64 Summerhill - 94. in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 94.

64 સમરહિલ - 94.

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 94

'એક શ્લોકના આધારે તમે કેવી રીતે કહી શકો કે તમારે જોઈએ છે એ જ પ્રાચીન વિદ્યાની આ વાત છે અને એ જ શ્ત્સેલિંગ્કા ખાતે હોવી જોઈએ?'

બપોરના ભોજન પછી કેસી, તાન્શી અને હિરને પ્લાનિંગ વિચારવા માંડયું હતું ત્યારે પણ પ્રોફેસર અને ત્વરિત હસ્તપ્રતોના અભ્યાસમાં લાગેલા હતા.

ત્વરિતને હજુ ય પ્રોફેસરનો ઉન્માદ ગળે ઉતરતો ન હતો. આદ્ય શંકરાચાર્ય શ્વેતાશ્વતર ઉપનિષદ પર લખેલા ભાષ્યના અધૂરા પાનાઓમાં તત્વચિંતનની વાત હતી. બૃહદ્સંહિતામાં પણ અવકાશ અને ખગોળ વિજ્ઞાનનો જ ઉલ્લેખ હતો. તો પછી પ્રોફેસર ક્યા આધારે ખાતરીપૂર્વક કહી રહ્યા હતા?

'ઈટ્સ અ લોંગ સ્ટોરી..' પ્રોફેસરે ચશ્મા ઉતારીને ત્વરિતની સામે જોયું. પ્રોફેસરની આંખોમાં પરમ સંતૃપ્તિનો ભાવ હતો. સફરની ગડમથલના સ્થાને હવે મંઝિલ તરફ પહોંચવાની અદમ્ય ઉતાવળ અંકાઈ રહી હતી.

'તું મૂર્તિવિધાન તો ભણ્યો છે, રાઈટ?' તેમણે ત્વરિતના અસમંજસભર્યા ચહેરા તરફ તાકીને પૂછ્યું, 'સાપેક્ષ અને સંકેત પ્રતિમા વચ્ચેનો ભેદ તો તને યાદ જ હશે'

'અફકોર્સ યસ..' ત્વરિતે તરત જવાબ વાળ્યો, 'સંકેત પ્રતિમામાં રેખાઓ, લિપિઓ કે કશીક આકૃતિઓ વડે ગૂઢ સંકેત આપવામાં આવે જ્યારે સાપેક્ષ પ્રતિમાની એકથી વધુ હોય, ક્યારેક આવી પ્રતિમાઓની આખી શ્રેણી ય હોય. એવી દરેક પ્રતિમામાં છૂપાયેલા અધકચરા કે અડધા સંકેતોને એકમેક સાથે જોડીને આખી કડી મેળવી શકાય.' ત્વરિતે ઉત્સાહભેર પોતાની આવડત દર્શાવી દીધી.

'ગુડ..' પ્રોફેસરે હકારમાં ગરદન હલાવી, 'સંકેત પ્રતિમા અને સાપેક્ષ પ્રતિમાનું એક જાણીતું એક્ઝામ્પલ આપી શકે?'

'અશોકનો શીલાલેખ એ સંકેત પ્રતિમાનો જ એક પ્રકાર છે જ્યારે ગયાના બૌધ્ધવિહારમાં જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુની સ્થિતિ વર્ણવતી સોળ પ્રતિમાઓ સાપેક્ષ છે. કોણાર્કમાં સૂર્યમાળાનું સ્થાન દર્શાવતી ૪૮ પ્રતિમાઓ પણ સાપેક્ષ છે'

'એક્ઝેક્ટલી...' પ્રોફેસરે પોતાના બેકપેકમાંથી કેટલીક તસવીરોની થોકડી ફંફોસીને એક તસવીર કાઢી, 'છપ્પન મારફત મેં ઊઠાવેલી આ આઠમી મૂર્તિ ધ્યાનથી જો...' તેમણે ઉજાસમાં એ તસવીર મૂકી, 'મૂર્તિની નીચે તૈતિરિય સંહિતાનો શ્લોક છે પણ મૂર્તિના ચહેરા પર ડાબા ગાલે કશુંક વર્તુળ દેખાય છે?'

'યસ..' મેગ્નિફાઈંગ લેન્સ વડે ધ્યાનથી નિરખી રહેલા ત્વરિતની આંખોમાં ચમક આવી, 'ડાબા ગાલ પર વર્તુળ છે. ખભા પર તીર જેવું ય કશુંક વર્તાય છે. કોણીના સ્થાને અર્ધત્રિકોણ છે..' તેણે લેન્સ હટાવીને પ્રોફેસરની સામે જોયું, 'તેનો શો અર્થ થાય?'

