Once upon a time - 110 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 110

વન્સ અપોન અ ટાઈમ - 110

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 110

‘દહીંસરમાં મુંબઈ પોલીસ અને દાઉદ ગૅન્ગના ગુંડાઓ વચ્ચે અકલ્પ્ય અથડામણ થઈ એ સમય દરમિયાન જ છોટા રાજનના શૂટર્સે દાઉદ ગેંગના મનીષ લાલાને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં ગોળીએ દીધો હતો. મનીષ લાલા જે.જે. હોસ્પિટલ શૂટ આઉટ કેસનો આરોપી હતો અને એ કેસમાં એની ધરપકડ થયા પછી સતત બે વર્ષ જેલમાં રહીને એ જામીન પર છૂટ્યો હતો. મનીષ લાલા સાંજના સમયે ફોર્ટ વિસ્તારમાં હોંગકોંગ બેંક પાસે એક બિલ્ડીંગમાં પોતાના એડવોકેટની ઓફિસમાં ગયો હતો ત્યારે છોટા રાજન ગેંગના શૂટરોએ અને એડવોકેટની ઑફિસમાં જ શૂટ કરી દીધો હતો.

મુંબઈમાં છોટા રાજન ગેંગના આવા ‘પરચૂરણ’ ઓપરેશન્સ ચાલુ હતા એ દરમિયાન છોટા રાજને વિદેશની ધરતી ઉપર દાઉદ ઈબ્રાહિમ છાવણીને હચમચાવી નાખે એવો મોટો ઘા માર્યો હતો. દાઉદ ઈબ્રાહિમે નેપાળમાં પોતાનું નેટવર્ક ઊભું કરી દીધું હતું અને એ માટે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને નેપાળના સંસદસભ્ય મિરઝા દિલશાદ બેગની મદદ મળી હતી. ઉત્તરપ્રદેશમાં ઢગલાબંધ ગુના કરીને પોલીસથી બચવા નેપાળ ભાગી ગયેલા મિરઝા દિલશાદ બેગે નેપાળના રાજકારણમાં પગદંડો જમાવવાની સાથે-સાથે આંતરરાષ્ટ્રિય સ્તરે અંડરવર્લ્ડમાં પણ પોતાનું મજબૂત સ્થાન બનાવ્યુ હતું. નેપાળમાં દાઉદ ઈબ્રાહિમના નેટવર્ક માટે એ સેન્ટર પોઈન્ટ સમો હતો. છોટા રાજન નેપાળમાં દાઉદ ગેંગના મૂળિયાં ઉખેડીને પોતાનું નેટવર્ક ઊભું કરવા માગતો હતો, પણ એમાં મિરઝા દિલશાદ બેગ દીવાલ બનીને વચ્ચે ઊભો હતો.

નેપાળમાં વર્ચસ્વ જમાવવા મથી રહેલા છોટા રાજને નેપાળમાં દાઉદ ઈબ્રાહિમ ગેંગના મજબૂત આધારસ્તંભ નેપાળી સંસદસભ્ય મિરઝા દિલશાદ બેગને જ ખતમ કરી નાખવાની યોજના હાથ પર લીધી. મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કરાવવામાં પણ મિરઝા દિલશાદ બેગનો સિંહફાળો હતો. અને છોટા રાજન મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓને ‘વીણી-વીણી’ને મારી રહ્યો હતો. મિરઝા દિલશાદ બેગે મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કરવા માટે દાઉદના સાથીદાર ટાઈગર મેમણને પૈસાની સગવડ પૂરી પાડી હતી. એ માટે દાઉદે મિરઝાને સૂચના આપી હતી. વળી, આઈએસઆઈ સાથે પણ મિરઝાને અત્યંત ઘનિષ્ઠ સંબંધ હતો. ઉત્તરપ્રદેશના મામૂલી ગુંડામાંથી નેપાળ જઈને વગદાર રાજકારણી બની ગયેલા મિરઝાએ અગાઉ નેપાળમાં પ્રધાનપદ પણ મેળવ્યું હતુ. અને એ વર્તમાન સંસદસભ્ય હતો. એટલે એને ખતમ કરવામાં ઘણું જોખમ હતું. પણ એ તમામ જોખમો ઉઠાવીને છોટા રાજને કાઠમંડુમાં ધોળા દિવસે મિરઝા દિલશાદ બેગની હત્યા કરાવી. મિરઝા દિલશાદ બેગને કાઠમંડુમાં કાલીપુલ એરિયામાં છોટા રાજનના શૂટર્સે અવ્વલ મંઝિલે પહોંચાડી દીધો.

