Once Upon a Time - 119 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 119

વન્સ અપોન અ ટાઈમ - 119

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 119

અબુ સાલેમે ઉત્તરપ્રદેશના ‘ફ્રેશ’ (જેમની સામે ગુનો ન નોંધાયો હોય તેવા) યુવાનોને પૈસાની લાલચ આપીને અંડરવર્લ્ડનો રસ્તો બતાવવાનું શરૂ કર્યું હતું. એનાથી પણ વધુ સચોટ કીમિયો અજમાવીને છોટા શકીલ દાઉદ ગેંગમાં યુવતીઓનો ઉપયોગ સંદેશા કે પૈસા પહોંચાડવા માટે કે ગુનો કરીને નાસી છૂટતા ગુંડાઓને પોલીસની નજરથી બચાવવા કરતો હતો. દાઉદ ગેંગ સાથે જોડાયેલી યુવતીઓ આવા ગુંડાઓની સાથે કારમાં પ્રવાસ કરતી અને બધી રીતે એમને પોલીસની નજરથી બચીને મુંબઈ કે અન્ય શહેરની બહાર નીકળવામાં મદદ કરતી હતી.

પણ છોટા શકીલે એક ડગલું આગળ વધીને દાઉદ ગેંગની મહિલા સભ્યોનો ઉપયોગ શસ્ત્રોની હેરાફેરી માટે શરૂ કર્યો. દાઉદ ગેંગના શૂટર્સને શસ્ત્રો પહોંચાડવાના હોય તો આવી યુવતીઓ સાથે કારમાં શસ્ત્રો રાખીને શૂટર્સ સુધી પહોંચાડવાનું ભેજું છોટા શકીલે દોડાવ્યું હતું. મુંબઈમાં બહારથી શસ્ત્રો લાવવાના હોય ત્યારે આવી યુવતીઓને કાર અને શસ્ત્રો આપી દેવાય અને ચાલાક સુંદરીઓ જાતે જ શસ્ત્રોવાળી કાર ચલાવીને ચેકનાકા વટાવીને જે તે સ્થળે શસ્ત્રો પહોંચાડી દે. ચુસ્ત ટી શર્ટ અને જીન્સ પહેરેલી કે અન્ય પ્રકારના આધુનિક વસ્ત્રોમાં સજ્જ યુવતી જાતે કાર ચલાવીને ચેકનાકાથી પસાર થાય ત્યારે સ્વાભાવિક રીતે જ પોલીસ કર્મચારીઓને એવો વિચાર પણ ન આવે કે આ છોકરી દાઉદ ગેંગના શસ્ત્રો લઈને જઈ રહી હશે!

છોટા શકીલનો આ ખેલ ઘણા મહિનાઓ સુધી ચાલ્યો. પણ એક ખબરીએ પોલીસને આ વિશે માહિતી આપી ત્યારે પોલીસ ચોંકી ઊઠી. પણ એ ખબરી પુરાવા સાથે માહિતી લાવ્યો હતો. 22 એપ્રિલ, 1999ની સાંજે દાઉદ ગેંગની એક સ્માર્ટ યુવતી દાઉદ ગેંગના બે શૂટરને શસ્ત્રો પહોંચાડવા જવાની છે એવું એ ખબરીએ કહ્યું. એ ખબરી પર ભરોસો મૂકીને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ નાગપાડા વિસ્તારમાં મહારાષ્ટ્ર કોલેજના દરવાજા પાસે વોચ ગોઠવી. સાજના 5.45 કલાકે એક કાળો બુરખો પહેરેલી એક યુવતી મહારાષ્ટ્ર કોલેજના દરવાજા પાસે આવી. ત્યાં તે બે યુવાનોને મળી એ સાથે પોલીસમેન તેમની તરફ દોડ્યા. બંને યુવાન નાસી છૂટ્યા પણ પેલી યુવતી ઝડપાઈ ગઈ. તેનું નામ શબાના સલીમ શેખ હતું. તેની પાસેથી વિદેશી પિસ્તોલ મળી આવી અને પોલીસે તેની ધરપકડ કરી. બાવીસ વર્ષીય શબાના શેખની પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ખબર પડી કે છોટા શકીલે શબાના જેવી સંખ્યાબંધ યુવતીઓની દાઉદ ગેંગમાં ભરતી કરી છે અને એમાં ઘણી યુવતીઓ સારા ઘરની પણ છે!

***

આ દરમિયાન અબુ સાલેમ ઉત્તરપ્રદેશના બેકાર યુવાનોને પૈસા માટે લલચાવીને વિદેશોમાં બોલાવી રહ્યો હતો. દાઉદ ગેંગથી છૂટા થઈને અબુ સાલેમે પોતાનું આગવું નટવર્ક જમાવવા માંડ્યું હતું. એમ છતાં દાઉદના ભાઈ અનીસ સાથે તે સંપર્કમાં હતો.

