Samantar - 23 in Gujarati Love Stories by Shefali books and stories PDF | સમાંતર - ભાગ - ૨૩

સમાંતર - ભાગ - ૨૩

સમાંતર ભાગ - ૨૩

 

આગળના ભાગમાં આપણે જોયું કે ભૂતકાળમાં ઝલક અને નૈનેશ કેવી રીતે એકબીજાના ઓનલાઇન બેસ્ટ ફ્રેન્ડ બને છે અને જાણે અજાણે એકબીજાની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરીને એમને એમના જીવનસાથીની વધુ નજીક લઈ જાય છે. એમના 'નો મેસેજ નો કોલનો' આજે ચોથો દિવસ છે. હવે આગળ...

 

***

 

"વિચાર્યું છે કાંઈ જીવન માટે, હવે હળવી છું ,

રાહ છે એ સમયની, પણ અત્યારે હળવી છું.!

જોઈએ સમય શું બતાવે છે આવનાર પળોમાં,

છોડ્યું હમણાં મેં એની ઉપર, હવે હળવી છું.!

સમાંતર પાટા ઉપર જેમ ચાલે અહીં રેલગાડી,

એમ ચાલી શકે જીવન, હા, હવે હળવી છું.!"

 

સવારે રોજના સમયે એલાર્મ વાગે છે અને ઊઠીને સૌથી પહેલા ઝલક નોટ્સ એપલિકેશન ખોલીને નૈનેશને સંબોધીને આ રચના લખે છે.

 

"કેમ છે નૈનેશ.? આજે બે દિવસ પછી અહીંયા નોટ્સમાં તારા માટે મેસેજ લખું છું. પણ એનો મતલબ એવો નથી કે આ બે દિવસ મેં તને યાદ નથી કર્યો. આપણી વચ્ચે કોઈ પણ કોમ્યુનિકેશન ના હોવા છતાં તું સતત મારી સાથે જ હતો, મારા વિચારોમાં, મારા અસ્તિત્વમાં..."

 

અને એના મનમાં એ પળો આવી જાય છે જે જવાબદાર બની એમના સાત દિવસના 'નો મેસેજ નો કોલ' ના નિર્ણય માટે.

 

એ તરત જ પોતાના મનના વિચારો ખંખેરી નાખે છે અને ફરી લખે છે, "મેં મારો નિર્ણય લઈ લીધો છે, હવે સાત દિવસ પતવાની અને તારા જવાબની રાહમાં."

 

"બસ હવે બહુ થયું વિચારવાનું, રાજ આવે એ પહેલા મારે રૂટિન જિંદગીમાં ફરી સેટ થઈ જવું છે." સ્વગત જ બોલતા ઝલક ફોન સાઈડમાં મૂકે છે અને કંઇક વિચારીને પાછો હાથમાં લઈને એની બેન નિત્યાને મેસેજ કરે છે, "ગુડ મોર્નિંગ નિત, આજે આપણે મળીએ છીએ. મારે કોઈ પણ-બણ નથી સાંભળવું, તારે મેનેજ કરવું જ પડશે. બાય" અને એ ફોન સાઈડમાં મુકીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.

 

તો બીજી તરફ આઠ વાગી ગયા હોવા છતાં નૈનેશ ઉઠ્યો નહતો એટલે નમ્રતા એને ઉઠાડે છે. એક બે વાર ઉઠાડવા છતાં પણ નૈનેશ ના ઊઠતા એને શરારત સુઝે છે અને એ એના ભીના, ટપકતાં વાળ નૈનેશના મોઢા ઉપર હળવેથી ખંખેરે છે. શરીરમાં સુસ્તી હોવાથી એમ જ પડ્યો રહેલો નૈનેશ નમ્રતાને પોતાના આલિંગનમાં જ જકડી લે છે અને એમના મઘુર, પ્રસન્ન દામ્પત્ય જીવનની જેમ જ નૈનેશની પ્રસન્ન સવાર પડે છે. એનાથી છૂટા પડીને નીચે કિચનમાં જતાં જતાં નમ્રતા ફરી એક વાર એનું ધ્યાન સમય પર દોરે છે પણ રોજ ઑફિસ જવાની ઉતાવળમાં રહેતા નૈનેશને આજે બીજી કોઈ વાતની ઉતાવળ હતી.

