Aage bhi jaane na tu - 37 in Gujarati Novel Episodes by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 37

આગે ભી જાને ના તુ - 37

પ્રકરણ - ૩૭/સાડત્રીસ

ગતાંકમાં વાંચ્યું....

રતન અને રાજીવ વેજપર જાય છે જ્યાં મામાની ડેલીએ ખીમજી પટેલને જોઈ રાજીવ ચોંકી જાય છે. ત્યાંથી નીકળી આઝમગઢ જતાં રસ્તામાં રતન રાજીવને હકીકતથી વાકેફ કરે છે. બંને જણ વેરાન રણપ્રદેશમાં પહોંચી જાય છે જ્યાં એમનો પીછો કરતા કરતા બે વ્યક્તિઓ પણ ત્યાં પહોંચી જાય ને ડેરા તાણી દે છે....

હવે આગળ.....

"રાજીવ, દોસ્ત, ફિકર નોટ, આપણે મંઝીલે જરૂર પહોંચશું, જબ હોસલા હૈ બુલંદ તો મંઝીલ ભી દૂર નહીં" રતને પણ લંબાવતા કહ્યું. "હવે સુઈ જા, સવારે પાછું આગળ વધવાનું છે."

રતન અને રાજીવ બેય તંબુની ઝીપ બંધ કરી સુવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે એમના તંબુથી અડધો કિલોમીટર જેટલા અંતરે કાંટાળી ઝાડીની પાછળ બીજો તંબુ તાણેલો હતો જેમાં બે વ્યક્તિઓ હાજર હતી અને એ બંને પણ રતન અને રાજીવ કરતા પહેલા આઝમગઢ પહોંચવાની ચર્ચા કરી કરી હતી. એમાંથી એક હતો બંનેનો પીછો કરનારો ઓળો અને બીજી વ્યક્તિ હતી.......

*** *** ***

આ તરફ વડોદરામાં પારેખવિલામાં રાજીવ અને અનન્યાની સગાઈ પ્રસંગે મહેમાનોની અવર-જવર ચાલુ થઈ ગઈ તો માલતીમાસીના બંગલે પણ અનન્યા એના પરિવાર સાથે આવી ગઈ હતી. અન્ય મહેમાનો માટે શહેરની મોટી હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. બંને પરિવારમાં ખુશીઓની મોસમ પૂરબહારમાં ખીલી હતી.

માલતીમાસીના બંગલાને બહારથી લાઇટિંગ વડે અને અંદર આર્ટિફિશિયલ ફૂલો અને વેલો વડે શણગારવામાં આવ્યો હતો. લૉનમાં નાનકડો મંડપ બાંધવામાં આવ્યો હતો અને એમાં ગાદલા બિછાવવામાં આવ્યા હતા. લૉન ફરતે પણ રોશની કરવામાં આવી હતી.

સગાઈ આડે માત્ર ચાર જ દિવસ રહ્યા હતા. સૌથી વધુ ખુશ તો મહિલાવર્ગ હતો. કોઈ બ્યુટીશિયન પાસે મેકઓવર કરાવવામાં બીઝી હતું તો કોઈ સગાઈમાં પહેરવાના ડિઝાઈનર ડ્રેસ પહેરી ટ્રાયલ લઈ રહ્યા હતા તો ક્યાંક નાની-મોટી હથેળીઓમાં મહેંદીની અવનવી ભાત રચાઈ રહી હતી અને યુવાવર્ગ નવા-જુના ગીતો પર થનગની રિહર્સલ કરી રહ્યા હતા.

આછા કેસરી રંગ પર ઓલિવ ગ્રીન કલરની એમ્બ્રોઇડરીવાળી લોન્ગ કુરતી અને એ જ કલરની એન્કલ લેન્થની લેગીંગ પહેરેલી અનન્યાની નાજુક-કોમળ હથેળીઓમાં ઇન્ડો-અરેબિક ફ્યુઝન મહેંદી મુકાઈ રહી હતી. એણે કેસરી રંગના આર્ટિફિશિયલ ફૂલોના ઘરેણાં પહેર્યા હતા.

અનન્યાના પિતરાઇ ભાઈ-બહેન પણ એની સાથે મજાકમસ્તી કરી એને ચિડવી રહ્યા હતા તો મોટેરા ફટાણા અને ગીતો ગાઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.