દાઉદનો ભાઈ અનીસ પણ ઘણો મહત્વાકાંક્ષી બની ગયો હતો અને તે દાઉદથી જુદી રીતે પોતાનો સ્વતંત્ર ‘ધંધો’ વિકસાવી રહ્યો હતો. જોકે તેણે દાઉદ સાથે સંબંધ તોડી નાખ્યો નહોતો. એ જ રીતે અબુ સાલેમ પણ પોતાની રીતે કામ કરી રહ્યો હોવા છતાં દાઉદ સાથે તેણે દુશ્મની નહોતી વહોરી લીધી. અબુ સાલેમ તેની બૉલીવુડ પરની પકડ વધુ મજબૂત બનાવી રહ્યો હતો. બોલીવુડમાં હિરોઈન તરીકે સફળ બનવા માટે ફાંફાં મારતી મોનિકા બેદીને તેણે પોતાની પ્રેમિકા બનાવી દીધી હતી. અંડરવર્લ્ડના પૈસાથી ફિલ્મો બનાવતા મુકેશ દુગ્ગલનો સાથ લઈને મોનિકા બી અને સી ગ્રેડની હિન્દી ફિલ્મોની હિરોઈન બની શકી હતી. પણ 1997માં મુકેશ દુગ્ગલની હત્યા થઈ એ પછી તે અબુ સાલેમના શરણે ગઈ હતી. અબુ સાલેમને ‘રીઝવ્યા’ પછી 1999માં બૉલીવુડમાં મોનીકાનું ધમાકેદાર પુનરાગમન થયું. મોનિકાને અચાનક એ ગ્રેડના હીરોની સામે, એ ગ્રેડના નિર્માતાઓની ફિલ્મમાં હિરોઈન તરીકે રોલ્સ મળવા માંડ્યા!

મોનિકાએ સંજય દત્તની હિરોઈન તરીકે ‘જોડી નંબર વન’ ફિલ્મ સાઈન કરી ત્યારે બૉલીવુડમાં બધાની આંખો આશ્વર્યઘાતથી પહોળી થઈ ગઈ હતી. પણ એ પછી એવી વાત બહાર આવી કે મોનિકા બેદી ‘જોડી નંબર વન’ની હિરોઈન બની એ પહેલાં તેના પ્રેમી અબુ સાલેમે ‘જોડી નંબર વન’ના હીરો સંજય દત્તને અને એક ઊંચા ગજાના ફિલ્મ દિગ્દર્શકને અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં બોલાવ્યા હતા. ‘જોડી નંબર વન’ની જેમ મોનિકાએ રાજીવ રાયની ‘પ્યાર, ઈશ્ક, મહોબ્બત’ ફિલ્મ સાઈન કરી ત્યારે બૉલીવુડમાં બધાને સમજાઈ ગયું હતું કે મોનિકા બેદી પર કોણ મહેરબાન છે. રાજીવ રાયએ મોનિકાને પોતાની ફિલ્મ માટે સાઈન કર્યા પછી સ્પષ્ટતા કરવી પડી કે મેં કોઈના દબાણથી મોનિકાને સાઈન કરી નથી, પણ 1997માં અબુ સાલેમના શૂટરોએ મુંબઈમાં રાજીવ રાયની હત્યાનો પ્રયાસ કર્યો હતો એ પછી ગભરાઈને રાજીવ રાય લંડન જતા રહ્યા હતા. તેઓ ભારત પાછા આવી ગયા અને તેમણે મોનિકા બેદીને લઈને ફિલ્મ શરૂ કરી ત્યારે બોલીવુડમાં કોઈને શંકા ન રહી કે મોનિકાને હિરોઈન બનાવવાની ‘પ્રેરણા’ રાજીવ રાયને ક્યાંથી મળી હશે!

***

અબુ સાલેમ એક બાજુ પોતાની ‘વગ’ વાપરીને મોનિકાને હિરોઈન તરીકે સફળ બનાવવાની વેતરણમાં પડ્યો હતો. બબલુ શ્રીવાસ્તવે જેમ તેની પ્રેમિકા અર્ચના શર્માનો ઉપયોગ કરીને અનેક શ્રીમંતોનાં અપહરણ કરાવ્યા હતા, એ રીતે અબુ સાલેમ મોનિકાના માધ્યમથી બૉલીવુડ પર સીધી નજર રાખી રહ્યો હતો. બૉલીવુડ ઉપરાંત મુંબઈના શ્રીમંતો વિશે માહિતી કઢાવવામાં પણ તે મોનિકાનો ઉપયોગ કરી રહ્યો હતો. 1999માં અબુ સાલેમના ગુંડાઓએ મિલ્ટન પ્લાસ્ટિક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ચિરંજીવ વાઘાણીનું અપહરણ કર્યું ત્યારે મુંબઈ પોલીસે મોનિકા પર નજર રાખવા માટે એક ટીમ બનાવી હતી. અબુ સાલેમે મોનિકાને મુંબઈના લોખંડવાલા કોમ્પલેક્સની નજીક ઓશિવરા મ્હાડા કોમ્પલેક્સની 18 નંબરની ઈમારતના છઠ્ઠા માળે 603 અને 604 નંબરના ફ્લેટ્સ ખરીદી આપ્યા હતા ત્યાં દરોડો પાડવાની તૈયારી પણ મુંબઈ પોલીસે કરી હતી. પરંતુ ચિરંજીવ વાઘાણીનો છૂટકારો થઈ ગયો એટલે પોલીસે એ વિચાર પડતો મૂક્યો હતો.

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 6 days ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Mayur

Mayur 3 years ago

Tejas Patel

Tejas Patel 3 years ago

Bharatsinh K. Sindhav