Rudrani ruhi - 94 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -94

રુદ્રની રુહી... - ભાગ -94

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -94

આદિત્ય હોસ્પિટલના બિછાને સુતેલો હતો. અદિતિ આદિત્યને મળવા અંદર જઇ રહી હતી ,બહાર એક કોન્સ્ટેબલ પહેરો દઈ રહ્યો હતો.અદિતી અંદર ગઇ પોતાના ભાઈની આ હાલત જોઈને તેને ખુબ જ દુખ થયું.
"ભાઇ આ તમારી શું હાલત થઈ છે, આ બધું કોણે કર્યું ?"અદિતિ બોલી
"અદિતિ,મારી બહેન આ બધું હેત ગજરાલ અને રુદ્રના માણસોએ કર્યું છે.મેં તને કીધું હતું તે કર્યું?"આદિત્ય બોલ્યો તેણે હોસ્પિટલ આવી અદિતિને ફોન કરીને કહ્યું હતું કે તે આદિત્યનો મોબાઈલ લઇને આવે.

" હા ભાઈ, હું લાવી છું પણ બહાર બેસેલા કૉન્સ્ટેબલનું શું કરવાનું છે?" અદિતિએ પુછ્યું.
"એક કામ કર કોઈ પણ બહાનું બનાવી તેને અહીંથી દુર કર."આદિત્ય બોલ્યો.અદિતિએ હકારમાં માથું હલાવ્યું અને બહાર ગઈ કોન્સ્ટેબલ પાસે.
"હવાલદાર સાહેબ, તમે ક્યારના અહીં બેઠેલા છો થાકી ગયા હશો. ચા-પાણી કરી આવો. હું અહીં ભાઈ પાસે બેઠી છું , ચિંતા ના કરો ભાઈ આ હાલતમાં ક્યાંય ભાગીને નહીં જાય .આ મારું વચન છે તમને."અદિતિ મીઠા અવાજમાં બોલી.કોન્સ્ટેબલ તેની વાતમાં આવી ગયો અને જતો રહ્યો.અદિતિ અંદર ગઈ અને આદિત્યને કહ્યું ,
" ભાઈ કૉન્સ્ટેબલ ગયો,આ લો ફોન ,તમે કોની સાથે વાત કરવા માંગો છો?"અદિતિએ પુછ્યું.
"અદિતિ, બહાર જઈને ઊભી રહે,તે કોન્સ્ટેબલ આવે તો ઇશારો કરી દેજે."આદિત્ય બોલ્યો.અદિતિ મોઢું બગાડીને જતી રહી, તેના જતાં જ આદિત્યએ જબ્બારભાઈ ને ફોન લગાવ્યો,
" હેલ્લો, જબ્બારભાઈ આદિત્ય બોલું છું." આદિત્ય બોલ્યો.
"અબે ઓય આદિત્ય ,****** મારા રૂપિયા પાછા લાવ, સાલા તું તો જેલમાં બેસી ગયો મારા રૂપિયા મને કોણ આપશે?" જબ્બારભાઈ સખત ગુસ્સામાં હતા.
આદિત્યએ જેલમાં તેના પર વીતેલી કહી અને કહ્યું કે તે અત્યારે હોસ્પિટલમાં છે અને તેણે તેના માટે જફોન કર્યો હતો
"જબ્બારભાઇ, તે ઓર્ડર થોડાક જ દિવસમાં પૂરો ડિલિવર થઈ જશે અને રૂપિયા આવશે એટલે હું તમને આપી દઈશ પણ મે આજે તમને બીજા કામથી ફોન કર્યો છે તમે અહીંથી મને બહાર નિકાળો."આદિત્ય
"હું તને ત્યાંથી બહારથી નિકાળુ, તો મારો શું ફાયદો થશે? એક તો તે મને રૂપિયા પણ પાછા નથી આપ્યા અને હવે તું મને કહે છે કે હું તેને ફ્રીમાં બહાર નીકાળું" જબ્બારભાઈ અકળાયા.
" જબ્બારભાઈ ,મારો વિશ્વાસ કરો. બસ મને એક વાર મને અહીંથી બહાર નીકાળો. હું તમને વચન આપું છું કે તમારો અને મારો બંનેનો ફાયદો થાય એવું કંઈક મારી પાસે છે.
જબ્બારભાઈ, હું બદલાની આગમાં તડપી રહ્યો છું. હેત ગજરાલ અને રુદ્ર તથાં તેમનો પરિવાર, આ બધા જોડે થી મારે બદલો લેવાનો છે અને મારી પાસે કંઈક એવું છે કે હેત ગજરાલ સામે ચાલીને આપણને તેમની તમામ સંપત્તિ આપી દેશે. જો તમે મને સાથ આપો તો આપણે બન્ને પાર્ટનર તરીકે કામ કરીશું અને જે પણ મળે તેમાં ફિફ્ટી ફિફ્ટીની પાર્ટનરશિપ,બોલો મંજૂર છે ?" આદિત્યએ જબ્બારભાઈ સામે એક જોરદાર ઑફર મૂકી.
જબ્બારભાઈ વિચારમાં પડી ગયા.
"જબ્બારભાઈ ,જલ્દી કરો. મારી પાસે બહુ સમય નથી હમણાં કોન્સ્ટેબલ આવી જશે તો હું વધારે વાત નહીં કરી શકું."આદિત્ય બોલ્યો.
"આદિત્ય,તારી ઓફર તો સારી છે પણ મારી એક શરત છે ફિફ્ટી ફિફ્ટી નહીં પણ સિક્સ્ટી ફોર્ટીની પાર્ટનરશિપ થશે મંજુર હોય તો હા પાડ નહી તો ફોન કાપી નાખ." જબ્બારભાઈએ વિચારીને કહ્યું.
આદિત્ય કોઈપણ ભોગે જેલમાંથી બહાર નીકળી અને બદલો લેવા માંગતો હતો તેને હા પાડી અને ફોન કટ કર્યો તે હવે ખુશ હતો કે જલ્દી તે આ જેલનાં સળિયાઓથી બહાર હશે અને રુદ્ર તથાં હેત ગજરાલ જોડેથી બદલો લેશે.
અદિતિ કૉન્સ્ટેબલ સાથે અંદર આવી અને આદિત્યએ ફોન સંતાડી દીધો.
"જોઈ લો હવાલદારસાહેબ બધું બરાબર છેને? અદિતિ બોલી.
હવાલદાર બહાર ગયો અદિતિ ત્યાં બેસી થોડીક જ વારમાં પિયુષભાઈ અને કેતકીબેન આવ્યાં તેમના ચહેરા ઉપર એક રાહત જણાઈ રહી હતી.

