આગે ભી જાને ના તુ - 36 in Gujarati Novel Episodes by Sheetal books and stories Free | આગે ભી જાને ના તુ - 36

આગે ભી જાને ના તુ - 36

પ્રકરણ - ૩૬/છત્રીસ

ગતાંકમાં વાંચ્યું......

રતન અને રાજીવ આઝમગઢ જવાની તૈયારી કરે છે. માયા દવાખાને જવાને બદલે ખીમજી પટેલની ડેલીએ પહોંચી જાય છે જ્યાં એની સાથે અન્ય વ્યક્તિ પણ ડેલીમાં જાય છે. ડેલીમાં હજી એક વ્યક્તિ હાજર હોય છે. આઝમગઢનું નામ સાંભળીને કનકબા અને માયા ચોંકી ઉઠે છે. રતન અને રાજીવ આઝમગઢ જવા રવાના થાય છે અને રસ્તામાં રતન રાજીવને વેજપર લઈ આવે છે.....

હવે આગળ.....

ગામની પાદરે 'વેજપર' નું બોર્ડ જોઈ રાજીવે આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે બ્રેક મારી અને સ્પીડમાં દોડી રહેલી કાર એક ચિચિયારી સાથે ઉભી રહી એટલે રતને રાજીવને પોતાની સાથે ચાલ્યા આવવાનો ઈશારો કર્યો અને રાજીવ કાર લોક કરી અનુસરણ કરતો રતનની પાછળ દોરવાયો. દસેક મિનિટનો રસ્તો કાપી બેઉ એક ડેલી આગળ ઉભા રહ્યા અને રતને એ ડેલીનો દરવાજો ખખડાવ્યો. બે જ મિનિટની અંદર દરવાજો ખુલ્યો એટલે રતને રાજીવનો હાથ પકડ્યો અને અંદર લઈ ગયો....

"આવો રતુભા, અંદર હાલ્યા આવો..." અંદરથી અવાજ આવતા રતન અને રાજીવ એ તરફ વધ્યા. રાજીવ રતન તરફ આશ્ર્ચર્યથી જોતો એની સાથે દોરવાતો ચાલ્યો.

રતનને એકદમ ખ્યાલ આવ્યો કે રાજીવને પોતે ક્યાં લઈ આવ્યો એ તો જણાવ્યું જ નથી.

"રાજીવ, આ બાપુના મામાની ડેલી છે. યાદ છે તને ખીમજીબાપાએ વાતવાતમાં વેજપર અને બાપુના નાનાજી વિક્રમસિંહની વાત કરી હતી. એ વિક્રમસિંહના દીકરા એટલે આ બેઠા એ અભેસિંહ અને આ એમનો દીકરો ધરમસિંહ. આપણને વેરાન રણમાં સફર કરવા માટે ઊંટની જરૂર પડશે એટલે મેં ધરમસિંહ સાથે વાત કરીને બધું નક્કી કરી લીધું છે. એમનો એક માણસ બે ઊંટ લઈને આગળ નીકળી ગયો છે. થોડીવારમાં આપણે પણ અહીંથી નીકળી જઈશું બસ જરા ફ્રેશ થઈ જઈએ અને ચા પી લઈએ." કહેતા રતન રાજીવ સાથે અભેસિંહની સામેના સોફા પર બેઠો. વ્યવહારિક વાતચીત પતાવી ચા પીને રતન રાજીવને લઈ ધરમસિંહ સાથે ઉપર મેડીએ ગયો. મેડીએ જઈને રાજીવે જોયું કે ખીમજી પટેલ આરામથી બેડ પર સુતા હતા. ખીમજી પટેલને વેજપરમાં અભેસિંહની ડેલીમાં મેડીએ જોઈને રાજીવનું મગજ એક ચકરાવો ખાઈ ગયું.