"અનન્યા જોજે બરાબર, ક્યાંક રાજીવના 'R' ને બદલે બીજો કોઈ અક્ષર ન લખાઈ જાય. મહેંદીનો રંગ કેટલો નિખરે છે અને કેવો રંગ પકડે છે એ પછી જ રાજીવ તને કેટલો પ્રેમ કરે છે એ ખબર પડશે." માલતીમાસી પણ માહોલ જોઈ મજાકના મૂડમાં આવી ગયા અને અનન્યાના ગાલ લજ્જાથી લાલ થઈ ગયા.

હળવું સંગીત વાગી રહ્યું હતું અને એના તાલે પારંપારિક વસ્ત્રોમાં સૌ જુવાનિયાઓ ઝૂમી રહ્યા હતા.

' મહેંદી હૈ રચનેવાલી, હાથોમેં ગહેરી લાલી,
કહે સખીયાં, અબ કલીયાં,
હાથોમેં ખીલનેવાલી હૈં,
તેરે મનકો, જીવનકો,
નયી ખુશીયાં મિલનેવાલી હૈં.....'

ગીત સાંભળતા સાંભળતા, કામિનીબેન અનન્યાની બાજુમાં બેસી સાડીના પાલવથી પોતાની છલકાયેલી આંખો લૂછી રહ્યા હતા અને મનહરભાઈ કુરતાની બાંયથી પોતાની આંખોના ભીના ખૂણા સાફ કરી રહ્યા હતા.

માલતીમાસી આવીને કામિનીબેનને ખેંચીને લઈ ગયા અને ગરબા શરૂ કર્યા, એમની સાથે આખો પરિવાર ગરબામાં જોડાઈ ગયો.

' મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે....'

"અરે....કાકી, મેંદી તે વાવી પોરબંદર ને એનો રંગ ગયો વડોદરા રે....... એમ...." ગરબા રમતા રમતા કોઈ બોલ્યું અને એક યુવતી જઈને અનન્યાનો હાથ પકડી ખેંચી લાવી વચ્ચે ઉભી રાખી એની ફરતે સૌ ગરબા રમવા લાગ્યા. ઢોલ ઢબુકતા ગયા, સુર છેડાતા ગયા અને ગરબાના તાલ સાથે પગની એડીઓ અને તાળીઓની રમઝટ બોલાવતા, ઢબુકતા ઢોલ અને શરણાઈના સુરે ઘડિયાળના કાંટા ક્યારે એકમેક સાથે જોડાઈ ગયા એનો કોઈને ખ્યાલ જ ન રહ્યો. બધા થાકીને લોથપોથ થઈ પરસેવે રેબઝેબ નીતરી રહ્યા હતા.

"ચાલો... ચાલો... હવે. કાંઈ ખાવું છે કે નહીં કોઈને? ગરબાના રંગે એવા રંગાઈ ગયા કે ખાવાનું ય ભૂલી ગયા... અરે.... અનન્યાનો તો વિચાર કરો, એને ભૂખ લાગી હશે. અત્યારે એની ખાણી-પીણી અને ઊંઘ જરૂરી છે નહિતર આ ફૂલ જેવો ચહેરો કરમાઈ જશે અને રાજીવ અમારા બધાનો ઉધડો લઈ લેશે" માલતીમાસીએ બંગલાની લૉનમાં ગોઠવેલા બુફે ડિનરના ટેબલ તરફ ઈશારો કર્યો એટલે બધા લોકો પ્લેટ લઈ પોતાને જોઈતી, મનગમતી વાનગીનો આસ્વાદ માણતા, વાતો કરતા ડિનર અને ડેઝર્ટની લિજ્જત માણવા લાગ્યા.

પારેખવિલામાં પણ સગાઈની તૈયારીઓ પુરજોશમાં ચાલુ હતી. આખાય બંગલાને બહારથી *એલઇડી* લાઈટના તોરણથી શણગારવામાં આવ્યો હતો. બંગલાની અંદર ગોલ્ડન-સિલ્વર નેટ અને આર્ટિફિશિયલ ફૂલો વડે સજાવવામાં આવ્યો હતો. ઉપર હોલમાં રાજીવ અને અનન્યાના કટઆઉટ ગોઠવવામાં આવ્યા હતા. બંગલાની લૉનમાં પણ ઝાડ ફરતે અને ગેટ પર લાઇટિંગ લગાડવામાં આવી હતી. થર્મોકોલના હાર્ટ શેપ ના કટિંગ પર લાલ અને બ્લ્યુ જરી વડે રાજીવ અને અનન્યાના નામો લખાયા હતા. હોલમાં એક હીંચકો મુકવામાં આવ્યો હતો બસ એનો શણગાર બાકી હતો.

