Samantar - 18 in Gujarati Love Stories by Shefali books and stories PDF | સમાંતર - ભાગ - ૧૮

સમાંતર - ભાગ - ૧૮

સમાંતર ભાગ - ૧૮

આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ અને ઝલકના એકબીજાને એક અઠવાડિયું 'નો મેસેજ, નો કોલ' ના પ્રોમિસને બે દિવસ પૂરા થઈ ગયા છે. એ બે દિવસમાં આપણે એમની વિહ્વળતા અને એ બંનેના જીવનના ઘણા મહત્વના બનાવોથી માહિતગાર થયા. એમાં એવા પણ પ્રસંગો હતાં જે એમના જીવનના અસંતોષનું કારણ બન્યા હોય અથવા એમના એકબીજાના જીવનમાં પ્રવેશનું કારણ બન્યા હોય. ત્રીજા દિવસની પરોઢિયે રાજ આબુ જવા નીકળી ગયો હોય છે અને ઝલકની આંખોમાંથી ઊંઘ ગાયબ છે. એ એના દીકરા દેવ દ્વારા ખોલી આપવામાં આવેલા ફેસબૂક એકાઉન્ટથી લઈને નૈનેશના એના ફ્રેન્ડ બન્યા પછી શરૂ થયેલી એક નવી સફરના વિચારોમાં ડૂબી જાય છે જેમાં રાજ અને કામિનીના સંબંધ જાણીને તૂટી ગયેલી ઝલકને નૈનેશ એની આગવી સૂજબુઝથી સાથ આપે છે. હવે આગળ...

*****

રોજના સમય મુજબ સેટ કરેલું એલાર્મ સવારે છ વાગે રણકી ઉઠે છે અને ઝલકના અવિરત ચાલતા વિચારોમાં ખલેલ પહોંચે છે. એ એલાર્મ બંધ કરે છે. એને ઉઠવામાં આળસ ચડતી હોય છે અને આમ પણ આજે રાજના ટિફીનની ઉતાવળ નહતી એટલે એ હજી એક કલાક પથારીમાં જ પડ્યા રહેવાનું નક્કી કરે છે.

તો બીજી તરફ નૈનેશ પણ સવારે વહેલો ઊઠીને એ દિવસની સફરે નીકળી ગયો હોય છે જ્યારે એની અને ઝલક વચ્ચે અર્થ જેવી ટાઇમલેસ મૂવી ઉપર ચર્ચા થઈ હોય છે અને ઝલકને હજુ ખાસ જાણતો પણ ના હોવા છતાં અડધી રાતે ઝલકની વિહ્વળતા એની ઊંઘ ઉડવાનું કારણ બની હોય છે.

"કેમ એની વિહ્વળતા મને વિહ્વળ કરી જાય છે.!?
એવું તો શું છે જે મને એનાથી જોડી જાય છે.!?
શું મનમાં ના ઉઠેલા કોઈ પ્રશ્નોનું એમાં સમાધાન મળી જાય છે.!?
કે પછી જિંદગીમાં કોઈ ખૂટતી કડીનું એમાં અનુસંધાન મળી જાય છે.!?"

ઝલકને તો એણે ફોન અને વિચારો સાઈડમાં મૂકીને ઊંઘવાનું કહી દીધું પણ હવે એના મનમાં વિચારોનો વંટોળ ચડ્યો હતો. એને રહી રહીને વિચાર આવતો હતો કે એક જ દિવસની થોડી ચેટમાં ઝલકે એની જિંદગીના એક એવા પ્રશ્ન જે એને દિવસો કે બની શકે મહિનાઓ કે વર્ષોથી મૂંઝવતો હશે એના માટે એના જેવા સંપૂર્ણ અજનબી ઉપર કઈ રીતે વિશ્વાસ મૂક્યો.!? તો બીજી તરફ ઝલકને જે વાત એ સમજાવતો હતો એજ વાતે પોતાની પત્ની નમ્રતાને સમજવામાં એ ચૂક કરતો હોય એવું એને લાગવા લાગ્યું હતું. અને એને એના દ્વારા વારંવાર નમ્રતાની અતી કાળજી લેવા માટે કરવામાં આવતી મજાક યાદ આવી જાય છે.

