આગે ભી જાને ના તુ - 13 in Gujarati Novel Episodes by Sheetal books and stories Free | આગે ભી જાને ના તુ - 13

આગે ભી જાને ના તુ - 13

પ્રકરણ - ૧૩/તેર

ગતાંકમાં વાંચ્યું......

ખીમજી પટેલ દ્વારા સર્પાકાર કમરપટ્ટાનું રહસ્ય તેમજ પોતે જ આમિર અલી હોવાનો એકરાર સાંભળી રતન અને રાજીવ વિધિએ રચેલી વિચિત્ર માયાજાળમાં અટવાઈ ગયા. તરાના ક્યાં અલોપ થઈ હશે, આગળ શું થયું હશે એ જાણવાની તાલાવેલીમાં બંને હજી ખીમજી પટેલની ડેલીએ જ બેસી રહ્યા.....

હવે આગળ......

અનન્યા વહેલી સવારે જ પોરબંદરથી વડોદરા આવવા એને લેવા આવેલ માલતીમાસીના દીકરા મનન અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ લીના સાથે નીકળી ગઈ હતી. મનન માલતીમાસીનો નાનો પુત્ર હતો, એમનો મોટો દીકરો કરણ અમેરિકામાં ભણી પરણીને ત્યાં જ સેટ થઈ ગયો હતો. પોરબંદરથી વડોદરા આવતાં રસ્તામાં પથરાયેલી લીલી વનરાજી પર મહોરેલી વસંતની રંગછટાનો નજારો માણતા ને વાતો કરતા ત્રણે મસ્તીથી સફર કાપી રહ્યા હતાં.

"મનનભાઈ, આગળ ચાની લારી આવે તો ગાડી રોકજો ને, ચા પીવાની ઈચ્છા થઈ છે અને આ લીના તો ચાની ચટ્ટી છે. ઓફિસમાં પણ આખા દિવસ દરમિયાન આઠ-દસ કપ ચા તો એના ગળેથી હોજરીમાં ઠલવાય જ છે. મને ચા નહિ મળે તો ચાલશે પણ લીનાની હોજરીમાં ચાની હાજરી જરૂરી છે." બોટ નેકના ઓફ વ્હાઇટ ટોપ અને બ્લેક કેપ્રી પહેરેલી અનન્યા ચહેરા પર લહેરાઈ રહેલી વાળની લટોને આંગળીઓથી સરખી કરી રહી હતી. લટોની આડમાં એનો અડધો છુપાયેલો સુંદર ચહેરો વાદળોની વચ્ચેથી ડોકિયું કરતા પૂનમના ચંદ્રની યાદ અપાવતો હતો.

"બસ બસ ચિબાવલી, ચાની તલપ લાગી છે કે રાજીવ સાથે ચટ મંગની પટ બ્યાહ કરવાની તલપ લાગી છે, ખરુંને મનનભાઈ. હા.....શ.... આખરે આ અનન્યાથી મારો પીછો તો છૂટશે. છેલ્લા વીસ વર્ષોથી એ મારી સાથે ને સાથે જ છે. પહેલા  સ્કૂલ, પછી કોલેજ, અરે ચેન્નાઈમાં પણ સાથે અને એક જ ઓફિસમાં જોબ મળતા ત્યાં પણ સાથે. આખરે માતાજીએ મારી પ્રાર્થના સાંભળી ખરી. હવે જોવાનું છે કે મને સાસરું ક્યાં મળે છે ક્યાંક એવું ના બને કે ત્યાંય આ છોકરી મારી પાછળ આવી પહોંચે" લીનાના મુક્ત હાસ્યમાં હવે આછા રુદનનો સમાવેશ થઈ રહ્યો હતો. આંખોની કોર દુપટ્ટાથી લૂછી પોતાને ફરી પહેલા જેવી સ્વસ્થ બનાવતી લીના કારમાં જ અનન્યાને ભેટી પડી.

"એ....ઈ.... અત્યાર સુધી તો હું તારી પાછળ આવતી હતી પણ હવે તું મારી પાછળ પોરબંદર આવીશ, જોજે તું,"અનન્યાનો સ્વર પણ ભરાઈ આવ્યો હતો.

થોડીવારમાં જ રસ્તામાં ચાની લારી દેખાતા મનને કાર લારી પાસે લીધી. સ્પેશિયલ મસાલા ચાની સાથે ફાફડા અને ચટણીની લિજ્જત માણી ત્રણે પાછા કારમા ગોઠવાયા અને મનને વડોદરા તરફના રસ્તે કાર હંકારી મૂકી.

