આગે ભી જાને ના તુ - 16 in Gujarati Novel Episodes by Sheetal books and stories Free | આગે ભી જાને ના તુ - 16

આગે ભી જાને ના તુ - 16

પ્રકરણ - ૧૬/સોળ

ગતાંકમાં વાંચ્યું.....

આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ, તરાના, લાજુબાઈ અને એમની દીકરી સાથે વલ્લભરાય પારેખના ઘરે વેજપર આવી પહોંચે છે પણ ત્યાં સલામતી જોખમાતા એ લાજુબાઈની મદદથી તરાનાને લઈ ત્યાંથી નીકળી જાય છે.....

હવે આગળ.....

"શેઠ.......શેઠ......ઉઠો," દરવાજે પડી રહેલી થાપના અવાજથી વલ્લભરાય અને નિર્મળા સફાળા જાગી ગયા અને દરવાજો ખોલતાં જ સામે વિખરાયેલા વાળ અને રડીને સુઝેલી આંખોવાળી લાજુબાઈને જોઈ બંને ડઘાઈ ગયાં. દોડતી લાજુબાઈની પાછળ દોડી જઇ વલ્લભરાય ઓરડીમાં આમિર અલી અને તરાનાને ન જોતા પોતાની અસ્વસ્થ જાતને સંભાળતા દીવાલને ટેકે ઉભા રહી ગયા.

"શું થયું....." વલ્લભરાયની પાછળ આવતા નિર્મળાએ વલ્લભરાયની અસ્વસ્થતા જોઈ એમનો હાથ પકડી નીચે બેસાડી પોતાના સાડલાના પાલવથી એમના ચહેરા પર હવા કરવા લાગી અને લાજુબાઈને પાણી લાવવા માટે ઈશારો કર્યો. લાજુબાઈ ઓરડીમાં મુકેલી માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવીને નિર્મળાના હાથમાં આપ્યો. નિર્મળાએ પોતાના હાથે વલ્લભરાયને પાણી પીવડાવ્યું, હવે વલ્લભરાયનો જીવ જરા હેઠે બેઠો. ચહેરા પર પાછી સ્વસ્થતા લાવી એમણે નિર્મળાને આમિર અલી અને તરાનાની ઓરડીમાંથી ગુમ થઈ જવાની વાત કરી. વલ્લભરાયની વાત સાંભળી નિર્મળાને પણ આંચકો લાગ્યો.

"શેઠ, સવારે જ્યારે ઉઠીને માલિક અને તરાનાને ન જોતાં હું તરત જ બહાર નીકળી અને ઓરડીની આજુબાજુમાં, પાછળ પરસાળમાં અને આંગણામાં પણ જોઈ આવી પણ ક્યાંય એ બંને ના દેખાતા હું સીધી તમારી પાસે દોડી આવી. શેઠ, મને બહુ ચિંતા થાય છે, બંને ક્યાં ગયા હશે?" વલ્લભરાય અને નિર્મળાને લાજુબાઈના મગરમચ્છ જેવા નકલી આંસુની  કલ્પના પણ નહોતી. એ બંને તો પાછલી રાતે ઘટેલી ઘટનાથી તદ્દન અજાણ હતા. આમિર અલી અને તરાનાને વેજપરથી સહીસલામત ભગાડવામાં લાજુબાઈનો હાથ છે અને એના અસલી જેવા લાગતા અભિનયથી બંને અંજાઈ ગયા હતા, પણ હવે શું કરવું? જો આ ખબર આઝમગઢ સુધી પહોંચી ગઈ તો .....? અને અત્યારે આઝમગઢમાં પણ શું સ્થિતિ હતી અને એનું પરિણામ આગળ કેવું આવશે એની પણ ક્યાં ખબર હતી?...