'ઈટ્સ ધ બ્રેઈન ઓફ અવર માસ્ટર એન્સેસ્ટર્સ...' પ્રોફેસરે હસ્તપ્રતનો થોકડો બાજુ પર મૂકીને પગ લંબાવ્યા અને ગરદન ઊંચકીને હવામાં તાકતા કહ્યું, 'કદાચ આદ્ય શંકરાચાર્ય... કદાચ એક આખી પરંપરાની વિલક્ષણ બુધ્ધિનું એ પરિણામ છે કે હજારો વર્ષ પછી, આટઆટલી ઉથલપાથલ પછી ય પ્રાચીન જ્ઞાનને આપણે સાચવી શક્યા છીએ.'

'છ-સાત હજાર વર્ષ પુરાણા વેદ આપણે પેઢી દર પેઢી શ્રુતિ (સાંભળીને), સ્મૃતિ (યાદ રાખીને) અને કંઠસ્થ કરીને સાચવી જાણ્યા. એક પરંપરા, જેને આજના સંદર્ભમાં કહું તો, એક આખી સ્કૂલ એવી હતી જે પેઢીઓ સુધી ફક્ત સામવેદની જ જાળવણી કરે. એવી જ બીજી સ્કૂલ, બીજી પરંપરા વારસાગત રીતે ફક્ત ઋગ્વેદ જ યાદ રાખે. તેની નકલો ઉતારે. હું બે લીટીમાં આ વાત બોલી ગયો પણ કેટલી પેઢીઓએ એકધારી નિષ્ઠાથી કેવી જહેમત ઊઠાવી હશે તેનો અંદાજ તું માંડી શકે છે?

પ્રોફેસર જરા વાર માટે અટક્યા. બોટલમાંથી પાણીનો ઘૂંટ ભરીને ગળા નીચે ઉતાર્યો અને ફરીથી વાત માંડી.

'હજારો વર્ષ પછી પણ સામવેદની ઋચાઓનો એક નાનકડો સ્વરભાર સુધ્ધાં બદલાય નહિ, ઋગ્વેદના આખાને આખા મંડલ આપણને યથાવત મળે એ સિધ્ધિ કંઈ નાનીસૂની નથી. ઈટ્સ અ મિરેકલ ઓફ ઓલ ધ મેનકાઈન્ડ હિસ્ટરી. એવો જ બીજો ચમત્કાર એટલે આ ગુપ્તવિદ્યાઓની જાળવણી માટેની આબાદ તરકીબો અને એ મેળવવા માટેના અદ્ભૂત સંકેતો.'

'દશનામીઓ, એકદંડીઓ, કૌંઢ્યો વગેરેના માધ્યમથી તેમણે સમગ્ર વિદ્યાને આખા ય દેશમાં વહેંચી નાંખી, કારણ કે કોઈ એક જગ્યાએ એ જાળવવાનું અશક્ય હતું. પરંતુ તો પછી કોઈ સુપાત્રને એ વિદ્યા વિશે જાણવું હોય તો? સરળ બુધ્ધિના સંસારીઓ માટે કે નિમ્ન બુધ્ધિના જડસુઓ માટે આ વિદ્યા ત્યાજ્ય હતી પરંતુ શક્ય છે કે સદીઓ પછી કશીક એવી સમાજ વ્યવસ્થા આકાર લે જેમાં આ વિદ્યાઓ સમગ્ર માનવજાત માટે ઉપયોગી પણ નીવડે. શક્ય છે કે સેંકડો વર્ષોનો દેશ-કાળ બદલાયા પછી કોઈક એવી પરંપરાનું ઘડતર થાય જે આ વિદ્યાઓ મેળવવા માટે લાયક હોય.'

'દીર્ઘદૃષ્ટિના સાક્ષાત અવતાર સમા આદ્ય શંકરાચાર્યે તેનો ય વિકલ્પ વિચારી રાખ્યો હતો. એ માટે તેમણે મૂર્તિવિધાનની કલા અને સંકેત-સાપેક્ષ પ્રતિમાઓની તરકીબોનો ઉપયોગ કર્યો. ભાસ્કરાચાર્યના સૂત્રોએ મને બખ્શાલી હસ્તપ્રત સુધી દોર્યો અને બખ્શાલી હસ્તપ્રતમાં ગણિતના સૂત્રોમાં વણાયેલો ભેદ ઉકેલીને હું મૂર્તિઓ સુધી પહોંચ્યો. એક મૂર્તિએ મને બીજી મૂર્તિનું ઠેકાણું ચિંધ્યું અને એમ મેં કુલ ૬૪ મૂર્તિઓ ઊઠાવી.'