"જલસો પડી ગયો નહીં. આપણા ગુજરાતીઓને તો સવારના બ્રેકફાસ્ટમાં ચા જોડે જો ફાફડા મળી જાય તો તો સોને પે સુહાગા. ફાફડાને તો ગુજરાતનું સ્ટેટ ફૂડ જાહેર કરી દેવું જોઈએ એવું મારું માનવું છે," રસ્તા પર આવતા વળાંકો સાથે મનને પોતાના મનના વિચારોને પણ વળાંક આપ્યો.

શહેર કરતા ગામના રસ્તાઓ પર ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યા ઓછા પ્રમાણમાં હોવાથી કાર સડસડાટ જઈ રહી હતી.

બપોરે એક કાઠિયાવાડી ઢાબે મનને કાર રોકી, ત્યાં સ્વાદિષ્ટ કાઠિયાવાડી ભોજન જમી અને ઠંડી મસાલા છાસ પીને ત્રણે કારમાં બેસી આગળ વધ્યા અને સાંજ સુધીમાં તો ત્રણે માલતીમાસીના બંગલે પહોંચી ગયા જ્યાં માલતીમાસીએ પહેલેથી જ ઉપરના ગેસ્ટરૂમમાં અનન્યા અને લીનાની રહેવાની વ્યવસ્થા કરી રાખી હતી. નોકર એ બંનેની બેગો ઉપર રૂમમાં મૂકી આવ્યો હતો અને અનન્યા અને લીના બંને માલતીમાસીને મળી જર્નીનો થાક ઉતારવા અને ફ્રેશ થવા ઉપર ગેસ્ટરૂમમાં ગઈ.

                          ***        ***       ***

"ખીમજી પટેલના પાત્રની આડમાં છુપાયેલો હું પોતે જ આમિર અલી છું" આ વાક્ય સાંભળતા જ રતન અને રાજીવ આશ્ચર્યમિશ્રિત આંચકો ખાઈ ગયા. બંનેના કપાળે પરસેવો વળી રહ્યો હતો.

"પ....ણ...... ખીમજીબાપા, એક વાત નથી સમજાતી, જો તરાના ગાયબ થઈ ગઈ હતી તો તમને આખી ઘટનાની જાણકારી એને મળ્યા વગર કેવી રીતે મળી? મને તો દાળમાં કાંઈક કાળું લાગે છે, એવું તો નથી ને કે તમે અમારાથી કોઈ વાત છુપાવી રહ્યા છો." રાજીવે મનમાં ઘૂંટાતો પ્રશ્ન પૂછ્યો.  રતન પણ ક્યારનો એ જ વિચારી રહ્યો હતો. ચક્રવ્યૂહનું એક વર્તુળ પૂરુ કરે ત્યાં બીજું તૈયાર જ રહેતું હતું. રાજીવ અને રતન એવી ભૂલભુલામણીમાં ભુલા પડ્યા હતા કે જેમ જેમ બહાર નીકળવાની કોશિશ કરતા તેમ તેમ વધુ મૂંઝવણમાં ઘેરાઈ જતા હતા. ખીમજીબાપાએ વર્ણવેલી ઘટના હકીકત છે કે કોઈ અઘટિત વાર્તા એ સમજવામાં બંને જણ નિષ્ફળ નિવડ્યા હતા. ખીમજી પટેલ જે કહે એ જ સત્ય માની લેવામાં જ હમણાં ભલાઈ છે એટલું એમને સમજાઈ ગયું હતું.

"પપ્પા સાચું જ કહેતા હતા, ખીમજીબાપાનો ભરોસો કરવા જેવો નથી. જે વ્યક્તિ આટલા વર્ષોથી ખીમજી પટેલના વેશે રાજપરામાં વસી રહી છે એ ખરેખર તો ખીમજી પટેલ છે જ નહીં" રાજીવ મનોમન વિચારતો અનંતરાયની વાતનું અનુસંધાન  મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, "કોઈક કડી તો છે જે અહીં ખૂટી રહી છે, એ ખૂટતી કડી શોધવી જ રહી તો જ આ ગૂંચવાયેલા કોકડાનો ઉકેલ મળી શકશે."

રતન અને રાજીવના પરસેવાગ્રસ્ત નિરાશ ચહેરા જોઈ ખીમજી પટેલના ચહેરા પર લુચ્ચું સ્મિત રમી રહ્યું હતું અને આંખોમાં સેંકડો સાપ સળવળી રહ્યા હતા.

