Once Upon a Time - 125 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 125

વન્સ અપોન અ ટાઈમ - 125

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 125

બેંગકોકના પોલીસ અધિકારીઓએ દાઉદ ગેંગના શૂટર્સને પૂછ્યું કે છોટા રાજન પર હુમલો કરવા માટે તમને કેટલા રૂપિયા અપાયા હતા ત્યારે તેમણે જે જવાબ આપ્યો કે “પૈસાની પરવા કર્યા વિના જ અમે આ મિશન પાર પાડવાનું બીડું ઝડપ્યું હતુ. દાઉદભાઈએ એ ગદ્દારને (છોટા રાજનને) ખતમ કરવાનું મિશન અમને સોંપ્યું એ જ અમારા માટે મોટી વાત હતી. આ વખતે તો અમે પિસ્તોલથી હુમલો કર્યો હતો, પણ બીજી વાર અમે બોમ્બ ઝીંકીને જ રાજનને ઉડાવી દઈશું!”

દાઉદ-શકીલના શૂટર્સે બેંગકોક પોલીસને એવું પણ કહ્યું કે અમે છોટા રાજનનો અગાઉ મેલબોર્ન, કુઆલા લમ્પુર અને જોહનિસબર્ગમાં પણ પીછો કર્યો હતો, પણ એ દરેક વખતે રાજન બચી ગયો હતો. એ પછી છોટા રાજનના જમણા હાથ સમા રોહિત વર્માએ બેંગકોકમાં સ્થાનિક થાઈ નાગરિકોની ભાગીદારીમાં સિરામિક્સ અને જ્વેલરીનો ધંધો શરૂ કર્યો હોવાની અને બેંગકોકમાં રાજનનો બેઝ મજબૂત બની રહ્યો હોવાની માહિતી મળી એટલે દાઉદભાઈએ બેંગકોકમાં જ રાજનનો ઘડોલાડવો કરી નાખવાનો આદેશ આપ્યો હતો.

***

દાઉદના શૂટર્સે જડબેસલાક યોજના ઘડી કાઢી હોવા છતાં છોટા રાજન બાલબાલ બચી ગયો હતો. દાઉદે રાજનને ખતમ કરવા માટે પચાસ લાખથી વધુ રૂપિયાનો ધુમાડો એ ‘મિશન’ પાછળ કરી નાખ્યો હતો. જો કે એ તો માત્ર બેંગકોકમાં રાજનને ખતમ કરવા ઘડાયેલી યોજના પાછળ ખર્ચાયેલી રકમ હતી. પરંતુ અગાઉ પણ રાજનની હત્યા માટે યોજનાઓ ઘડાઈ હતી. એ તમામ યોજનાઓ પાછળ દાઉદે જેટલા પૈસા વેર્યા હતા એનો સરવાળો રૂપિયા પાંચ કરોડથી પણ વધુ (બે દાયકા અગાઉ) થયો હતો.

સામે રાજનને પણ દાઉદની હત્યા કરવા માટે પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. રાજને દાઉદને ખતમ કરવા માટે આઠ નિષ્ફળ પ્રયાસ, કર્યા હતા. અને એ દરેક વખતે રાજનને પણ રૂપિયા 50 લાખથી વધુ રકમ વેડફી નાખી હતી.

બેંગકોકમાં દાઉદ ગેંગના હુમલામાંથી રાજન બચી તો ગયો પણ એ ઘટનાના પ્રત્યાઘાત મુંબઈ, દિલ્હી, દુબઈ, ઓસ્ટ્રેલિયા, બેંગકોક, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં પણ પડ્યા. ઈસ્લામાબાદ અને કરાચીમાં એ મુદ્દે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓની બેઠકો યોજાઈ તો બીજી બાજુ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓથી માંડીને દિલ્હીમાં ગૃહખાતાના અધિકારીઓની બેઠકો યોજાઈ અને એ બેઠકોમાં છોટા રાજન પર દાઉદ ગેંગના હુમલાઓ વિશે ચર્ચા થઈ!