"શું ખૂટતું હોય છે સંબંધમાં જાણ બહાર જ,
કે મન વર્ત્યુ હોય છે કઇંક જાણ બહાર જ,
નિકટતા ઘટતી જાય છે સંબંધમાં ધીમે ધીમે,
ને સ્થગિતતા આવી જાય છે જાણ બહાર જ."

એ ઊભો થઈને સહેજ નમ્રતા ઉપર ઝૂકે છે. સમય સાથે નમ્રતાનો ભીનો વાન અને ચેહરાની આભા ઠરેલ પણ જાજરમાન વ્યક્તિત્વમાં પરિવર્તિત થઈ હતી. થોડી સફેદી છાંટ્યા હોય એવા એના વાળ એની સુંદરતાને એક અલગ નિખાર આપી રહ્યા હતાં. એની થોડી ઊંડી ઉતરી ગયેલી આંખોમાં હજી પણ એવું જ આકર્ષણ હતું જેવું એને પહેલી વાર જોઈને એને થયું હતું. થોડી વાર એને એમ જ નીરખ્યા પછી એના કપાળે ચુંબન કરીને પાછું એનું મન વિચારે ચડે છે. એ કારણ શોધવામાં લાગી જાય છે કે ખબર નહીં શું અને ક્યાં છૂટી ગયું એની અને નમ્રતા વચ્ચે કે બહારથી ખુશહાલ લાગતી એમની જિંદગી એક મોડ પર અટકી ગઈ હોય એવું લાગે છે.! ઝલકના એક પ્રશ્નએ એના મનને ઝંઝોળીને રાખી દીધું હતું અને અત્યાર સુધી ક્યારેય ના થયેલા પ્રશ્નોએ એના દિલોદિમાગ પર કબજો લઈ લીધો હતો.

બીજા દિવસે સવારથી જ નૈનેશ બપોરના એ સમયની રાહ જોવા લાગ્યો જ્યારે ઝલક ફેસબુક પર વધુ એક્ટિવ દેખાતી હતી. આટલા સમયમાં એ એટલું તો જાણી જ ગયો હતો કે ઝલકનો સવારે ગૂડ મોર્નિંગના મેસેજનો રિપ્લાય ભલે આવી જતો પણ એ લગભગ બે વાગ્યાની આસપાસના સમયે જ ફેસબૂક પર વધુ એક્ટિવ રહેતી.

બપોરે બરાબર દોઢ વાગે નૈનેશ ઘરેથી આવેલું ટિફિન ખોલતો અને દોઢ ને પાંચે નમ્રતાનો અચૂક ફોન આવતો. પાંચેક મિનિટ જેવું લંચ કરતા કરતા ફોનમાં વાત કરીને વધુમાં વધુ પંદર મિનિટમાં એ પોતાનું લંચ પતાવી દેતો. પણ આજે એનું ધ્યાન ના ખાવામાં હતું કે ના નમ્રતા જોડે વાત કરવામાં. નમ્રતાએ ટકોર પણ કરી એ બાબતે, તો એ માથામાં દુખાવાનું બહાનું બતાવી વાત ટાળી ગયો. નમ્રતાએ એના સ્વભાવ મુજબ થોડી સૂચના આપી અને ફોન મૂકી દીધો. સમય પણ જાણે ધીમી ગતિથી પસાર થતો હોય એવું આજે નૈનેશને લાગતું હતું. એનું ધ્યાન સતત એના લેપટોપની સ્ક્રીન પર હતું. એ હંમેશા એનું ફેસબૂક એકાઉન્ટ એના લેપટોપ અને મોબાઈલ બંનેમાં ઓપન રાખતો. ઑફિસમાં હોય ત્યારે એ લગભગ લેપટોપ પર જ ફેસબૂક જોઈ લેતો. બે ને ઉપર પાંચ મિનિટ થઈ ગઈ પણ હજુ ઝલક ઓનલાઇન નહતી દેખાઈ. એની બેચેની વધતી જ જતી હતી ને સ્ક્રીન પર મેસેજ આવ્યો, "કેમ છો દોસ્ત.?"