"ખીમજીબાપા, અમે તમને હાથ જોડી વિનંતી કરીએ છીએ કે સત્ય-અસત્યના તાણાવાણામાં અમને વધુ નહીં ગુંચવો. ક્યાંક એવું તો નથીને કે તમારી જેમ તરાના પણ ક્યાંક વેશપલટો કરી જીવે છે કે પછી ક્યાંક તમે જ એને મારીને ઉપર પહોંચાડી દીધી છે." રતનના આવા અણધાર્યા સવાલથી ખીમજી પટેલ ચોંકી ઉઠ્યા.

"હવે આ બંનેને સત્ય કહી દેવું જ સારું નહીંતર આ બંને તો મારી કબર ખોદીને પણ છુપાયેલું રહસ્ય શોધી લાવશે એમાંના છે અને જો આ બંનેને સત્ય હકીકત જણાવીશ તો બની શકે કે આ બંને પાસેથી મને મારી મૂંઝવણનો પણ ઉકેલ મળી જાય. હવે મારે કોઈ મેલી રમત નથી રમવી. આખી જિંદગી નીકળી ગઈ પણ ના તો તરાનાનો કોઈ પત્તો મળ્યો કે ન તો કમરપટ્ટો હાથમાં આવ્યો. અનંતરાય પર અંધારામાં છોડેલું તીર નિશાને લાગ્યું છે કે નહીં એ પણ ખબર નથી. એમની પાસે પણ કમરપટ્ટો છે કે નહીં અલ્લાહ જાણે," મનમાં મૂંઝવણ સાથે ચહેરા પર ચિંતાના ભાવ થકી એમના હાથ અનાયાસે જ આકાશ તરફ એક અણકહી પ્રાર્થનાની દિશામાં ઉઠી ગયા જાણે એ ખુદા પાસે મદદની માંગણી કરી રહ્યા હતા કે પછી રતન અને રાજીવને મોકલવા બદલ ખુદાનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા.

બાજુમાં રહેલ ગ્લાસમાંથી બે-ત્રણ ઘૂંટડા પાણી પી ફરીથી બીડી સળગાવી, ખોંખારો ખાઈને ખીમજી પટેલ ઉભા થયા અને ધીમે પગલે આંગણામાં આંટા મારવા લાગ્યા. એમના ચહેરા પર વાત કહેવી કે નહીં નો ભાવ હજી સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બીડી માટીમાં નાખી પગેથી ઓલવી ખીમજી પટેલ પાછા પલંગ પર ગોઠવાયા.

"બાપા, હવે વધુ રાહ ના જોવડાવો, આટલા વર્ષોથી દિલમાં જે દાસ્તાન ધરબીને બેઠા છો એને ઉલેચવાનો સમય આવી ગયો છે. મનની મૂંઝવણ બહાર ઠાલવી નાખો." રતન ખીમજી પટેલની બાજુમાં બેસી એમની પીઠ પર પોતાનો મજબૂત હાથ પસરાવવા લાગ્યો.

"હમમમમમ....., કહું છું, હવે આગળની સાચી વાત કહે જ છૂટકો છે ત્યાં સુધી તમારા બંનેના અને મારા પણ મનનો ભાર ઓછો થવાને બદલે વધતો જશે. મને પણ એવું લાગે છે કે તમારા બંને પર વિશ્વાસ કરી શકાય એમ છે. તો સાંભળો...." કહી ખીમજી પટેલે તરાનાની વાત આગળ વધારી.

