Once Upon a Time - 103 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 103

વન્સ અપોન અ ટાઈમ - 103

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 103

‘ઓડિયોકિંગ ગુલશનકુમાર હત્યાના આરોપી સંગીતકાર નદીમ અખ્તરની સ્કોટલેન્ડ પોલીસે ધરપકડ કરી એ પછી ચોવીસ કલાકમાં નદીમને લંડનની બૉ સ્ટ્રીટ કોર્ટે જામીન પર છોડ્યો હતો, પણ જામીન પરથી છૂટીને તરત જ નદીમને ભારત લઈ આવવાની કોશિશને બ્રેક લાગી ગઈ. બીજી બાજુ અબુ સાલેમ દુબઈમાં પોલીસના હાથમાં ઝડપાયો એ પછી એને ભારતના હવાલે કરી દેવા માટે ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ આર.ઈ.કન્ડોલ સમક્ષ ભારત તરફથી રજૂઆત થઈ, પણ દાઉદ ઈબ્રાહિમે દુબઈમાં પોતાની વગ વાપરીને અબુ સાલેમને દુબઈ પોલીસના હાથમાંથી છોડાવી દીધો એટલે પોલીસના અધિકારીઓ માટે મોં વકાસીને બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહીં.’

ક્રિકેટની રનિંગ કોમેન્ટ્રીની જેમ અંડરવર્લ્ડ કથા કહી રહેલા પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીનો નવો પેગ બનાવવા માટે નાનકડો બ્રેક લીધો. આ દરમિયાન અમે થોડી ક્ષણ માટે એના ચહેરાનું નિરીક્ષણ કર્યું. એનું ધ્યાન બ્લેક લેબલની બોટલમાંથી ગ્લાસમાં વ્હિસ્કી રેડવામાં હતું ત્યારે એના ચહેરા પર અમે નજર ઠેરવી. એનો ચહેરો થોડો નંખાઈ ગયેલો લાગતો હતો. જોકે એમ છતાં થોડા દિવસ પહેલાં મોતના મોંમાંથી પાછો આવેલો આ માણસ આટલી સ્વસ્થતાથી વાત કરી શકતો હતો એની નવાઈ અમને લાગતી હતા.

બ્લેક લેબલનો પેગ બનાવીને એક મોટો ઘૂંટડો ભર્યો પછી પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવનો એક ઊંડો કશ લીધો. એણે મોંમાંથી વર્તુળાકારે ધુમાડો બહાર ફેંક્યો અને વળી વાતનો દોર સાધ્યો, ‘મુંબઈ પોલીસે અબુ સાલેમ વિરુદ્ધ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરાવી એ તકનો લાભ લઈને છોટા રાજને જ અબુ સાલેમને દુબઈ પોલીસના હાથમાં પકડાવી દીધો હોવાની શંકા દાઉદ ઈબ્રાહિમને પડી હતી. અને પછી એની શંકાને સમર્થન આપે એવી કેટલીક માહિતી પણ દાઉદ અને અબુ સાલેમને મળી હતી. દાઉદના પાવરફુલ કનેકશનથી અબુ સાલેમ છૂટી ગયો અને મુંબઈ પોલીસ તથા રાજન હાથ ઘસતા રહી ગયા.’

‘આ બધી ધમાલ દરમિયાન મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન ગેંગના શૂટર્સે મોતનો ખેલ શરૂ કર્યો હતો...’ રનિંગ કોમેન્ટ્રીની જેમ વાત કરી રહેલા પપ્પુ ટકલાએ થોડી સેકન્ડનો પોઝ લીધો. પછી અચાનક એનો મૂડ બદલાયો હોય એમ એણે એની આગવી સ્ટાઈલથી વાત કહેવાનું શરૂ કર્યું.

***

‘મુંબઈના વિક્રોલી ઉપનગરની મેટ્રોપોલિટન કોર્ટની એક કેન્ટીનમાં બે યુવાન ચા પી રહ્યા હતા. એક યુવાન એડવોકેટ નરેન્દ્રસિંહ હતો અને બીજો યુવાન દાઉદ ઈબ્રાહિમ ગેંગનો રીઢો ગુંડો ઈસ્માઈલ હુસેન મલબારી હતો. ઈસ્માઈલ મલબારી સામે મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હત્યા, અપહરણ, ખંડણી ઉઘરાણી અને લૂંટ સહિતના બાવીસ ગુના નોંધાયેલા હતા એટલે અવારનવાર એને થાણેની સેન્ટ્રલ જેલમાંથી મુંબઈની જુદી જુદી કોર્ટમાં લઈ જવો પડતો હતો. 10 સપ્ટેમ્બર, 1997ની બપોરે પણ આ જ રીતે એને વિક્રોલી મેટ્રોપોલિટન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.

