once open a time - 157 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 157

વન્સ અપોન અ ટાઈમ - 157

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 157

દાઉદની દીકરી માહરુખનાં જાવેદ મિયાદાદના દીકરા જુનૈદ સાથેના લગ્ન આડે વિલન ન બનવા માટે દાઉદ અને જાવેદે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ આજીજી કરી. દાઉદ-જાવેદની અમુક મહિનાઓની મથામણ પછી છવટે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ માહરુખ-જુનૈદનાં લગ્ન માટે ગ્રીન સિગ્નલ આપવા તૈયાર થયા. પણ એ માટે તેમણે દાઉદની તિજોરીમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું.

આઈએસઆઈના અધિકારીઓએ દાઉદને કહ્યું કે, તારી પુત્રીના લગ્નને કારણે પાકિસ્તાનમાં તારી હાજરી વિશે આપોઆપ જગતભરમાં જાહેર થઈ જશે અને અત્યાર સુધી પાકિસ્તાનમાં તારી હાજરી નથી એવું પાકિસ્તાન સતત કહેતું રહ્યું હોવાથી પાકિસ્તાન કફોડી સ્થિતિમાં મૂકાઈ જશે. પણ તારી સાથે ગાઢ સંબંધને કારણે પાકિસ્તાન આવડું મોટું જોખમ ઊઠાવે તો તારે પણ થોડું વળતર આપવું જોઈએ. ટૂંકમાં, આઈએસઆઈએ મોકાનો ફાયદો ઉઠાવીને દાઉદ પાસેથી વધુ એક વાર તગડી રકમ પડાવી લીધી.

દાઉદ અને જાવેદ મિયાંદાદે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓને મનાવી લીધા ત્યારે તે બંને માટે બીજી મોકાણ શરૂ થઈ ગઈ. જુનૈદ-માહરુખનાં લગ્ન તૈયારી ચાલી રહી છે એવી વાત પાકિસ્તાનના મીડિયા સુધી અને પછી જ ભારતીય મીડિયા સુધી પહોંચી ગઈ અને ગણતરીના કલાકોમાં વિશ્વના અનેક દેશોમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા દ્વારા આ લગ્નની વાત જાહેર થઈ ગઈ. દાઉદ-જાવેદ મિયાંદાદના સંતાનો પરણી રહ્યાં છે એવી વાત ફેલાઈ ગયા પછી પણ પાકિસ્તાને તો એક જ વાત પકડી રાખી કે, દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં નથી. શાહમૃગ પોતાનું માથું રેતીમાં છુપાવીને એવું માને છે કે દુનિયા તને જોઈ રહી નથી એવો જ ઘાટ દાઉદને મુદ્દે પાકિસ્તાનનો થયો હતો. શાહમૃગ અને પાકિસ્તાન વચ્ચે તફાવત માત્ર એટલો જ હતો કે શાહમૃગ રેતીમાં માથું છુપાવીને પોતાને કોઈ જોતું નથી એવી બેવકુફભરી માન્યતામાં રાચે છે જ્યારે દાઉદની હાજરીને મુદ્દે નફ્ફટાઈ જગજાહેર થઈ ગયા પછી પાકિસ્તાની સત્તાધીશો દુષ્ટને છાજે એ રીતે દાઉદની હાજરી વિશે નનૈયો ભણી રહ્યા હતા.

આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ દાઉદ ઈબ્રાહિમ તરફથી મીડિયાને કોઈ કમેન્ટ ન મળી, પણ જાવેદ મિયાંદાદે શરૂઆતમાં સહેજ અચકાતા-અચકાતા અને પછી બેધડક રીતે પત્રકારોને કહ્યું કે “મારો દીકરો જુનૈદ દાઉદની દીકરીને પરણવાનો છે એ વાત સાચી છે. પણ એમા ખોટું શું છે? કોઈનાં કારનામાની સજા તેના સંતાનોને શા માટે મળવી જોઈએ? અમે તો મહારુખ જેવી ગુણિયલ વહુ અમારા ઘરમાં આવવાની છે એનો આનંદ મનાવી રહ્યાં છીએ.”

મિયાંદાદે પાકિસ્તાની પત્રકારોને કહ્યું કે “દાઉદની પત્ની અને મારી પત્ની વચ્ચે સગી બહેનો જેવો સંબંધ છે અને દાઉદની પત્ની મારી માતાની સગી પણ થાય છે.”

ભારતમાં દાઉદની છબી ખરડાયેલી છે અને તેને બધા ખતરનાક ગુનેગાર તરીકે ઓળખે છે એની તમને ખબર નથી?” એવો સવાલ પાકિસ્તાની પત્રકાર હસન મંસૂરે જાવેદ મિયાંદાદને પૂછ્યો ત્યારે મિયાંદાદે ચિડાઈને કહ્યું કે “મારી સામે ભારતીય મીડિયાની વાત તો કરશો જ નહીં. ભારતમાં હજારો અખબારો અને ટીવી ચેનલ્સ છે અને એ બધાં પાયાહીન અહેવાલો પ્રસારિત કરી રહ્યાં છે.”

