Once Upon a Time - 100 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 100

વન્સ અપોન અ ટાઈમ - 100

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 100

‘મુંબઈના બાંદરા ઉપનગરની એક રેસ્ટોરાંમાં પાંચ યુવાનો ગપ્પાં મારી રહ્યા હતા. દેખાવ પરથી બધા કોલેજિયન જેવા લાગી રહ્યા હતા. રેસ્ટોરાંમાંથી બહાર નીકળીને એ બધા બહાર પાર્ક થયેલી મારુતિ કારમાં ગોઠવાયા. પાછળની સીટમાં બેઠેલા ત્રણ યુવાનોમાંથી એક યુવાને ખિસ્સામાંથી એક નકશો કાઢ્યો. એ નકશો ફિલ્મ પ્રોડ્યુસર સુભાષ ઘાઈના ઘરનું ચોક્કસ લોકેશન બતાવતો હતો. ‘ગયા કામ સે સાલા’ એ યુવાને કાતિલ ઠંડકથી કહ્યું. એના બીજા સાથીદારો પણ હસ્યા. અબુ સાલેમે સુભાષ ઘાઈની ‘ગેમ’ કરી નાખવાનો ઓર્ડર એમને આપ્યો હતો. એ બધા અબુ સાલેમના શૂટર્સ હતા.

અબુ સાલેમના એ શૂટર્સ સુભાષ ઘાઈને ગોળીએ દેવાના ‘મિશન’ સાથે આગળ વધી રહ્યા હતા ત્યારે એક સિગ્નલ પાસે રેડ લાઈટ થતાં એમણે ઊભા રહેવું પડ્યું. કાર ચલાવી રહેલો શૂટર સિગ્નલ ગ્રીન થવાની રાહ જોતો હતો એ જ વખતે નોર્થવેસ્ટ રીજનની પોલીસ ટીમે એમની કારને ચારેબાજુથી ઘેરી લીધી. અબુ સાલેમના શૂટરર્સના લમણાં ઉપર પોલીસ ઑફિસર્સની રિવોલ્વર્સ તકાઈ ગઈ હતી. સહેજ ચૂં કે ચા કરવાનો સીધો અર્થ મોતને આમંત્રણ જેવો હતો. એટલે ડાહ્યાડમરા થઈને એ શૂટર્સ પોલીસને શરણે થઈ ગયા. પોલીસ ટીમને એમની પાસેથી ઈમ્પોર્ટેડ પિસ્તોલ અને રિવોલ્વર મળી આવી. એક શૂટરના ખિસ્સામાંથી બે એસટીડી કોલના બિલ મળી આવ્યાં. એ કોલ એમણે દુબઈ અબુ સાલેમને કર્યા હતા.