                          ***        ***      ***

જે વરસાદી રાતે આમિર અલી અને તરાના આઝમગઢથી ભાગી છૂટ્યા હતા એના પછીના દિવસે જ્યારે મહેલના ચોકીદારે સવારે અર્જુનસિંહ અને હરિલાલની લાશો મહેલના દરવાજા પાસે પડેલી જોઈ એવો એ હાંફળોફાફળો થતો રાજા ઉદયસિંહ પાસે જઇને જાણ કરી. રાજા ઉદયસિંહ ઉઘાડા પગે દોડતા દોડતા મહેલની બહાર આવ્યા. અર્જુનસિંહ અને હરિલાલની લાશો જોઈ એમણે પોતાના ચોકીદારોને ચારેતરફ દોડાવી મુક્યા. બંને લાશો જોઈને એકવાર તો એમ જ લાગ્યું કે અર્જુનસિંહ અને હરિલાલ સર્પદંશથી મૃત્યુ પામ્યા હોય પણ ઉદયસિંહનું દિલ આ વાત માનવા કોઈ કાળે રાજી નહોતું. એમણે જે પ્રકારે અંદરથી જે બેચેની અનુભવી અને એમની પારખી નજર એટલું તો સમજી જ ગઈ કે અર્જુનસિંહ અને હરિલાલની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી હતી. ત્યાં તો એક ચોકીદારે આમિર અલી, તરાનાની લાજુબાઈ અને એમની દીકરી સહિત ફરાર હોવાની ખબર આપી. આમિર અલીની ભાગી છૂટ્યાની ખબર સાંભળી રાજા ઉદયસિંહના મનમાં રહેલો અંદેશો સાચો પડ્યો. એ સમજી ગયા કે અર્જુનસિંહ અને હરિલાલ બંનેના કતલ આમિર અલીએ જ કર્યા હોવા જોઇયે પણ કેવી રીતે અને ક્યા કારણસર એ સમજાતું નહોતું. ત્યાં જ આઝમગઢના રહેવાસી અને રાજા ઉદયસિંહના વિશ્વાસુ એવા સામંતે આવીને વેજપરથી આવેલા વલ્લભરાયના ટ્રંકકોલની વાત ઉદયસિંહના કાનમાં કહી. રાજા ઉદયસિંહે તરત જ પોતાના ચુનંદા સિપાહીઓને બોલાવી વેજપરથી આમિર અલીને જીવંત કે મૃત પકડી લાવવાનું ફરમાન છોડ્યું પણ એમને ક્યાં ખબર હતી કે આમિર અલી તો તરાનાને લઈને ત્યાંથી પણ ભાગી છૂટ્યો છે. રાજાનું ફરમાન માથે ચડાવી સિપાહીઓએ વેજપર તરફ પોતાના ઘોડા દોડાવ્યા.

                        ***         ***       ***

આ તરફ આમિર અલી અને તરાના ઊંટ પર સવાર થઈ વેજપરથી માઈલો દૂર પહોંચી ગુજરાતના એક નાનકડા ગામડે પહોંચી ગયા હતા. ઊંટને તો એમણે વચ્ચે જ એક જંગલ જેવા લાગતા વેરાન પ્રદેશમાં છોડી દઈ ત્યાંથી પગે ચાલતા ચાલતા એ બંનેએ નાના ગામની ધર્મશાળામાં આશરો લીધો હતો. રઝળપાટથી થાકીને બંને જણ ત્યાં રોકાઈ ગયા હતા.

"આ....મિ...ર, આમિર..... " તરાના સામાનનું પોટલું ફંફોસતા બૂમ પાડી.

"શું થયું તરાના, કેમ ગભરાયેલી લાગે છે," આમિરે પાસે આવી એના ખભે હાથ મુક્યો.

"આમિર.... મારો  ક..મ..ર.. પટ્ટો, મારો કમરપટ્ટો નથી જડતો. બધું શોધી લીધું. જ્યારે આપણે વેજપર હતા ત્યારે બપોરે સુતા પહેલાં મેં તકિયા નીચે મુક્યો હતો અને રાતે ભાગતાં પહેલાં મેં એ કમરપટ્ટો આ પોટલમાં જ, મારા કપડાંની જોડ વચ્ચે સંતાડયો હતો. આમિર.... મને મારો કમરપટ્ટો જોઈએ," આંખે વહેતા આંસુ સાથે તરાનાનો સ્વર પણ હિબકે ચડ્યો હતો.

"તરાના...., શાંત થઈ જા, લે પહેલાં પાણી પી પછી શાંત ચિત્તે વિચાર અને લાવ, આ... પોટલું મને આપ, હું જોઉં છું," આમિરે તરાનાને પાણીનો ગ્લાસ આપી શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને પોતે પોટલું ખોલી ચકાસવા લાગ્યો.