"એ દિવસે હું જોધપુરથી વહેલો જ પાછો ફરી રહ્યો હતો પણ એ સુસવાટાભરી સાંજ કાળમીંઢ વાદળઘેરી રાતમાં બદલાઈ ગઈ હતી. કાજળઘેરું અંધારું, ધોધમાર વરસતો વરસાદ અને અજાણ્યો રસ્તો. હું ને મારું ઊંટ બંને અંધારી વાટમાં વીજળીના ચમકારામાં ધીમે ધીમે મારગ કરતા આગળ વધતા હતા. તરાનાને એકલી મુકવાનો મનમાં અજબ ડર પણ હતો અને વરસાદ થોભવાનું નામ નહોતો લેતો. જેમતેમ કરી હું આઝમગઢ પહોંચ્યો ત્યારે મધરાત જેવું વાતાવરણ હતું. પોતાની જાણીતી ભોમકા પર પગ મુકતા જ મારામાં અને ઊંટમાં એક અજાણી શક્તિનો સંચાર થયો હોય એવું લાગ્યું પણ કશુંક અજુગતું બનવાની આગોતરી જાણ જાણે થઈ ગઈ હોય એમ મારો ઊંટ રીતસર પવનવેગે દોડતો, મને ઘસડતો અમારી હવેલીએ પહોંચ્યો. હરિલાલને દરવાજે ના જોતાં મારા મનમાં ફાળ પડી, મેં ઊંટ પરથી નીચે ઉતરી ને દોટ મૂકી. જોયું તો દરવાજો અધખુલ્લો જ હતો. બે દાદરા એકસાથે કુદવતો હું ક્ષણભરમાં અમારા ઓરડામાં પહોંચ્યો. ત્યાં જોયું તો પલંગ પર પાથરેલી ચાદર અસ્તવ્યસ્ત હતી અને કેટલોક સામાન પણ વિખરાયેલો હતો જાણે કોઈના વચ્ચે ઝપાઝપી થઈ હોય. ઓરડામાં ચારેતરફ નજર ફેરવી પણ કોઈ દેખાયું નહીં, ત...રા...ના..., ત...રા....ના... ની બુમો પાડતો હું ઉપર નીચે હવેલીના બધા જ ઓરડામાં ફરી વળ્યો પણ ક્યાંય તરાના, લાજુબાઈ કે એમની દીકરીનો પત્તો ન હતો. ફરી એકવાર ઉપર ઓરડામાં જોવાના વિચારે પાછો ઉપર ગયો. અચાનક ધીમા સળગતા ફાનસને જોઈ ફાનસની વાટ ઉંચી કરી અજવાળું વધાર્યું. ફાનસ હાથમાં લઈ હું ઓરડામાં આછા અજવાળામાં જોઈ રહ્યો હતો ત્યાં જ મારું ધ્યાન પલંગના પાયા પાસે પડેલી વીંટી પર પડ્યું. વીંટી હાથમાં લઈ જોયું તો એ વીંટી અર્જુનસિંહની હતી. મારા મનમાં ચાલતી મૂંઝવણનો ઉકેલ જડતો હોય એવું લાગ્યું. મેં ફરી ઓરડામાં નજર દોડાવી ફાનસ હાથમાં લઈ નીચે ઉતરી ઊંટ પર ચડી તરાનાની શોધમાં ચાલી નીકળ્યો. સૌથી પહેલા હું ઉદયસિંહના મહેલ તરફ વધ્યો. થોડોક આગળ ગયો હોઇશ ત્યાં જ મને ત્રણ પડછાયા સામે આવતા દેખાયા. તરાનાની આહટ ઓળખી ગયો હોય એમ મારુ ઊંટ આગલા પગ ઉછાળવા લાગ્યો અને સામે તરાના પણ ઊંટને ઓળખી ગઈ એમ દોડતી મારી પાસે આવી એની પાછળ પાછળ લાજુબાઈ અને એમની દીકરી પણ દોડતા આવ્યા. તરાનાના ફાટેલા વસ્ત્રો અને આંસુ વહેતી આંખો વગર જ આખી કહાણી બયાન કરી રહ્યા હતા. તરાનાને ઊંટ પર બેસાડી, હું લાજુબાઈ અને એમની દીકરી સાથે અમારી હવેલી તરફ ચાલવા લાગ્યો. થોડીવારમાં હવેલીએ પહોંચ્યા પછી સૌ પ્રથમ તરાનાને ખુરસીમાં બેસાડી લાજુબાઈને પાણી લાવવા માટે કહ્યું. લાજુબાઈએ પાણી લાવી તરાનાને આપ્યું અને મારા અંદર જવાના કહેવાતા ઈશારે એ એમની દીકરીને લઈ એમના ઓરડામાં જતા રહ્યા. પાણી પીધા પછી થોડી સ્વસ્થતા કેળવી તરાનાએ માંડીને ટૂંકાણમાં બધી વાત કરી. એના દિલમાં ભભૂકતો ક્રોધનો જ્વાળામુખી રુદન બની આંખોથી વહેવા લાગ્યો. મનોમન એક નિર્ણય લઈ મેં લાજુબાઈને બહાર બોલાવ્યા અને જરૂરી સામાનના પોટલા બાંધવા કહ્યું. હું અને તરાના પણ જોઈતો સામાન લઈ પોટલા બાંધી હવેલીમાંથી બહાર નીકળ્યા. તરાના અને લાજુબાઈની દીકરીને ઊંટ પર બેસાડી, હું અને લાજુબાઈ હવેલી અને આઝમગઢને છેલ્લી નજરે સલામી ભરી ભારે હૈયે રાતોરાત આઝમગઢ છોડી અજાણી દિશામાં ચાલી નીકળ્યા.

વધુ આવતા અંકે......

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


Rate & Review

Jigisha Shah

Jigisha Shah 3 months ago

Parash Dhulia

Parash Dhulia 8 months ago

Kinnari

Kinnari 10 months ago

Vijay Raval

Vijay Raval Matrubharti Verified 10 months ago

Shetal Shah

Shetal Shah 11 months ago