"હું તને રસ્તામાં બધી વાત કરીશ, હવે આપણે નીકળવું જોઈએ. આમપણ સમય આપણા હાથમાંથી સરકતો જાય છે. જેટલા વહેલા આપણે આઝમગઢ પહોંચીએ એ જ બધાના હિતમાં રહેશે." રતન અને રાજીવ મેડીએથી ઉતરી, ધરમસિંહ સાથે જરૂરી વાત કરી બહાર નીકળી ગયા અને કારમાં બેસી આઝમગઢ જવા નીકળી ગયા.

સ્ટિયરિંગ વ્હિલની સાથે સાથે રાજીવનું મન પણ વિચારોથી ગોળ ગોળ ફરી રહ્યું હતું. કારની ગતિ કરતા તેજ ગતિએ એના મનના વિચારો દોડી રહ્યા હતા. માર્ગમાં આવતા વળાંકોની જેમ એનું મન પણ વળાંકો ખાતું, પાછલા દિવસોમાં જે બની ગયું અને હવે શું થશે એમ વિચારતું ગાડીની ગતિ સાથે તાલમેલ કરતું ક્યારેક ઉછળતું, ધીમું થતું, વિચારોને બ્રેક લગાવતું અને ફરી સ્પીડમાં દોડતું હતું...

"રાજીવ.... માફ કરજે દોસ્ત, આ વાત મેં તારાથી છુપાવી પણ એના માટે કોઈ ઠોસ કારણ છે." રતને રાજીવનો ખભો દબાવ્યો, "છેલ્લા બે દિવસથી કોઈ આપણો પીછો કરી રહ્યું હતું અને આપણી પ્રત્યેક હિલચાલ પર નજર રાખી રહ્યું હતું. એમની નજરથી બચવા જ મેં તને વેજપર તરફ ગાડી વાળવા કીધું અને ખીમજીબાપાનો જીવ પણ જોખમમાં હોવાથી મને યોગ્ય લાગતાં આ કદમ મેં લીધું છે."

"રતન, માફી માંગીને તે બહુ મોટી ભૂલ કરી છે... અરે દોસ્ત મારા કરતાં પણ વધુ ભરોસો હું તારા પર કરું છું અને તેં જે પણ કાંઈ કર્યું હશે એ સમજી વિચારીને જ કર્યું હશે. નો સોરી અને નો થેન્ક યુ ઇન ફ્રેન્ડશીપ, આ આપણો રુલ તને યાદ છે ને?" રાજીવ રસ્તા પર નજર રાખી સેફ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો.

"પણ મને એક વાત કહે રતન, તને આ બધી કેવી રીતે ખબર પડી?" મનમાં રહેલો પ્રશ્ન રાજીવના હોઠે આવી ગયો.