બપોરના બે વાગ્યે કોર્ટમાં સુનાવણી પૂરી થયા પછી ઈસ્માઈલ મલબારી પોલીસ ટીમના જાપ્તા હેઠળ કોર્ટની બહાર નીકળ્યો. પહેલા માળે કોર્ટમાંથી નીચે આવીને એ કોર્ટ બિલ્ડિંગની કેન્ટીનમાં પોતાના એડવોકેટ સાથે ચા પીવા ગયો. થાણે પોલીસના ત્રણ કર્મચારીઓ એના પર દૂરથી ‘નજર રાખી રહ્યા’ હતા. ઈસ્માઈલ મલબારી સારા મૂડમાં હતો બહારની દુનિયામાં પોલીસ આડેધડ સાચા-ખોટા એન્કાઉન્ટરમાં શૂટર્સનો ખાતમો બોલાવી રહી હોવાના સમાચાર એને જેલમાં મળતા હતા. પણ એ છેલ્લા એક વર્ષથી જેલમાં હતો અને જેલમાં પુરાઈને સલામત રહેવા માટે એ પોતાને હોંશિયાર માનવા માંડ્યો હતો. તે માનતો હતો કે એ બહાર હોત તો પોલીસે એને પણ કદાચ એન્કાઉન્ટરમાં ઉડાવી દીધો હોત.

ઈસ્માઈલ મલબારી તેના એડવોકેટ પાસેથી બહારની દુનિયાના સમાચાર જાણી રહ્યો હતો, ત્યારે અચાનક કેન્ટીન પાસે એક બ્લુ કલરની મારુતિ વેન ધસી આવી. એ મારુતિ વેનની ડ્રાઈવિંગ સીટ ઉપર એક યુવાન બેસી રહ્યો અને ત્રણ યુવાનો વેનમાંથી બહાર નીકળીને કેન્ટીનમાં ધસી આવ્યા. ઈસ્માઈલ મલબારી કે એના એડવોકેટ અથવા પોલીસ કર્મચારીઓ કંઈ સમજી શકે એ પહેલાં તો એક યુવાને ઈસ્માઈલ મલબારીના લમણા ઉપર પિસ્તોલ ધરી દીધી. ઈસ્માઈલ મલબારીએ મોતનો સાક્ષાત્કાર કર્યો અને એની આંખો ફાટી ગઈ. મલબારીના મોંમાંથી અવાજ પણ નીકળી શક્યો નહીં. એ આગળ કશું વિચારી શકે કે પ્રતિક્રિયા આપે એ અગાઉ તો તેના લમણામાં ગોળી ઊતરી ગઈ હતી. બીજા બે યુવાનોએ પણ મલબારી ઉપર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.

બીજી બાજુ ત્રણ યુવાનોને પિસ્તોલ સાથે ઈસ્માઈલ મલબારી તરફ દોડી આવતા જોઈને પોલીસ કોન્સ્ટેબલ સંતોષ સાવંતે દોડીને એક પિલરની આડશ લીધી. એણે પોતાની સર્વિસ રિવોલ્વર ખેંચી કાઢી અને હુમલાખોરો તરફ ગોળીબાર શરૂ કર્યો. પણ હુમલાખોરો એટલી ઝડપથી ઈસ્માઈલ મલબારી પાસે પહોંચી ગયા હતા કે સંતોષ સાવંતે પિલરની આડશ લઈને હુમલાખોરો તરફ ફાયરિંગ શરૂ કર્યું એ પહેલાં તો હુમલાખોરોએ ઈસ્માઈલ મલબારીના શરીરમાં પાંચ ગોળી ધરબી દીધી હતી. મલબારી ખુરશી ઉપરથી પડી ગયો ત્યાં સુધીમાં સંતોષ સાવંતની સર્વિસ રિવોલ્વરમાંથી છૂટેલી પહેલી જ ગોળીએ એક હુમલાખોર યુવાનની છાતી વીંધી નાખી હતી.