ઝલકનું નામ વાંચીને નૈનેશના જીવમાં જીવ આવ્યો જાણે અને એનાથી લખાઈ ગયું, "હવે મઝામાં.. તમે કેમ છો.?"

"હવે મઝામાં એટલે.!?" ઝલકે આશ્ચર્ય પામતા પૂછ્યું...

નૈનેશને એની અવિચારી ઉતાવળ સમજમાં આવી જતા વાત બદલતા લખ્યું, "ક્યારની ભૂખ લાગી હતી પણ કામના લીધે વચ્ચે કંઈ ખાવા માટે સમય જ ના મળ્યો. હમણાં જ લંચ લીધું એટલે હવે મઝામાં એમ..

ઝલક : મારાથી તો ભૂખ્યું રહેવાય જ નહીં, ભૂખ્યા પેટે તો ગુસ્સો જ આવી જાય મને.

નૈનેશ : તો તમે ઉપવાસ, અઠ્ઠાઈ એવું નહીં કરતા હોવ ને.? એવું જ કરે ને પર્યુષણ દરમિયાન જૈન લોકો.?

ઝલક : અરે વાહ, તમને તો સારી એવી ખબર છે જૈન વિશે.

નૈનેશ : હા, મારો એક ખાસ મિત્ર જૈન છે તો એની જોડે રહી રહીને જૈન દેરાસરમાં દર્શન કરતાં પણ થઈ ગયા અને ક્યારેક જૈન ફૂડ ખાતા પણ થઈ ગયા.

ઝલક : હા.. હા.. હા.. ચુસ્ત હશે એ.?

નૈનેશ : હા એકદમ, ઘરમાં ક્યારેય કાંદા લસણ કે બટાકા ના આવે. તમે પણ કાંદા લસણ નહીં ખાતા હોવ ને.?

ઝલક : ના મારા સાસુ સસરા સિવાય બધા જ ખાય અને ઘરે બને પણ ખરું રેગ્યુલર ફૂડ.

નૈનેશ : સરસ... તો આપણે ક્યારેક લંચ કે ડિનર માટે મળીશું તો બહુ વાંધો નહીં આવે.

ઝલક : ના.!! આપણે નહીં મળીએ, લંચ અને ડિનર તો દૂરની વાત છે.! (ઝલકે મક્કમતાથી લખ્યું.)

નૈનેશ : એક જ શહેરમાં રહીએ છીએ તો બની શકે ક્યાંક મળી પણ જઈએ.

ઝલક : તમને કેવી રીતે ખબર કે હું કંઈ સિટીમાં રહુ છું.?

નૈનેશ : તમારા એ ફોટા જેના લીધે આપણી વચ્ચે આટલી બધી વાતો થઈ એ અમદાવાદની થલતેજ એરિયાની ફેમસ હોટેલના તો હતા. મારા ઘરની નજીક જ છે એ હોટેલ એ તમારી જાણ ખાતર.

ઝલક : ઓ હા, હું તો ભૂલી જ ગઈ કે એકપણ અમદાવાદી એવો નહીં હોય જે એ હોટેલથી અજાણ હોય.

નૈનેશ : પણ મને ગમ્યું.!

ઝલક : શું.!?

નૈનેશ : તમે મને દોસ્ત કહ્યું એ...

ઝલક : હા... જ્યારથી મળ્યા છો એક દોસ્ત તરીકેની ફરજ નિભાવતા જાવ છો, તો થયું કે તમને એજ નામે બોલાવું, 'દોસ્ત'.

નૈનેશ : આ વખતે હું પૂરો પ્રયત્ન કરીશ દોસ્તી નિભાવવાનો. (મનમાં કંઈક યાદ આવી જતા એનાથી લખાઈ જાય છે.)

ઝલક : આ વખતે.!?

