Once Upon a Time - 145 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 145

વન્સ અપોન અ ટાઈમ - 145

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 145

‘પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં એક ખતરનાક કારસ્તાન ઘડાઈ રહ્યું હતું. અને એમાં દાઉદને મદદરૂપ થવા માટે આઈએસઆઈ દ્વારા કહેવાયું હતું. એ ખોફનાક યોજના આઈએસઆઈ જેને સમર્થન આપતી હતી એવા ખતરનાક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદાએ ઘડી હતી. અલ કાયદાના સૂત્રધાર ઓસામા બિન લાદેને અને અલ જવાહિરીએ દુનિયાના દાદા ગણાતા અમેરિકા સામે મેદાને પડવાનું નક્કી કર્યું હતું. અમેરિકાને મુસ્લિમોનો દુશ્મન દેશ ગણીને પાઠ ભણાવવા માટે મહત્વનાં અમેરિકન શહેરોમાં એક સાથે આંતકવાદી હુમલાઓ કરવાની તૈયારી પૂરજોશથી ચાલી રહી હતી. અમેરિકાની સાથે જ અમેરિકાના દોસ્ત દેશ ઈંગ્લેન્ડ પર પણ આતંકવાદી હુમલો કરવાનું ષડ્યંત્ર અલ કાયદા દ્વારા ઘડાયું હતું.

અમેરિકા અને ઈંગ્લેન્ડ ઉપર આતંકવાદી હુમલો કરાવવા માટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયા સહિત એક ડઝન જેટલા દેશોમાં અલ કાયદાના અડ્ડાઓ રાઉન્ડ ધ ક્લોક ધમધમી રહ્યા હતા. અલ કાયદાએ અમેરિકા અને ઈંગ્લેન્ડના જ પ્લેન હાઈજેક કરીને આત્મઘાતી પાઈલોટ્સ દ્વારા એ પ્લેન સાથે અમેરિકન પ્રમુખના વોશિંગ્ટન સ્થિત સત્તાવાર નિવાસસ્થાન ‘વ્હાઈટ હાઉસ’, અમેરિકન સંરક્ષણ ખાતાના હેડક્વાર્ટર ‘પેન્ટાગોન’, ‘ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રૅડ સેન્ટરની બે ગગનચૂંબી ઈમારતો તથા લંડનમાં ઈંગ્લેન્ડની પાર્લામેન્ટ પર એક સાથે ત્રાટકવાની યોજના બનાવી હતી.

અમેરિકા અને ઈંગ્લેન્ડના જ પ્લેન હાઈજેક કરીને એ પ્લેન મહત્વની ઈમારતો સાથે અથડાવીને વિનાશ વેરવાની ખતરનાક યોજના પાર પાડવા માટે અલકાયદા સંગઠન પાણીની જેમ પૈસા વહાવી રહ્યું હતું. શિક્ષિત મુસ્લિમ યુવાનોને ધર્મને નામે બહેકાવીને પ્લેન ઉડાવવાની તાલીમ અપાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં અલકાયદાએ સુસાઈડ બૉમ્બર્સ તૈયાર કરવા માંડ્યા હતા. મેલબોર્નમાં અલકાયદાના યુનિટની આગેવાની સંભાળતો મંસૂર ઈલ્યાસ ધર્મના નામે આવા યુવાનોને શપથ લેવડાવીને તાલીમ આપી રહ્યો હતો.

આવી તાલીમ લેનાર શિક્ષિત મુસ્લિમ યુવાનોમાં મુખ્ય મહમ્મદ અત્તા હતો અને એની સાથે બીજા બે ડઝન યુવાનોને તાલીમ અપાઈ રહી હતી. એમા મુંબઈનો એક યુવાન મહમ્મદ પણ હતો. તેને અલ કાયદામાં જોડાવા માટે તેના કાકાએ પાનો ચડાવ્યો હતો. લોઅર મિડલ ક્લાસનો અફરોઝ કાકાની સલાહ માનીને અલકાયદામાં જોડાવા તૈયાર થયો એ સાથે તેને ખાસ તાલીમ માટે ઓસ્ટ્રેલિયા પહોંચવા તથા ભારતમાંથી નકલી સર્ટિફિકેટ્સ તૈયાર કરવા માટે તેના કાકાએ રૂપિયા દોઢ લાખ દાઉદ ગેંગના હવાલા નેટવર્કમાં મદદથી મોકલી આપ્યા. અફરોઝને ઈંગ્લેન્ડમાં પ્રવેશીને, બ્રિટિશ પ્લેન હાઈજેક કરીને ઈંગ્લેન્ડની પાર્લામેન્ટ ઉપર ત્રાટકવાની જવાબદારી સોંપાઈ.

આઈએસઆઈએ દાઉદને અલ કાયદાની આવી ઘાતકી તૈયારીઓમાં મદદરૂપ થવા માટે કહ્યું. દાઉદ ઈબ્રાહિમ અને તેના ભાઈઓ ઉપરાંત અબુ સાલેમ તથા બીજા ઘણાં ગેંગલીડર્સ અને ડ્રગ સ્મગલર્સ અલકાયદાને આર્થિક મદદ પૂરી પાડતા હતા. દાઉદ ગેંગની કમાણીમાંથી અમુક ટકા રકમ આઈએસઆઈના માધ્યમથી અલકાયદા અને લશ્કર-એ-તોઈબા તથા અન્ય આતંકવાદી સંગઠનો સુધી પહોંચી હતી.