એ ગુંડાઓનાં નસીબ સારાં હતાં એટલે એમને પોલીસ ટીમ સામે થવાની કુબુદ્ધિ સૂઝી નહીં,’ પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હીસ્કીનો એક મોટો ઘૂંટ ભરીને રનિંગ કોમેન્ટ્રીની જેમ વાત આગળ ધપાવતાં કહ્યું, ‘પણ અબુ સાલેમ ગેંગના બીજા બે શૂટરને મુંબઈ પોલીસની ઑફિસરોની રિવોલ્વરમાંથી ગોળીરૂપે છૂટેલું મોત આંબી ગયું હતું. સુભાષ ઘાઈની ‘ગેમ’ કરવા આવેલા શૂટર્સ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા પછી થોડા દિવસ બાદ અબુ સાલેમે એના બીજા પાંચ શૂટરને મુંબઈના નેપિયન્સી રોડ પર રહેતા એક ફિલ્મ પ્રોડ્યુસરનું અપહરણ કરવાનો આદેશ આપ્યો. એ માહિતી મુંબઈ પોલીસના ઝોન ટુના ડેપ્યુટી કમિશનર પરમવીર સિંહને મળી ગઈ અને એમણે ઓપેરા હાઉસ વિસ્તારમાં જ્યાં આ શૂટર્સ ભેગા થવાના હતા ત્યાં સ્પેશિયલ સ્કવોડના ઑફિસર્સની વોચ ગોઠવી દીધી. બપોરના સવા ચાર વાગ્યે ઓપેરા હાઉસ વિસ્તારમાં વિખ્યાત શો રૂમ ત્રિભોવનદાસ ભીમજી જ્વેલર્સ પાસે અબુ સાલેમ ગેંગના બે શૂટર અજય પવાર અને સુનીલ કુસળકર આવ્યા. એમણે પંદર મિનિટ સુધી બીજા શૂટર્સની રાહ જોઈ પણ બીજા શૂટર્સ ડોકાયા નહીં. તેમને કદાચ પોલીસના પ્લાનની ગંધ આવી ગઈ હશે. થોડો સમય વીત્યો એટલે આ બંને શૂટર્સને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. એટલે એમણે ત્યાંથી રવાના થવાની તૈયારી કરી પણ એ જ વખતે ત્રીજો શૂટર આ બંને શૂટર તરફ આવી રહ્યો હતો. એને આખો મામલો સમજાઈ ગયો એટલે એ જીવ બચાવીને ત્યાંથી નાસી છૂટ્યો. પણ અજય પવાર અને સુનીલ કુસળકરને ભાગવાની તક મળી નહીં. એમણે મરણિયા બનીને પોલીસ ટીમ તરફ ફાયરિંગ શરૂ કર્યું. એમની પિસ્તોલમાંથી નીકળેલી એક ગોળી પોલીસ ઈન્સ્પેક્ટર રાજુ ચવ્હાણના હાથમાં વાગી. બીજા પોલીસ ઑફિસર્સે અબુ સાલેમ ગેંગના શૂટર્સને ગોળીનો જવાબ ગોળીથી આપ્યો અને ગણતરીની સેકન્ડોમાં અબુ સાલેમ ગેંગના બંને શૂટરોની લાશ પડી ગઈ હતી. એ બંને શૂટર અગાઉ ફિલ્મ પ્રોડ્યુસર રાજીવ રાયને ખતમ કરવા ગયા હતા, પણ એ વખતે ત્યાંથી નાસી છૂટવામાં તેઓ સફળ રહ્યા હતા.’

***

‘મુંબઈમાં અબુ સાલેમ હિંદી ઈન્ડસ્ટ્રી પર કબજો જમાવવા માટે મુંબઈ પોલીસ સાથે બાથ ભીડી રહ્યો હતો ત્યારે ફરી એક વાર પરદેશની ધરતી પર ગેંગવોરનો તખ્તો ગોઠવાઈ ગયો હતો.’ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવતા પૂરતો બ્રેક લઈને પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડકથા આગળ ધપાવતાં કહ્યું, ‘દાઉદ ઈબ્રાહિમ ગેંગ અને છોટા રાજન ગેંગમાંથી એકબીજાના વિશ્વાસુ માણસોને પોતાની સાથે ખેંચી લાવવાની રમત ચાલુ હતી. આ રમતમાં અબુ સાલેમે એક માસ્ટર સ્ટ્રોક માર્યો. તે બબલુ શ્રીવાસ્તવ ગેંગના અત્યંત મહત્વના ગુંડા વિક્રમ વાહી ઉર્ફે વિજય શર્માને દાઉદ ગેંગમાં ખેંચી લાવ્યો. વિક્રમ વાહી દાઉદ ગેંગમાં જતો રહ્યો એથી બબલુ શ્રીવાસ્તવ અને એના મિત્ર છોટા રાજનની ગેંગને બે રીતે ફટકો પડ્યો. એક તો એમણે કરોડો રૂપિયા ગુમાવવા પડ્યા અને બીજી બાજુ બબલુ શ્રીવાસ્તવ અને છોટા રાજન ગેંગની અત્યંત મહત્વની વાતો જાણતો માણસ હવે દાઉદ ગેંગ માટે કામ કરવાનો હતો.’