 

એ વિચારે છે કે જો ઝલક એના જીવનમાં ના આવી હોત તો કદાચ એ અને નમુ ફરી પાછા આ હદે એકબીજામાં ઓતપ્રોત ના થઈ શક્યા હોત. એને અફસોસ થઈ જાય છે એ પળ પર જ્યારે એ ભાવનાઓમાં વહી ગયો અને જે નિમિત્ત બની એમને સાત દિવસ કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશનથી દૂર રહીને આગળ વિચારવા પર મજબૂર કરવા. ફોનમાં નવ વાગ્યાની મિટિંગની નોટીફિકેશન આવે છે, એ બધાં વિચાર ખંખેરીને ઉભો થાય છે અને ફટાફટ તૈયાર થઈને એ નીચે જાય છે ત્યારે બધાનો ચા નાસ્તો પતી ગયો હોય છે. એના પપ્પા એની ચિંતા કરતા પૂછે પણ છે કે બધું બરાબર તો છે ને.? કેમ ત્રણ ચાર દિવસથી એ થોડો વિચારોમાં હોય એવો લાગે છે.? જેના જવાબમાં એ થોડો વર્ક લોડ વધુ છે કહીને ઑફિસ જવા નીકળી જાય છે.

 

ઑગસ્ટ મહિનાના લીધે વાતાવરણમાં સખત બફારો હોય છે. કારમાં બેસીને નૈનેશ સૌથી પહેલા એસી ઓન કરે છે અને પેન ડ્રાઈવ ભરાવીને સોંગ ચાલુ કરે છે.

 

यूँ ज़िन्दगी की राह में मजबूर हो गए

इतने हुए करीब कि हम दूर हो गए

यूँ ज़िन्दगी की राह में...

ऐसा नहीं कि हमको कोई भी खुशी नहीं

लेकिन ये ज़िन्दगी तो कोई ज़िन्दगी नहीं

क्यों इसके फ़ैसले हमें मंज़ूर हो गए

इतने हुए करीब...

 

ચિત્રા સિંગના અવાજમાં સુંદર ગઝલ રેલાઈ રહી જેના શબ્દો સીધા એના દિલમાં ઉતરી રહ્યા હતા અને એના મનનાં અપરાધભાવને વધારી રહ્યા હતા. વિચારો ને વિચારોમાં એ એની ઑફિસ પણ પહોંચી ગયો અને પછી તો એના લંચ ટાઈમ સુધી એ સતત વ્યસ્ત જ રહ્યો. ટિફિન ખોલતા જ એને એની અને ઝલકની એ ખૂબસૂરત યાદો ઘેરી વળી કે કેવા એના લંચ પછી બંને જણ રોજ ચેટીંગ કરતા અને શું ખાધુંથી લઈને દુનિયાભરની વાતો કરતા. શરૂઆતમાં બે ત્રણ દિવસના અંતરાલે થતી ચેટીંગ ક્યારે રોજની આદત અને એમની જરૂરિયાત બની ગઈ એ બંનેને ખબર જ ના રહી અને જાણે એ બંને એક પ્રવાહમાં તણાતા જ ગયા. એકબીજાના પરિવાર, મિત્રો, આદતો.. કદાચ હવે એક પણ વાત એવી બાકી નહીં હોય કે એકબીજા વિષે એ લોકો જાણતા ના હોય. એના ફેસ પર એ પળો વિચારીને અનાયાસે જ સ્માઈલ આવી જાય છે અને એટલામાં નમ્રતાનો ફોન આવે છે.

 

"આજે તું વહેલો ઘરે આવજેને શોપિંગમાં જવું છે.?" નમ્રતાએ કહ્યું..

 

"તો રવિવારે જઈશુને. એના માટે ઑફિસથી વહેલા ઘરે આવવાની કયાં જરૂર છે.!?" નૈનેશે શોપિંગથી બચવા બહાનું કાઢ્યું.

