રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -119
રુહીના અંદર આવતાની સાથે જ તેજપ્રકાશજીએ આંખો ખોલી.
"આવ રુહી બેટા,મારી સામે બેસ અહીં."તેજપ્રકાશજીએ કહ્યું.
રુહી તેમની સામે બેસી.તેમણે રુહીની આરતી ઉતારી અને તેના કપાળે તિલક કર્યું.તેને ભગવાનના ચરણોમાં ચઢાવેલું ફુલ આપ્યું.
"રુહી,તું સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે.આ આરતી અને તિલક તારી વિજય માટે છે.જે નિશ્ચય તે લીધો છેને તેમાં તને વિજયી બનાવવા માટે છે.આ લડાઇ ખુબજ લાંબી છે અને સામે ખુબજ મોટા રાક્ષસો છે.શિવજી તને હિંમત આપશે.તારા શિવજી તારી જ સાથે જ છે.
રુદ્ર,તારા નામનો અર્થ શિવજીનું એક નામ છે અને તારી ઉપર શિવજીનો પરમ આશિર્વાદ છે.આ લડાઇ છે સત્યની અસત્ય સામે.રુદ્ર,મારી સામે જો."તેજપ્રકાશજીએ કહ્યું.
રુદ્ર સાવ નિરાશ થઇ ગયેલો હતો.તે સાવ ભાંગી ગયેલો હતો અને થોડીક વાર પહેલા બધાને રડવાની ના પાડવા વાળા રુદ્રની આંખો આંસુથી ખરડાયેલી હતી.તેજપ્રકાશજીએ જેવું તેના માથે હાથ મુક્યો તે રડવા લાગ્યો તેમને ગળે વળગીને.
તેજપ્રકાશજીના ચહેરા પર એકઅલગ જ સમતાભાવ હતો.તે ધીમેધીમે તેના બરડા પર હાથ ફેરવતા અને તેને શાંત રાખતા હતા.
"હું સાવ તુટી ગયો છું.મારામાં હવે કોઇ શક્તિ જ નથી રહી.મારો અભિષેક મારી શક્તિ હતો.મારું જીવવાનું કારણ હતો.હું તેના વગર નહીં જીવી શકું."રુદ્રે કહ્યું.
"રુદ્ર ,તું હિંમત ના હાર.તું રુદ્રાક્ષ સિંહ છે.તારે આ લડાઇમાં તારી રુહીનો સાથ આપવાનો છે.યાદ છે મે કહ્યું હતું કે તમારે બંનેએ આ લડાઇ લોકકલ્યાણ માટે લડવાની છે."તેજપ્રકાશજીએ કહ્યું.
"હા રુદ્ર,આ લડાઇ તો આપણે લડવાની જ છે.આપણે આપણા અભિષેકના માથે લાગેલા ચોરના કલંકને હટાવવાનો છે.તેના ખૂનીઓને સજા દેવડાવવાની છે.તેની મહેનત,તેનું સ્વપ્ન અને તેના જીવનને રોળવાવાળાને સજા અપાવવાની છે."રુહીએ કહ્યું.
"તે મર્યો નથી.તે જીવે છે.બસ મારાથી દુર છે.મે કહ્યું હતુંને કે આ હ્રદય ધડકે છે મતલબ તે હ્રદય પણ ધડકે છે."રુદ્ર મોટા અવાજમાં બોલ્યો.
"હા રુદ્ર,તે જીવે છે તો પણ તેને શોધવા આપણે મુંબઇ જવું પડશે.આ પુરા ષડયંત્રને લોકો સમક્ષ લાવી તેની છબી બધાં આગળ સુધારવી પડશે."રુહીએ કહ્યું.
"રુહી સાચું કહે છે.તારે આ લડાઇ રુહીની સાથે રહીને લડવાની છે.અભિષેકને નિર્દોષ સાબિત કરવા માટે.તારા વિશ્વાસને સાચો સાબિત કરવા માટે પણ તારે લડવું પડશે."તેજપ્રકાશજી બોલ્યા.
તે ઊભા થયા.સાથે રુહી અને રુદ્ર પણ ઊભા થયા.