“તમારો દીકરો ભારતના ગુનેગાર દાઉદની દીકરી સાથે પરણવાનો છે એને કારણે ભારતમાં તમારા પ્રવેશ પર પ્રતિબંધ મૂકાઈ જશે એથી તમે ચિંતિત છો?” એવો સવાલ પત્રકાર હસન મંસૂરે કર્યો ત્યારે ભડકી ગયેલા મિયાંદાદે હસન મંસૂર સામે છાશિયું કરતાં જવાબ વાળ્યો કે “હું કંઈ વારતહેવારે ભારત જતો નથી અને ભારતીય સત્તાધીશો કે ભારતીય મિડીયા મારા વિશે શું માને છે કે મારી સાથે કેવો વર્તાવ કરે એની મને કાંઈ પડી નથી. હું ભારત જવા માટે આતુર પણ નથી. હું એક પાકિસ્તાની નાગરિક છું અને એ માટે મને ગૌરવ છે અને એ જ વસ્તુ મારા માટે મહત્વની છે.”

દાઉદની દીકરી માહરુખનાં લગ્ન જાવેદ મિયાંદાદના દીકરા જુનૈદ સાથે 9 જુલાઈ, 2005ના દિવસે મક્કામાં થવાનાં છે અને 22 જુલાઈ, 2005ના દિવસે તેમના લગ્નનું રિસેપ્શન દુબઈની વૈભવશાળી હોટેલ ‘ગ્રાન્ડ હયાત’ના ‘બેનિયાસ’ બોલરૂમમાં યોજાવાનું છે એવી વાત પણ મીડિયા દ્વારા જગજાહેર થઈ ગઈ. એ સાથે જ એવી અટકળો પણ શરૂ થઈ ગઈ કે દાઉદ તેની દીકરીનાં લગ્ન અને રિસેપ્શનમાં હાજરી આપશે કે નહીં આપે! દાઉદ પાકિસ્તાનમાં તો તેની દીકરીનાં લગ્ન કરી શકે એમ હતો જ નહીં. કારણ કે આઈએસઆઈએ તેની દીકરીના લગ્ન જાવેદના દીકરા સાથે કરવા દેવાની મંજૂરી આપવા સાથે એવી શરત પણ મૂકી હતી કે જુનૈદ-માહરુખનાં લગ્ન કે રિસેપ્શન પાકિસ્તાનમાં કોઈ પણ કાળે નહીં થવા દઈએ.”

અચાનક પપ્પુ ટકલાના ફોનની રિંગ વાગી અને તેણે કહ્યું.‘આપણે કાલે પાછા મળીએ. જરા અર્જન્ટ કામ આવી પડ્યું છે એટલે મારે જવું પડશે.’

અમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડે સાશંક ચહેરે પપ્પુ ટકલા સામે જોયું. જોકે પપ્પુ ટકલા મોબાઈલ ફોનમાં મેસેજ ટાઈપ કરી રહ્યો હતો એટલે તેને અમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડના ચહેરાના ભાવ જોવાની ફુરસદ નહોતી!

***

બીજા દિવસે અમે પપ્પુ ટકલાને મળ્યા ત્યારે તેણે આડીતેડી વાત કર્યા વિના સીધી જ અંડરવર્લ્ડકથા શરૂ કરી દીધી: “દુનિયાભરના મીડિયામાં એવી વાત ફેલાઈ ગઈ હતી કે દાઉદની દીકરી માહરુખ અને જાવેદ મિયાંદાદના દીકરાના લગ્નનું રીસેપ્શન પાકિસ્તાનમાં યોજાય એ શક્ય નથી કારણ કે એવું થાય તો પાકિસ્તાન કફોડી હાલતમાં મુકાઈ જાય. એમ છતાં જાવેદ મિયાંદાદ તેના તરફથી પાકિસ્તાનમાં રિસપ્શન યોજી શકે એવી પરવાનગી દાઉદે આઈએસઆઈ પાસેથી મેળવી હતી. જોકે એ રિસેપ્શન અત્યંત ખાનગી રીતે કરાંચીમાં “પર્લ ઈન્ટરકોન્ટિનેન્ટલ” હોટેલમાં યોજવામાં આવ્યું હતું અને છેલ્લી ઘડીએ આમંત્રિતોને એ રિસેપ્શનના સ્થળ વિશે જાણ કરવાનું નક્કી થયું હતું. જાવેદ મિયાંદાદ દ્વારા યોજાનારા એ રિસેપ્શન માટે પસંદગીના માણસોને જ આમંત્રણ અપાયું હતું.

પાકિસ્તાનમાં 2003ના પત્રકાર ગુલામ હુસૈનને આઈએસઆઈ દ્વારા જે રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો અને દાઉદના આઈએસઆઈના કનેકશન વિશે માહિતી શોધી રહેલા અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની જે રીતે ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી કે પછી દાઉદને મુદ્દે આઈએસઆઈની ઝપટમાં ચડીને અનેક પત્રકારોની બૂરી વલે થઈ હતી એ બધું ધ્યાનમાં રાખીને પાકિસ્તાની પત્રકારો જુનૈદ-માહરુખનાં રિસેપ્શનમાં તકલીફરૂપ બને એવી સંભાવના બહુ ઓછી હતી પણ દુનિયાભરના મીડિયાની નજર દુબઈની “ગ્રાન્ડ હયાત” હોટલમાં યોજાનારા જુનૈદ-માહરુખનાં રિસેપ્શન પર મંડાયેલી હતી.