"જોયું.... હું નહોતી કે'તી કે પોટલામાં કમરપટ્ટો નથી. આ પોટલામાં આપણા બેઉના બે-બે જોડ કપડા અને આ રાણીછાપ રૂપિયા ભરેલો બટવો અને મારા દાગીના ભરેલી આ પોટલી. મારા કપડાંની વચ્ચે જ મેં કમરપટ્ટો મુક્યો હતો અને જ્યારે મેં કમરપટ્ટો પોટલામાં મુક્યો ત્યારે ઓરડીમાં પેલી લાજુબાઈની છોડી સિવાય પણ કોઈ નહોતું, તો પછી કમરપટ્ટો ગયો ક્યાં. રસ્તામાં પણ આપણે ક્યાંય પોટલી ખોલી નથી. રસ્તાખર્ચી માટે થોડાક રૂપિયા તો તેં તારી પાસે મુક્યા હતા. આ...મિ...ર, મને કમરપટ્ટો લાવી દે," રડતાં રડતાં તરાનાએ આમિરને હચમચાવી નાખ્યો.

"તરાના, તું શાંતિથી બેસ અને યાદ કર કે કમરપટ્ટો પોટલીમાં મુક્યા પછી તું એકલી ક્યાંય ગઈ હતી? યાદ કરવાની કોશિશ કર," આમિરે તરાનાની બાજુમાં બેસી એનો હાથ પકડી બીજા હાથે તરાનાની પીઠ પસરાવવા લાગ્યો.

"બીજે ક્યાંય તો હું ગઈ જ નહોતી. અરે..... હા, યાદ આવ્યું, સાંજે જમીને હું ઓરડીની પાછળ પરસાળમાં થોડીવાર બેઠી હતી ત્યારે તું શેઠ જોડે વાત કરતો બેઠો હતો અને લાજુબાઈ રસોડામાં શેઠાણીને મદદ કરી રહી હતી. છોડી તો મારી પાસે જ બેઠી'તી. પછી હું હળવી થવા પરસાળ પાછળની મોરીમાં ગઈ'તી જ્યાંથી બહાર નીકળતા મેં વલ્લભશેઠને પરસાળમાં આવતા જોયા'તા ને લાજુબાઈ ઓરડીમાંથી કચરો વાળી બહાર કચરો ફેંકવા નીકળી હતી અને તું પણ ઓરડીની બહાર બીડી પીતો ઉભો હતો." તરાનાએ પોતાને જે યાદ આવ્યું એ આમિર અલીને કહ્યું. આમિર અલી ઉભો થઇ વિચારવા લાગ્યો કે કમરપટ્ટો આખરે લીધો કોણે? લાજુબાઈએ કે વલ્લભશેઠે?

"તરાના... હું કંઈક કરું છું. તું રડ નહીં. જો... આપણને એ ખબર નથી કે કમરપટ્ટો ક્યાંક પડી ગયો છે કે પછી લાજુબાઈ કે વલ્લભશેઠ એ બંનેમાંથી કોઈએ સગેવગે કર્યો છે. તું સરખું યાદ કર કમરપટ્ટો તેં પોટલામાં બરાબર મુક્યો હતો ને?" આમિર અલી હજી તરાનાને સમજાવી રહ્યો હતો, "એમ કરીએ નાહીને થોડું ખાઈ લઈએ અને થોડીવાર આરામ કરી લઈએ પછી વિચારીએ, ત્યાર સુધીમાં કદાચ કાંઈક યાદ આવી જાય અને કમરપટ્ટો આપણને પાછો મળી જાય."

આમિર અલીની વાત તરાનાના મનમાં બેસી ગઈ અને એ માની ગઈ. આમિર અલી નાહી-તૈયાર થઈને ધર્મશાળાની ભોજનાલયમાંથી બે થાળી જમવાનું લઈ આવ્યો ત્યાર સુધી તરાના પણ નાહીને તૈયાર થઈ ગઈ હતી અને એના ચહેરા પર થોડી રાહત પણ દેખાઈ રહી હતી. આમિર અલીએ લાવેલું ભોજન આરોગી થાળીઓ ધોઈ આમિર અલી થાળીઓ પાછી આપી આવ્યો અને એ બંને જણ સુઈ ગયા.

                        ***       ***      ***

"લાજુબાઈ, આમ રડવાથી કાંઈ નહીં વળે, રડી રડીને તમારી હાલત તો જુઓ કેવી થઈ ગઈ છે. આ બિચારી છોકરી પણ સવારથી ભૂખી બેઠી છે. પહેલા તમે બંને જણ થોડું ખાઈ લ્યો." નિર્મળા રોટલી, અથાણું ને ચા લઈ આવી હતી એ લાજુબાઈને સમજાવી રહી હતી ત્યાં લાજુબાઈએ પોક મૂકી.

