Aage bhi jaane na tu - 28 in Gujarati Novel Episodes by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 28

આગે ભી જાને ના તુ - 28

પ્રકરણ - ૨૮/અઠ્ઠાવીસ

ગતાંકમાં વાંચ્યું....

જામનગરમાં જમનાના લગ્ન કાંતિ સાથે નક્કી થાય છે અને પારેખ પરિવાર ગોળધાણા ખાઈ વડોદરા આવે છે. લાજુબાઈ જમનાના લગ્નને લઈને ઉત્સાહમાં છે તો અનંત પોલિસસ્ટેશનમાં ઇન્સપેક્ટરને મળવા જાય છે ત્યાં એને ખબર પડે છે કે લાજુબાઈ ખીમજી પટેલને મળવા આવી હતી અને હવે કોર્ટમાં ચુકાદો પણ આવવાનો છે.....

હવે આગળ.....

"એક વાત કરવી છે.... તમારા ઘરે જે બેન છે ને...શું નામ... યાદ આવ્યું, લાજુબાઈ, કાલે અહીં આવ્યા હતા ખીમજી પટેલને મળવા."

"શું....?" એક આંચકા સાથે અનંત ખુરશીમાં બેસી ગયો, પણ તમે એમને મળવાની પરવાનગી કેમ આપી અને એમની વચ્ચે શું વાતચીત થઈ તમને કાંઈ ખબર છે?"

"શું વાત થઈ એ તો કહેવું મુશ્કેલ છે પણ બે જ મિનિટમાં એ અહીંથી જતા રહ્યા."

"આભાર ઇન્સપેક્ટર સાહેબ... હું પણ રજા લઉં છું હવે."

અનંત ત્યાંથી નીકળીને ચાલતાં ચાલતાં વિચારવા લાગ્યો કે લાજુમાસી ખીમજી પટેલને કેમ મળવા આવ્યા હશે... અને કાલે કોર્ટમાં શું થશે....?" વિચારતા વિચારતા ક્યારે ઘરે પહોંચ્યો એની એને પોતાને પણ ખબર ન પડી.....

ઘરે પહોંચી રાતે જેમતેમ થોડું ખાઈને અનંત એની રૂમમાં પુરાઈ ગયો જાણે કાચબો કોચલામાં ભરાઈ ગયો. સુજાતાના પૂછવા પછી પણ અનંતે વધુ વાત ન કરી એટલે એ પણ વધુ કાંઈ પૂછ્યા વગર પડખું ફેરવીને સુઈ ગઈ પણ અનંતની આંખોથી નીંદરે રિસામણા લીધા હોય એમ કોશો દૂર હતી. આંખનું મટકું માર્યા વગર એકધારું છત તરફ જોઈ રહેલા અનંતની આંખો છેક મોડી રાત્રે મળી. ઉચાટમાં પસાર કરેલી રાતના અર્ધઉજાગરા બાદ પણ અનંત સવારે વહેલો ઉઠી ગયો. માનસિક થાક અને ઉજાગરાને લીધે એનું માથું ભમતું હતું પણ આજે એને કોર્ટમાં પણ હાજરી આપવાની હતી એટલે તૈયાર થઈ ચા-નાસ્તો કરી એ નીકળી ગયો એની સાથે વલ્લભરાય પણ પેઢીએ જવા નીકળ્યા.

"અનંત, આજે જજસાહેબ શું ચુકાદો આપશે? તને શું લાગે છે?"

"બાપુ, ખીમજી પટેલ પાસેથી કમરપટ્ટો મળી આવ્યો છે અને પુરાવા પણ એમની વિરુદ્ધ જ છે, છતાં જોઈએ શું થાય છે."

"હમમમ...જોઈએ, સાંજે વાત કરશું. મને વિશ્વાસ છે કે ચુકાદો આપણી તરફેણમાં જ આવશે."