દાઉદની દીકરીના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ભારતીય ગુપ્તચર સંસ્થાના અધિકારીઓ એ જાણવા મથી રહ્યા હતા કે દાઉદ મુંબઈ અને ભારતનાં અન્ય શહેરોમાં કોને-કોને આમંત્રણ આપે છે. એ ઉપરાંત દુબઈમાં ‘ગ્રાન્ટ હયાત’ હોટેલમાં જુનૈદ-માહરુખનુ રિસેપ્શન યોજાય એમાં કોણ-કોણ હાજરી આપે છે તેની પર નજર રાખવા માટે પણ ભારતીય ગુપ્તચર સંસ્થાએ માણસોને કામે લગાડી દીધા હતા.

ભારતીય ગુપ્તચર સંસ્થા ‘રૉ’ અને ‘આઈ.બી. (ઈન્ટેલિજન્સ બ્યૂરો)ની જેમ અમેરિકન એજન્સી સીઆઈએ દ્વારા પણ દાઉદ-મિયાંદાદના સંતાનોનાં રિસેપ્શન પર તથા અન્ય કાર્યક્રમો પર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો વળી પાકિસ્તાની જાસૂસી અને ભાંગફોડિયા એજન્સી આઈએસઆઈ દ્વારા જુદા જ કારણથી જુનૈદ-માહરુખના લગ્નની ગતિવિધિઓ પર નજર રખાઈ રહી હતી. ખાસ તો કરાચીમાં જુનૈદ-માહરુખના રિસેપ્શન દરમિયાન કોઈ અણછાજતી એટલે કે પાકિસ્તાનની હાલત વધુ કફોડી બની જાય એવી ઘટના ન બને એની જવાબદારી આઈએસઆઈએ લીધા વિના છૂટકો નહોતો. કરાચીના રિસેપ્શનમાં દાઉદ જાતે હાજરી આપવાનો હતો અને એ વખતે પાકિસ્તાની અંડરવર્લ્ડના દુશ્મનો અથવા તો ભારતીય ગુપ્તચર સંસ્થાના એજન્ટો કે દાઉદના મુમ્બૈયા અંડરવર્લ્ડના દુશ્મનો દાઉદ પર હુમલો કરે તો પાકિસ્તાનમાં દાઉદની હાજરી છતી થયા વિના રહે નહીં.

આઈએસઆઈના અધિકારીઓ ઈચ્છતા હતા કે દાઉદ કરાચીના રિસેપ્શનમાં હાજરી ન આપે, પણ દાઉદ કરાચીમાં યોજાનારા રિસેપ્શનમાં હાજરી આપવા ઈચ્છતો હતો. તેણે લગ્ન માટે આઈએસઆઈને મનાવવા સેંકડો કરોડ રૂપિયા ગણી આપ્યા હતા. આઈએસઆઈએ જેમ દાઉદ પાસે ‘વળતર’ માગ્યું હતું એ જ રીતે દાઉદે પણ આઈએસઆઈને સેંકડો રૂપિયા ગણી આપવાના બદલામાં ‘વળતર’ રૂપે જાવેદ મિયાદાદ દ્વારા કરાચીમાં યોજાનારા રિસેપ્શનમાં હાજરી આપવાની પરવાનગી મેળવી હતી. આ સ્થિતિમાં દાઉદની સલામતીની જવાબદારી આઈએસઆઈની હતી અને એ દાઉદના નહીં, પણ આઈએસઆઈ અને પાકિસ્તાની સત્તાધીશોના પોતાના સ્વાર્થ માટે જરૂરી હતું. આઈએસઆઈના અધિકારીઓએ કરાચીના રિસેપ્શનમાં દાઉદ પર હુમલો થવાની દહેશત હતી. એ બિલકુલ પાયાહીન પણ નહોતી, કારણ કે દાઉદનો જાની દુશ્મન છોટા રાજન મલેશિયામાં બેઠા બેઠા કરાંચીમાં દાઉદની ‘ગેમ’ કરવાની યોજના બનાવી રહ્યો હતો.

જોકે રાજન દાઉદને કરાચીમાં ખતમ કરવાની યોજના અમલમાં મૂકે એ પહેલા કલ્પનાતીત ઘટના દિલ્હીમાં બની ગઈ. જેના કારણે દાઉદ ગેંગમાં ખુશીની લહેર ફરી વળી. પણ બીજી બાજુ છોટા રાજનને ભારે ફટકો પડ્યો અને ભારતીય ગુપ્તચર સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યૂરોના ઉચ્ચ અધિકારીઓ કફોડી હાલતમાં મૂકાઈ ગયા!

(ક્રમશ:)

Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Meet

Meet 2 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Hitendrasinh

Hitendrasinh 3 years ago

Mayur

Mayur 3 years ago