મિરઝા દિલશાદ બેગની હત્યાથી દાઉદ ઈબ્રાહિમ ભુરાયો થયો હતો, પણ એ સમય દરમિયાન તેના ગ્રહો અવળા ચાલતા હોય એમ ઉપરાછાપરી એવી ઘટનાઓ બની રહી હતી કે દાઉદ ઈબ્રાહિમ અસ્વસ્થ થઈ જાય. આ દરમિયાન મુંબઈના જે.જે. શૂટ આઉટ કેસના આરોપીઓ એટલે કે દાઉદના શૂટર્સને આશરો આપવાના આરોપ હેઠળ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન કલ્પનાથ રાયને દિલ્હીની ટાડા કોર્ટે દસ વર્ષની જેલસજા અને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો. મુંબઈની જે.જે. હોસ્પિટલમાં અરૂણ ગવળી ગેંગના શૂટર શૈલેષ હલદનકર સહિત પાંચ વ્યક્તિઓની હત્યા કરીને નાસી છૂટેલા દાઉદ ગેંગના શૂટર્સને દિલ્હીમાં આશ્રય આપવાનો આરોપ મૂકાયો. પછી કલ્પનાથ રાયે પ્રધાનપદું તો ગુમાવ્યું જ હતુ, પણ એ પછી દિલ્હીની ટાડા કોર્ટે પણ એમને આડે હાથે લઈને દસ વર્ષની જેલ સજા ફટકારી. 1992ના એ કેસમાં દાઉદ ગેંગના શૂટર સુભાષસિંહ ઠાકુર અને મુંબઈના કુખ્યાત ગેંગલીડર ઠાકુરને પણ ટાડા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. સુભાષસિંહ ઠાકુર તો એ વખતે દાઉદ ગેંગ સાથે છેડો ફાડી ચૂક્યો હતો. પણ કલ્પનાથ રાય જેવા વગદાર કોંગ્રેસી નેતાને દસ વર્ષની સજા થઈ એના પ્રત્યાઘાતરૂપે દેશના ઘણા રાજકારણીઓ દાઉદ ગેંગને મદદ કરતા ડરવા લાગ્યા.

એ સમય દરમિયાન અંડરવર્લ્ડમાં છૂટીછવાઈ ઘટનાઓ ચાલુ રહી હતી. અલ્હાબાદની જેલમાં બેઠા-બેઠા બબલુ શ્રીવાસ્તવ પોતાનો ‘કારોબાર’ ચલાવી રહ્યો હતો અને છોટા રાજન બહારથી એની ગેંગના ‘ઓપરેશન’માં મદદ કરતો હતો. પણ અલ્હાબાદની જેલમાં સજા ભોગવી રહેલા શ્રીવાસ્તવની પ્રવૃત્તિઓ એટલી હદે વધી ગઈ કે ઉત્તરપ્રદેશ પોલીસે બબલુ શ્રીવાસ્તવને ભિડાવવા માટે ઉજાગરા શરૂ કરવા પડ્યા. બબલુ શ્રીવાસ્તવે કલકત્તાના માલેતુજારોને બાનમાં પકડીને કરોડો રૂપિયા પડાવવાનો રોકડિયો ધંધો શરૂ કર્યો હતો, પણ બબલુના કમનસીબે દિલ્હી પોલીસે બબલુ શ્રીવાસ્તવના ગુંડા જિન્ની સરદારની ધરપકડ કરી. પોલીસે આગવી પદ્ધતિથી એની પૂછપરછ કરી ત્યારે પોલીસને ખબર પડી કે બબલુ શ્રીવાસ્તવ બહુ મોટા પાયે કલકત્તામાં ધનાઢ્ય વ્યક્તિઓના અપહરણની યોજનાઓ ઘડીને પૈસાથી બેફામ પૈસા પડાવી રહ્યો હતો. એ માહિતી મળી એટલે ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કલકત્તા જઈને ત્યાં આ પ્રવૃત્તિ કરતા બબલુ શ્રીવાસ્તવ ગેંગના ગુંડાઓના મોબાઈલ ફોન શોધીને ટેપ કરવા માંડ્યા. ઉત્તરપ્રદેશની પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ઑફિસર્સને બબલુ ગૅંગના ગુંડાઓના મોબાઈલ ફોન ટેપ કરતા ખબર પડી કે કલકત્તાના ટોચના ઉદ્યોગપતિઓ અને હોટેલમાલિકોના અપહરણ કરીને એમની પાસેથી પૈસા પડાવવા માટે બબલુ શ્રીવાસ્તવ ગેંગ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. એ ઓપરેશનમાં બબલુ શ્રીવાસ્તવની પ્રેમિકા અર્ચના શર્મા પણ સામેલ હતી. ઉત્તરપ્રદેશ પોલીસને એ પણ ખબર પડી ગઈ કે બબલુ શ્રીવાસ્તવ અલ્હાબાદની નૈની જેલમાં બેઠા બેઠા મોબાઈલ ફોનથી પોતાના ગુંડાઓને આદેશ આપતો હતો.

એ માહિતી મળ્યા પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના અધિકારીઓ ઉત્તરપ્રદેશના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અજયરાજ શર્માના ડિરેક્શન હેઠળ એક યોજના ઘડી કાઢી. એક જાણીતા ઉદ્યોગપતિનું અપહરણ કરવા માટે બબલુ શ્રીવાસ્તવ ગેંગના ગુંડાઓ ત્રાટકવાના હતા ત્યારે વચ્ચે જ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એમને આંતર્યા. કલકત્તામાં ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ અને બબલુ શ્રીવાસ્તવ ગૅંગના ગુંડાઓ વચ્ચે કોઈ ફિલ્મના સિનને ટક્કર મારે એવું એન્કાઉન્ટર થયું!’

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Chandresh N Vyaas
Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Mayur

Mayur 3 years ago

Manthan Patel

Manthan Patel 3 years ago