Samantar - 17 in Gujarati Love Stories by Shefali books and stories PDF | સમાંતર - ભાગ - ૧૭

સમાંતર - ભાગ - ૧૭

સમાંતર ભાગ - ૧૭

આગળના ભાગમાં આપણે જોયું કે કામિની અને રાજના વર્તનથી દુઃખી ઝલકને નૈનેશ પાસેથી પોતાના પ્રશ્નોનું સમાધાન મળે છે. ઝલકને આટલી તકલીફમાં જોઈને રાજને વાત છૂપાવવાની પોતાની ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો હોય છે અને વાત વધુ વણસે એ પહેલાં એ એના અને કામિનીના ભૂતકાળ વિશે ઝલકને માહિતગાર કરે છે, જેમાં તાજેતરમાં બનેલી અમુક ઘટનાનો ઉલ્લેખ સાંભળીને ઝલકને લગ્નના આટલા બધા વર્ષો પછી પણ રાજે એને આવી મહત્વની વાત કહેવા માટે યોગ્ય ના સમજી એ વાત ઝલકને હચમચાવી મૂકે છે અને એ લાઈટ બંધ કરી પડખું ફરીને ઊંઘી જાય છે. હવે આગળ...

*****

"ગર્વ તૂટ્યો છે આજે,
ઘાયલ થયું દિલ પણ આજે,
ઇમારત ચણી હતી જેના સહારે,
એનો પાયો ડગ્યો છે આજે."

ઝલકનો પ્રશ્ન સાંભળીને સ્તબ્ધ બનેલો રાજ પણ થોડી વાર પછી બીજી દિશામાં પડખું ફરીને સૂઈ જાય છે. બંનેની આંખોમાંથી આજે ઊંઘ ગાયબ હોય છે. એક બાજુ રાજને રહી રહીને આજે પોતાની ભૂલ સમજાતી હોય છે તો બીજી બાજુ ઝલકને એના અને રાજના સબંધ પર પ્રશ્નો ઊઠતા હોય છે. એનું મન સતત એ કારણો શોધવામાં લાગી જાય છે કે, "એનાથી ક્યાં, શું કચાશ રહી ગઈ કે રાજે એને આ વાત કહેવા માટે યોગ્ય ના સમજી.!?"

રાત ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી હોય છે અને સાથે ઝલકના વિચાર પણ.!! આખા દિવસના થાકેલા રાજની આંખો વિચાર કરતા કરતા બંધ થઈ જાય છે ને ઝલક હજી પણ પડખા ઘસતી હોય છે. એનું મન સખત થાકી ગયું હોય છે અને એના માથામાં ભયંકર સણકા મારતા હોય છે. એ બાજુમાં પડેલી બામની શીશીમાંથી બામ લઈને માથે ઘસે છે. એને થાય છે કે જો એ અત્યારે વિચારવાનું બંધ નહીં કરે તો એના લમણાંની નસો ફાટી જશે અને એ પોતાના મનને બીજે વાળવા બાજુમાં પડેલો મોબાઈલ હાથમાં લે છે. ફોનમાંથી જૂના વિડિયો અને ફોટા ડિલીટ કર્યા પછી એ ફેસબુક ખોલે છે. કોણ જાણે કેમ પણ એને એની અને નૈનેશ વચ્ચે થયેલી ચેટ ફરી વાંચવાનું મન થાય છે. કદાચ આ નવા મિત્ર સાથે કોઈ ઋણાનુબંધ હોય એવું લાગે છે. જાણે એને એના સવાલોના જવાબ ત્યાં મળવાના હોય એમ એ ચેટ વાંચવાનું ચાલુ કરે છે. અને એના આશ્ચર્ય વચ્ચે નૈનેશનો મેસેજ આવે છે. "રાતના બે વાગ્યા, હવે ઊંઘી જાવ ફોન બાજુમાં મૂકીને."

ઝલકને પહેલા થોડી નવાઈ લાગે છે પણ એ તરત જ જવાબ આપે છે, "અચ્છા એમ.! આ વાત તો તમને પણ લાગુ પડે છે. તો બીજાને સલાહ આપ્યા વિના મૂકો ફોન અને ઊંઘો."

નૈનેશ : એકદમ જ ઊંઘ ઊડી ગઈ અને લાગ્યું કોઈ તીવ્રતાથી યાદ કરી રહ્યું છે, જાણે કોઈને જરૂર છે મારી. હવે જલ્દી ઊંઘ ના આવે, તો કંઇક તો કરવું ને.! બાય ધ વે તમે તો મને યાદ નહતા કરતા ને.!? (નૈનેશે ઝલકને પ્રશ્ન કર્યો...)