"આદિત્ય દિકરા, જીવન બધાને બીજો મોકો નથી આપતી તને બીજો મોકો મળ્યો છે તો તું તારી જાતને સુધારીને બતાવજે અને બે વર્ષ પછી જેલમાંથી બહાર નીકળે ત્યારે એક સારો માણસ બનીને નીકળજે. અમે તારી રાહ જોઇશું.અદિતિ ચાલ મળવાનો સમય પૂરો થયો.આદિત્ય તારું ધ્યાન રાખજે અમે જઈએ છીએ."પિયુષભાઈ બોલ્યા
કેતકીબહેન અને પિયુષભાઈએ વારાફરતી પોતાના દીકરાને વહાલ કર્યું અને અદિતિ સાથે નિકળી ગયાં.આદિત્યના ચહેરા પર કુટિલ હાસ્ય હતું.તે હવે પોતાની સમજશક્તિ અને સારા સંસ્કાર ભુલાવી બેઠો હતો.તેની અંદર એક રાક્ષસ જીવતો થયો હતો.
****
અભિરિ

રીતુ અને અભિષેક એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું તે વાતને લગભગ અઠવાડિયું વીતી ગયું હતું .રિતુના માતાપિતા તથા શ્યામભાઈ અને રાધિકાબહેન તે બંનેના લગ્ન કરવાનાનિર્ણયથી ખુબ જ ખુશ હતા. આજે રિતુના માતાપિતાએ પુરા મન સાથે અભિષેકને રીતુ નો સંબંધ સ્વીકારી લીધો હતો.
જે દર્દીઓ પર અભિષેકની દવાનો ટ્રાયલ ચાલું હતો તે દર્દીઓ હવે ઠીક હતા.બસ હવે એક કે બે મહિનાની પ્રોસીઝર બાકી હતી અને તેની દવાને એપ્રૂવલ મળી જવાનું હતું અને તેનું વર્ષોનું સ્વપ્ન પુરું થવાનું હતું.