'આમ છતાં કેટલીક મૂર્તિઓ એવી હતી જેના કેટલાંક સંકેતો ઉકેલાતા ન હતા. ક્રમ મુજબ એ દરેક મૂર્તિ ૮મી, ૧૬મી, ૨૪મી, ૩૨મી, ૪૦મી, ૪૮મી, ૫૬મી અને ૬૪મી છે. આઠના ગુણાકારમાં રહેલો આ ક્રમનો નિયત અંતરાલ શું દર્શાવે છે એ હું સમજી શકતો ન હતો. આજે મને લાગે છે કે, હું તેનો પાર પામવાના આરે આવીને ઊભો છું'

એકધારું બોલીને પ્રોફેસરે ઊંડો શ્વાસ લીધો પણ ત્વરિતની આંખોમાં પારાવાર અચંબો હતો. તે કશુંય બોલ્યા વગર વિસ્ફારિત આંખે પ્રોફેસરને તાકી રહ્યો.

'આ હસ્તપ્રતો પર થયેલી નોંધમાં પણ તૈતિરિય સંહિતાના એ જ શ્લોકનું ભાષાંતર હોય એ દર્શાવે છે કે રિ.યુ. નામથી નોંધ કરનાર એ વ્યક્તિ આ દરેક વિદ્યાઓ પામી ચૂક્યો છે. એ એવું કશુંક જાણે છે જે ૮થી ૬૪ સુધીની કુલ ૮ પ્રતિમાઓના અર્થઘટનમાં હું નથી જાણી શક્યો. આપણે તેના સુધી પહોંચવું રહ્યું.'

'પણ..' ત્વરિત દિગ્મૂઢ થઈને પૂછી રહ્યો હતો, 'આ નોંધ તો અતિશય જૂની હોવાનું લાગે છે. શક્ય છે કે એ રિ.યુ. નામની વ્યક્તિ અત્યારે જીવિત ન પણ...'

'સામવેદનો સ્વરભાર કોઈ એક વ્યક્તિએ સાચવ્યો ન હતો...' પ્રોફેસરે તરત જવાબ વાળી દીધો, 'ઋગ્વેદની ઋચાઓ કોઈ એક વ્યક્તિએ કંઠસ્થ કરી ન હતી. વી ધ ઈન્ડિયન બિલિવ ઈન ટ્રેડિશન. આપણે પરંપરાના વાહકો છીએ માટે જ હજારો વર્ષો પછી ય આપણી જીવનશૈલી તરોતાજા છે. કારણ કે, વ્યક્તિ નાશવંત છે, પરંપરા તો અવિરત વહેતી રહે છે. રિ.યુ. વ્યક્તિ કદાચ નહિ હોય પણ એ પરંપરા આપણી મદદ કરી શકે.'

***

તિબેટી ભાષામાં રિન્દેમ એટલે બંડખોર.

ભગવાન ગૌતમ બુધ્ધે આપેલા ઉપદેશના કાળક્રમે બે ફાંટા પડયા હતાઃ મહાયાન અને હિનયાન. મહાયાન એટલે વિરાટ ચક્ર, જે અનેક લોકોને આ સ્થૂળ, ભૌતિક તેમજ નાશવંત મોહથી પાર કરીને સુક્ષ્મ, શાશ્વત જ્ઞાન તરફ લઈ જાય. હિનયાન એટલે લઘુચક્ર, જે થોડાંક જ સુપાત્રોને જ્ઞાનની ચરમસીમા સુધી લઈ જાય.

ગૌતમ બુધ્ધની હયાતિમાં જ કેટલાંક બૌધ્ધ સાધુઓએ કેટલીક નિષેધાત્મક વિધિઓ, વિદ્યાઓની ઉપાસના શરૃ કરી હતી. મુખ્યત્વે મહાયાનના સમર્થક તિબેટમાં પણ એવા સાધુઓ હતા. આવા સાધુઓના સમૂહ રિન્દેમ તરીકે ઓળખાતા.