ઝલક : હું કેમ યાદ કરું તમને અત્યારે અડધી રાતે.!? મને પણ ઊંઘ નહતી આવતી, તો ફેસબુક પર આવી. (જાણે નૈનેશ એના મનની વાત જાણી ગયો હોય એમ એના પ્રશ્નથી રીતસરની ચોંકી જતા ઝલકે જવાબ આપ્યો... પણ એને સારું લાગ્યું હતું નૈનેશના મેસેજ આવવાથી અને ખરું પૂછો તો એને જરૂર હતી અત્યારે એક એવા મિત્રની જે એને અંગત પ્રશ્નો પૂછ્યા વિના એના મોઘમ પ્રશ્નોનો જવાબ આપી શકે.)

"કેમ મન બીજે સહારો શોધે છે.!?
જાણે દરિયો બીજો કિનારો શોધે છે.!
શું આ સંકેત હશે કોઈ ભાવિનો.!?
કે સાથ એનામાં જ એકધારો શોધે છે.!"

નૈનેશ : ચલો સારું થયું એ.

ઝલક : શું મને ઊંઘ નહતી આવતી એ સારું થયું કહેવાય.!?

નૈનેશ : હાસ્તો.!! બાકી હું અત્યારે અડધી રાતે એકલો એકલો બોર થઈ જાત. હવે તમને બોર કરીશ.

ઝલક જવાબમાં ખાલી એક સ્માઇલી મૂકે છે.

નૈનેશ : શું હજી તમે ગૃહિણી અને વર્કિંગ વુમનની સરખામણીમાં અટવાયા છો.? જો એવું જ હોય તો મારે તમને કહેવું પડશે કે બીજા તમારા માટે શું વિચારે છે એ મહત્વનું નથી, પણ તમે તમારા માટે શું વિચારો છો એ મહત્વનું છે.

ઝલક : હું.!? હું તો વિચારતી હતી કે... (ઝલકના મનમાં એના અને રાજના આટલા વર્ષોના સહજીવન પછી પણ રાજે એને કામિનીની માનસિક અવસ્થા વાળી વાત માટે યોગ્ય ના સમજી એ વિચાર આવી જાય છે. પણ તરત પોતાની અંગત વાત આમ અજાણ્યા સામે જાહેર ના થવા દેવાય એ વિચારે એ વાક્ય અધૂરું છોડે છે.)

નૈનેશ : સામાન્ય રીતે આવું જ હોય કે પછી હું કોઈ સ્પેશિયલ કેસ છું.? (ઝલકના મૂડને અને વાતને બદલવાના ઉદ્દેશથી નૈનેશે લખ્યું..)

ઝલક : એટલે.!? (નૈનેશના પ્રશ્નને ના સમજી શકતા ભારોભાર આશ્ચર્ય સાથે ઝલકે લખ્યું.)

નૈનેશ : એટલે એમ કે ચાલુ ચેટે જતા રહેવું, ભારે ભારે ફિલોસોફીની વાતો કરવી, વાક્યો અધૂરા મૂકીને અને ખાસ તો અઘરા ગુજરાતી શબ્દો વાપરીને સામે વાળાને કન્ફ્યુઝ કરવા. અરે, કયો શબ્દ હતો પેલો.? અર્થ.. પછી આગળ હતું કંઇક, પણ યાદ નથી આવતું. આવું તમે મારી જોડે જ કરો કે તમને આવી આદત છે.?

ઝલક : અર્થ ઉપાર્જન... (ત્રણ સ્માઇલી મૂકતા ઝલકે લખ્યું.)

નૈનેશ : હા, એજ શબ્દ. તમે એવું તો નથી વિચારતાને કે મને ગઝલ સાંભળવાનો શોખ છે તો હું કોઈ ધીર ગંભીર પ્રકારનો બૌદ્ધિક માણસ છું. જો એવું હોય તો મને કહી દેવા દો કે એવું જરાય નથી. હું એક એવરેજ બૌધ્ધિક વિચારો ધરાવતો, ખૂબ જ સારી સેન્સ ઓફ હ્યુમર ધરાવતો આર્કિટેક છું.