"આપણે જ્યારે ખેતરે સુવાનું નક્કી કર્યું હતું ત્યારે હું પરબત પાસે ઘોડી લેવા ગયો હતો ત્યારે એના પહેલા હું ખીમજીબાપાને મળવા ગયો હતો કેમકે બપોરે એમનો ફોન આવ્યો હતો અને એ ગભરાયેલા હતા એટલે સૌ પહેલા મેં વેજપરમાં ધરમસિંહને ફોન લગાડી એને ટૂંકમાં બધું સમજાવી, ખીમજીબાપાને એમની ડેલીએ રાખવા તૈયાર કર્યો. પછી પરબતને વાત કરી ખીમજીબાપાને વહેલી તકે વેજપર સહીસલામત પહોંચાડવાની જવાબદારી સોંપી. પરબત પર મને પૂરો ભરોસો હતો અને એણે મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખી ખીમજીબાપાને એ જ સાંજે વેજપર જઈને ધરમસિંહના હાથમાં સોંપી આવ્યો. ખીમજીબાપા કેમ ગભરાયેલા હતા એ તો મને પણ નથી ખબર પણ એમનો જીવ જોખમમાં છે એમ કે'તા તા એટલે મેં આ પગલું ભર્યું અને તને આ વાત કરવાનો યોગ્ય સમય જ ન મળ્યો. આપણે જ્યારે ખેતરે સુવા ગયા ત્યારે રાતે રાનીની હણહણાટી સાંભળી જ્યારે હું ખેતરની બહાર નીકળ્યો ત્યારે મેં એક ઓળાને ઝાડીઓમાં થઈને ભાગતા જોયો. હું એની પાછળ ગયો પણ અંધારાનો લાભ લઇ એ ક્યાંક સંતાઈ ગયો હોવો જોઈએ એવું મારું અનુમાન છે. સવારે પણ જ્યારે આપણે ખીમજીબાપાની ડેલીએ ગયા એના પહેલાં જ મેં વીરુભાને કહીને એમને ચાંદીની એક પાયલ લઈ આવવા કહ્યું અને સાથે ખીમજીબાપાએ અમને આઝમગઢ બોલાવ્યા છે એવું લખી ચિઠ્ઠી પણ સાથે લાવવા કહ્યું કેમ કે મને ખાતરી હતી કે પેલો ઓળો જરૂર આપણી પાછળ આવશે જ અને એવું જ બન્યું. ત્યારે પણ એ ઓળો આપણા પર નજર રાખતો સંતાઈને ઉભો હતો અને છે...ક ઘર સુધી એણે આપણો પીછો કર્યો. સમય ઓછો અને મંઝીલ દૂર હોવાથી આપણે આઝમગઢ પણ પહોંચવાનું હતું એટલે મેં પરબતને એની પર નજર રાખવાનું કહ્યું. મને હતું જ કે એ ઓળો આપણી પાછળ પાછળ આઝમગઢ સુધી આવશે એટલે હું વેજપર થઈને ખીમજીબાપાને મળીને આગળ વધવાનું મુનાસીબ સમજ્યો અને તને ગાડી વેજપર લઈ આવવાનું કીધું અને આગળની વાત તો તું જાણે જ છે...." રતને લાંબીલચક કથા કહી સંભળાવી.

"પ.....ણ.....રતન હજી એક વાત છે જે હું નથી જાણતો. જ્યારે તું ખીમજીબાપાની નજીક ગયો ત્યારે તેં એમના તકિયા નીચે હાથ નાખી કંઇક લઈને તારા ખિસ્સામાં મૂક્યું."

"વા.....હ.... રાજીવ, માનવું પડશે તારી બાજનજરને. જે વાત ધરમસિંહને પણ ખબર ન પડી એ તેં પળભરમાં જાણી લીધી. જો.... આ ચાવી લીધી મેં એમના ઓશિકા નીચેથી." રતને ખિસ્સામાં હાથ નાખી એક સર્પાકાર ચાવી બહાર કાઢી.

"પણ, રતન તને કેવી રીતે ખબર કે ખીમજીબાપાના તકિયા નીચે ચાવી રાખેલી હશે?"

"એ પણ...મને ખીમજીબાપાએ જ કીધું હતું. અહીં આવતા પહેલાં મારી એમની સાથે ફોન પર વાત થઈ હતી ત્યારે...."

",ઓકે... હવે મંઝિલ બહુ દૂર નથી એમ જ ને... તો ચાલ આપણે પણ ગાડી દોડાવીએ આઝમગઢ તરફ.." રાજીવે ગાડીની સ્પીડ વધારી દીધી.

હવે અરવલ્લીની પર્વતશ્રુંખલા શરૂ થઈ ગઈ હતી. નાના-મોટા પર્વતોની હારમાળા વટાવતા રતન અને રાજીવ તેજ ગતિએ આગળ વધી રહ્યા હતા... પર્વતોની વચ્ચે એક ટનલ બનાવેલી હતી જેમાંથી બહાર નીકળતાં જ અફાટ રણપ્રદેશ શરૂ થઇ જતો. આ પરિસરમાં વાહનોની અવરજવર જવલ્લેજ જોવા મળતી. રાજીવે ગાડી જેવી ટનલની બહાર કાઢી એટલે રતને એને ગાડી ત્યાં જ ઉભી રાખવા કહ્યું. ટનલની ડાબી બાજુએ ધરમસિંહે મોકલેલો માણસ બે ઊંટ લઈ રાહ જોતો ઉભો હતો. રતન અને રાજીવે જરૂર પૂરતો સામાન અને તંબુ તાણવાનું કપડું લઈ માણસની મદદથી ઊંટ પર ગોઠવી બંને એક-એક ઊંટ પર સવાર થઈ અસીમ રેતાળ રણની સફરે ઉપડ્યા ત્યારે સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. સફરમાં આગળ વધતા પહેલાં રતને જોરવરસિંહ સાથે અને રાજીવે અનંતરાય સાથે વાત કરી પોતાની ફિકર ન કરવાનું જણાવ્યું.