"હ...વે.... અમારા બંનેનું શું થશે. અમે સાવ નિરાધાર થઈ ગયા. ક્યાં જઈશું, શું કરશું?" ઓઢણીનો છેડો મોમાં દાબી લાજુબાઈએ રડતાં રડતાં છોકરીને ચા ને રોટલી ખાવા આપ્યા ને પોતે પણ ખાવા લાગી.

"જુઓ લાજુબાઈ, અમે છીએને, આજથી તમે બંને અહીં જ રહેજો, અમારી જોડે. આમ પણ હું એકલી બધે પહોંચી નથી શકતી હવે ઉંમર પણ એનું કામ કરે છે. અમારો અનંત તો શહેરમાં ભણે છે એ તો રજાઓમાં જ અહીંયા આવે છે. આવડું મોટું ઘર છે, એની સાફસફાઈ કરતાં જ મારી તો કમર રહી જાય છે. મેં શેઠ જોડે પણ આ બાબતે વાત કરી લીધી છે અને મને ખાતરી છે કે શેઠ પણ મારી વાત નહિ ઉથાપે." નિર્મળાએ લાજુબાઈને ધરપત આપી, "એ છોકરી, તારું નામ શું છે? તું અહીંયા અમારી સાથે રહીશ? હું તને નવા કપડાં અપાવીશ, મને પણ ટેકો થઈ રહેશે." નિર્મળાએ છોકરીના માથે હાથ ફેરવ્યો

"મારું નામ.... જમના છે બા," રોટલીનો ટુકડો ચામાં બોળી મોઢામાં નાંખતા છોકરીએ જવાબ આપ્યો.

"સારું, નિરાંતે ખાઈ લ્યો પછી નાહીને રસોડામાં આવો, મને મદદ કરવા," કહી નિર્મળા ત્યાંથી ઉભી થઇ ને પાછી રસોડામાં આવી અને લાજુબાઈ અને એમની છોકરી જમના ચા રોટલી ખાઈને નાહીને તૈયાર થઈ નિર્મળાને મદદ કરવા ગયા.

"લાજુબાઈ તમે રસોઈની તૈયારી કરો હું હમણાં આવી, શેઠ હમણાં પેઢીએ જશે એમની તૈયારી કરી દઉં," નિર્મળા રસોડામાંથી પોતાની ઓરડીમાં આવીને જોયું તો વલ્લભરાય લોખંડનો કબાટ ખોલી તિજોરીમાં નાનકડી કલાત્મક પેટી મૂકી રહ્યા હતા.

"નિર્મળા, તું... ઝટ બારણું બંધ કર," વલ્લભરાયના ઉડી ગયેલા હોશકોશ જોઈ નિર્મળાને નવાઈ લાગી.

"અરે.... પણ થયું છે શું, એ તો કહો," બારણું બંધ કરીનિર્મળા પલંગ પર બેઠી.

"શાંતિ રાખ જરા.... આ જો," કહી વલ્લભરાયે તિજોરીમાંથી પેટી બહાર કાઢી અને પોતાના કમરે બાંધેલા ચાંદીના કંદોરામાં બાંધેલી ચાવીથી પેટી ખોલી નિર્મળાની સામે મૂકી.

"આ.... આ..... તરાનાનો કમરપટ્ટો, તમારી પાસે કેવી રીતે?" પેટીમાં રૂ અને મલમલના કપડા વચ્ચે ગોઠવીને મુકેલો કમરપટ્ટો જોઈ નિર્મળા છળી ઉઠી એણે વલ્લભરાય સામે જોયું તો એ એની સામે મલકાઈ રહ્યા હતા પણ નિર્મળાના મનમાં કેટલીયે આશંકાઓ જાગી ઉઠી અને એ વલ્લભરાયનો જવાબ સાંભળવા આતુર બની ઉઠી.

વધુ આવતા અંકે........

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


Rate & Review

Hiral

Hiral 1 month ago

Ila Patel

Ila Patel 6 months ago

Kinnari

Kinnari 10 months ago

Vijay Raval

Vijay Raval Matrubharti Verified 10 months ago

Mukta Patel

Mukta Patel 11 months ago