"આ હીંચકો અત્યારે નહિ શણગારતા, એને બે દિવસ પછી થીમ ડેકોરેટર આવીને શણગારી જશે." રોશની ત્યાં કામ કરી રહેલા યુવકોને કહી રહી હતી.

મરૂન રંગના ગોલ્ડન લેસવાળા બાંધણીના ચણીયાચોળીમાં રોશની સુંદર લાગી રહી હતી એના પર કુંદન-જડતરનો લાઈટ વેઇટ સેટ એને વધુ સુંદર બનાવી રહ્યો હતો. આખા ઘરમાં અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા એ દોડાદોડી કરી દરેક કામ બરાબર થાય છે કે નહિ એ ચકાસી રહી હતી. જમનામાસી પણ સવારના પાછા આવી ગયા હતા અને રસોડું પોતાને હસ્તક કરી એમની નિગરાનીમાં જ સગાઈ માટે બોલાવવામાં આવેલા પરંપરાગત રાજસ્થાની મહારાજને પારેખ પરિવારની પસંદ-નાપસંદનો ચિતાર આપી એ મુજબ રસોઈ બનાવવાની સૂચનાઓ આપી રહ્યા હતા.

પારંપરિક વસ્ત્રોમાં સજ્જ અનંતરાય અને સુજાતા આમંત્રિત મહેમાનો સાથે વાતે વળગ્યા હતા પણ દરેક વ્યક્તિ ' રાજીવ ક્યાં છે, ક્યારે આવશે, સગાઈ સુધી આવી જશે કે નહીં....વગેરે....' ચહેરા પર પ્રસન્નતા દાખવી દરેકના સવાલોના જવાબો કંટાળ્યા વગર સ્મિત સાથે આપી રહ્યા હતા તો મનીષકુમાર પણ આવેલા યુવકોના ગ્રૂપમાં ભળી જઈ કામમાં મદદ કરી રહ્યા હતા.

"ભાઈને પરણાવવા કેટલી ઉત્સુક છે આ છોકરી, થાક્યા વગર સતત દોડધામ કરી રહી છે... " સુજાતા અને અનંતરાય મહેમાનોથી ઘેરાયેલા હતા.

અહીં પણ માલતીમાસીના ઘર જેવો જ માહોલ જામ્યો હતો. વડીલો જૂની યાદોને વાગોળતા લૉનમાં ગોઠવેલા સોફા પર અડિંગો જમાવી બેઠા હતા અને યુવાનો ડીજેના તાલે જુના ગીતોને રિમિક્સ કરી અપાયેલા નવા અવતારના તાલે ઝૂમી રહ્યા હતા. સ્ત્રીઓની ચર્ચાનો મુખ્ય વિષય સાડીઓ અને ઘરેણાંનો હતો અને બાળકો લૉનમાં દોડાદોડી કરી રહ્યા હતા. ઘરના નોકરો ફ્રેશ ફ્રુટ જ્યુસ અને કોલ્ડડ્રિન્ક તેમજ બાઇટ્સ અને સ્ટાર્ટરની ટ્રે ફેરવી રહ્યા હતા. રોશનીના લગ્ન પછી પારેખવિલામાં પ્રવેશવા આજે ફરીથી ખુશીઓ થનગની રહી હતી જે અનંતરાયની માંદગી પછી ઉંબરેથી જ પાછી વળી ગઈ હતી.

હોસ્પિટલેથી આવ્યા બાદ અનંતરાયના ચહેરા પર ક્યારેક અકળ ઉદાસી છવાઈ જતી, સુજાતા એ ઉદાસીનો તાગ મેળવવા પ્રયત્ન કરતી પણ અનંતરાયની નિસ્તેજ અને ખામોશ આંખો જોઈ એ કંઈ પણ પૂછ્યા વગર પાછી જતી રહેતી. અનંતરાય ઘણી વખત અંદરોઅંદર ગૂંગળાઈ જતા પણ મનમાં ચાલી રહેલા વિચારોના ઘોડાની લગામ ખેંચી ફિક્કા હાસ્ય વડે દિલમાં દબાયેલા દર્દને છુપાવી કામમાં પોતાની જાતને વ્યસ્ત રાખી જીવન જીવ્યે જતા હતા. ઓફિસેથી આવ્યા બાદ વધુ સમય તો એ પોતાના સ્ટડીરૂમમાં અથવા બેડરૂમની બાલ્કનીમાં જ ગાળતા. સુજાતા પણ વધુ કાંઈ ન પૂછતાં પોતાની ફરજ સુપેરે બજાવી રહી હતી.