એક તરફ સુરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો, તો બીજી બાજુ ચંદ્રમા આકાશમાં પોતાની જગ્યા બનાવી રહ્યો હતો. તારલાઓએ પણ પોતાના સ્થાને જમાવટ કરી લીધી. ઢળતી સંધ્યાની લાલિમા અને ઉગતા ચંદ્રની ચાંદની રણની રેતીને નવી જ આભા આપી રહ્યા હતા. એવું લાગતું હતું કે લાલ ભાતીગળ ચૂંદડીમાં રૂપેરી તારનું ભરતકામ કરી વચ્ચે વચ્ચે ટમટમતા બાદલા ટાંકેલા હતા.

રતન અને રાજીવ તંબુ નાખવાની તૈયારી કરી રહ્યા હતા. રેતીમાં મજબૂત ખીલા ઠોકી જાડા દોરડા વળે તંબુ બાંધી ને બાજુમાં આવેલા કાંટાળા થોર સાથે બંનેના ઊંટ પણ બાંધી દીધા. ઊંટને ચારો-પાણી આપી રતન અને રાજીવ સાથે લાવેલા રેડી ટુ ઈટ ના પેકેટ સાથે લાવેલા પોર્ટેબલ સોલાર પેનલથી ચાર્જ કરેલા નાનકડા ગેસ સ્ટવ પર સાથે લાવેલી તપેલીમાં પાણી ગરમ કરી એમાં પેકેટનો પદાર્થ મિક્સ કરી સૂપ અને મિક્સડ વેજીટેબલ રાઈસ ખાઈ પાણી પી ને વાતે વળગ્યા. દૂર દૂર સુધી ચમકતી રેતી અને નિરવ શાંતિ સિવાય કાંઈ નજરે નહોતું ચડતું.

" ઘર-પરિવારથી દૂર આપણે અહીં આવ્યા તો છીએ પણ આપણા મકસદમાં કામયાબ થશું કે નહીં એની પણ ખબર નથી અને અહીંતો મોબાઈલનું નેટવર્ક પણ નથી, નથી લોકેશનની ખબર, ઘરે બધા ચિંતિત હશે." રાજીવના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી.

"રાજીવ, દોસ્ત, ફિકર નોટ, આપણે મંઝીલે જરૂર પહોંચશું, જબ હોસલા હૈ બુલંદ તો મંઝીલ ભી દૂર નહીં" રતને પણ લંબાવતા કહ્યું. "હવે સુઈ જા, સવારે પાછું આગળ વધવાનું છે."

રતન અને રાજીવ બેય તંબુની ઝીપ બંધ કરી સુવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે એમના તંબુથી અડધો કિલોમીટર જેટલા અંતરે કાંટાળી ઝાડીની પાછળ બીજો તંબુ તાણેલો હતો જેમાં બે વ્યક્તિઓ હાજર હતી અને એ બંને પણ રતન અને રાજીવ કરતા પહેલા આઝમગઢ પહોંચવાની ચર્ચા કરી કરી હતી. એમાંથી એક હતો બંનેનો પીછો કરનારો ઓળો અને બીજી વ્યક્તિ હતી.......

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


Rate & Review

Ashok Prajapati

Ashok Prajapati 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago

Ms Patel

Ms Patel 7 months ago

Rachana Shah

Rachana Shah 7 months ago

Shamji Ghetia

Shamji Ghetia 7 months ago