"મારા જવાનો સમય આવી ગયો છે.હું રિતુને લઇ જઉં છું મારી સાથે.આ લડાઇ જીતીને સત્યનો જય કરાવીને આવો ત્યારે ખુશી ખુશી તેને લઇ જજો તે પહેલા તેને મળવાની કે તેની સાથે વાત કરવાની કોશીશ ના કરતા."
રુદ્ર પર રુહીની વાતો અને તેજપ્રકાશજીના આશીષનો એક અલગ જ પ્રભાવ પડ્યો.સિંહ જાણે કે ગર્જના કરીને ઊભો થયો.તેણે પોતાની મુંછો પર તાવ દીધો અને તેજપ્રકાશજીને પગે લાગ્યો.રુહી પણ તેજપ્રકાશજીને પગે લાગી.
"વિજયી ભવ."
તેટલાંમાં રિતુ અને તેની માઁ તેમનો સામાન એક નાનકડી બેગમાં ભરીને લાવી.
રુદ્ર હવે પાછો રુદ્રાક્ષ સિંહ ધ લાયન બની ગયો હતો.તે રિતુ પાસે ગયો અને નીચે બેસ્યો.
"હેય ચેમ્પ, તારા ડેડીને કશુંજ નથી થયું.હું જલ્દી તેને શોધીને લાવીશ અને તેમને નિર્દોષ સાબિત કરીશ.તેમના અને આપણા ગુનેગારોને સજા અપાવીશ.તને તારા પિતાથી થોડોક જ સમય દુર રહેવું પડશે.આ મારું એટલે કે રુદ્રાક્ષ સિંહનું વચન છે તને."રુદ્ર ઊભો થયો અને તેણે રિતુના માથે હાથ મુક્યો અને જાણે કે તેને હિંમત આપી હોય.
રુહી અને રિતુ એકબીજાને ગળે મળ્યાં.તેજપ્રકાશજી તેમના દિવ્ય પ્રકાશ રેલાવતા રિતુ અને તેની માઁ સાથે આશ્રમ જવા નિકળી ગયાં.
જતાં જતાં તે બે ક્ષણ માટે અટ્કયા પાછળ ફર્યા વગર બોલ્યા,"રુદ્રહી જ શક્તિ છે.એકસાથે મળીને જ તમે બુરાઇને હરાવી શકશો."
તે દિવ્ય પ્રકાશ ધીમેધીમે દેખાતો બંધ થઇ ગયો.
રુદ્ર અને રુહી તેમનો સામાન પેક કર્યો અને નીચે આવ્યાં.કાકાસાહેબ રુદ્ર પાસે આવ્યાં.તેમણે બે હાથ જોડ્યાં અને કહ્યું,
"રુદ્ર,આજસુધી મે ઘણું ખરાબ કર્યું છે તારી સાથે.માફી માંગવાનો અને તે બધું યાદ કરવાનો અત્યારે સમય નથી પણ રુહીની ઉદારતાએ મને વિચારતો કરી દીધો.તેણે ઇચ્છયું હોત તો તેણે મને સજા અપાવી દીધી હોત.
હું મોટો થઇને પણ મોટો ના બની શક્યો અને તે નાની થઇને મોટી બની ગઇ.રુદ્ર,બે હાથ જોડીને કહું છું કે આપણા અભિષેકને પાછો લઇને આવજે.મારું મન કહે છે કે તે જીવે છે.
શોર્ય,જા બેટા તારા મોટાભાઇની સાથે જા તેની મદદ કરવા."કાકાસાહેબ આટલું કહી રુદ્રના પગે પડી ગયા.રુદ્રએ તેમને બે હાથથી ઊભા કર્યા.તે બંને એકબીજાને ગળે લાગીને ખુબ રડ્યાં.સંકટના આ સમયે તેમની વચ્ચે એક ડગલાં જેટલું અંતર ઘટાડ્યું હતું.
"શોર્ય,તું અહીં જ રહેજે.જબ્બારભાઇ ખતરનાક ક્રિમિનલ છે.અહીં આપણા પરિવારની રક્ષા કરવા તારું હાજર હોવું જરૂરી છે."રુદ્રએ કહ્યું. ભગવાન અને વડીલોના આશિર્વાદ લઇને રુદ્રહી નિકળી ગયા.