ઝલક જાણે નૈનેશની વાતોના પ્રવાહમાં વહેતી ગઈ હોય એના ચેહરા પર આટલા ટેન્શનમાં પણ સ્મિત આવી ગયું.

ઝલક : તમે જે હોવ એ, હું હજી તમને બહુ ઓળખતી નથી પણ એક વાત ચોક્કસ કહીશ કે સવારે કરેલી ચર્ચા પછી હું તમારાથી ખરેખર પ્રભાવિત થઈ છું. તમારા શબ્દોએ મારા મનને હંમેશાથી મૂંઝવતા એક પ્રશ્નનું નિરાકરણ લાવ્યું છે એના માટે હું સદા તમારી આભારી રહીશ. Thank you..

નૈનેશ : તો એમ એકલા આભારથી તો નહીં ચાલે, તમારે મને કંઇક તો આપવું જ પડશે અને એ પણ અત્યારે જ.!

ઝલક : અત્યારે જ.!?

નૈનેશ : जी हुज़ूर.!! रात भी है, समाँ भी है, आप भी हो और हम भी है.. (નૈનેશે એના સ્વભાવ મુજબ મજાક ચાલુ રાખી અને ફિલ્મી ડાયલોગ લખ્યો...)

માનિસક રીતે ડિસ્ટર્બ ઝલક લાંબુ વિચારી ના શકી અને નૈનેશની આ મજાકનો ઊંઘો અર્થ કાઢી બેઠી. એ થોડી ગુસ્સામાં આવી ગઈ. એને મનમાં થયું કે એણે નૈનેશને ફેસબુક ફ્રેન્ડ બનાવીને કોઈ મોટી ભૂલ તો નથી કરી નાખીને.!? અને એના આ વિચારનો પડઘો તરત એના શબ્દોમાં પડ્યો..

ઝલક : ઓહ, તમે તો બહુ જલ્દી આ સ્ટેજ પર આવી ગયા.!!

નૈનેશ : કયુ સ્ટેજ.!?

પહેલા તો નૈનેશને ખ્યાલ ના આવ્યો એટલે એણે સીધો પ્રશ્ન જ કર્યો. પણ પછી એને ઝલક ના કહેવાનો મતલબ સમજ આવતા ફરી લખ્યું કે, "ના... ના... તમને સમજવામાં ભૂલ થઈ છે. મારે તો ખાલી ગઝલનું નામ જોઈતું હતું સાંભળવા માટે. હું ઘણી વાર કામ કરતા ગઝલ કે પછી કોઈ ગીત સાંભળતો હોવ છું અને અત્યારે તમે સામે હતા તો થયું તમને પૂછી લઉં. આમ પણ તમારો ને મારો ગઝલનો શોખ મળતો આવે છે અને તમારી જોડે મારા કરતાં પણ મોટો ગઝલનો ખજાનો છે એવું લાગ્યું મને, બસ એટલું જ... તો પણ સોરી, હવેથી હું મજાક કરતા ધ્યાન રાખીશ થોડું.

નૈનેશના જવાબથી ઝલકના મનમાં અપરાધ ભાવ આવી ગયો. એણે આખી ચેટ પર ફરી એક નજર નાખી અને એને નૈનેશના જવાબમાં સચ્ચાઈનો રણકો લાગ્યો. એને સમજમાં નહતું આવતું કે એણે શું લખવું જોઈએ એટલે એણે સીધી ગઝલની પંક્તિ જ લખી.

"किया है प्यार जिसे हमने ज़िन्दगी की तरह,
वो आशना भी मिला हमसे अजनबी की तरह.."

આ ગઝલ અત્યારે ઝલકની મનોસ્થિતિનું સચોટ પ્રતિબિંબ પાડતી હતી. પણ એણે જવાબ આપવામાં મોડું કરી દીધું હતું. એણે જોયું કે નૈનેશ ઓફ લાઈન થઈ ગયા હતા. એ અનુભવી શકતી હતી કે એના જવાબથી નૈનેશને ખરાબ લાગ્યું હશે. એને હવે ઉતાવળમાં પોતાના કરેલા વર્તન પર ગુસ્સો આવતો હતો. એ હજી ફોન સાઈડમાં મૂકવા જ જતી હતી ને નૈનેશનો મેસેજ આવ્યો... "કતીલ શિફાઈની બહેતરીન દર્દભરી ગઝલ..."

ઝલક : ઓહ, હું સમજી હવે તમે કદાચ મારી જોડે વાત નહીં કરો. મારાથી તમને સમજવામાં ફરી ભૂલ થઈ. I'm really sorry...