અચાનક શરૂ થયેલા વળતા ફાયરિંગથી ડઘાઈ ગયેલા બીજા બંને હુમલાખોરોએ કેન્ટીનના દરવાજા તરફ દોટ મૂકીને આડશ લીધી. એમણે કોન્સ્ટેબલ સંતોષ સાવંતની દિશામાં ગોળીબાર શરૂ કર્યો. પણ આ અગાઉ સંતોષ સાવંતની પિસ્તોલમાંથી છૂટેલી એક ગોળી બીજા એક હુમલાખોરનાં ડાબા પગમાં ઘૂસી ગઈ હતી. એ પછી બંને પક્ષે થોડી સેકન્ડ સામસામા ગોળીબાર થતા રહ્યા એ દરમિયાન હુમલાખોરોની એક ગોળી ઈસ્માઈલ મલબારના એડવોકેટ નરેન્દ્રસિંહના ચહેરામાં વાગી. હુમલાખોરો પોતાના એક સાથીદારને કેન્ટીનમાં જ તરફડતો મૂકીને મારુતિ વેનમાં નાસી છૂટ્યા.

માત્ર એક મિનિટમાં જ આ બધી ધમાલ થઈ ગઈ હતી. હુમલાખોરો નાસી છૂટ્યા પછી બીજા પોલીસ કર્મચારીઓ પણ અચાનક હિન્દી ફિલ્મમાં બધું પતી ગયા પછી પોલીસ પહોંચે એ રીતે જ ત્યાં ધસી આવ્યા! તેમણે તાબડતોબ ઈસ્માઈલ મલબારી અને એડવોકેટ નરેન્દ્રસિંહને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલ ભેગા કર્યા, પણ ઈસ્માઈલ મલબારી હોસ્પિટલ સુધી પહોંચે એ પહેલાં જ એની જિંદગી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. એક હુમલાખોર યુવાનને કોન્સ્ટેબલ સાવંતની પિસ્તોલમાંથી નીકળેલી ગોળી વાગી હતી એ તો કેન્ટીનમાં જ મરી ગયો હતો. ઈસ્માઈલ મલબારીના એડવોકેટ નરેન્દ્રસિંહનાં નસીબ સારાં હતાં કે એને ચહેરા પર ગોળી વાગી હતી પણ એમ છતાં એ બચી ગયો. પોલીસને ખબર પડી હતી કે દાઉદ ઈબ્રાહિમ ગેંગના ઈસ્માઈલ મલબારીને કોર્ટમાં ખતમ કરવા માટે છોટા રાજન ગેંગના શૂટર્સને ઓર્ડર મળ્યો હતો. પોલીસની જેમ જ દાઉદને પણ ગણતરીની મિનિટો પછી કરાંચીમાં બેઠાં-બેઠાં સમાચાર મળી ગયા કે છોટા રાજનના શૂટર્સે મુંબઈની કોર્ટ બહાર ઈસ્માઈલ મલબારીને ખતમ કરી નાખ્યો છે ત્યારે એ અકળાઈ ઊઠ્યો હતો.’

***

‘છોટા રાજન ગેંગના શૂટરોએ મુંબઈની વિક્રોલી કોર્ટના કમ્પાઉન્ડમાં દાઉદ ગેંગના ગુંડા ઈસ્માઈલ મલબારીને ગોળીએ દીધો એ પછી ફરી એકવાર મુંબઈમાં દાઉદ અને છોટા રાજન ગેંગ વચ્ચેની લડાઈ તેજ બની ગઈ હતી,’ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને એનો ઊંડો કશ લેતાં પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડની કથા આગળ ધપાવી, આ દરમિયાન ગવળી અને દાઉદ ગેંગ વચ્ચેની લડાઈ ચાલુ જ હતી. બીજી બાજુ મુંબઈ પોલીસ પણ ગવળી ગેંગને બરાબર સાણસામાં લઈ રહી હતી. વિક્રોલી મેટ્રોપોલિટન કોર્ટમાં ઈસ્માઈલ મલબારીની હત્યા પછી ગણતરીના દિવસોમાં દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીએ મુંબઈ પોલીસનું નાક વાઢી લીધું!’

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Santosh Solanki

Santosh Solanki 10 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

vipul

vipul 3 years ago

Bharatsinh K. Sindhav