ઝલકનો આ પ્રશ્ન વાંચીને નૈનેશને ખ્યાલ આવે છે કે એણે વિચારોમાં લખવામાં ભૂલ કરી દીધી. એના તરફથી કોઈ જવાબ ના આવતા ઝલક લખે છે, "કેટલો બાંધીને રાખીએ છીએ નહીં આપણે આ શબ્દને.!? બસ એ વાડામાંથી નીકળવા જ નહીં દેવાનો એને.! બાકી દરેક સંબંધમાં જો થોડી દોસ્તી ઉમેરવામાં આવે તો એનો લુત્ફ કંઇક અલગ જ થઈ જાય, પછી એ લોહીની સગાઈનો સંબંધ હોય કે ફેરા ફરીને બાંધેલો સંબંધ હોય. (ઝલક એના અને રાજના સંબંધ વિશે વિચારતા બોલી.)

નૈનેશ : દરેક સંબંધમાં પહેલા ક્યાંક ને ક્યાંક દોસ્તી હોય છે જ. પછી જવાબદારી, ઉંમરનો તફાવત, પ્રાથમિકતા, અહમ્ કે પછી સમજદારી જેવા પરિબળો એની ઉપર હાવી થઈ જાય છે. (નૈનેશને યાદ આવી જાય છે એની સુહાગ રાત જ્યારે એણે પોતાને નમ્રતાના મિત્ર બનવાનું વચન આપ્યું હતું.)

ઝલક : હા, કદાચ... (અને એને લગ્નજીવનની શરૂઆતમાં રાજે આપેલો સાથ યાદ આવી જાય છે.)

બંને મનમાં ને મનમાં પોતપોતાના લગ્નજીવનના લેખાજોખા કરવા લાગી જાય છે. "તો શું તમે ફરી પ્રયત્ન કરશો.??" થોડી ક્ષણો એમ જ પસાર થયા પછી લગભગ નૈનેશનું મન વાંચી લીધું હોય એમ ઝલકે પૂછ્યું...

નૈનેશ પણ ઝલકના આવા પ્રશ્નથી એકદમ ચોંકી જાય છે. એના મનમાં ફરી એજ વિચાર આવી જાય છે કે કેમ એકદમ અજનબી હોવા છતાં પણ એની અને ઝલક વચ્ચે એક અલગ જોડાણ હોય એવું લાગે છે. એ સીધો જવાબ આપવાનું ટાળે છે અને એક ગઝલની વચ્ચેની પંક્તિ જે એના મનમાં ચાલતા વિચારોને દર્શાવતી હોય છે એ લખે છે.

"उस मोड़ से शुरू करें फ़िर ये ज़िन्दगी
ले कर चले थे हम जिन्हें जन्नत के ख़्वाब थे
फूलों के ख़्वाब थे वो मुहोबत के ख़्वाब थे
लेकिन कहाँ है इनमें वो, पहली सी दिलकशी
उस मोड़ से शुरू..."

ઝલક આ શબ્દોમાં ખોવાઈ જાય છે અને આભાર એટલું લખે છે.

નૈનેશ : આભાર.!? લાગે છે તમને પણ કોઈ ઉકેલ મળી ગયો. (ગઝલની પંક્તિ વાંચીને ઝલકના રિપ્લાયમાં આભાર આવતા સ્માઈલી મૂકતા નૈનેશ લખે છે.)

નૈનેશે જે રીતે વાક્યમાં ' પણ ' શબ્દ વાપર્યો એ વાંચીને ઝલક સમજી જાય છે કે નૈનેશને પણ એના મનમાં ચાલતી કોઈ વિમાસણનો ઉકેલ મળી ગયો છે. થોડી હળવી થતાં એ લખે છે, "હા... મને પણ..!! અને તમને પણ..!! હા.. હા.. હા.."

જવાબમાં નૈનેશ ખાલી સ્માઈલી મૂકે છે અને એટલામાં એના મોબાઈલની રીંગ વાગે છે એટલે એ, "કોલ આવ્યો, મળીએ પછી.." લખીને ઓફ લાઇન થઈ જાય છે અને ઝલક પણ મોબાઈલ સાઈડમાં મૂકીને ઊંઘી જાય છે.