"જી બાપુ," વલ્લભરાયને પગે લાગી અનંત કોર્ટના રસ્તે વળી ગયો.

બરાબર અગિયારના ટકોરે કેસ ચાલુ થયો. બંને તરફના વકીલ અને અસીલોની વાત સાંભળ્યા પછી જજસાહેબે ચુકાદો આપ્યો.

"બંને પક્ષની વાત સાંભળ્યા પછી એ તારણ નીકળે છે કે ખીમજી પટેલેના થેલામાંથી કમરપટ્ટો નીકળ્યો તો છે પણ એનાથી એ સાબિત નથી થતું કે કમરપટ્ટો એમણે જ ચોર્યો છે અને એમના વકીલસાહેબ પણ સાબિત નથી કરી શક્યા કે એમણે ચોરી નથી કરી. કેસ થોડો પેચીદો પણ છે અને થોડો સ્પષ્ટ પણ, એટલે આટલા નિષ્કર્ષ પર આવ્યા પછી શકમંદ આરોપી ખીમજી પટેલને એક વર્ષની સાદી જેલની સજા સંભળાવવામાં આવે છે અને આ કમરપટ્ટાનો કબજો એના અસલી માલિક અનંતરાય પારેખને સોંપવામાં આવે છે." જજસાહેબે ચુકાદાના પેપર પર સહી કરી અને ઇન્સપેક્ટર અને બીજા બે હવાલદાર ખીમજી પટેલને પોલિસજીપમાં બેસાડી જેલમાં જવા રવાના થયા અને અનંત કોર્ટની જરૂરી કાર્યવાહી કરી કમરપટ્ટાની પેટી લઈ પેઢીએ પહોંચ્યો.

"આ લો બાપુ, આપણી અમાનત આપણને પાછી મળી ગઈ છે. હવે સાચવીને મૂકી દો આ પેટીને અને ખીમજી પટેલને એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે."

અનંત પાસેથી કમરપટ્ટાની પેટી લઈ ખોલીને ફરીવાર ચકાસી લઈ વલ્લભરાયે એ પેટી પોતે બેસતા હતા એ ગાદીની નીચેના ખાનામાં મૂકી, તાળું મારી, હાશકારો અનુભવતા એક ઊંડો શ્વાસ લઈ ગાદી પર બેઠા.

સાંજે પેઢી વધાવી બાપ-દીકરો બેઉ, કમરપટ્ટાની પેટીને યાદથી પોતાની સાથે ઘરે લઈ ગયા અને ઘરે પહોંચતા જ વલ્લભરાયે એ પેટી પોતાના રૂમમાં રહેલી લોખંડની નાની તિજોરીમાં મૂકી દીધી.

જમનાના લગ્ન આડે કેટલાક મહિના જ બાકી રહ્યા હતા. પારેખ પરિવાર એની તૈયારીઓમાં લાગી ગયો હતો. મોટાભાગની જવાબદારીઓ તો સુજાતાએ પોતાના માથે લઈ લીધી હતી. કેટલાય સમય બાદ ખુશીઓ ઘરના આંગણે ટકોરા મારી રહી હતી. લાજુબાઈ અને નિર્મળા ઘરે રહીને અને સુજાતા અને નિર્મળા બહારના કામો એક પછી એક પતાવી રહ્યા હતા. વલ્લભરાય અને અનંતે જમના અને કાંતિને લગ્નમાં ભેટ આપવા સરસ કોતરણીવાળો સોનાનો હાર બનાવડાવ્યો હતો. વલ્લભરાય અને નિર્મળા લાજુબાઈ સાથે જઈને સગા સંબંધીઓમાં કંકોતરીઓ આપી પોતાની દીકરી પરણતી હોય એમ આમંત્રણ આપી રહ્યા હતા. તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. સમયનું વહેણ વહેતુ ગયું.