પારેખવિલામાં આવેલા મહેમાનોમાં એક અજાણી વ્યક્તિ પણ આવી હતી. એ ક્યારેક વડીલો સાથે બેસતી તો ક્યારેક સ્ત્રીઓ વચ્ચે ચાલી રહેલી ચર્ચા સાંભળતી અને ક્યારેક તરુણોના ટોળામાં જઈ એક-બે ઠુમકા પણ લગાવી આવતી. અત્યારે એ વ્યક્તિ લૉનના એક આછા અજવાળાવાળા ખૂણામાં ખુરશી પર બેસી બાઇટ્સ અને કોલ્ડડ્રિન્કનો આનંદ લેતી પોતાના મોબાઈલને ટેબલ પર ગોઠવી વિવિધ એંગલથી લૉનમાં ચાલનારા કાર્યક્રમના ફોટા પાડી રહી હતી.

ફોટા પાડતા પાડતા જ વચ્ચે એણે કોઈને ફોન લગાડ્યો અને થોડીવારમાં જ એની સામેની ખુરશીમાં એ વ્યક્તિ આવીને બેસી ગઈ.

"રતન અને રાજીવ ગમે ત્યારે આઝમગઢ જવા નીકળી જશે, આપણે એમનાથી પહેલા ત્યાં પહોંચી જવું જોઈએ. તમે ગમે એ રીતે, કોઈપણ બહાને અહીંથી નીકળો, હું બહાર કારમાં તમારી રાહ જોઉં છું, તમે નીકળો ત્યારે એક મિસકોલ કરજો એટલે હું કાર સ્ટાર્ટ રાખું. આ મોકો આપણા હાથમાંથી જવો ન જોઈએ નહિતર કમરપટ્ટો આપણા હાથમાં ક્યારેય નહીં આવે અને આપણી આખી યોજના ધૂળમાં મળી જશે." ફોટા પાડતા પાડતા જ બંને વચ્ચે વાતચીતનો દોર ચાલુ હતો.

"ઓકે, મને દસ-પંદર મિનિટનો સમય જોઈએ છે, હું કોઈપણ તુક્કો ચલાવી, હવામાં તીર છોડી, ઘરવાળાને કહી નીકળું છું. મારી બેગ તો તૈયાર જ રાખી છે કેમકે મારા મનમાં ચાલી રહેલી શતરંજની આગળની ચાલ પ્રમાણે આપણે ગમે ત્યારે આઝમગઢ જવા નીકળવું પડશે એવી ખાતરી હતી. હું નીકળું એટલે મિસકોલ કરું છું. કાર સ્ટાર્ટ કરેલી હશે તો પણ અહીંના ઘોંઘાટમાં કોઈનેય કંઈ ખબર નહિ પડે. આવું છું હમણાં જ," અંગુઠો બતાવી એ વ્યક્તિ બંગલાની અંદર જતી રહી.

પંદર-વીસ મિનિટ પછી એક કાર પારેખવિલાના ગેટ પાસે આવીને ઉભી રહી અને બંગલામાં ગયેલી વ્યક્તિ બહાર આવીને પોતાની બેગ પાછલી સીટ પર મૂકી પોતે આગળની સીટ પર ગોઠવાઈ એટલે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિએ મોબાઈલમાં જીપીએસ ઓન કરી, આઝમગઢનું લોકેશન ગોઠવી કાર દોડાવી મૂકી..

આજે જ્યારે ખુશીઓ બારણે ટકોરા મારી રહી હતી ત્યારે એનું સ્વાગત કરવા દુઃખ અટ્ટહાસ્ય કરતું સામે જ ઉભું હતું પણ ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે...દુઃખોને ધકેલી ખુશીઓની છોળો ઉંબરો ઓળંગશે કે આવનારા સુખોને હડસેલી દુઃખ પોતાનો અડ્ડો જમાવી ઉંબરે જ ઉભું રહેશે એ તો આવનારો સમય જ કહી શકશે....

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.