નૈનેશને બે પળ માટે ખરેખર ખરાબ લાગ્યું હતું. પણ બપોરની ચેટ અને આ ગઝલની પંક્તિ ઉપરથી એ એટલું તો સમજી જ શક્યો હતો કે ઝલક અત્યારે કોઈ ઉલ્ઝનમાં છે અને એને કોઈ મિત્રની જરૂર છે. તેથી જ એણે ઝલકની ગેરસમજને હમણાં બાજુ પર મૂકીને પોતાનાથી શક્ય એટલી મદદ કરવાનું વિચાર્યું અને એના ભાગ રૂપે જવાબમાં પહેલા તો ખાલી હમમ્ લખ્યું અને પછી એજ ગઝલનો છેલ્લો શેર લખીને નીચે સેડ અને રડતા ઇમોજી મૂક્યા.

"कभी न सोचा था हमने 'क़तील' उस के लिये,
करेगा हमपे सितम वो भी हर किसी की तरह"

કેટલો સચોટ છે નહીં, મારી અત્યારની પરિસ્થિતિ જોડે.!? નૈનેશે ઉમેર્યું...

નૈનેશની આ રીતે જવાબ આપવાની રીત જોઈને ઝલક હસી પડે છે અને જવાબમાં લખે છે કે, હા..હા..હા.. "Thank u... મારી મનોસ્થિતિને સમજીને મને આટલી જલ્દી માફ કરવા માટે.!"

નૈનેશ : હા પણ તોય તમારો આ સિતમ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું તમને અલગ સમજતો હતો પણ તમે પણ જાલિમ જમાના જેવા જ નીકળ્યા. (નૈનેશે મજાક ચાલુ રાખી...)

ઝલક : હા હવે..! sorry..!

નૈનેશ : ના એમ સોરી થી કામ નહીં ચાલે હવે. તમારે મને પ્રોમિસ આપવું પડશે કે ફોન અને વિચારો સાઈડમાં મુકીને તમે ઊંઘી જશો.

ઝલક : હા.. ગુડ નાઈટ

નૈનેશ : ગુડ નાઈટ, ટેક કેર

નૈનેશના શબ્દોની ધારી અસર થઈ હોય એમ ઝલક ફોન સાઈડમાં મૂકે છે અને આંખો બંધ કરે છે. ના ઈચ્છવા છતાં પણ એના મનમાં નૈનેશના વિચાર આવી જાય છે. એ વિચારે છે કે, હજી હમણાં જ થોડો પરિચય થયો છે તો પણ જાણે વર્ષોની ઓળખાણ હોય એવું કેમ લાગે છે. અને એના મનમાં ફરી પાછી એજ આકૃતિ આવીને ઊભી રહી જાય છે ને એનાથી મનોમન સરખામણી થઈ જાય છે. એવો જ ગાંડો ગઝલનો શોખ, એવી જ સેન્સ ઓફ હ્યુમર અને એની જેમ જ ભાગ્યેજ કોઈનામાં જોવા મળતી સાથ આપવાની કળા... શું આજ કારણ હશે કે હું આમ નૈનેશ જોડે ભળી રહી છું.!? આ વિચારોને વિચારોમાં ઝલક ગાઢ નિંદ્રામાં સરી જાય છે.

"શોખ મારો ને એનો એક હતો તોય એક ના થવાયું,
આ દુનિયામાં એને છોડી મારાથી એકલા જ રહેવાયું,
તોય જોને એકપળમાં આવી હેરાન કરી જાય મને,
એવા સાથી વિના આખું જીવન મારાથી કેમ સહેવાયું.!?"

*****

રાજ અને ઝલકના જીવનમાં આગળ શું થશે.?
નૈનેશનું સ્થાન ઝલકના જીવનમાં કેવું રહેશે.?
એ કોની આકૃતિ છે જે હમણાં હમણાંથી ઝલકના માનસપટ પર ઉપસી જાય છે.? અને એ વ્યક્તિ જોડે ઝલકનો શું સંબંધ હશે એ જાણવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

*****

વાર્તા વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...


તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ

Rate & Review

Kalpesh

Kalpesh 10 months ago

Rajiv

Rajiv 2 years ago

Anurag Basu

Anurag Basu Matrubharti Verified 2 years ago

Chaudhari sandhya
Shefali

Shefali Matrubharti Verified 2 years ago