અહીં જબ્બારભાઇ અને આદિત્ય રુદ્રની રાહ જોઇને બેસેલા હતા.તેમને હતું કે અભિષેકની અંતિમ ક્રિયા અને અન્ય વીધી માટે તે અહીં એકલો આવશે.તેણે તેના માણસોને મુંબઇ એરપોર્ટ પર નજર રાખવા માટે રાખેલા હતા.
તેમને સુચના આપવામાં આવેલી હતી કે જેવો રુદ્ર એરપોર્ટ પર અાવે તેને કિડનેપ કરીને લઇ આવવો.અહીં રુહી અને રુદ્ર આવી ગયા.રુદ્રને રુહીની સાથે જોઇને તે માણસો થોડા કન્ફયુઝ થઇ ગયા.
તેમણે જબ્બારને ફોન કર્યો અને પુછ્યું.
"બોસ,તે સિંહ એકલો નથી.તેની સાથે એક ખુબસુરત સ્ત્રી છે.કહો તો બંનેને સાથે ઉઠાવી લઇએ."
"હા,ધ્યાન રાખજે કે તે સિંહ ભડકે નહીં.આપણે તે રુદ્રને આમજ નબળો પકડવાનો છે અને હા એરપોર્ટથી થોડે દુર આવીને તેમને ધેરી વળજે."જબ્બારે તેના માણસોને સુચના આપી.
રુદ્ર અને રુહી એરપોર્ટની બહાર આવ્યાં.વકીલસાહેબ પોતે આવ્યાં હતા તેમને લેવા.અહીંથી તે લોકો હોસ્પિટલ જવાના હતા.
"રુદ્ર,જલ્દી હોસ્પિટલ જવું પડશે.તે લોકોએ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે.તેમા એવું બતાવ્યું છે જે ખીણમાંથી પડવાના કારણે મૃત્યુ થયું છે.આપણે ત્યાં જઇને અભિષેકની બોડીની કસ્ટડી લેવાની છે."વકીલસાહેબ બોલ્યા.
"તે બોડી અભિષેકની નથી.મારો અભિષેક જીવે છે.સમજ્યાં તમે?" રુદ્રએ ગુસ્સામાં કહ્યું.
"રુદ્ર,શાંત આપણે એરપોર્ટ પર છીએ."રુહીએ કહ્યું.
વકીલસાહેબ,રુદ્ર અને રુહી હોસ્પિટલ જવા નિકળ્યા.જબ્બારના માણસો રુદ્ર અને રુહીને ઉઠાવવા તેમની પાછળ ગાડીમાં ગયા.થોડેક આગળ જતા જબ્બારના માણસોની ત્રણેક જેવી ગાડીએ તેમને ધેરી લીધાં.
વકીલસાહેબના ડ્રાઇવરે ગાડી ઊભી રાખી.તે ત્રણેક ગાડીમાંથી થઇને લગભગ સાતથી આઠ પહેલવાન જેવા ગુંડાઓ નિકળ્યાં.તેમના હાથમાં બંદૂક,હોકી સ્ટીક અને દંડા હતા.રુદ્ર ,રુહી અને વકીલસાહેબ આઘાત પામ્યાં.
"આ લોકો કોણ છે?"રુહી બોલી.
"ખબર નહીં પણ આ લોકો ખુબજ વધારે છે અને તેમની પાસે હથિયાર છે.આપણે કોઇ ફિલ્મી હીરો નથી કે તેમનો સામનો કરી શકીએ."વકીલસાહેબે કહ્યું.
"ડ્રાઇવિંગ સીટ પર તમે બેસી જાઓ ગાડી તે સાઇડમાં જે જગ્યા પડે છે ત્યાંથી કાઢીને ભગાવો."રુહીએ રુદ્રને કહ્યું.રુદ્ર ડ્રાઇવરની બાજુમાં બેસેલો હતો તેણે જગ્યા ચેન્જ કરી અને ગાડી સ્ટાર્ટ કરી.
રુહીએ તેના મોબાઇલમાંથી કોઇને ફોન લગાવ્યો.અહીં રુદ્રએ ગાડી રિવર્સ લઇને પાછળ જે એક જગ્યાએથી તેમણે ગાડી નહતી.ત્યાંથી ગાડી ભગાવી.તેમાં રુદ્રએ તેમના બે ગુંડાઓને ટક્કર મારી.તે ગુંડાઓ ગુસ્સે થઇને પાછળ આવ્યાં.