 

"ના, આજે મેં નક્કી કર્યું એટલે જવું જ છે બસ. કેટલા વખતથી કહું છું તને કે તારા માટે સારી ટી-શર્ટ લઈ આવ પણ તું સાંભળતો જ નથી. આજે એક પણ બહાનું નથી સાંભળું તારું." નમ્રતા ઑર્ડર કરતી હોય એમ બોલી..

 

"હવે મારી જોડે હા પાડવા સિવાય બીજો રસ્તો જ ક્યાં છે.! બોલ કેટલા વાગે ઘરે આવું.?" શરણાગતિ સ્વીકારતો હોય એમ નૈનેશ બોલ્યો..

 

"સાંજે પાંચ વાગે નીકળીશું, એટલે એ રીતે આવી જજે ઘરે. અને હા આપણે ડિનર પણ બહાર જ કરીશું." નમ્રતા બોલી...

 

"ઓકે મેડમ, બીજુ કંઈ.?" નૈનેશે મજાકના સ્વરમાં કહ્યું...

 

"ના અત્યારે તો આટલું જ, પછી કોઈ કામ યાદ આવશે તો કહીશ." ખડખડાટ હસી પડતા નમ્રતા બોલી...

 

લગભગ સાડા પાંચની આસપાસ નૈનેશ અને નમ્રતા વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલના લાઇફ સ્ટાઇલ સ્ટોરમાં હતાં. અડધા પોણા કલાકમાં તો નૈનેશે પોતાની શોપિંગ કરી નાખી હતી અને હવે નમ્રતાએ એના માટે શોપિંગ ચાલુ કરી હતી. કલાક જેવું ફર્યા પછી નમ્રતા એના કપડાં લઈને ટ્રાયલ રૂમની લાંબી લાઇનમાં ઊભી હતી અને નૈનેશ ત્યાં થોડે દુર મોબાઈલમાં આવેલા મેસેજ ઉપર નજર મારતા એની રાહ જોઈને ઊભો હતો. એટલામાં જ જાણીતા પરફ્યુમની સ્મેલથી એનું ધ્યાન ખેંચાયું અને એણે નજર ઊંચી કરીને આજુબાજુ જોયું તો એને પોતાની આંખ પર વિશ્વાસ ના થયો. એનાથી લગભગ ત્રણ ફૂટની દૂરી ઉપર બ્લ્યુ ડેનિમ અને પિંક ટોપ પહેરેલી ઝલક એની ટ્રેડમાર્ક જેવી મુસ્કાન લઈને કોઈની જોડે વાત કરી રહી હતી. નૈનેશને એકવાર થયું કે એ કંઈ પણ કરીને ઝલકનું ધ્યાન આકર્ષિત કરે પણ પેલી પળે તરત જ એના મન ઉપર કાબુ લઈ લીધો અને એણે વિચાર માંડી વાળ્યો. એ સહેજ ખૂણામાં ઝલકનું ધ્યાન ના પડે એવી જગ્યાએ જઈને ઊભો રહ્યો અને ફરી પોતાનું ધ્યાન મોબાઈલમાં કેન્દ્રિત કર્યું. એવામાં એને લાગ્યું કે એ પરફ્યુમની સ્મેલ એની વધુ નજીક આવી રહી છે. એનું હૃદય બમણી ગતિથી ધડકવા લાગ્યું અને એના કાને એક અવાજ પડ્યો, એવો જ લાગણી સભર... "હેલો નૈનેશ.!"

 

નૈનેશ નજર ઊંચી કરીને જુવે છે. ત્યાં ફરી મંદ મંદ મુસ્કુરાતા ઝલક બોલે છે, "તું મને જોયા પછી ઈગ્નોર કરતો હતો ને.?"

 

"ના ડિયર એવું નથી.!" પહેલા તો નૈનેશ એની આદત મુજબ બોલી જાય છે પણ પછી તરત એને સંકોચ થઈ જાય છે અને એ ભૂલ સુધારતાં ફરી બોલે છે, "ના ઈગ્નોર એમ નહીં પણ આપણે પ્રોમિસ આપ્યું હતું અને જે પણ કંઈ બની ગયું પછી મને લાગ્યું કે હું તને સીધા સાત દિવસ પછી જ મળું.