જમના અને કાંતિના લગ્નનો દિવસ આડે માત્ર બે જ દિવસ બાકી હતા ત્યારે જામનગરથી ઝવેરી પરિવાર અને કાંતિના સગાવ્હાલા જાન જોડી વડોદરા આવી પહોંચ્યા. લગ્નગીત, ગરબા, એકબીજાને અપાતા ફટાણાઓની બંને પક્ષે રમઝટ જામી હતી.

"જમનાબેન, આટલા ટૂંકા સમયમાં તમે મારી બેનની સાથેસાથે મારી સખી પણ બની ગયા છો. તમારા હોવાથી મને અહીં ક્યારેય એકલું એકલું લાગ્યું જ નથી. પિયરની યાદ તો તમે ક્યારેય મને આવવા જ નથી દીધી. હવે તમે પરણીને તમારા પોતાના ઘરે નવા લગ્નજીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છો અને તમારા જવાથી આ ઘર કેટલું ખાલીખાલી લાગશે અને હું કેટલી એકલવાયી થઈ જઈશ એનો તો અંદાજ પણ નહીં હોય તમને," સુજાતા જમનાને ગળે વળગીને રડી રહી હતી તો જમાનાની આંખોથી પણ ગંગા-જમના વહી રહી હતી.

"ભાભી, હું તનથી ભલે તમારાથી દુર જઈશ પણ મનથી તો તમારી સાથે કાયમ માટે જોડાયેલી રહીશ. તમે અને આ પરિવારે મને પોતાની સગી દીકરી કરતા પણ વધુ માન-સમ્માન આપ્યું છે."

"તમે બંને આજે જ બધા આંસુઓ વહાવી દેશો કે જમનાની વિદાય માટે પણ બાકી રાખશો. આટલું રડશો તો ક્યાંક આ પારેખનિવાસમાં આંસુઓનું ઘોડાપૂર ન આવી જાય." અનંત બારણાંમાં ઉભો ઉભો એ બંનેને રડતા જોઈ પોતાના આંસુઓ છુપાવતો, વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

"ભાભી, હવેથી તમારે અનંતભાઈનું ધ્યાન સરખું રાખવું પડશે. મારી જવાબદારી પણ તમારે જ નિભાવવી પડશે. અત્યારે પણ એ પોતાના આંસુઓ આપણાથી છુપાવી રહ્યા છે, અંદરોઅંદર તો એ પણ રડી રહ્યા છે. ભાઈઓ આવા જ હોય છે, બહારથી નારિયેળની કાચલી જેવા અને અંદરથી નરમ મીઠા ખોપરા જેવા અને અનંતભાઈને તો હું આટલા વર્ષોથી ઓળખું છું. એમના જેવા ભાઈ તો નસીબદારને જ મળે છે." જમના અનંત અને સુજાતાને પગે લાગી, "અને ભાભી, જો ભાઈ તમને જરાપણ હેરાન કરે તો મને બોલાવી લેજો આવીને એવો સીધોદોર કરી નાખીશને...." રડતાં રડતાં જમના હસી પડી એની સાથે અનંત અને સુજાતા પણ હસી પડ્યાં.

આખરે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો. પરંપરાગત વિધિનુસાર જમના અને કાંતિના લગ્ન નિર્વિઘ્ને, રંગેચંગે પાર પડી ગયા. ભારે હૈયે લાજુબાઈ અને પારેખ પરિવારે જમનાને વિદાય આપી. લગ્નની સાંજે જ જમનાને લઈને કાંતિ, એનો પરિવાર અને ઝવેરી પરિવાર જામનગર માટે નીકળી ગયા.

અઠવાડિયું તો લાજુબાઈએ રડીરડીને વિતાવ્યો. આટલા વર્ષોમાં મા-દીકરી બંને ક્યારેય એકબીજાથી અલગ નહોતા થયા અને જમનાના સાસરે ગયા બાદ લાજુબાઈ બધાના હોવા છતાં પણ જાણે એકલવાયી થઈ ગઈ હતી.

