રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -123
રુદ્ર ,રુહી અને આશુ સમૃદ્ધિ તથાં પારિતોષની સામે જોઈ રહ્યાં હતાં.તે બંને ખુબ જ ડરેલા હતા.
રુહી આગળ આવી અને બોલી,"જુવો, હું તમારા આગળ હાથ જોડું છું. જે પણ સત્ય હોય તે જણાવી દો.તમે તમારા બોસ ડો. અભિષેક સાથે આવું કેમ કર્યું ?તેમણે તમારા પર કેટલો વિશ્વાસ કર્યો અને તમે વિશ્વાસઘાત કર્યો.ડો.સમૃદ્ધિનું તો ખબર હતી પણ તમે પણ ડો.પારિતોષ?"
રુહીના ધારદાર સવાલ સામે તેમની નજર ઝુકી ગઇ.ડો.સમૃદ્ધિ આગળ આવી અને બોલી,"મેડમ, ડો.અભિષેક તો મારા માટે મારા મોટાભાઇ અને પિતા સમાન હતા.તેમની સાથે આવું કરવું પડ્યું મતલબ અમે પણ મજબુર હોઇશું."
રુદ્રને ગુસ્સો આવ્યો.તે ગુસ્સામાં બોલ્યો,"એવી તો શું મજબુરી હતી.પૈસાની જરૂર હતી?એક વાર માંગ્યા હોત મારા અભિ પાસે."
"સર,જીવનમાં દરેક મજબુરીના મૂળમાં પૈસા નથી હોતા.મારી મજબુરી અલગ હતી. હું તમને શરૂઆતથી વાત જણાવું છું."ડો.સમૃદ્ધિએ કહ્યું.
"રુદ્રજી,એકવાર તેમની વાત સાંભળી લઇએ કદાચ આપણને ખબર પડે અભિષેકજી વિશે."આશુએ કહ્યું.
ડોક્ટર સમૃદ્ધિએ ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું,
"રુદ્ર સર,ડો.અભિષેક જીવીત છે.તે પણ અમારી જેમ કેદ છે.તે ક્યાં છે તે અમને નથી ખબર.આ બધું મુંબઇની મોટી પી.સી.જે ફાર્મસીના માલિક પી.સીનું કામ છે.
અભિષેક સરનું આ રિસર્ચ માનવજાત માટે ખુબજ ઉપયોગી છે.તે દવા અને તેમની ટ્રીટમેન્ટ થેરાપી ઘણાબધા માનસિક રોગમાં ઉપયોગી છે અને તે દવા જેનેરીક છે જેથી સામાન્ય લોકો જે માનસિક બિમારીનો ભોગ બને છે તે પણ સરળતાથી આ દવા ખરીદીને તેમનો ઇલાજ કરાવી શકે.
પી.સી.છેલ્લા કેટલાય સમયથી ડો.અભિષેકની પાછળ હતા.તેમને ધમકાવતા હતા કે તે આ રિસર્ચ તેમને વેંચી દે.એકવાર તે રિસર્ચ તે પી.સીને વેંચાઇ જાય તેનો અર્થ કે તે ખુબજ મોંધા ભાવમાં આ દવા વેંચે પોતાની કંપનીના નામ હેઠળ.
અભિષેકભાઇ ના માન્યાં.તેમણે પી.સીને પોલીસ કમ્પલેઇન કરવાની ધમકી આપી.અભિષેક સરની પાસે પી.સીના ફોનનું રેકોર્ડિંગ છે જેમા તે અભિષેકભાઇને ધમકાવી રહ્યા હતા.જેના કારણે તે આગળ કઇ કરી ના શક્યો.
ત્યારબાદ તે પી.સીએ મને ખરીદવાની કોશીશ કરી હું પણ ના માની.તમને ખબર છે કે પછી તેણે શું કર્યું?" સમૃદ્ધિ શ્વાસ લેવા રોકાઇ અને ફરીથી બોલી,
"સર,એક દિવસ મને અજાણ્યા નંબરથી ફોન આવ્યો.
હેલો ડો.સમૃદ્ધિ,તમારા માતાજી જે શાકમાર્કેટમાંથી શાક લઇને આવી રહ્યા છે.તેમની પાછળ આ ધસમસતી ટ્રક આવી રહી છે.હે ભગવાન,તેમને કચડી નાખશે તો?
અને તમારા વૃદ્ધ પિતા કે જેમની સુંધવાની શક્તિ જતી રહી છે.તેમને ખબર જ નથી કે રસોડામાં ગેસનો નોબ ખુલ્લો છે અને તે સિગરેટ સળગાવવા જઇ રહ્યા છે."
હું ખુબજ ડરી ગઇ.મે પુછ્યું કોણ છો તમે?તેમણે કહ્યું કે હું પી.સી બોલું છું અને અગર મે તેમના કહ્યા પ્રમાણે ના કર્યું તો તે મારા માતાપિતાને મારી નાખશે.ના છુટકે મારે તેમની વાત માનવી પડી.