દાઉદની તથા તેના ભાઈ અનીસની અમેરિકા અને ઈંગ્લેન્ડમાં ઘણી કંપનીઓ હતી. એ કંપનીઓનો ઉપયોગ મની લૉન્ડરિંગ માટે થતો હતો. અમેરિકામાં દાઉદ-અનીસની આવી કંપનીઓની ઑફિસનો ઉપયોગ અલ કાયદાની સુસાઈડ બૉમ્બર્સની તથા તેમના સાગરિતોની સુવિધા માટે કરવાની વ્યવસ્થા આઈએસઆઈએ ગોઠવી આપી. અલ કાયદાના આતંકવાદીઓને અમેરિકામાં રહેવાથી માંડીને આર્થિક મદદ પૂરી પાડવાની વ્યવસ્થા આવી કંપનીઓની ઑફિસો દ્વારા કરવામાં આવી.

અલ કાયદાએ તમામ તૈયારી પૂરી કરીને અમેરિકા તથા ઈંગ્લેન્ડ પર ત્રાટકવાનો દિવસ નક્કી કર્યો. એમાં જો કે અલ કાયદાને છેલ્લી ઘડીએ ફેરફાર કરવા પડ્યા. અલ કાયદાએ ઈંગ્લેન્ડની પાર્લામેન્ટ તથા અમેરિકાના કેટલાં સ્થળો ઉપર ત્રાટકવાની યોજના છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. પણ એમ છતાં 2001ના સપ્ટેમ્બર મહિનાની 11 તારીખે અલ કાયદાના આત્મઘાતી આંતકવાદીઓએ અમેરિકન પ્લેન હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટિ્વન ટાવર સાથે અથડાવીને અમેરિકા સહિત વિશ્વભરમાં ખોફ ફેલાવી દીધો. વારાફરતી બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર ત્રાટક્યા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બંને ઈમારતો પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ ગઈ. પેન્ટાગોન પર પણ અન્ય પ્લેનથી હુમલો થયો. જો ક પેન્ટાગોનને ખાસ નુકસાન થયું નહીં.

અમેરિકા પર આંતકવાદી હુમલો થયા પછી ઓસામા બિન લાદેન અમેરિકાના દુશ્મન નંબર વન તરીકે બહાર આવ્યો. પણ બીજી બાજુ અમેરિકાની તપાસમાં ઓસામા બિન લાદેનના જે જે સાથીદારોના તથા મદદકર્તાઓના નામ અમેરિકાને મળવા માંડ્યા એમાં એક નામ દાઉદ ઈબ્રાહિમનું પણ હતું. આ સ્થિતિમાં પાકિસ્તાનની સરકાર અને આઈએસઆઈ માટે દાઉદ ઈબ્રાહિમ પર વધુ પ્રતિબંધ લાદવાનું જરૂરી બની ગયું. અમેરિકાએ પાકિસ્તાનમાં લશ્કર ખડકી દીધું અનેને અલ કાયદાને સમર્થન આપતી અફઘાનિસ્તાનની તાલીબાન સરકારને પકડી પાડવા માટે તૈયારી શરૂ કરી.

અમેરિકા પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાન પર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યારે આઈએસઆઈના ઘણા ઉચ્ચ અધિકારીઓએ પાકિસ્તાની પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફને રોકવાની કોશિશ કરી કે અમેરિકાને આપણી ધરતીનો ઉપયોગ ન કરવા દો.. અફઘાનિસ્તાન પર હુમલો કરવા માટે પાકિસ્તાની ધરતીનો ઉપયોગ કરવા દઈને તમે ઈસ્લામનો અને મુસ્લિમોનો દ્રોહ કરો છો એનું પરિણામ સારું નહીં આવે, એવી ગર્ભિત ચેતવણી પણ તેમણે મુશર્રફને આપી પણ અમેરિકા જેવા પાવરફૂલ અને મદદગાર દેશની દુશ્મની લેવાનું પરિણામ બહુ ખરાબ આવે એ મુશર્રફ સમજતા હતા. એટલે તેમણે અમેરિકાને જે જોઈએ એ તમામ મદદની ખાતરી આપી. આ સ્થિતિમાં અમેરિકન લશ્કરની ઉપસ્થિતિમાં દાઉદ નામના સંઘરેલા સાપને કરંડિયામાંથી બહાર કાઢી શકાય નહીં એ મુશર્રફ અને આઈએસઆઈના અધિકારીઓ સારી રીતે સમજતા હતા. એટલે દાઉદને માટે ગુંગળાવાનો સમય શરૂ થયો હતો.

જો કે હજી આથી વધુ ગુંગળામણ અનુભવવાનો સમય દાઉદ માટે આવી રહ્યો હતો, તેની દાઉદને કલ્પના નહોતી!’

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Rakesh Patel

Rakesh Patel 3 years ago

Mayur

Mayur 3 years ago

Hims

Hims 3 years ago