પછી તો ઝલકની આખી સાંજ વિચારોમાં જ જાય છે. એનો રાજ ઉપરનો ગુસ્સો હજી યથાવત્ હતો અને હવે એને રાજ અને કામિનીના સંબંધ ઉપર પણ શંકા ઉદ્ભવતી હતી. એ રાતે રાજે એની જોડે વાત કરવા પ્રયત્ન કર્યો પણ ઝલક હજી સુધી કંઈ પણ સાંભળવાના મૂડમાં નહતી.

જ્યારે બીજી બાજુ મોડી રાત સુધી નૈનેશ વિચારોમાં જ જાગતો રહ્યો. આજ સુધી એણે ઘણા ઓનલાઇન મિત્રો બનાવ્યા હતાં ને એમાં સ્ત્રી મિત્રો પણ હતાં. એમાંથી ઘણા બધા જોડે એ ઘણી વાર ચેટ કરી લેતો, પણ ઝલકની વાત એને અલગ લાગી હતી. પહેલી વાર ગઝલના પેજમાં મળ્યા પછી તરત જ ઝલકે એના વિચારોમાં સ્થાન લઈ લીધું હતું જેનું એને ભારોભાર આશ્ચર્ય થતું હતું. એની જોડે થતી વાતો પણ બધા કરતાં અલગ જ હતી. અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ પડતું હોય એવી જાણીતી લાગી હતી એને ઝલક.!! એનો શોખ, એની વાતો, એનો એહસાસ દરેકમાં એને પોતાપણું લાગ્યું હતું. અને આજે થયેલી વાતે તો એને ઝંઝોળીને રાખી દીધો હતો. એને પહેલી વાર જીવનમાં એહસાસ થયો હતો કે એના અને નમ્રતાના સંબંધમાં કંઇક ખૂટતું હતું. કંઇક એવું જે બહારથી નજર ના આવે પણ ક્યાંક ને ક્યાંક એ અસર કરી જાય. એણે ભગવાનનો આભાર માન્યો કે એને સમય રહેતા અને જીવનમાં કોઈ પણ ચઢાવ ઉતાર વિના આ વાતની જાણ થઈ ગઈ, બાકી કેટલાય પતિ પત્ની હશે જેમની જીંદગીમાં કોઈ ઘટના બની જતી હશે અથવા જેમની જિંદગી આ જાણ્યા વિના એમ જ પૂરી થઈ જતી હશે. આ વિચારોમાં ને વિચારોમાં એને ક્યાં ઊંઘ આવી ગઈ એ ખબર જ ના રહી પણ બીજા દિવસે આંખ ખુલી ત્યારે એણે સૌથી પહેલો વિચાર નમ્રતાના ફરી દોસ્ત બનવાનો કર્યો.

"કેમ અલગ તાદાત્મ્ય રચાઈ જતું હશે કોઈ અજનબી જોડે આમજ,
જીવનનાં કોઈ પ્રશ્નનો સહજ ઉકેલ મળી જતો હશે એની જોડે આમજ.
શું પ્રતિબિંબ આપણા મનનું પડતું હશે એનામાં એ કારણ હશે.!?
કે કોઈ વણખેડી સફરનું ત્યાં પૂર્ણવિરામ દેખાતું હશે આમજ.!"

*****

નૈનેશ અને નમ્રતાના જીવનમાં આગળ શું બનશે.?
કામિનીને લઈને ઝલકના મનમાં જે શંકાના બીજ રોપાયા છે એ સાચા છે.?
ગઝલની પંક્તિ વાંચીને ઝલકને શું ઉકેલ મળી ગયો.?
આ બધા સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

*****

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ


Rate & Review

Kalpesh

Kalpesh 5 months ago

Dr.Divya

Dr.Divya 1 year ago

Rajiv

Rajiv 2 years ago

Chaudhari sandhya
Indira

Indira 2 years ago