લ્હાસા સિટીથી ઉત્તરે દામઝોંગની પહાડીઓ અને નામ-કૂ સરોવરના કાંઠે આવેલો રિન્દેમ મઠ સાવ એકાકી, અટૂલો અને કોઈ અવરજવર વિહોણો હતો... દુનિયાથી તરછોડાયેલા આદમી જેવો કે પછી જાતે જ દુનિયાને તરછોડીને પોતાના મત પર એકલા ઊભેલા જક્કી પ્રબુધ્ધ જેવો.

પહાડીઓના ઢોળાવ પર ઝાડીઝાંખરાની વાડ વચ્ચે આવરેલું મોટું ચોગાન, ચોગાનની બરાબર વચ્ચે પથ્થરમાંથી કોરેલું વિરાટ કદનું ધર્મચક્ર, ધર્મચક્રની સામે સાંકડી આડશ રચીને બનાવેલો મંડપ, મંડપની વચ્ચે સતત જલતી વેદી અને વેદીમાંથી સ્ફૂટ થઈને આસપાસની નીરવ સ્તબ્ધતાને વલોવી નાંખતો જાપ...

વલ્લઉ મણિપદ્મે હૂમ... વિસસ્તરઉ મણિપદ્મે હૂમ... વ્યતરઉ મણિપદ્મે હૂમ

વલ્લઉ... વિસસ્તરઉ.. વ્યતરઉ...

અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી ઉજાસ તરફ, નાશવંતમાંથી શાશ્વત તરફ લઈ જતા જ્ઞાનના ઉજાસની પરંપરાગત ભારતીય કામના અહીં તિબેટી શ્વાંગ ઓઢીને અડીખમ બેઠી હતી... સદીઓથી.

પાંદડું ખરે તોય અવાજ સંભળાય એવી ગાઢ શાંતિ વચ્ચે ઘેરા લાલ રંગનું ઉપરણું ઓઢેલા એક જૈફ સાધુ લાકડાની કોટડીમાંથી બહાર આવ્યા. ધૂ્રજતા હાથે વેદીને પ્રણામ કર્યા અને પછી બાજુના ઓરડા ભણી ડગમગાતા કદમે આગળ વધ્યા.

પથ્થરની પગથાર પર ઘસાતી તેમની લાકડાની ચાખડીના અવાજથી એક યુવાન ભીખ્ખુ દોડતો પરસાળમાં આવ્યો અને કઠેડાને અડીને અદબભેર ઊભો રહી ગયો.

'કોણ?' ડાબા લમણે દુશાલો ધરીને એ જૈફ સાધુએ સફેદ પાંપણો તળે આંખ સ્થિર કરી, 'રિન્દેમ ગુયાંગ?'

જવાબમાં એ યુવાન ભીખ્ખુએ આદરભેર ડોકું હલાવ્યું અને શરીરને વધુ સંકોર્યું. ભાગ્યે જ કોટડીમાંથી બહાર આવતા આ વરિષ્ઠ લામાની હાજરીથી તેને કુતુહલ પણ જાગતું હતું અને અવઢવ પણ.

'આહુતિ આપીને વેદી પ્રજ્વલિત કરાવી દે..' અવાજના કંપને લીધે અંદાજ ન્હોતો આવતો કે એ જૈફ લામાને ખરેખર બોલવામાં શ્રમ પડી રહ્યો છે કે ઉંમરને લીધે અવાજ તરડાયો છે, 'અને નીચેના ભોંયરામાંથી નકશાના ફિંડલા મારી કોટડીમાં મૂકાવ...' પછી તેમણે ભીખ્ખુની આંખમાં આંખ પરોવીને સ્મિત વેરતાં ઉમેર્યું, 'આજે કેટલાંક મહેમાન આવી રહ્યા છે...'

આટલું કહીને તેઓ આવ્યા હતા એવી જ સ્વસ્થતાથી કોટડી ભણી જતા રહ્યા. ભીખ્ખુ સ્તબ્ધ તાજુબીથી તેમને જોઈ રહ્યો.

અહીં ભાગ્યે જ કોઈ આવતું. અહીં ભાગ્યે જ કશું બનતું. અને છતાં ય આ વયોવૃધ્ધ લામાના અંતરચક્ષુ વ્યક્તિ કે ઘટનાના દરેક આગમનને બહુ પહેલાં આગાહ કરી લેતા હતા.

તેણે બંધ આંખે નમસ્કારની મુદ્રામાં હાથ જોડીને વંદન કરી દીધા.

(ક્રમશઃ)

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 months ago

nihi honey

nihi honey 10 months ago

Nitesh Shah

Nitesh Shah 1 year ago

Tejal

Tejal 1 year ago

Jayshree Thaker