‘અંડરવર્લ્ડમાં પણ જાતભાતનું પોલિટિક્સ રમાતું હોય છે. એવા પોલિટિક્સના ભાગરૂપે અબુ સાલેમ વિક્રમ વાહીને દાઉદ ગેંગમાં ખેંચી લાવ્યો. હતો,’ ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ ખેંચીને પપ્પુ ટકલાએ વાતનો દોર સાધતાં કહ્યું, ‘દિલ્હીમાં અનેક વૈભવી હોટેલ ધરાવતા એક નોન-રેસિડેન્ટ ઈન્ડિયનના પુત્રનું અપહરણ કરીને કરોડો રૂપિયા પડાવવાની યોજના બબલુ શ્રીવાસ્તવ ગેંગે ઘડી હતી, પણ હોટેલમાલિક પહોંચેલો હતો એટલે એને અગાઉથી જ આ વિશે માહિતી મળી ગઈ. હોટેલમાલિકે તરત જ દુબઈમાં બેઠેલા દાઉદને આ વાતની જાણ કરી. દાઉદ ઈબ્રાહિમે આ મામલો અબુ સાલેમને સોંપ્યો. અને અબુ સાલેમે વિક્રમ વાહીનો સંપર્ક કરી એની સામે દાઉદ ગેંગમાં જોડાવાની ઓફર મૂકી. આ ઓફર એ સ્વીકારે તો એને રૂપિયા એક કરોડ અપાવવાની ખાતરી અબુ સાલેમે આપી. વિક્રમ વાહીની દાઢ સળકી અને એણે અબુ સાલેમની ઓફર સ્વીકારી લીધી. અબુ સાલેમે દિલ્હીના હોટેલમાલિકને કહીને વિક્રમ વાહીને રૂપિયા એક કરોડ અપાવી દીધા એ પછી વિક્રમ વાહી અબુ સાલેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ‘ઓપરેશન્સ’ પાર પાડવા મદદરૂપ બનવા લાગ્યો હતો. એ સિવાય કોન્ટ્રેક્ટ કિલર તરીકે પણ એ માથું કાઢી રહ્યો હતો. ઓડિયો કિંગ ગુલશનકુમારને ખતમ કરવામાં પણ એણે મહત્વનો ભાગ ભજવ્યો હતો, પણ બબલુ શ્રીવાસ્તવે વિક્રમ વાહીને ગદ્દારીની સજા આપવા માટે છોટા રાજનની મદદ લઈને અનેક શૂટર્સને કામ પર લગાવી દીધા હતા. ગુલશનકુમારની હત્યામાં થોડા દિવસ પછી છોટા રાજનના શૂટર્સે વિક્રમ વાહીનું પગેરું શોધી કાઢ્યું, છોટા રાજનના શૂટર્સે વિક્રમ વાહીને નેપાળના એક ગામડામાંથી પકડી પાડ્યો. એમણે વિક્રમ વાહીને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો અને પછી ઝનૂનપૂર્વક એના શરીરના બે ટુકડા કરીને એને નેપાળ ભારતની સરહદ પર ફેંકી દીધો.

વિક્રમ વાહીની હત્યાથી ફરી વાર છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમ ગેંગ વચ્ચેની લડાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એના પડઘા મુંબઈની આર્થર રોડ જેલમાં પણ પડ્યાં. આર્થર રોડ જેલમાં પુરાયેલા દાઉદ ગેંગ અને રાજન ગેંગના ગુંડાઓ મારામારી પર ઊતરી આવ્યા. એમને છોડાવવા વચ્ચે પડેલા પોલીસ કોન્સ્ટેબલોની અને જેલનાં કર્મચારીઓની પણ એમણે ધોલાઈ કરી નાખી.

આ બધી ધમાલ વચ્ચે દાઉદ ગેંગ અને ગવળી ગેંગ વચ્ચેની લડાઈ થોડી શાંત પડી હતી. પણ અરૂણ ગવળી અને મુંબઈ પોલીસ વચ્ચેની દુશ્મની વધુ ઘેરી બની રહી હતી...’’

અચાનક પપ્પુ ટકલાના મોબાઈલ ફોનની રિંગ વાગી અને સેલ્યુલરના સ્ક્રીન ઉપર ફ્લેશ થયેલો ફોન નંબર જોઈને પપ્પુ ટકલા ચમકી ગયો. ‘એક્સક્યુઝ મી’ કહીને એ મોબાઈલ ફોન સાથે અંદરના રૂમમાં ગયો. થોડી મિનિટો પછી એ બહાર આવ્યો ત્યારે અમારી ધારણા પ્રમાણે જ એણે કહ્યું, ‘સોરી પણ મારે જવું પડશે. આપણે પછી મળીશું.’

અમે એનો સમય બગાડ્યા વિના બીજી મિનિટે એની વિદાય લીધી. આમ પણ પરોઢનો સમય થઈ ગયો હતો. આવા સમયે પપ્પુ ટકલાને અચાનક શું કામ આવી પડ્યું હશે, એ સવાલ રહી રહીને અમને સતાવતો હતો.

(ક્રમશ:)