 

"એક વાર ઝઘડો કરી લીધો પણ હવે મને ખબર છે કે તને વાતેવાતે ડિયર બોલવાની આદત છે." ઝલક હજી પણ એમ જ સ્મિત કરતા બોલતી હતી..

 

નૈનેશને પણ એમનો એ ઝઘડો યાદ આવી ગયો. અને એ તરત જ બોલ્યો, "હા આપણો પહેલો ઝઘડો હતો ને, એતો કેમનો ભૂલાય.! કેટલું ધ્યાન રાખ્યુ હતું તો પણ એક વાર ભૂલથી તને ડિયર કહેવાઈ ગયું હતું ને પછી સળંગ બે દિવસ તું મારી જોડે નહતી બોલી. કેટલા સોરીના મેસેજ કર્યા ત્યારે તું માની હતી અને તોય થોડા દિવસ તો ખપ પૂરતી જ વાતો કરતી. સાચું કહું ઝલક, ભલે એ વખતે હું તને બહુ ઓળખતો નહતો કે આપણી વચ્ચે ખાસ મૈત્રી નહતી પણ તને ખોવાનો એક ડર લાગી ગયો હતો મને એ વખતે.!"

 

"હા... તેં મને પહેલા કહ્યું જ હતુ કે તને તારા નજીકના લોકોને ડિયર કહેવાની આદત છે, તો પણ મને સખત ગુસ્સો આવી ગયો હતો. જોકે એ આપણી મૈત્રીની શરૂઆતના દિવસો હતા, અને તને તો ખબરને હું કેટલી અસુરક્ષિત મહેસુસ કરતી ત્યારે આપણી ઓનલાઇન મૈત્રીને લઈને.! તોય જોકે પછી ટૂંકા ગાળામાં જ આપણી વચ્ચે વિશ્વાસનો મજબુત સંબંધ બંધાઈ ગયો હતો અને તને મેં મારા જીવનની એવી વાતો શેર કરી જે મારા સિવાય કોઈ  નહોતું જાણતું. "નિર્ણય લીધા પછી હળવી થયેલી ઝલક એકદમ આત્મવિશ્વાસ સાથે બોલી...

 

નૈનેશ જાણે ઝલકના મનના વિચારો સમજવાની કોશિશ કરતો હોય એમ ઝલકની સામે જોઈ રહ્યો પણ ઝલકના ફેસ પર હજી સ્મિત એમ જ અકબંધ હતું અને એ જોઈને નૈનેશ વધુ મૂંઝવણમાં મૂકાતો હતો. "નૈનેશ યાદ છે પેલો દિવસ.?" ઝલક કંઇક કહેવા જતી હોય છે અને એનો કોલ આવે છે. સામે છેડે નિત્યા હોય છે જે કપડા ટ્રાય કરીને બહાર આવી ગઈ હોય છે અને ઝલકને શોધતી હોય છે. ઝલક આંખના ઇશારાથી જ નૈનેશને બાય કહી દે છે અને ત્યાંથી ચાલી જાય છે. અને ઝલકની  અધૂરી વાતનો તંત સાધતો હોય એમ નૈનેશ એ દિવસની યાદમાં ખોવાઈ જાય છે.

 

એ દિવસોમાં ઝલક અને નૈનેશની મૈત્રી એકદમ મજબૂત થઈ ગઈ હતી. રોજ રોજ ચેટ જેમાં રૂટિન વાતોથી લઈને, બૌદ્ધિક ચર્ચા અને એમનો પ્રિય વિષય ગઝલ તો ખરો જ જે એમને એકબીજાના જીવનનો એક મહત્વનો ભાગ બનાવતા જતાં હતાં. નૈનેશ દિવસે ને દિવસે ઝલકથી વધુ પ્રભાવિત થતો જતો હતો અને એના મનમાં ઝલક માટે માન અને સહજ લાગણી બંનેની ભાવના એક સાથે આકાર લઈ રહી હતી જે એની ઝલકને મળવાની ભાવનાને પ્રબળ કરી રહી હતી પણ ઝલક હજી ના મળવાના નિર્ણય પર અફર હતી.