બીજી બાજુ મુંબઈમાં આ સમાચાર વહેતા થયા એ પછી બીજે દિવસે શિવસેનાપ્રમુખ બાલઠાકરે અને કેન્દ્રિય કાયદા પ્રધાન અરૂણ જેટલીની વચ્ચે રાજકીય બેઠક યોજાઈ ત્યારે તેમની વચ્ચે પણ છોટા રાજનની હત્યાના પ્રયાસની ઘટના વિશે ચર્ચા થઈ હતી!

બેંગકોકની ઘટના પછી એ વાત પણ વળી ચર્ચાની એરણે ચડી કે દાઉદ ઈબ્રાહિમને આઈએસઆઈનું પીઠબળ છે તો છોટા રાજનને ‘રૉ’ અને આઈબી જેવી ભારતીય એજન્સીઝનું પીઠબળ મળી રહ્યું છે!

1992માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા પછી દાઉદ ઈબ્રાહિમની પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથેની સાંઠગાંઠનો પર્દાફાશ થઈ ગયો હતો. અને એ ઘટના પછી છોટા રાજને એ મુદ્દો આગળ ધરીને જ દાઉદ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને ત્યારથી હિન્દુ ડોન (રાજન) વર્સિસ મુસ્લિમ ડોન (દાઉદ) એવી છાપ ઊભી થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું, આઈએસઆઈ દ્વારા ભારતીય અર્થતંત્રને ખોખલું બનાવવા માટે પાકિસ્તાનમાં બનાવટી ચલણી નોટ્સ છાપીને એ નકલી કરન્સી દાઉદની ગેંગના માધ્યમથી ભારતમાં ઘૂસાડાતી હતી અને વારતહેવારે ભારતમાં ભાંગફોડના કાવતરાં થવાં માંડ્યા હતાં એની પાછળ પણ આઈએસઆઈ અને દાઉદની સાંઠગાઠ જ કારણભૂત હોવાના પુરાવાઓ અવારનવાર ભારતીય સત્તાવાળાઓને મળી રહ્યા હતા.

આ સ્થિતિમાં દાઉદ ગેંગને વેતરી નાખવા માટે ભારતીય એજન્સીઝ છોટા રાજનનો ઉપયોગ કરી રહી છે એવી વાત ફેલાઈ રહી હતી અને એ વાત બિલકુલ પાયાહીન પણ નહોતી.

બેંગકોકમાં રાજન પર હુમલા પછી દાઉદ રાજનની દુશ્મની અને તેમને અનુક્રમે પાકિસ્તાની અને ભારતીય એજન્સીઝના પીઠબળની વાતો વચ્ચે દાઉદ છોટા રાજનને ખતમ કરવા માટે વધુ એક યોજના ઘડવાની વેતરણમાં પડી ગયો હતો અને તેણે માટે છોટા શકીલને કહ્યું હતું કે આ વખતે રાજન કોઈ પણ હિસાબે ન બચવો જોઈએ. બેંગકોકની સમિતિવેજ હોસ્પિટલમાં જ ખતમ કરી દેવાનો મનસૂબો દાઉદે ઘડ્યો હતો. પરંતુ એ યોજના બહુ જોખમી હતી પણ દાઉદ ઝનૂને ભરાયો હતો અને કોઈ પણ હિસાબે તે રાજનની જિંદગી પર પૂર્ણવિરામ મૂકવા માટે મરણિયો બન્યો હતો.

પરંતુ, દાઉદ તેની નવી યોજના અમલમાં મૂકે એ પહેલા તેને જબરો આંચકો લાગે એવી ઘટના બની ગઈ!”

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 6 days ago

Santosh Solanki

Santosh Solanki 9 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Ashwin Vanparia

Ashwin Vanparia 3 years ago

Mayur

Mayur 3 years ago