ખુઓ વસતા હતા.

સરોવર કાંઠે સિમેન્ટ-કોંક્રિટના ઓટલા પર ચણેલી છાજલી જેવા બસ સ્ટેન્ડ પાસે બસ ઊભી રહી. પહેલાં એક આદમી અને ઓરત સામાન લઈને ઉતર્યા અને તેની પાછળ બૌધ્ધ સાધુ ઉતર્યો. બસ ગઈ એથી વિરુધ્ધ દિશામાં તેમણે સરોવરની સમાંતરે કેડી પર ચાલવા માંડયું.

અચાનક જાણે ભોંયમાંથી પ્રગટયા હોય તેમ પંદર-વીસ આદમીઓ કાંઠાના ઢાળ ઉતરતા રસ્તા પરથી પ્રગટ થયા અને ઢોલ-તૂરીના અવાજો ધણધણવા લાગ્યા. શરૃઆતમાં તો બૌધ્ધ સાધુ ચોંક્યો. તેણે આગળ જઈ રહેલા આદમી-ઓરતની સાથે થઈ જવા ઝડપભેર કદમ ઉપાડયા ત્યાં જયજયકાર કરતા આવી રહેલા ટોળામાં મોખરે આવતા જવાનિયાને જોઈને તેના ચહેરા પર હળવાશ તરી આવી.

એ હેંગસુન હતો. ગુલાલનો દોથો ભરીને તેણે હવામાં ઊડાડયો અને તિબેટી ભાષામાં મોટેથી કશુંક બોલ્યો. વળતા જવાબમાં ટોળાએ ય કશોક દેકારો કરી નાંખ્યો.

એ કેસીએ કરેલી વ્યવસ્થા હતી એટલું તો સમજાતું હતું પણ આ તાયફો શા માટે કર્યો એ ખ્યાલ ન્હોતો આવતો.

ઢોલના અવાજથી બે-ત્રણ મઠમાંથી સફેદ કપડાં પહેરેલાં ભીખ્ખુઓ ય બહાર ડોકાયા અને ઝડપથી કેડી પાસે હારબંધ ઊભા રહીને આવનારા સાધુનું અભિવાદન કરવા લાગ્યા.

પંદર-વીસ મિનિટ પછી...

'આજે ક્યો વાર છે?' કેસી તદ્દન ભોળો ચહેરો કરીને મઠના વ્યવસ્થાપકને પૂછી રહ્યો હતો.

'આજે ફૂર-બૂ (ગુરુવાર)'

'બસ તો, અમે ફૂર-બૂનો જ સંદેશો કહાવ્યો હતો...' તેણે તાન્શીને ટોપલા નીચે મૂકવા ઈશારો કર્યો, 'તમારી જ કંઈક ગફલત લાગે છે. બાકી, કસ્બાના લોકોને સંદેશો મળે અને તમને ન મળે એવું કંઈ હોતું હશે?'

'અરે પણ અમને કોઈ સંદેશો મળ્યો જ નથી..' વ્યવસ્થા સંભાળતા ભીખ્ખુના ચહેરા પર પારાવાર અવઢવ હતી.

અચાનક એક વરિષ્ઠ લામા ત્રણ દિવસ માટે ઉપ-યાનની સાધના કરવા મઠમાં આવી ચડયા હતા. લ્હાસાના પોતાલા પેલેસથી તેમને એવો કોઈ સત્તાવાર માર્કાવાળો સંદેશો મળ્યો ન હતો. એટલે એ મૂંઝાતો હતો.

'અમે અહીં ઉતર્યા કે તરત કસ્બાના લોકો સ્વાગત કરવા હાજર થઈ ગયા. એમને શું સપનું આવ્યું હશે?' કેસીએ કૃત્રિમ છણકો કરીને લાકડાની પાટલી પર આરામથી બેઠક જમાવતાં કહ્યું, 'અમારો સંદેશો એમને મળ્યો અને તમને ન મળ્યો, એ વળી કેવું?'

'પણ હુકમનામા વગર...' વ્યવસ્થાપકને ચીની ફૌજના કડપનો ડર લાગતો હતો. કોઈ ફૌજી વાહન ઓચિંતું આવી ચડે અને હાજરી ચકાસે તેમાં હુકમનામા વગર અહીં રહેલા લામાની ખબર પડે તો તેમને તો કદાચ કંઈ ન થાય પણ વ્યવસ્થાપક પીટાઈ જાય.

'તો શું અમારે આ લામાને પાછા લઈ જવા?' કેસીએ અસલ ગામઠી તોર બતાવવા માંડયો, 'જુઓ, ક્યારેક સંદેશો આઘો-પાછો થઈ શકે. નહિ મળ્યો હોય તો એકાદ દિવસમાં આવી જશે. અને કસ્બાના લોકોને તો સંદેશો મળ્યો જ છે. તમે ગભરાવ નહિ. જરૃર પડયે એ લોકો સાહેદી પૂરવા આવશે'

તેણે બહાર ટોળે વળીને પ્રસાદ ખાવામાં મશગુલ કસ્બાતીઓ તરફ 'ક્યૂં ભાઈઓ?' ટાઈપની નજરે જોયું એટલે તેની નજર પારખીને પહેલાં હેંગ્સુને 'હો..હો' કરી નાંખ્યું પછી તેનું જોઈને ખરેખરા કસ્બાવાળા ય ડોકું ધૂણાવવા માંડયા.

વ્યવસ્થાપક વધુ મૂંઝાયો. વાત તો સાચી હતી, સંદેશો ન આવ્યો હોય તો કસ્બાના લોકોને કેવી રીતે ખબર પડે? ક્યાંક પોતાનાથી જ ગરબડ થઈ હશે.

તે ઝડપભેર વ્યવસ્થામાં પરોવાયો.

અડધી કલાક પછી...

ગ્રંથાગરને અડીને આવેલી એક સાંકડી કોટડીમાં છપ્પન કામે લાગી ગયો હતો. આખીય કોટડી બરાબર નીરખીને તેણે ખાતરી કરી લીધી અને પછી કિરમજી ઉપરણું ઉતાર્યું. તેની કમર ફરતો રેક્ઝિનનો પહોળો બટવો બાંધ્યો હતો અને એ બટવામાં તેના તમામ ઓજારો હતા.

(ક્રમશઃ)

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 months ago

nihi honey

nihi honey 10 months ago

Nitesh Shah

Nitesh Shah 1 year ago

Tejal

Tejal 1 year ago

Jayshree Thaker