"રુહી,આનાથી કોઇ જ ફાયદો નથી.તે લોકો આપણી પાછળ જ છે."રુદ્ર બોલ્યો.
"થોડીક વાર આમ જ ભગાવો.આગળ આ ગુંડાઓનું સ્વાગત કરવા માટે તેમના સાસરી વાળા ઊભા જ છે."રુહી બોલી
રુદ્રએ ગાડીની સ્પીડ વધારી.રુદ્રની ગાડી આગળ અને જબ્બારના ગુંડાઓની ગાડી પાછળ.અહીં જાણે કોઇ રેસીંગ ચાલી રહ્યું હતું.અચાનક રુહી આગળ જોઇને હસી.આગળ પોલીસની બે જીપ ઊભી હતી અને પોલીસ તેમની બંદુકની શથે તૈયાર હતા.રુદ્રએ ગાડી ત્યાં જઇને ઊભી રાખી.તે ગુંડાઓ એટલી સ્પીડમાં હતા કે તે ગાડી પાછી વાળે કે કઇ કરે તે પહેલા પોલીસે તેમને ધેરી લીધાં.જબ્બારના ગુંડાઓ પકડાઇ ગયા હતા.કેમ કે આગળ બે પોલીસની જીપ હતી અને પાછળથી બીજી બે પોલીસની જીપ આવી. તેમને પકડવા.
આટલી બધી પોલીસની જીપ જોઇને રુદ્ર અને વકીલસાહેબ આશ્ચર્ય પામ્યાં.રુહી હસીને ગાડીમાંથી બહાર નિકળી.એક હેન્ડસમ અને સ્માર્ટ પોલીસ ઓફિસર પાસે જઇને ઊભી રહી.તેના ગળે મલી.
"આશુ."રુહી બોલી.
"રુહી."તે પોલીસ ઓફિસર બોલ્યો.રુદ્ર અને વકીલસાહેબ આશ્ચર્ય પામ્યાં.
"રુદ્ર,આ મારો મિત્ર છે.ઇન્સપેક્ટર આશુ એ.સી.પી છે.મે તેને જ ફોન કર્યો હતો.થેંક યુ આશુ.આટલા શોર્ટ ટાઇમમાં આવવા માટે."રુહીએ કહ્યું.
"વેલકમ રુહી,મારી ડ્યુટી એરપોર્ટપર જ હતી અેટલે હું મારી ફોર્સ સાથે આટલી જલ્દી આવી શક્યો.અા કોણ છે?તારા લગ્ન તો આદિત્ય સાથે થયા હતાને?"આશુએ પુછ્યું.
"આશુ,આદિત્ય સાથે મે ડિવોર્સ લઇ લીધાં.આ મારા હસબંડ છે રુદ્ર.રુદ્રાક્ષ સિંહ."રુહી બોલી.
રુદ્ર અને આશુએ હાથ મિલાવ્યો.
"રુહી,આ લોકો કોણ હતા? અને વાત શું છે?"આશુએ પુછ્યું.
"આશુ ચલ અમારી સાથે.અમને તારી મદદની બહુ જ જરૂર છે.રસ્તામાં હું તને જણાવું.સીટી હોસ્પિટલ જવાનું છે.રુદ્ર,હું આશુ સાથે તેની જીપમાં આવુ છું."રુહીએ કહ્યું.
રુદ્ર રુહી અને આશુ સામે જોઇ રહ્યો હતો.તેણે માથું હલાવીને હા પાડી.તેને આ સમયે રુહીના સાથની સતત જરૂર હતી.અંતે તે બધાં હોસ્પિટલ પહોંચ્યા.રુદ્ર જેણે મનોબળ માંડ મક્કમ કર્યું હતું.તે ઢીલો પડી ગયો.તેના હાથપગ ધ્રુજવા લાગ્યા.
શું ઇન્સપેક્ટર આશુ રુદ્ર અને રુહીની મદદ કરી શકશે?
રુદ્ર અને રુહીનું કિડનેપીંગ નિષ્ફળ જતા જબ્બાર શું કરશે?
જાણવા વાંચતા રહો.