 

અને એવામાં એક દિવસ ચેટમાં ઝલકે કહ્યું કે, "એ અને રાજ આજે સાંજે સાત વાગ્યાની આસપાસ અમદાવાદ વન મોલમાં રાજ માટે શોપિંગ કરવા જવાના છે." અને એક કોલેજીયનની જેમ એ પણ નમ્રતા જોડે શોપિંગનો પ્લાન બનાવીને ત્યાં પહોંચી ગયો હતો. આટલા મોટા મોલમાં ઝલક ક્યાં હશે એ શોધવામાં સમય બગાડ્યા કરતા એણે સીધો ફેસબૂક મેસેન્જર પર મેસેજ જ કર્યો કે, "કેવી ચાલે છે શોપિંગ.?" અને પાંચ મિનિટમાં ઝલકનો રિપ્લાય આવ્યો, "મસ્ત.." નૈનેશે તરત બીજો મેસેજ કર્યો, "હું ત્યાં લાઈફ સ્ટાઈલમાંથી શોપિંગ કરું." આ વખતે ઝલક કે તરત રિપ્લાય કર્યો, "અરે વાહ.! અમે પણ ત્યાંજ છીએ અત્યારે..." અને જવાબમાં નૈનેશે ખાલી સ્માઈલી મોકલ્યું અને સીધો લાઇફ સ્ટાઇલમાં મેન્સ સેક્શનમાં પહોંચી ગયો.

 

નમ્રતાનું ધ્યાન નૈનેશ માટે શર્ટ સિલેક્ટ કરવામાં હતું જ્યારે નૈનેશની નજર ચારે બાજુ ઝલકને શોધવામાં પડી હતી. આટલા મોટા સ્ટોરમાં એકદમ જ ઝલક મળી જાય એ શક્ય નહતું એટલે ફોનના ટાવરનું બહાનું બતાવી નમ્રતાને ત્યાં જ છોડીને સ્ટોરમાં ચક્કર લગાવવા નીકળે છે. હજી થોડો જ આગળ ગયો હોય છે ને ત્યાં એને ઝલક અને રાજ દેખાય છે. નૈનેશ ત્યાં ઝલકની એકદમ બાજુમાં જઈને ઝલકનું ધ્યાન એની ઉપર પડે એ રીતે પોતાના માટે સાઇઝની ઇન્કવાયરી કરે છે. એને જોઈને ઝલક રીતસરની ચોંકી જાય છે પણ રાજની સામે એ પોતાના ભાવ છૂપાવી જાય છે. એટલામાં જ રાજ ટ્રાયલ કરવા જાય છે અને એ બંનેને વાત કરવા માટે પાંચેક મિનિટ જેટલો સમય મળી જાય છે.

 

ઝલક કંઈ બોલવા જાય એ પહેલા જ નૈનેશ બોલે છે, "સોરી ઝલક, મને ખોટો ના સમજીશ પણ એક વાર મારે તને જોવી હતી. અત્યારે સમય ઓછો છે એટલે હું મારા મનના ભાવ સમજાવી નહીં શકું પણ મારે તને મળવું હતું, તારી જોડે આમને સામને બેસીને વાત કરવી હતી પણ તું એના માટે તૈયાર નહતી તો થયું ભલે દૂરથી પણ આમ એટલીસ્ટ હું તને જોઈ તો શકીશ, અને જો તારી જોડે વાત કરવાની પણ તક મળી ગઇ.!" નૈનેશ જે રીતે એકી શ્વાસે બધું બોલી ગયો ઝલક હસી પડી અને બોલી, "કંઈ વાંધો નહીં, મને પણ ગમ્યું તને આમ મળવું. તું ફોટામાં જેવો દેખાય છે એનાં કરતાં પણ રિયલમાં વધુ યંગ અને તરવરાટ ભર્યો લાગે છે અને જોને લક્ષણો પણ એવા જ છે એક કોલેજીયન જેવા.!" ઝલક ખડખડાટ હસી પડતા બોલે છે. એટલામાં રાજ ટ્રાયલ રૂમમાંથી બહાર આવે છે , એ જોઈને ઝલક અને નૈનેશ ફરી અજનબી બની જાય છે અને નૈનેશ પાછો નમ્રતા જોડે જતો રહે છે અને શોપિંગમાં વ્યસ્ત થઈ જાય છે.