મે અભિષેકભાઇના રિસર્ચમા પ્રોબ્લેમ ઊભા કર્યા.જેથી અભિષેકભાઇનું રિસર્ચ ફેઇલ જાય અને તે ફોર્મ્યુલા હું પી.સીને આપું.તમને ખબર છે હું તે ફોર્મ્યુલા આપવા જતી હતીને તો તે પી.સીએ મને રૂપિયા લેતી ઝડપાવી દીધી અને હું દુનિયા સમક્ષ ખોટી સાબિત થઇ.અસલી ફોર્મ્યુલા અભિષેકભાઇ પાસે સુરક્ષિત હતો.
મારી વાત પર વિશ્વાસ ના હોય તો પારિતોષને પુછો."સમૃદ્ધિએ કહ્યું.
"હા સર,તેમણે મારી સાથે પણ આવું જ કર્યું.અભિષેક સરના અહીંથી ગયા પછી તેમણે મને આ જ રીતે ધમકાવ્યો.તેમણે પોતાના મોઢે કબુલ કર્યું કે તેમણે સમૃદ્ધિને પણ આજ રીતે ફસાવી હતી.તેમણે તે રીસર્ચના ડોક્યુમેન્ટ્સ પોતાના કબ્જે લીધાં.
જેવા અભિષેક સર અહીં મુંબઇ આવ્યાં.તેમણે તેમને ડરાવ્યા તે પેપર્સ બતાવ્યા.
તેમણે તેમને કહ્યું કે તે સીધી રીતે દવાનો સિક્રેટ ફોર્મ્યુલા આપી દે નહીંતર ચોરી અને ધોખાધડીના આરોપમાં તેમને જેલ મોકલશે.અભિષેક સર મેડિકલ કાઉન્સિલમાં આ બાબતે ફરિયાદ કરવા જતા હતા.ત્યાંથી તેમણે તેમને કિડનેપ કર્યા.ડો.અભિષેકની જગ્યાએ તેમના જેવા દેખાતા વ્યક્તિને ગોઠવ્યો.
તે માણસનો કોઇકે અકસ્માત કરાવી દીધો.તે અકસ્માત પી.સીએ નથી કરાવ્યો.તે કોઇ બીજું જ હતું.જે અભિષેકસરનું દુશ્મન હતું."પારિતોષે કહ્યું.
"તો તેમણે અભિષેકને જીવતો કેદ કર્યો છે.એ પણ એટલા માટે કે તે દવાનો ફોર્મ્યુલા મેળવી શકે એટલે.આ પી.સીને તો હું નહીં છોડું."રુદ્ર ગુસ્સામાં બોલ્યો.
"સર,તમે અહીંથી જતાં રહો.આ લોકો બહુ ખતરનાક છે.અમને પણ ગમે ત્યારે મારી શકે એમ છે."ડો.પારિતોષે કહ્યું.
"ના હું એક પોલીસ ઓફિસર તરીકે તમને અહીં આમ હેરાન થતાં છોડીને ના જઇ શકું."આશુએ કહ્યું.
"અમે આવીએ." આટલું કહીને તે ત્રણેય બહાર કડિયાકામ કરતા અન્ય લોકો પાસે ગયા.તે લોકો બાથરૂમમાં ટાઇલ્સ તોડી રહ્યા હતા.
તે જોઇને રુદ્ર અને રુહીને આઇડીયા આવ્યો.જે તેમણે આશુને કહ્યો.
"વાહ ખુબજ સરસ.ચલો."
ઉપર બાથરૂમમાં લિકેજ હતું.જેના માટે અંદરની પાઇપ બદલવાની હતી.તેના માટે પુરા બાથરૂમની ટાઇલ્સ તોડવામાં આવી હતી.તે બધી ટાઇલ્સ તેમણે એક કંતાનના કોથળામાં ભરી સાથે સમૃદ્ધિ અને પારિતોષને પણ તે કોથળામાં છુપાવ્યાં.તે લોકો ત્યાંથી નિકળતા હતા.
ડરતા ડરતા તે લોકો બહાર નિકળ્યાં.ડો.સમૃદ્ધિ અને પારિતોષને જેમા છુપાવ્યાં હતા તે કોથળો થોડોમોટો અને વજનદાર હતો.એક રુદ્રએ અને બીજો આશુએ લીધો હતો.રુહીએ કડિયાકામમા વપરાતા સાધનો જ્યારે અને બે માણસોએ ટાઇલ્સવાળા કોથળા લીધાં.
તે લોકો આટલું લઇને નીચે આવ્યાં.તેમના હ્રદય જોરજોરથી ધબકતા હતા.રુદ્ર અને આશુ બહાદુર હતા પણ સામે માણસો વધારે હતા અને તેમની પાસે આધુનિક શસ્ત્રો હતા.તે લોકો નીચે આવ્યાં ત્યાં તે ગુંડાઓનો બોસ તેમને અટકાવતા બોલ્યો,"એય આમા શું લઇ જાઓ છો?આટલું બધું શું લઇ જાઓ છો?આ બધાં કોથળા નીચે મુકો અમારા માણસો ચેક કરશે અને પછી જ તમે અહીંથી બહાર જઇ શકશો.