આજે રવિવાર હતો આજે રિતુ અને અભિષેકે પુરો દિવસ એક સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું.અભિષેક અને રિતુ લૉન્ગ ડ્રાઇવ પર જવાના હતા, બહાર લંચ અને ડિનર કરવાના હતા છેલ્લે રાત્રે મુવી જોઈને ઘરે પાછા આવવાના હતા.

લૉન્ગ ડ્રાઇવ પર નીકળ્યાં,સૌથી પહેલા એ લોકો શહેરથી દુર આવેલા એક દેવીમાઁના મંદિરમાં ગયા જે સદીઓ જૂનું હતું અને ખૂબ જ પ્રાચીન માન્યતાઓ ધરાવતું હતું.રિતુ અને અભિષેક દર્શન કરવા અંદર ગયા ત્યારે અંદરનું દશ્ય જોઈને આશ્ચર્ય પામ્યાં. પચાસ થી પંચાવન વર્ષની વચ્ચેનું એક દંપતી લગ્ન કરી રહ્યું હતું.તેમણે દર્શન કર્યા અને તે દંપતીનાં લગ્નને જોવા ઊભા રહ્યા.તે દંપતી એકલા હતા.રિતુએ પુજારીજીને પૂછ્યું,
"આ દંપત્તિના લગ્ન ..?"રિતુ આટલું બોલી અટકી ગઈ.
પૂજારીની જગ્યાએ તે દંપતીએ જવાબ આપ્યો તેમનાં લગ્ન સંપન્ન થઇ ગયા હતા.
"બેટા આજે વર્ષો બાદ ખુબ જ શુભ મુહૂર્ત આવ્યું છે કહેવાય છે કે આ મુહૂર્તમાં જે પણ લગ્નોત્સુક યુવકયુવતી લગ્ન કરે તે જન્મોજન્મના સાથમાં બંધાઇ જાય."તે સ્ત્રી બોલી.
"આ મુહૂર્તમાં લગ્ન કરવાવાળા હંમેશાં સાથે રહે છે.તેમને કોઇ અલગ કરી શકતું નથી.સ્વયં દેવીમાઁ તેમને આશિષ આપે છે." પંડિતજી બોલ્યો
"દિકરા, તમારાં લગ્ન થઈ ગયાં છે ?થયા હોય કે ના થયા હોય.આ મુહૂર્ત શ્રેષ્ઠ છે મારું માનો તો તમે લોકો અત્યારે લગ્ન કરી લો.જો તમે બંને એકબીજાને પ્રેમ કરતાં હો તો અત્યારે લગ્નો કરી દો તમારો સાથ જન્મોજનમનું અતૂટ રહેશે."તે દંપતીએ રિતુ અને અભિષેકને કહ્યું.તે બન્ને આશ્ચર્ય સાથે એકબીજાની સામે જોવા લાગ્યાં.

*******
સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાની
લગભગ એક અઠવાડિયું થઈ ગયું હતું રુચી તેના ગૃહઉદ્યોગના કામના કારણે કાકીમાઁને મળી શકતી નહતી જેથી કહાની ત્યાં જ અટકી ગઈ હતી આજે એક ઑર્ડર પુરો થતાં અને સમય મળતાં તે કાકીમાઁને મંદિરમાં મળી હતી
" કાકીમાઁ, હવે આગળની વાર્તા જલ્દી કહો એક અઠવાડિયાથી હું તરસી રહી છું તે સાંભળવા માટે ."રુહી બોલી.
"હા તો સાંભળ..