 

બીજા દિવસે રોજના સમયે નૈનેશ મેસેજ કરીને ફરી એના વર્તન પર માફી માંગે છે અને પોતાને ખોટો ના સમજવા વિનંતી કરે છે. તો બીજી બાજુ ઝલકને મસ્તી કરવાની ઈચ્છા થાય છે અને એ નૈનેશના મેસેજ જોઈને પણ રિપ્લાય નથી આપતી. નૈનેશને હવે પોતાના વર્તન પર ખૂબ જ પસ્તાવો થતો હોય છે, એને થાય છે કે એણે ઝલકને કોઈ ગેરસમજ થઈ હોય તો એ દૂર કરવા એક વાર એની જોડે વાત કરવી પડશે અને એ મેસેન્જર પરથી કોલ કરે છે. ઝલક જાણતી હોય છે નૈનેશના દિલની પારદર્શિતા તો પણ અચાનક કોલ આવવાથી એના ધબકારા તેજ ગતિથી ચાલવા લાગે છે, પળ બે પળ વિચારીને એ ફોન ઉપાડે છે. હજી ઝલક હેલો બોલે છે ત્યાં તો નૈનેશ માફી માંગવાનું અને એનો પક્ષ રાખવાનો ચાલુ કરી દે છે. નેટ સ્લો હોવાથી અવાજ કપાતો હોય છે અને એ નૈનેશની વાત સરખી સાંભળી નથી શકતી પણ એના અવાજમાં રહેલી સચ્ચાઈ ઝલકને સ્પર્શી જાય છે. એ કંઈ પણ વધુ બોલ્યા વિના પોતાનો ફોન નંબર બોલે છે અને નૈનેશને એની ઉપર કોલ કરવા કહે છે.

 

એક સ્ત્રી હોવા છતાં કેટલી સહજતાથી એણે મને એનો ફોન નંબર આપી દીધી. કેટલો વિશ્વાસ છે એને મારી ઉપર અને મારા લાગણીના આવેગોએ અમને અહીંયા લાવીને મૂકી દીધા. "કેમ હું મારી ભાવનાઓને રોકી ના શક્યો.?" જાત સાથે જ દલીલ કરતાં નૈનેશના હાથની મુઠ્ઠી સખત ભીડાઈ ગઈ હતી. એના ચેહરા પર પોતાના માટેનો રોષ સાફ દેખાઈ આવતો હતો અને ત્યાં જ ઝલક કોઈનું ધ્યાન ના જાય એમ હળવેથી એનો હાથ દબાવતી ત્યાંથી પસાર થઈ જાય છે. એના હાથમાં રહેલી ઉષ્મા અને સાંત્વના અનુભવતો એ ત્યાં કોઈ પૂતળાની જેમ સ્થિર થઈ જાય છે ત્યાં જ નમ્રતાના કોલની રિંગ એને સભાન અવસ્થામાં લાવીને મુકી દે છે.

 

***

 

એવી તો કઈ વાત હશે જે એક બાજુ નૈનેશને પોતાના પર જ આટલો રોષ કરવા મજબૂર કરી રહી છે,તો બીજી બાજુ ઝલકના મનમાં પણ નિર્ણય લેતા ઉભરી આવે છે.??

ઝલકના નિર્ણય પર એ વાતે શું અસર કરી હશે.??

એ નૈનેશ અને ઝલકનું ભાવિ શું આગળ પણ જોડાયેલું રહેશે કે બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ જશે.??

આ પ્રશ્નોના જવાબ જાણવા વાંચતા રહો સમાંતર..

 

©શેફાલી શાહ

 

***

 

વાર્તા વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...

 

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.

Insta - : shabdone_sarname_

 

જય જીનેન્દ્ર...

 

શેફાલી શાહ

Rate & Review

Shefali

Shefali Matrubharti Verified 2 years ago

પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરવા માટે..

Jalpa Sheth

Jalpa Sheth 1 year ago

Rajiv

Rajiv 2 years ago

Piyusha

Piyusha 2 years ago

Chaudhari sandhya