તે કડિયાકામ કરવા આવેલા માણસો પણ ડરેલા હતાં.બધાંએ ડરતા ડરતા તે કોથળા નીચે મુક્યાં.તે કડિયાકામ કરવા અાવેલા એક માણસે પોતાની પાસેનો કોથળો ખોલીને બતાવતા કહ્યું,"સાહેબ,આ તો તુટેલી ટાઇલ્સ છે."
"તમારા લોકોનો ભરોસોના થાય.ટાઇલ્સની અંદર માલ છુપાવીને લઇ જતા હોવ.આ અમારા માલિકનું ફાર્મહાઉસ છે.તેમા મોંઘી મોંઘી વિદેશી વસ્તુઓ છે.શું ખબર તમારી નિયત બગડી ગઇ હોય."તે ગુંડાના બોસે કહ્યું.
તે ગુંડાના માણસે એક પછી એક એમ બે કોથળા ચેક કર્યા.ત્યારબાદ તેણે રુહી પાસેનો સામાન ચેક કર્યો પછી તે રુદ્ર અને આશુ પાસે આવ્યો.
તે કોથળા તરફ તે આગળ વધ્યો.તેની ઉપરની દોરી ખોલવા ગયો.
*****
અહીં અભિષેક ખુબજ નબળાઇ અનુભવી રહ્યો હતો.તે માણસે તેને ઇંજેક્શન ના આપ્યું પણ તેને હજી બાંધેલો રાખ્યો હતો.ભુખ અને તરસના કારણે તે બેહાલ હતો.
"પાણી આપને."અભિષેકે ધીમેથી કહ્યું.
તે માણસ તેને માત્ર ધુરી રહ્યો હતો.
"આપી દે.તને ખબર છે કે આ કોણ છે.મોટા સાઇકાઇટ્રીક ડોક્ટર છે."એક પીસ્તાલીસથી પચાસ વર્ષની વચ્ચેનો પુરુષ તે નાનકડી કોટેજમાં દાખલ થતાં બોલ્યો.
"પી.સી."અભિષેક દાંત ભીસીને બોલ્યો.
"હા પી.સી.મે કીધું હતું અભિષેક કે મારી સાથે ના ઉલઝ નહીંતર સારું નહીં થાય.હજી કહું છું કે તે ફોર્મ્યુલા મને આપી દે.તને છોડી દઇશ."પી.સી બોલ્યા.
"મારો રુદ્ર તને નહીં છોડે.તું તો ગયો."અભિષેકે કહ્યું.
"હા હા હા,તને શું લાગે છે કે તારો રુદ્ર તને શોધતો હશે?કઇંક બતાવું તને."આટલું કહીને છેલ્લા અમુક દિવસની ન્યુઝ ક્લિપ બતાવી
અભિષેક આઘાત પામ્યો.પોતાના સ્યુસાઇડ કરી લીધા હોવાના,પોતાના ફોર્મ્યુલા ચોરી કર્યાના,સમૃદ્ધિ અને પારિતોષે આપેલા દગાના કારણે તે દુખી થઇ ગયો.
"હજી એક બીજા તાજા ન્યુઝ મે બનાવ્યાં છે સાંભળવા છે લાઇવ?"આટલું કહી પી.સીએ તેને એક ક્લિપ બતાવી.
"ફેમસ સાઇકાઇટ્રીક ડો.અભિષેકના આત્મહત્યાનું એકબીજુ કારણ બહાર આવ્યું છે.ડો.અભિષેકના વાઇફ રિતુ તેમને દગો આપીને તેમના જ આસિસ્ટન્ટ ડો.પારિતોષ સાથે પ્રણયના ફાગ ખેલતી હતી.
સાંભળવામાં આવ્યું છે કે રિતુ ડો.પારિતોષના બાળકની માઁ બનવાના છે.જ્યારથી ડો.અભિષેકના આત્મહત્યાના સમાચાર આવ્યાં છે.ત્યારથી તેઓ તેમના હરિદ્વારના નિવાસસ્થાનથી અદ્રશ્ય થઇ ગયા છે."
"જોયુ ડો.અભિષેક,કેવા ખેલ રચ્યા મે?તને તો તડપાવીશ પણ મારીશ નહીં.તારી પત્નીના ચારિત્ર પર એવા દાગ લગાડ્યાં છે કે તે આજીવન લોકોની ગાળો સાંભળશે.હજી કહું છું માની જા નહીંતર નેક્સ્ટ ટર્ન તારા રુદ્રનો છે."પી.સી બોલ્યો.
અભિષેકને ગુસ્સો તો ખુબજ આવ્યો પણ તેણે સ્વસ્થતા રાખતા કહ્યું,"રુદ્ર,તારા શું હાલ કરશે તે વિચારીને મને તારી દયા આવે છે અને હસવું પણ.મારી રિતુ જ્યાં હશે ત્યાં ઠીક હશે.મને વિશ્વાસ છે."
શું રુદ્ર ,રુહી અને અાશુ પકડાઇ જશે?
આદિત્ય આ બધાં વિશે જાણીને શું કરશે?
જાણવા વાંચતા રહો.