પ્રતિમાનો વર્ગ પુરો થતાં તે સુર્યરાજને પોતાના ઘરે લઈ ગઈ સુર્યરાજ અને પ્રતિમાને એકસાથે જોઇ માસ્તર સાહેબ આશ્ચર્યચકિત થઈ ગયા.સુર્યરાજે માસ્તર સાહેબ સામે જોઈને પોતાની મૂછને તાવ દીધો.
જાણે કે કહેવા માંગતાં હતાં જોયું પ્રતિમા સામેથી મને તેના ઘરે લઈને આવી.
પ્રતિમા અંદર જઈને પાણી લાવી અને તેને સુર્યરાજને પાણી આપીને તેના પિતાને કહ્યું
"પિતાજી ,આ સુર્યરાજ સિંહ છે. જે ગરીબ બાળકો માટે બે વર્ગ બંધાવવા માંગે છે.તેથી વાતચીત કરવા માટે તેમને ઘરે લાવી છું.
સુર્યરાજજી, હું તમને આજે બીજી જ વારમાં મારા ઘરે લઈ આવી તેનો કોઇ જ ઊંધો મતલબ ના નીકાળતા. તમારા જેવા કેટલાય પુરુષો મારી સાથે લગ્ન કરવા મને તેમની બનાવવા માંગે છે પણ એ બધી વાતોમાં મને કોઈ રસ નથી.મને તો સમાજસેવા કરવામાં અને ગરીબોનું કલ્યાણ કરવામાં રસ છે."પ્રતિમા બોલી.
આ વાત પર માસ્તરસાહેબને હસવું આવ્યું તે સુર્યરાજ સિંહની સામે જોઇને હસ્યાં. સુર્યરાજનો પહેલો પ્લાન ફ્લોપ એટલે કે ફુશ થઈ ચૂક્યો હતો. માસ્તરસાહેબે પ્રતિમાને અંદર ચા લેવા મોકલી.
"તમને શું લાગ્યું સુર્યરાજ સિંહજી કે મારી પ્રતિમાને મનાવવી એટલી સહેલીા હશે? જ્વાલામુખી છે તેને મનાવવી શક્ય નહીં અશક્ય છે."માસ્તરસાહેબ બોલ્યા.
"તો હવે તમે જ કંઈક ઉપાય જણાવો કે હું તમારી દીકરીને કઈ રીતે મનાવું?"સુર્યરાજ બોલ્યા.
"સુર્યરાજજી, તમે એક કામ કરો તમે આ વર્ગ બનાવવાના કામમાં તેનો સાથ આપો,તેને રોજ મળો અને તેની મદદ કરો.બની શકે સાથે રહેતા તે તમારા સ્વભાવને ઓળખી જાય અને તમારી સાથે લગ્ન કરવા માનીજાય."માસ્તર સાહેબે ઉપાય જણાવ્યો.
એટલામાં પ્રતિમા ચા અને નાસ્તો લઈને આવી.તેના હાથમાં સુર્યરાજને જાદુ લાગ્યો.આજ પહેલા આવી સ્વાદિષ્ટ ચા અને નાસ્તો તેમણે ક્યારેય નહતો કર્યો.
સુર્યરાજે કઇંક વિચાર્યું અને બોલ્યો,
" પ્રતિમાજી, મનિયાના ખેતર પાસે એક જુનું મકાન ખાલી પડ્યું છે વર્ષોથી તેમાં બે કે ત્રણ વર્ગ બનશે ચાલશેને?"
"હા,મે જોયું છે તે મકાન ચાલશે નહી દોડશે." પ્રતિમા ખુશ થઇને બોલી.
"પ્રતિમાજી,તો તમને જે જે સુવિધાની જરૂર હોય તે એક લિસ્ટ બનાવીને મારી હવેલી પર આપી દેજો.હું કામ શરૂ કરાવી દઉં."આટલું કહીને સુર્યરાજ ત્યાંથી વિદાય થયાં.લગભગ એક કે બેદિવસમાં પ્રતિમાએ લિસ્ટ તૈયાર કરી લીધું હવે તે સુર્યરાજની હવેલી પર તે આપવા આવી હતી.તે દિવસે તે પહેલી વાર આ હવેલી પર આવ્યાં હતા.

કાકીમાઁ અહીં અટક્યાં.

શું જબ્બારભાઇ આદિત્યને બહાર કાઢી શકશે?શું જબ્બારભાઇ સાથે મિલાવેલો હાથ આદિત્યને ગુનાની દુનિયામાં લઇ જશે?અભિષેક અને રિતુ આમ અચાનક લગ્ન કરશે?

જાણવા વાંચતા રહો.


Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Ad Parul Choksi

Ad Parul Choksi 10 months ago

Asha Patel

Asha Patel 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Akshita

Akshita 12 months ago