"માસી, એક વાત પૂછવી છે, પૂછું?" એક સાંજે જમીને બહાર એકલા બેઠેલા અનંતે જોયું કે લાજુબાઈ એકલી જ છે એટલે એણે સવાલ પૂછ્યો.

"હા....હા...પૂછ દીકરા, આ તારી માસી એટલી પરાઈ થઈ ગઈ કે તારે મને કાંઈપણ પૂછવા માટે મારી રજા લેવી પડે?"

"અરે..... ના.. ના... માસી, એવું કંઈ જ નથી. આ તો બસ... એટલું જ.... પૂછવું હતું કે તમે ખીમજી પટેલને મળવા પોલિસ સ્ટેશનમાં ગયા હતા?"

"શું....? એ...તો... હા...હા... હું...હું..." લાજુબાઈ થોથવાઈ ગઈ.

"શું થયું માસી? કેમ આટલા ગભરાઈ ગયા છો તમે?"

"ના...ના....કાંઈ નહિ.. " સાડીના છેડેથી કપાળે વળેલો પરસેવો લૂછતાં લાજુબાઈ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી, "એ તો એમ થયું કે..." લાજુબાઈએ ઇન્સપેક્ટરના આવેલા ફોનથી માંડીને પોતે જેલમાં જઈ ખીમજી પટેલને કેમ મળી એની અર્ધસત્ય કહાણી અનંતને કહી સંભળાવી પણ અનંતને ખબર હતી કે લાજુબાઈ એવી કોઈ વાત જાણે છે જે એનાથી છુપાવી રહી હતી પણ એકે અક્ષર બોલ્યા વગર એ ત્યાંથી ચુપચાપ પોતાના રૂમમાં આવી ગયો.

જમનાના લગ્નને એકાદ મહિનો વીત્યો હશે ત્યાં જમના લગ્ન પછી ફેરો વાળવા કાંતિ સાથે વડોદરા આવી હતી. બે દિવસ રોકાઈને કાંતિ તો પાછો જામનગર જતો રહ્યો હતો. સુખી લગ્નજીવનની અનેરી ચમક જમનાના રતુમડા ગાલોને ચમકાવી રહી હતી. જમનાના આવ્યા બાદ પારેખ નિવાસમાં ચહેલપહેલ અને રોનક વધી ગઈ હતી. લાજુબાઈના ચહેરા પર પોતાને સર્વ સુખ મળ્યાની સંતોષની ઝલક સાફ છલકાઈ રહી હતી. દીકરી સુખી હોવાનું જાણી પોતે હવે નિશ્ચિન્ત બની ગઈ હતી પણ સર્વસ્વ પામ્યાની અદકેરી ખુશી જ એના મૃત્યુનું કારણ બનશે એ તો એ પોતે પણ જાણતી નહોતી અને જમનાના વડોદરા આવ્યાના પાંચમા દિવસે જ એ જમનાને પારેખ પરિવારના હાથમાં સોંપી દઈ અનંતની વાટે ઉપડી ગઈ. હજી લગ્નની ખુશીઓ પુરી નહોતી થઈ ત્યાં જ જમનાના લગ્નજીવનને જાણે ગ્રહણ લાગી ગયું હતું એમ અધૂરામાં પૂરું, એક દિવસ વહેલી સવારે જ જામનગરથી હેમલતાનો ફોન આવ્યો જે જમનાની શાંત વહેતી સરિતા જેવી જિંદગીમાં સુનામી લઈ આવ્યો.....

વધુ આવતા અંકે.....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.

Rate & Review

Vijay Raval

Vijay Raval Matrubharti Verified 1 year ago

Parash Dhulia

Parash Dhulia 1 year ago

Divya Patel

Divya Patel 1 year ago

Mukta Patel

Mukta Patel 1 year ago